હિંદુ તહેવારો પર કટ્ટરવાદીઓનો હિંસક વર્તાવ સામાન્ય બની ગયો છે. ફરી એકવાર દુર્ગા પૂજા દરમિયાન હુમલાની ઘટના સામે આવી છે. ઓડિશાના કટકમાં શનિવારે (4 ઑક્ટોબર 2025) વહેલી સવારે ઇસ્લામી કટ્ટરવાદીઓની ભીડે બે દુર્ગા પ્રતિમા વિસર્જન યાત્રા પર પથ્થરમારો કર્યો. આ ઘટનાઓ હાટીપોખરી અને દરગાહબજાર વિસ્તારોમાં બની હતી.
અહેવાલ મુજબ દુર્ગા પૂજાની આ યાત્રા દેવીગઢા જઈ રહી હતી, જ્યાં કાઠજોરી નદીના કિનારે પ્રતિમાઓનું વિસર્જન થવાનું હતું. આ હુમલામાં 6 પોલીસકર્મીઓ ઘાયલ થયા, જેમાં DCP ઋષિકેશ ખિલારીનો પણ સમાવેશ થાય છે.
પથ્થરમારાની ઘટના રાત્રે લગભગ 1:30 વાગ્યે બની, જ્યારે ઝાંઝીરીમંગલા પૂજા કમિટીની યાત્રા હાટીપોખરી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. યાત્રામાં ડીજે અને સંગીત વાગી રહ્યું હતું. ત્યારે આ વિસ્તારના કેટલાક મુસ્લિમ લોકોએ સંગીત વગાડવા પર વાંધો ઉઠાવ્યો અને અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો. તેમણે કાચની બોટલો પણ ફેંકી હતી.
આ દરમિયાન DCPની આંખમાં ઈજા થઈ હતી. આસપાસની ઘણી દુકાનો અને રસ્તા પર ઊભેલા વાહનોને પણ નુકસાન થયું. પરિસ્થિતિ બેકાબૂ થતાં યાત્રાને વચ્ચે રોકવી પડી હતી. યાત્રામાં સામેલ લોકો પથ્થરમારાના વિરોધમાં રસ્તા પર જ ધરણા પર બેસી ગયા. જેના કારણે લગભગ 50 દુર્ગા પ્રતિમાઓવાળા ઘણા વાહનોને કલાકો સુધી ત્યાં રોકાવું પડ્યું. અંતે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાનું પોલીસ બળ બોલાવવું પડ્યું.
અહેવાલ અનુસાર આવો જ બીજો હુમલો દરગાહબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીજા દુર્ગા વિસર્જનયાત્રા પર પણ થયો. જ્યારે હાટીપોખરીની યાત્રા રોકાયેલી હતી, ત્યારે રાઉસાપટના દુર્ગાકાલી પૂજા સમિતિની યાત્રા આગળ નીકળીને દરગાહબજાર પોલીસ સ્ટેશન પાસે પહોંચી અને ત્યાં પણ સ્થાનિક લોકોએ તેના પર હુમલો કર્યો હતો.
દર વર્ષની જેમ આ વખતે પણ નવરાત્રિના ગરબા કાર્યક્રમો અને દુર્ગા પૂજાની વિસર્જન યાત્રાઓને ઇસ્લામિક કટ્ટરવાદીઓએ નિશાન બનાવ્યા છે. ઘણા ગરબા પંડાલોમાં મુસ્લિમ યુવકોને પોતાની ઓળખ છુપાવીને પ્રવેશતા પકડવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં દુર્ગા યાત્રા અને પંડાલો પર પથ્થરમારો, તોડફોડ અને મૂર્તિઓનું અપમાન જેવી ઘટનાઓ પણ સામે આવી છે.

