ઈરાનમાં કિડનેપ થયેલા 4 ગુજરાતીઓ ભારત પહોંચ્યા: ઑસ્ટ્રેલિયા જતાં થયું હતું અપહરણ, ધારાસભ્યે અમિત શાહ પાસે માંગી હતી મદદ

ગુજરાતથી દિલ્હી થઈને ઑસ્ટ્રેલિયા જઈ રહેલા ચાર ગુજરાતીઓના અપહરણની ઘટના સામે આવી હતી. આ ચારેયને ઈરાનના તેહરાનમાં બંધક બનાવવામાં આવ્યા હતા. અપહરણકર્તાઓએ ઑસ્ટ્રેલિયા મોકલનારા એજન્ટ અને પરિવારને બંધકોનો વિડીયો મોકલીને કરોડો રૂપિયાની ખંડણી માંગી હતી. ઘટના સામે આવ્યા બાદ માણસાના ભાજપ ધારાસભ્ય જયંતિ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે પત્ર લખીને મદદ માંગી હતી. હવે સામે આવ્યું છે કે ચારેય ગુજરાતીઓને છોડાવી લેવાયા છે અને તેઓ ભારત પહોંચ્યા છે.

અહેવાલ મુજબ માણસાના બાપુપુરા ગામના પ્રિયા ચૌહાણ, અજય ચૌધરી, અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરી 19 ઑક્ટોબરના રોજ ઑસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. તેમને એમિરેટ્સ એરલાઇન્સ મારફતે દિલ્હીથી થાઇલેન્ડ, ત્યાંથી દુબઈ અને ત્યાંથી ઈરાનની રાજધાની તહેરાન લઈ જવાયા હતા. ઈરાન પહોંચ્યા પછી તેમને ટેક્સીમાં બેસાડીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને બંધક બનાવવામાં આવ્યા હતા.

ઈરાનમાં આ ગુજરાતીઓ પર નિર્દયતાથી અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. જેના 2 વિડીયો અપહરણકર્તાઓએ મોકલ્યા હતા. વિડીયોમાં બે યુવાનોને નગ્ન કરીને તેમની સાથે મારપીટ થઈ રહી હોવાનું સામે આવ્યું હતું. આ 2 વિડીયો ઉપરાંત, અપહરણકર્તાઓએ એક દંપતીનો ફોટો પણ શેર કર્યો હતો, જેમાં તેમના હાથ અને મોં બંધાયેલા હતા. આ વિડીયો અને ફોટોના આધારે પીડિતોના પરિવારો પાસેથી ₹2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી.

ઘટના સામે આવતા 26 ઑક્ટોબરના રોજ માણસાના ધારાસભ્ય જયંતિ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ઈરાનથી અપહરણ કરાયેલા ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવા વિનંતી કરી હતી.

હવે બાપુપુરાના સરપંચ પ્રકાશ ચૌધરીએ મીડિયાને જણાવ્યું છે કે પરિવારોએ લાંબી વાટાઘાટો બાદ અંતે ₹50 લાખ ચૂકવીને પોતાના સ્વજનોને છોડાવ્યા છે. આ યુવકો હાલ ઈરાનથી ભારત આવી પહોંચ્યા છે. કહેવાઈ રહ્યું છે કે આ કિસ્સો ફેક ટ્રાવેલ એજન્સીની છેતરપિંડીનું પરિણામ પણ હોય શકે છે. જોકે, કયા એજન્ટે તેમને ઑસ્ટ્રેલિયા મોકલ્યા હતા અને ઈરાન સુધી પહોંચાડ્યા હતા, તે અંગેની વિગતો હજુ મળી નથી.

સરપંચે પત્ર લખ્યા બાદ વિદેશ મંત્રાલયે પણ આ મામલે તપાસ શરૂ કરી હતી અને ભારતીય દૂતાવાસે સતત ઈરાન સરકારના સંપર્કમાં રહીને મુક્તિની કાર્યવાહી કરાવી હતી. આ પહેલાં પણ ગુજરાતના એક દંપતિનું ઈરાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું, જોકે પછીથી તેમને છોડાવી લેવાયા હતા. હાલમાં થયેલ અપહરણ મામલે તપાસ એજન્સીઓ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.