અરવલ્લી ગિરિમાળાઓની નવી વ્યાખ્યાને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી તેના કારણે હવે પર્વતશૃંખલાનો લગભગ નેવું ટકા વિસ્તાર જોખમમાં મૂકાઈ ગયો છે અને ત્યાં ખનન માફિયાઓ માટે લાલ જાજમ પાથરવાની તૈયારી ચાલી રહી છે– આવાં તૂત છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ચાલી રહ્યાં હતાં. સરકાર સ્તરેથી આ બાબતે અનેક સ્પષ્ટતાઓ આવી ચૂકી છે, આપના વિશ્વાસુ જેવા અનેક લોકો, સંસ્થાઓએ પોતાના સ્તરે, પોતાની રીતે આનું ફેક્ટચેક કર્યું છે. જેમ-જેમ સાચી વિગતો અને તથ્યો આવતાં જાય છે તેમ અનેક એજન્ડાબાજો ઉઘાડા પડી રહ્યા છે. તેમ છતાં હજુ ‘ગુજરાત સમાચાર’ને ટાઢક વળી નથી.
23 ડિસેમ્બરની આવૃત્તિના પહેલા પાને આ અખબારે છાપી માર્યું– ‘અરવલ્લીના 90 ટકા ડુંગરોનો ભૂમાફિયા સફાયો કરશે.’ સાથે લખ્યું– ‘વિકાસના નામે વિનાશ.’ ઉપર સુપ્રીમ કોર્ટને દોષી ઠેરવતાં કહ્યું– ‘સુપ્રીમના એક ચુકાદાથી પર્યાવરણનો કચ્ચરઘાણ વળશે.’

ગુજરાત સમાચારના અહેવાલની શરૂઆતમાં અરવલ્લી મુદ્દે દેશભરમાં સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચાલી રહ્યું હોવાનું અને રાજસ્થાનનાં અનેક શહેરોમાં દેખાવો થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ પોલીસ કાર્યવાહી અને લોકોના વિરોધ વિશે જણાવાયું છે.
આગળ ગુજરાત સમાચાર કહે છે કે, “નવેમ્બર માસમાં સુપ્રીમ કોર્ટમાં અરવલ્લીના મુદ્દા પર એક સુનાવણી થઈ હતી, એમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 100 મીટરથી નીચી હોય અને બે પહાડીઓ વચ્ચે પાંચસો મીટરનું અંતર હોય એવા કિસ્સામાં તેને જંગલ માની શકાય નહીં. એ પહાડી અરવલ્લીમાં છે એ આધાર પર આવી નાની ટેકરીઓને વનભૂમિ ઘોષિત ન કરી શકાય. આવી જમીનનો નિર્ણય રેકોર્ડ અને વાસ્તવિકતાના આધારે થવો જોઈએ, માત્ર ઊંચાઈના માપદંડથી નિર્ણય થઈ શકે નહીં. આવા અર્થના નિર્ણય સામે હવે ફરીથી સુનાવણીની માંગણી ઉઠી છે.”
સુપ્રીમના ચુકાદાનું અવળું અર્થઘટન
અહીં સુપ્રીમ કોર્ટના આદેશનું અવળું અર્થઘટન કરવામાં આવ્યું છે. સૌથી પહેલાં તો આ રિપોર્ટ લખનારા કે છાપનારા ગુજરાત સમાચારના પત્રકારોને એ જ ખબર નથી કે સુપ્રીમ કોર્ટમાં ‘એક સુનાવણી’ નહતી થઈ પણ અનેક સુનાવણીઓને અંતે કોર્ટે 20 નવેમ્બર 2025ના રોજ રીતસરનો ચુકાદો પસાર કર્યો છે.
બીજું, બે પહાડીઓ વચ્ચે પાંચસો મીટરના અંતરવાળી વાતને પણ અવળી રીતે રજૂ કરવામાં આવી છે. કોર્ટે જે વ્યાખ્યા સ્વીકારી એમાં જણાવવામાં આવ્યું છે કે અરવલ્લી રેન્જમાં ગણાવા માટે બે પહાડો વચ્ચે ઓછામાં ઓછું પાંચસો મીટર અંતર હોવું જોઈએ. આ રેન્જમાં જે કોઈ પહાડી આવે, એ સો મીટરથી ઊંચી હોય કે નીચી, તેની ગણતરી અરવલ્લી રેન્જમાં જ થશે. સરકારે બે દિવસ પહેલાં આ સ્પષ્ટતા કરી છે.
ત્યારબાદ ગુજરાત સમાચારના રિપોર્ટમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ટાંકવામાં આવ્યા છે, જેમણે સ્પષ્ટ કર્યું હતું કે અરવલ્લી મુદ્દે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે અને માત્ર 0.19 ટકા વિસ્તાર જ માઇનિંગ માટે પાત્ર હશે.
મજાની વાત એ છે કે રિપોર્ટમાં અંદર કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટતા પ્રકાશિત કરનાર ગુજરાત સમાચારે મુખ્ય હેડલાઇનમાં ‘નેવું ટકા પહાડોનો ભૂમાફિયા સફાયો કરી નાખશે’ એવી ભડકાઉ અને ઉશ્કેરણીજનક વાતો લખી નાખી છે.
