મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર: 15 જાન્યુઆરીએ મતદાન, 16મીએ રિઝલ્ટ

બીએમસીનાં ટૂંકા નામથી જાણીતી મુંબઈની લોકલ બોડી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની (BMC) ચૂંટણી જાહેર થઈ ગઈ છે. 15 જાન્યુઆરીના રોજ BMC ચૂંટણી યોજાશે અને બીજા જ દિવસે (16 જાન્યુઆરી) મતોની ગણતરી હાથ ધરવામાં આવશે.

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે સોમવારે (15 ડિસેમ્બર) આ ઘોષણા કરી હતી. મુંબઈ સાથે અન્ય 28 પાલિકાઓની પણ ચૂંટણી જાહેર થઈ છે. જેમાં કુલ 2869 બેઠકો પર 3.48 કરોડ મતદારો મતદાન કરશે.

અન્ય પાલિકાઓમાં નવી મુંબઇ, થાણે, કલ્યાણ-ડોમ્બિવલી, પુણે, નાશિક, નાગપુર, છત્રપતિ સંભાજીનગર વગેરેનો પણ સમાવેશ થાય છે. તમામ ઠેકાણે ચૂંટણી એક જ તબક્કામાં યોજાશે અને આ માટે આચારસંહિતા આજથી અમલમાં આવી ગઈ છે.

મુંબઈના કુલ 227 વૉર્ડ અને નવી મુંબઈના કુલ 111 વૉર્ડમાં ચૂંટણી હાથ ધરવામાં આવશે.

BMC ચૂંટણીઓની રાહ ઘણા સમયથી જોવામાં આવી રહી હતી, પરંતુ કાયદાકીય ગૂંચ અને કોર્ટમાં ચલતા કેસોના કારણે સતત વિલંબ થતો રહ્યો. અન્ય પણ અનેક સ્થાનિક સંસ્થાઓ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી ચૂકી છે. જેમાં પાંચ કોર્પોરેશનના કાર્યકાળ 2020માં જ્યારે 18ના કાર્યકાળ 2022માં પૂર્ણ થઈ ગયા હતા. 2023માં ચાર સંસ્થાઓ કાર્યકાળ પૂર્ણ કરી ચૂકી છે. મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલ અધિકારીઓ જ ચલાવી રહ્યા હતા.

BMCની ચૂંટણી અન્ય પાલિકાઓની જેમ સ્થાનિક ચૂંટણી ન રહેતાં રાજ્યના રાજકારણમાં મોટી હલચલ લાવી દે છે અને માહોલ વિધાનસભા ચૂંટણી જેવો જ રહે છે. આ ચૂંટણીમાં પણ મહાયુતિ (ભાજપ+શિવસેના(શિંદે) અને એનસીપી (અજિત)) અને મહાવિકાસ આઘાડી (કોંગ્રેસ+શિવસેના (ઉદ્ધવ) અને એનસીપી (શરદ)) વચ્ચે ટક્કર થશે.