મીડિયા (Media) લોકશાહીનો ચતુર્થ સ્તંભ કહેવાય એવું આપણે ત્યાં વર્ષોથી ચાલતું આવે છે. આ ચતુર્થ સ્તંભની જવાબદારી આમ તો દુનિયામાં જે કાંઈ બને છે તે સીધા અને સરળ શબ્દોમાં આપણા સુધી પહોંચાડવાની છે. પહેલાં એ કામ છાપાં કરતાં. દાયકાઓ સુધી છાપાંનું એકહથ્થુ શાસન રહ્યું, પછી ટીવી ચેનલોએ ‘ક્રાંતિ’ કરી અને હવે આ વારો ડિજિટલ મીડિયાનો છે.
છાપાં જોકે હજુ ટકી રહ્યાં છે. મહત્ત્વ ધીમેધીમે ઓછું થતું જાય છે, પણ સાવ કિંમત ગુમાવી બેઠાં હોય એમ નથી. તેની પાછળનું કારણ જાણવા માટે અલગથી સંશોધન કરવું પડે. પણ વર્ષો સુધી એક માન્યતા એવી રહી કે છાપાંમાં જે આવ્યું એ સાચું કે ન્યૂઝમાં આવ્યું હોય એટલે એ તથ્ય જ હોય. પણ સોશિયલ મીડિયાએ આ માન્યતા કે રાધર ગેરમાન્યતા પર હથોડો મારવાનું કામ કર્યું અને હવે તો ઘણેખરે અંશે આ માન્યતા તૂટી ગઈ છે.
કહેવાની વાત એટલી છે કે મુખ્યધારાનું મીડિયા ભલે ‘તટસ્થ’ અને ‘બેખૌફ’ હોવાના દાવા કરતું રહે, પણ અનેક કિસ્સાઓમાં આપણે જોયું છે કે કઈ રીતે અમુક વિચારધારા, અમુક પાર્ટીઓ કે અમુક વ્યક્તિઓને અનુરૂપ હોય સામગ્રી કાં તો તોડીમરોડીને અથવા તેમાં મીઠું-મરચું નાખીને આપણી પાસે પહોંચાડવામાં આવતી રહે છે, જેનાથી એક સુવ્યવસ્થિત નરેટિવ બને છે. જેનાથી એક ચોક્કસ ઇકોસિસ્ટમને ફાયદો પહોંચે છે.
આમાંથી કોઈ ભાષાનું કોઈ મીડિયા બાકાત નથી કે એવું પણ નથી કે અમુક છાપાં કે ચેનલો જ કરે છે. અને આ વાત હવામાં કહેવામાં આવી નથી પણ તેનું દસ્તાવેજીકરણ થયું છે. દર વર્ષની જેમ આ કામ ગત વર્ષમાં પણ ઑપઇન્ડિયાએ ક્ષમતા અનુસાર કર્યું. જ્યાં મેઇનસ્ટ્રીમ મીડિયાએ કશુંક જુદું જ ચલાવ્યું હોય, તેનાથી પ્રોપગેન્ડા ફેલાવવામાં આવ્યો હોય, એજન્ડા ચલાવાયો હોય અને પછી નીકળે કશુંક જુદું જ!
આવા અમુક અહેવાલો પર એક ઉડતી નજર નાખીએ.
AAP સમર્થકોના બનાવટી ટ્વિટ પરથી ગુજરાતી મીડિયા ચેનલોએ છાપી માર્યા હતા સમાચાર, ઑપઇન્ડિયાના ફેક્ટચેક બાદ ડિલીટ કર્યા
દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં ED-CBIની કાર્યવાહીનો સામનો કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી કાયમ કહેતા રહ્યા છે કે આ કેસ ખોટો છે અને તેમને ફસાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, એજન્સીઓ તેમની વિરુદ્ધ એક પછી એક ચાર્જશીટ રજૂ કરી રહી છે. એ તો પાર્ટી અને સમર્થકો હોય એટલે સ્વાભાવિક પોતાના નેતાને બચાવવા માટે ગમે-તે તર્ક આપીને ધમપછાડા કરે, પણ મીડિયાને એમાં શું રસ હશે એ સંશોધનનો વિષય છે.
માર્ચ, 2024માં EDએ કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. જ્યાંથી કસ્ટડી મંજૂર કરવામાં આવી. પછી 28 માર્ચના રોજ તેમને ફરી રજૂ કરવામાં આવ્યા, જ્યાં ફરી રિમાન્ડ મંજૂર થયા. આ દરમિયાન કોર્ટની કાર્યવાહીનું લાઇવ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું હતું.