‘નેવું ટકા વિસ્તાર ખતમ થઈ જશે’ એવી દલીલો ગુજરાતના અમુક અભણ યુટ્યુબરિયા પત્રકારો પણ કેટલાક દિવસથી ચલાવી રહ્યા હતા. જેની સ્પષ્ટતા અગાઉ અનેક વખત થઈ ચૂકી છે. આ અબુધોની દલીલ છે કે જે પહાડો સો મીટરથી નીચા હોય તેને ખોદી નાખવામાં આવશે અને આવા પહાડોની સંખ્યા ઘણી છે, લગભગ નેવું ટકા જેટલી.
તેઓ બે બાબતો સમજતા નથી.
1) આ સો મીટરની ગણતરી જમીનથી નહીં પણ જમીનની નીચે પણ પર્વતનો જેટલો ભાગ હોય ત્યાંથી કરવામાં આવે છે. એટલે ઘણાખરા પહાડો તે ક્રાઈટેરિયામાં આવી જાય.
2) પાંચસો મીટર અંતરની રેન્જમાં જે કોઈ પહાડ હોય, તેની ઊંચાઈ, ઢોળાવ જે હોય એ, તે અરવલ્લી રેન્જમાં જ આવશે. અરવલ્લી ગિરિમાળા કહેવાય છે. ગિરિમાળા એક શૃંખલામાં હોય. પહાડો એકબીજાની નજીક હોય. આ કિસ્સામાં આ પાંચસો મીટરની રેન્જમાં એવા મોટાભાગના પહાડો આવી જશે, જેની ઊંચાઈ ભલે સો મીટરથી ઓછી હોય, પણ એ મોટા પર્વતની (100 મીટરથી વધુ) નજીક હોવાના કારણે અરવલ્લીમાં જ ગણાશે.
ગુજરાત સમાચારે કે યુટ્યુબરિયાઓએ આ બધી બાબતો ધ્યાનમાં લીધી નથી અને અરવલ્લી ગિરિમાળાનો નેવું ટકા વિસ્તાર સાફ થઈ જશેની દલીલો ચલાવ્યે રાખી છે.
બીજું, અરવલ્લી ગિરિમાળામાં અનેક વિસ્તારો છે, જે ઇકોલોજીકલી સેન્સેટિવ ઝોન છે. અમુક સંરક્ષિત વિસ્તારો છે. ટાઈગર કોરિડોર પણ છે. અન્ય અમુક પર્યાવરણીય રીતે સંવેદનશીલ હોય તેવા સંરક્ષિત કરવામાં આવેલા વિસ્તારો છે. આ વિસ્તારોમાં માઈનિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અનેક વર્ષોથી પ્રતિબંધ છે અને તે ચાલુ રહેશે. જો નેવું ટકાવાળું ધ્યાનમાં લઈએ તો તેમાં આ વિસ્તારો પણ આવી જાય. તો આમાં ક્યાંથી એવું કહી શકાય કે નેવું ટકા વિસ્તાર ભૂમાફિયાઓ માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે?
વાસ્તવિકતા એ પણ છે કે 100 મીટરની જે વ્યાખ્યા પર આ ટોળકી ઉહાપોહ કરી રહી છે તેનાથી ઓછી અસરકારક વ્યાખ્યા 2006થી રાજસ્થાન સરકાર અમલમાં મૂકી રહી છે, એટલે એવું નથી કે સુપ્રીમ કોર્ટે નવી કોઈ વ્યાખ્યાને મંજૂરી આપી હોય. આ નવી વ્યાખ્યા નથી, પણ જૂનીને સુધારીને એવી રીતે બનાવવામાં આવી છે, જેથી અરવલ્લી વધુ સુરક્ષિત થઈ શકે.
મોદીનું નામ આવે એટલે લાલ કપડું જોઈને ભડકતા પ્રાણીવિશેષની જેમ કૂદી પડતા અખબારે ‘વિકાસના નામે વિનાશ’નાં રોદણાં રડ્યાં છે, પણ હકીકત એ પણ છે કે અરવલ્લીના સંરક્ષણ માટે મોદી સરકારે એક વિશેષ પ્રોજેક્ટ આ વર્ષથી જ અમલમાં મૂક્યો છે અને તેની ઉપર કામ ચાલી રહ્યું છે. જોરશોરથી કામ ચાલી રહ્યું છે. ભૂતકાળની સરકારોએ નહતું કર્યું એટલું આ સરકાર પર્યાવરણ માટે કરી રહી છે. પરંતુ એ જોવા માટે, જાણવા માટે મોદીવિરોધ, મોદીદ્વેષ બાજુ પર મૂકવો પડે. ગુજરાતમાં અમુક જીવાતોને 2002થી જે તકલીફ ઉપડી છે, તેમાંથી તેમને આજદિન સુધી છુટકારો મળ્યો નથી, પરિણામે થોડાથોડા વખતે કશુંક શોધી લાવીને અધૂરા જ્ઞાન સાથે કૂદી પડે છે અને અંતે ફજેતી કરાવીને ઘરભેગા થઈ જાય છે!


