
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. આ જ ક્રમમાં બેહરામપુરા વોર્ડના દાણીલીમડા વિસ્તારના કુખ્યાત આરોપી રફીક ઉર્ફે વેપારીના નિવાસસ્થાન પર ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ અનુસાર રફીકના ઘરમાં ગેરકાયદે બાંધકામ હતું. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ (GPMC) એક્ટ, 1949 હેઠળ નોટિસ જારી કરવામાં આવી હતી, પરંતુ તેણે બાંધકામ દૂર કર્યું નહોતું. તેથી AMCએ આ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી એક્સટોર્શન કેસમાં અટકાયત પછી થઈ છે.
દાણીલીમડાના ફઝલનગર વિસ્તારમાં શાહ આલમ મસ્જિદ નજીક આવેલ આશરે 2,500 ચોરસ ફૂટમાં ફેલાયેલું ગ્રાઉન્ડ ફ્લોરથી બીજા માળ સુધીનું ગેરકાયદેસર રહેણાંક માળખું દૂર કરવામાં આવ્યું છે. AMCના એસ્ટેટ વિભાગે પોલીસ સુરક્ષા હેઠળ 3 ડિમોલિશન વાહનો, 15 બ્રેકર મશીનો અને ગેસ કટરની મદદથી આ બાંધકામ તોડી પાડ્યું હતું.
આ કાર્યવાહી અંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક સંદેશ આપતા લખ્યું છે કે, ગુજરાતમાં ગુનેગારો માટે કોઈ સ્થાન નથી. જેઓ પોતાને કાયદાથી ઉપર માનતા હતા તેમને આજે સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે કાયદો સૌથી ઉપર છે. તેમણે આગળ લખ્યું કે હિસ્ટ્રીશીટર હોય કે જમીન કબજે કરનાર કોઈના ગેરકાયદે અતિક્રમણોને બક્ષવામાં નહીં આવે. ગુનો કરનારે તેની કિંમત ચૂકવવી પડશે.
अपराधियों के लिए गुजरात में कोई जगह नहीं।
— Harsh Sanghavi (@sanghaviharsh) January 22, 2026
जो खुद को कानून से ऊपर समझते थे, उन्हें आज साफ संदेश मिल गया है कानून सब पर भारी है।
हिस्ट्रीशीटर हो या जमीन कब्जाने वाला,
👉 अवैध निर्माण नहीं बचेगा
👉 अपराध की कीमत चुकानी पड़ेगी https://t.co/gsB5DTF3Xx
રફીકનો ગુનાહિત ઇતિહાસ
રફીક વેપારી પર ખંડણી અને ધાકધમકી આપવાના 20 ગુનાઓ નોંધાયેલા છે. તાજેતરમાં જ તસ્લીમ આલમ નામના વ્યક્તિની ફરિયાદના આધારે રફીકની ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ, રફીકે ફરિયાદીના પિતા પાસે ₹1.5 લાખની ખંડણી માંગી હતી અને નાણાં ન આપવા બદલ પરિવારને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી હતી.
ફરિયાદીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે આરોપીએ વિસ્તારમાં ડરનું વાતાવરણ ઉભું કર્યું હતું. તેણે કહ્યું, “લોકો ડરેલા હતા કારણ કે તે દરેકને ધમકી આપતો હતો કે તે વિડીયો વાયરલ કરશે અને પછી બીજા શહેરમાં ગાયબ થઈ જશે.” ફરિયાદીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ, પોલીસે તપાસ શરૂ કરી હતી.
ધમકી આપ્યા બાદ રફીક ફરાર થઈ ગયો હતો જેને પોલીસે ઉત્તર ગુજરાતના ઊંઝા ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, રફીક વેપારી કથિત રીતે વેપારીઓ અને મીડિયાકર્મીઓ સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી તેમને બદનામ કરતો અને બદલામાં મોટી રકમની માંગણી કરતો હતો. તેણે આવા વિડીયો અપલોડ કરવા અને ધમકીઓ આપવા માટે અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવ્યા હતા.