બીજી તરફ, ગુજરાતી મીડિયાની અમુક ચેનલોએ એવા દાવા સાથે રિપોર્ટ છાપી માર્યા હતા કે કેજરીવાલે કોર્ટમાં EDના વકીલને પ્રશ્ન કર્યો હતો કે, જો તેઓ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહને 100 કરોડ આપવાનું કહે તો માત્ર તેમના નિવેદનના આધારે જ બંને નેતાઓની ધરપકડ કરશો કે કેમ? આગળ કહેવામાં આવ્યું કે, કેજરીવાલના આ સવાલ પર જજ અને EDના વકીલ ચૂપ રહ્યા હતા.
હવે વાસ્તવમાં આવું કશું બન્યું ન હતું અને આ AAP સમર્થકોના મગજની ઉપજ હતી. તેમ છતાં ગુજરાતી મીડિયા ચેનલોએ જોયા-ખરાઈ કર્યા વગર ચલાવવા માંડ્યું હતું. ‘વાઈબ્સ ઑફ ઇન્ડિયા’ નામના પોર્ટલ પરથી પણ આ જ દાવા સાથેની એક પોસ્ટ કરવામાં આવી હતી.
પછીથી ઑપઇન્ડિયાએ એક ફેક્ટચેક અહેવાલમાં જણાવ્યું હતું કે, આ અહેવાલો સદંતર ખોટા છે અને કોર્ટરૂમમાં આવું કશું જ બન્યું ન હતું. પછીથી આ તમામ પોસ્ટ હટાવી લેવામાં આવી હતી.
‘જમાવટ’ના બાહોશ પત્રકારોએ ભારતના 83 ટકા યુવાનોને ગણાવ્યા હતા બેરોજગાર
‘જમાવટ’ નામની એક યુ-ટ્યુબ ચેનલ છે. જે એક નહીં અનેક વખત ફેક ન્યૂઝ ફેલાવતી પકડાઈ છે. માર્ચ, 2024માં આ જમાવટના પોર્ટલ પર એક સમાચાર પ્રકાશિત થયા, જેમાં દાવો કરવામાં આવ્યો કે, ભારતના 83 ટકા યુવાનો બેરોજગાર છે!
પહેલી નજરે જ તદ્દન ખોટી અને પાયાવિહોણી લાગે એવી વાત પર જમાવટે આખો રિપોર્ટ છાપી માર્યો હતો અને તેની ઉપરથી જ પછી વિડીયો બનાવ્યો હતો.
હકીકત એ હતી કે, જે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટનો આધાર લઈને જમાવટે જૂઠાણું ફેલાવ્યું હતું તેમાં પણ કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં જેટલા બેરોજગાર છે તેમાંથી 83 ટકા યુવાનો છે. જેટલા બેરોજગાર હોય તેમાંથી 83 ટકા યુવાનો હોય એ તો હવે સમજાય એવી વાત છે. પણ જમાવટના પત્રકારોએ સંભવતઃ અંગ્રેજી ન આવડવાના કારણે કે ખરાઈ કરવાની તસ્દી લેવાની આળસના કારણે ભારતના 83 ટકા યુવાનો બેરોજગાર છે એવું છાપી માર્યુ હતું.
ઑપઇન્ડિયાએ પછીથી મૂળ રિપોર્ટ ટાંકીને સાચી હકીકતો રજૂ કરી હતી. બીજી તરફ, દર વખતની જેમ જમાવટ તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં ન આવી કે ન રિપોર્ટ અપડેટ કરવામાં આવ્યો.
ખાનગી સંસ્થાએ સસ્પેન્ડ કરેલા શિક્ષકને જમાવટે ગણાવ્યો હતો ‘સરકારી કર્મચારી’: ઑપઇન્ડિયાએ ખોલી હતી પોલ
આ જ જમાવટ પોર્ટલે 1 એપ્રિલ, 2024ના રોજ સમાચાર પ્રકાશિત કરીને દાવો કર્યો હતો કે, ભરૂચના સાંસદ મનસુખ વસાવાને પ્રશ્ન કરનાર એક શિક્ષકને સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે શિક્ષકે સ્થાનિક સાંસદ મનસુખ વસાવાને પોતાના વિસ્તારમાં પાણી ન આવતું હોવાની રજૂઆત કરતો એક વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો, ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.
