Friday, March 21, 2025
More

    સૈફ અલી ખાન પર હુમલો કરનારની ધરપકડ, નામ- મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ, બાંગ્લાદેશી હોવાની આશંકા

    અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી જઈને તેમની ઉપર હુમલો કરનારની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ તરીકે થઈ છે. 

    આરોપી થાણેની એક ઝાડીમાંથી પકડાયો હતો. તેને પકડીને ખાર પોલીસ મથકે લાવવામાં આવ્યો છે, જ્યાં પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. 

    પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે 15 જાન્યુઆરીની રાત્રે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હોવાની વાત કબૂલી લીધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

    મુંબઈ પોલીસે એક પ્રેસ કૉન્ફરસ કરીને આ વિગતોની પુષ્ટિ કરી છે. પ્રાથમિક તારણ અનુસાર, આરોપી ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસ્યો હતો અને પકડાઈ જતાં સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો હતો. 

    આરોપીએ પકડાઈ ગયા બાદ પોતે બંગાળી હોવાનું જણાવ્યું હતું, પરંતુ આશંકા છે કે તે બાંગ્લાદેશી હોય શકે. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. ઉપરાંત, તે નામ બદલીને હિંદુ નામ ધારણ કરીને થાણેમાં રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે.