
ગાઝિયાબાદના લોની વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ડૉ. નદીમ નામના એક મુસ્લિમ ડૉક્ટરે દિલ્હીની રહેવાસી નૂર સબા નામની મહિલા દર્દીની ખોટી નસ કાપી નાખી હોવાનો મામલો સામે આવ્યો છે. પીડિત મહિલા નૂર સબાએ જ્યારે આ ભૂલનો વિરોધ કર્યો ત્યારે ડૉક્ટરે એવું કહીને વાત ટાળવાનો પ્રયાસ કર્યો કે ‘આ તો અલ્લાહની મરજી છે’. એટલું જ નહીં, એવો પણ આક્ષેપ છે કે ડૉક્ટરે પીડિત પરિવારને ₹500-1000 આપીને આ મામલે ચૂપ રહેવા માટે કહ્યું હતું.
આ સમગ્ર ઘટના ‘દિલ્હી અપડેટ’ નામની યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રકાશમાં આવી છે. અહેવાલો અનુસાર, દિલ્હીના શાહદરા વિસ્તારના કરદમ પુરીમાં રહેતી નૂર સબા પિત્તાશયની (Gall Bladder) સારવાર માટે લોની સ્થિત ‘અલવી નર્સિંગ હોમ’માં ગઈ હતી. તેમણે જણાવ્યું કે 17 ફેબ્રુઆરી 2026ના રોજ તેમનું ઑપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ તેના 15-20 દિવસ પછી ફરીથી તકલીફ શરૂ થતાં તેઓ ફરીથી એ જ નર્સિંગ હોમમાં સારવાર માટે પહોંચ્યા હતા, જ્યાં આ ગંભીર બેદરકારી સામે આવી હતી.
નર્સિંગ હોમમાં તપાસ કર્યા પછી નૂર સબાને જણાવવામાં આવ્યું કે તેને કમળો થઈ ગયો છે. આ નર્સિંગ હોમમાં નૂર સબાને બે દિવસ સુધી એડમિટ રાખવામાં આવ્યાં પરંતુ સારવાર દરમિયાન કમળો થવાનું કોઈ ચોક્કસ કારણ જણાવવામાં ન આવ્યું, તેથી તે બીજી હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચી હતી. ત્યાં તપાસ કરતા ખબર પડી કે ઑપરેશન દરમિયાન તેની એક નસ કપાઈ ગઈ હતી, જેના કારણે જ તેને કમળાનાં લક્ષણો દેખાઈ રહ્યાં છે. આ બીજી હોસ્પિટલમાં તેની કપાયેલી નસનું ઑપરેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ નૂર સબાની તબિયતમાં સુધારો થયો.
જ્યારે નૂર સબાને ખબર પડી કે લોનીના નર્સિંગ હોમમાં ઑપરેશન દરમિયાન તેમની નસ કાપી નાખવામાં આવી હતી ત્યારે તે જવાબ માંગવા માટે એ હોસ્પિટલે પહોંચી. ત્યાં ડૉક્ટર નદીમ અને તેમના સાથીઓએ નૂર સબાને કહ્યું કે ‘આ તો અલ્લાહની મરજી છે.’ નૂર સબા જણાવે છે કે જ્યારે તેમણે ડૉક્ટરને પૂછ્યું કે જો મારું મોત થઈ ગયું હોત તો? તો તેના જવાબમાં ડૉ. નદીમે કહ્યું કે ‘એ પણ અલ્લાહની મરજી હોત.’ નૂર સબાએ જ્યારે આ વાતનો ઉગ્ર વિરોધ કર્યો, ત્યારે ડૉક્ટરે ₹500થી ₹1000 આપીને મામલો ત્યાં જ પતાવવાની વાત કરી હતી.