અહીં હકીકત એ હતી કે આ ભાઈ એક ખાનગી સંસ્થામાં કામ કરતા હતા અને આ સંસ્થાએ જ તેમને સસ્પેન્ડ કર્યા હતા. ફરજમુક્તિ પત્રમાં સંસ્થાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, રાજકીય પ્રવૃત્તિમાં સામેલ થવું એ તેમની નીતિઓની વિરુદ્ધ છે, જેથી પગલાં લેવામાં આવી રહ્યાં છે. જમાવટે આ સસ્પેન્શન લેટરમાં જણાવવામાં આવેલી બાબતોનો રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો ન હતો કે એ પણ સ્પષ્ટ જણાવ્યું ન હતું કે યુવક એક ખાનગી સંસ્થામાં નોકરી કરતો હતો. તેના સ્થાને તેને ‘સરકારી અધિકારી’ ગણાવી દેવામાં આવ્યો.
ઑપઇન્ડિયા સંસ્થા સુધી પહોંચ્યું ત્યારે આ પોલ ખુલી ગઈ હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, આમાં સરકારી શિક્ષણ વિભાગને કશું જ લગતું-વળગતું નથી અને નિર્ણય સંપૂર્ણ રીતે સંસ્થાનો પોતાનો છે. કારણ કે શિક્ષકને પગાર પણ આ સંસ્થા જ આપતી હતી.
આ રિપોર્ટમાં પણ જમાવટે કોઈ સ્પષ્ટતા ન કરી કે ન રિપોર્ટ હટાવવામાં આવ્યો. આ બધું થતું હતું જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી હતી.
‘ધ વાયર’ના પત્રકારોના ગણિતે કરાવી હતી ફજેતી
જે કામ ગુજરાતીમાં ‘જમાવટ’ અને એવાં અમુક પોર્ટલો કરે છે, તેનું ઊંચું વર્ઝન અંગ્રેજીમાં ‘ધ વાયર’ છે. આ પોર્ટલે મે, 2024માં લોકસભા ચૂંટણી ટાણે એક રિપોર્ટ છાપીને દાવો કર્યો હતો કે 2024ની ચૂંટણીના પહેલા પાંચ તબક્કામાં 2019ની ચૂંટણીના પહેલા પાંચ તબક્કાની સરખામણીએ 19 કરોડ મત ઓછા પડ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019માં કુલ મતદારોની સંખ્યા 89.6 કરોડ હતી, જે પાંચ વર્ષ પછી 2024માં 96.8 કરોડ પર પહોંચી. પણ પહેલા પાંચ તબક્કાને લઈને બંને ચૂંટણીની સરખામણી કરવાથી જણાય છે કે 19.4 કરોડ મત 2024ની ચૂંટણીમાં ઓછા પડ્યા છે. આ દાવો વળી ચૂંટણી પંચના ડેટાના આધારે જ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
અહીં હકીકત એ હતી કે, વાસ્તવમાં મીડિયા પોર્ટલે 2019માં પ્રથમ પાંચ તબક્કામાં જેટલા કુલ મતદારો હતા (70.01 કરોડ) તેની સરખામણી 2024માં જેટલા મતો પડ્યા છે તેની સાથે કરી દીધી હતી!
2019ની લોકસભા ચૂંટણીમાં તમામ સાત તબક્કામાં કુલ મતો પડ્યા હતા 61 કરોડ. હવે આખી ચૂંટણીમાં જ જો 61 કરોડ વૉટ પડ્યા હોય તો પાંચ તબક્કામાં તેનાથી વધુ (70.01 કરોડ) મત કઈ રીતે પડી શકે? વાસ્તવમાં અહીં ધ વાયરે જે 70.01 કરોડ મતદારોનો આંકડો લખ્યો છે તે કુલ પડેલા મતનો નહીં પણ પાંચ તબક્કામાં જ્યાં-જ્યાં ચૂંટણી થઈ હતી ત્યાં કુલ મતદારોનો છે!
