1 જુલાઈથી લાગુ થશે પાસપોર્ટના નવા ચાર્જ: 14 વર્ષ બાદ ફીમાં ફેરફાર, જાણો નવા દર અને શું બદલાશે

કેન્દ્ર સરકારે આગામી 1 જુલાઈ, 2026થી પાસપોર્ટ અને તેને લગતી તમામ સેવાઓના ચાર્જમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયે (MEA) જાહેર કરેલ નવા પાસપોર્ટ નિયમો, 2026 મુજબ હવે નવો પાસપોર્ટ કઢાવવો કે જૂનો પાસપોર્ટ રિ-ઇશ્યૂ કરાવવો મોંઘો બનશે. નોંધનીય છે કે આ પહેલાં છેલ્લે વર્ષ 2012માં પાસપોર્ટ ફી વધારવામાં આવી હતી. એટલે કે પૂરા 14 વર્ષના લાંબા સમયગાળા પછી સરકાર આ ફીમાં ફેરફાર કરી રહી છે.

18 વર્ષથી મોટા લોકો માટે સામાન્ય અને તત્કાલ પાસપોર્ટના નવા દર

નવા સુધારા અનુસાર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના અરજદારો માટે સામાન્ય કેટેગરીમાં 36 પાનાંનો નવો અથવા રિ-ઇશ્યૂ પાસપોર્ટ હવે ₹2,500માં મળશે, જ્યારે અત્યાર સુધી તેની ફી ₹1,500 હતી. તત્કાલ સેવા હેઠળ આ જ પાસપોર્ટ માટે હવે ₹5,000 ચૂકવવા પડશે, જે અગાઉ ₹3,500 હતી. બીજી તરફ, 60 પાનાંનો પાસપોર્ટ સામાન્ય કેટેગરીમાં હવે ₹3,500માં મળશે, જ્યારે તત્કાલ સેવા હેઠળ તેની ફી ₹6,000 નક્કી કરવામાં આવી છે. વધુ વિદેશ પ્રવાસ કરતા લોકો સામાન્ય રીતે 60 પાનાંનો પાસપોર્ટ પસંદ કરતા હોય છે.

ખોવાયેલા પાસપોર્ટની ફી

સરકારે ખોવાયેલા અથવા નુકસાન પામેલા પાસપોર્ટના રિ-ઇશ્યૂ માટે પણ ફીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. 36 પાનાંના પાસપોર્ટની સામાન્ય પ્રક્રિયા હેઠળ નવી ફી ₹5,000 રહેશે અને તત્કાલ સેવા હેઠળ ₹7,500 ચૂકવવા પડશે. જ્યારે 60 પાનાંના પાસપોર્ટ માટે સામાન્ય કેટેગરીમાં ₹6,000 અને તત્કાલ સેવા હેઠળ ₹8,500 ફી નક્કી કરવામાં આવી છે. એટલે કે પાસપોર્ટ ગુમાવનાર અથવા નુકસાન પામનાર લોકોને હવે અગાઉ કરતાં વધુ ખર્ચ કરવો પડશે.

સગીરોની પાસપોર્ટ ફીમાં થયેલ વધારો

18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ પાસપોર્ટ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. સગીર અરજદારો માટે 36 પાનાંનો નવો અથવા રિ-ઇશ્યૂ પાસપોર્ટ સામાન્ય પ્રક્રિયામાં ₹1,750 અને તત્કાલ સેવા હેઠળ ₹4,250માં મળશે. જો બાળકનો પાસપોર્ટ ખોવાઈ જાય અથવા નુકસાન પામે તો સામાન્ય કેટેગરીમાં ₹4,250 અને તત્કાલ સેવા હેઠળ ₹6,750 ફી ચૂકવવી પડશે. એટલે કે તમામ ઉંમરના અરજદારો માટે નવા દર લાગુ કરવામાં આવ્યા છે.

અન્ય દરોમાં થયેલ વધારો

પાસપોર્ટ સિવાય અન્ય સેવાઓની ફીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC), સરેન્ડર સર્ટિફિકેટ, ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ વેરિફિકેશન અને અન્ય પાસપોર્ટ સંબંધિત પ્રમાણપત્રો માટે ભારતમાં હવે ₹750 ફી લેવામાં આવશે. ભારતમાં સર્ટિફિકેટ ઓફ આઇડેન્ટિટી માટે ₹1,000 ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે વિદેશમાં ઇમર્જન્સી સર્ટિફિકેટ માટે $15 અને સર્ટિફિકેટ ઓફ આઇડેન્ટિટી માટે $50 ચૂકવવા પડશે.

પાસપોર્ટની નવી ફી જાહેર કરવાના એક દિવસ પહેલાં વિદેશ મંત્રાલયે મહત્વપૂર્ણ સ્પષ્ટતા પણ કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે પાસપોર્ટ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટેનું દસ્તાવેજ છે અને તેને ભારતીય નાગરિકત્વનો અંતિમ પુરાવો માનવો જોઈએ નહીં. મંત્રાલયના જણાવ્યા અનુસાર પાસપોર્ટ જારી કરતાં પહેલાં અરજદારની સંપૂર્ણ તપાસ અને ચકાસણી કરવામાં આવે છે, પરંતુ તેનો મુખ્ય હેતુ વિદેશ પ્રવાસની સુવિધા આપવાનો અને વિદેશમાં ધારકની રાષ્ટ્રીયતા દર્શાવવાનો છે, નાગરિકત્વનું સ્વતંત્ર પ્રમાણપત્ર આપવાનો નથી.

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સુધારેલી ફી 1 જુલાઈ, 2026થી કરવામાં આવેલી તમામ નવી અરજીઓ પર લાગુ પડશે. પાસપોર્ટ માટે અરજી કરવાની યોજના બનાવી રહેલા લોકોએ હવે નવા દરને ધ્યાનમાં રાખીને અરજી કરવી પડશે. ખાસ કરીને તત્કાલ સેવા અથવા ખોવાયેલા પાસપોર્ટના રિ-ઇશ્યૂ માટે અરજી કરનારાઓને અગાઉ કરતાં વધુ ફી ચૂકવવાની રહેશે.