ડેટાનો અભ્યાસ કરતાં જાણવા મળે છે કે 2019માં પહેલા પાંચ તબક્કામાં કુલ 71,14,40,983 મતદારો હતા. જેમાંથી 48,47,07,015 મતદારોએ મતદાન કર્યું. ટકાવારી જોઈએ તો તે 68.13 ટકા જેટલી થાય છે. 2024માં જ્યારે પહેલા પાંચ તબક્કામાં કુલ 76,40,80,337 મતદારો છે, જેમાંથી 50,72,97,288 લોકોએ મતદાન કર્યું. આ ટકાવારી 66.39% જેટલી થઈ છે. ટકાવારીમાં ભલે નાનકડો ઘટાડો જોવા મળશે, પણ સંખ્યાની રીતે જોશો તો લગભગ 2 કરોડ 25 લાખ જેટલા મતદારો 2024માં વધ્યા છે. એટલે અહીં ધ વાયરે કરેલો દાવો, જેમાં જણાવાયું છે કે 2024માં કરોડો મતનો ઘટાડો નોંધાયો, સદંતર ખોટો છે. તેમણે સામાન્ય ગણિતમાં ભૂલ કરી છે અને ગોટાળો વાળ્યો છે.
ઑપઇન્ડિયાના આ રિપોર્ટ પછી વાયરે રિપોર્ટ હટાવી લીધો હતો, પણ વધુ ફજેતીથી બચવા માટે તેમાં સુધારા કર્યા તો તેમાં પણ ભૂલ જોવા મળી હતી. જેની ઉપર ઑપઇન્ડિયાનો અલગ રિપોર્ટ અહીંથી વાંચી શકાશે.
‘મતગણતરી દરમિયાન ફોનના ઉપયોગથી EVM અનલૉક કરવામાં આવ્યાં’: મિડ-ડેના રિપોર્ટનું ફેક્ટચેક
4 જૂન, 2024ના રોજ લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી થોડા દિવસ બાદ મુંબઈથી પ્રકાશિત થતા અખબાર ‘મિડ ડે’ના એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મતગણતરી દરમિયાન એક મોબાઈલના ઉપયોગથી EVM અનલૉક કરવામાં આવ્યાં હતાં. જેના આધારે પછીથી વિપક્ષે બહુ રડારોળ કરી હતી.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોબાઈલ ફોનનો ઉપયોગ એક OTP જનરેટ કરવા માટે કરવામાં આવ્યો હતો, જેનાથી EVM મશીન ‘અનલૉક’ થયું હતું અને જેનો ઉપયોગ 4 જૂનના રોજ મતગણતરી દરમિયાન NESCO સેન્ટરમાં થયો હતો. આગળ કહેવામાં આવ્યું કે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને ફોન ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
અહીં વાસ્તવમાં કેસ મતગણતરી કેન્દ્રમાં મોબાઇલ ફોનના અનધિકૃત ઉપયોગનો હતો. પોલીસે પણ ક્યાંય EVM કે OTPની ચર્ચા ન હતી કરી. મિડ-ડેનો રિપોર્ટ લખનારાઓએ તેમાં વધારાની બાબત ઉમેરી દઈને ભ્રામક અહેવાલ છાપી માર્યો હતો.
ઑપઇન્ડિયાએ પછીથી વિગતવાર અહેવાલમાં સમજાવ્યું હતું કે કેમ આ અહેવાલ ખોટો છે અને હકીકત શું છે. પછીથી ચૂંટણી પંચે પણ અખબારને નોટિસ આપી હતી અને બીજા દિવસે માફી પણ માંગવી પડી હતી.
અમદાવાદ પોલીસ મથકમાં કેક કાપીને ભાજપ નેતાઓ જન્મદિન નહતો ઉજવાયો
જૂન, 2024માં ગુજરાતી મીડિયાએ એક સમાચારમાં દાવો કર્યો હતો કે, અમદાવાદના એક પોલીસ મથકમાં ભાપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ભાજપના એક નેતાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેનો વિડીયો પણ બહુ વાયરલ થયો.
આ મામલે જ્યારે ઑપઇન્ડિયાએ તપાસ કરી તો તદ્દન જુદી હકીકત બહાર આવી. વાસ્તવમાં બન્યું હતું એવું કે, ભાજપ નેતાઓ અને અન્ય અમુક સેવાભાવી સંસ્થાએ મળીને રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. તેની પૂર્ણાહુતિ બાદ એક મુસ્લિમ પરિવાર પોલીસ માટે કેક લઈને આવ્યો હતો. જ્યારે કેક કાપવામાં આવી રહી હતી ત્યારે ત્યાં ચર્ચા થઈ કે યોગાનુયોગ ભાજપ નેતાઓ જન્મદિવસ પણ છે અને તેઓ ત્યાં ત્યારે હાજર હતા. ત્યારબાદ તેમણે કેક કાપી હતી.
અમદાવાદ પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે કાર્યક્રમ કોઇ પણ રીતે જન્મદિવસની ઉજવણી માટે કરવામાં આવ્યો ન હતો કે ન આગોતરુ આયોજન હતું અને યોગાનુયોગ બન્યું હતું. જે રીતે દાવા થઈ રહ્યા છે તેવું કશું જ નથી.
શિવભક્તોને ટાર્ગેટ કરવા પોલીસ વાહનમાં તોડફોડનું જૂઠાણું ફેલવાયું
જુલાઈ, 2024માં કાવડ યાત્રાનો માહોલ હતો ત્યારે ગુજરાતી મીડિયાની અમુક ચેનલો GSTV અને TV13 ગુજરાતી વગેરેએ દાવો કર્યો હતો કે, કાવડયાત્રીઓએ UPમાં એક ઠેકાણે ગાડીમાં તોડફોડ કરી હતી.
ઑપઇન્ડિયાએ તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, ગેરકાયદેસર પોલીસના સ્ટીકરો અને હૂટર સાથેનું આ ખાનગી વાહન મુરાદનગર પાસે બેરીકેટ ઓળંગીને અનધિકૃત રીતે કાવડ રોડ પર ઘુસ્યું હતું. વાહનમાં એક ડ્રાઈવર હાજર હતો જે બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો. વાહન જે વિસ્તારમાં ચલાવાઈ રહ્યું હતું તે વિસ્તાર કાવડયાત્રીઓ માટે અનામત હતો. લગભગ 6-7 કિલોમીટરની મુસાફરી કર્યા પછી, આ વાહને મધુબન બાપુધામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કાવડયાત્રીને ટક્કર મારી હતી. ટક્કરને કારણે કાવડયાત્રીને સામાન્ય ઈજા થઈ હતી. તેનાથી સાથે ચાલી રહેલા અન્ય કાવડયાત્રીઓ ગુસ્સે ભરાયા હતા.
ઘટનાસ્થળ પર હાજર કેટલાક સ્થાનિક લોકોએ નામ ન આપવાની શરતે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, કાવડયાત્રીને (ભોલે) ટક્કર માર્યા બાદ આરોપી ડ્રાઇવર અવનીશ ત્યાગીએ માફી માંગવાને બદલે કાવડયાત્રીઓનું અપમાન કરવાનું શરૂ કર્યું હતું. તેણે હૂટર વગાડીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ પણ શરૂ કર્યો હતો. કાવડ ખંડિત થયું હોવાનો આરોપ લગાવીને પહેલાંથી જ ગુસ્સે ભરાયેલા કાવડયાત્રીઓને આ દરમિયાન જ ખબર પડી હતી કે વાહન પોલીસનું નથી પરંતુ હૂટર અને સ્ટીકરનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ રોષે ભરાયેલા કાવડયાત્રીઓએ પોલીસ સ્ટીકરના તે વાહનમાં તોડફોડ શરૂ કરી હતી.
રત્નાગિરિ સ્ટેશનની છત તૂટી પડી હોવાનો કોંગ્રેસી એજન્ડા મીડિયામાં પણ ચલાવાયો
ઑક્ટોબર, 2024માં એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો કે મહારાષ્ટ્રના રત્નાગિરીમાં સ્ટેશનની છતનો એક હિસ્સો તૂટી પડ્યો હતો. આ વિડીયો કોંગ્રેસે ફેરવ્યો અને પછી ગુજરાત સમાચારે પણ તક ઝડપી લીધી હતી.
પછીથી તપાસમાં જાણવા મળ્યું કે, વિડીયોમાં જે-તે ભાગ દેખાય છે એ અન્ડર-કન્સ્ટ્રક્શન પાર્કિંગ એરિયાનો છે. સ્ટેશનના બિલ્ડિંગને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું કે ન ટ્રેનના પરિવહનને કોઈ અસર પડી હતી.
આ અમુક એવા અહેવાલો હતા, જેનું ઑપઇન્ડિયાએ ફેક્ટચેક કરીને હકીકત બહાર લાવવાનું કામ કર્યું હતું. સંભવતઃ આટલા બીજા અથવા તેનાથી વધારે સમાચારોમાં આવી બદમાશીઓ કરવામાં આવી હશે, જે કોઈના ધ્યાનમાં ન આવી.