દેવી આરાધના અને સાધનાનો ઉત્તમ તહેવાર નવરાત્રિ હવે અંત તરફ છે અને તેની સાથે હવે દુર્ગા સપ્તશતીના અધ્યાયોની લેખનમાળા પણ પૂર્ણ થવા જઈ રહી છે. અગાઉના 8 લેખોમાં આપણે 12 અધ્યાય વિશે વાત કરી છે, જેમાં મા જગદંબાના વિવિધ સ્વરૂપો અને તેમની શક્તિઓનો પરિચય થયો છે. (આ તમામ લેખો અહીં ક્લિક કરવાથી વાંચી શકાશે.) હવે આ લેખનમાળાનો આ નવમો લેખ છે, જેમાં અંતિમ 13મા અધ્યાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શ્રી દુર્ગા સપ્તશતી પર આધારિત અગાઉના લેખોમાં આપણે જોયું છે કે મા ભગવતીએ વિવિધ રાક્ષસો અને મહાદૈત્યોનો નાશ કર્યા પછી દેવતાઓ અતિપ્રસન્ન થયા હતા અને દેવીની આરાધના કરવા લાગ્યા હતા. ત્યારબાદ મા અંબિકાએ દેવતાઓને વરદાન આપ્યું હતું અને જગતરક્ષણનું વચન પણ આપ્યું હતું. ત્યારપછીના અધ્યાય એટલે કે અંતિમ અને 13મા અધ્યાયમાં શું ઘટનાઓ ઘટે છે, તે આ લેખમાં વાંચી શકાશે.
શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય-13 (સુરથ, વૈશ્યને વરદાન)
ઋષિ મેધાએ રાજા સુરથને કહ્યું, “રાજન! મેં તમને જગતને ધારણ કરનારા દેવીનાં ઉત્તમ માહાત્મ્યનું વર્ણન કર્યું છે. તેમનો આવો જ પ્રભાવ છે. તેઓ જ વિદ્યા (જ્ઞાન) ઉત્પન્ન કરે છે. ભગવાન વિષ્ણુનાં માયાસ્વરૂપા ભગવતી તમને, આ વૈશ્યને અને અન્ય વિવેકીઓને મોહિત કરે છે, કરી રહ્યાં છે અને ભવિષ્યમાં પણ કરશે. મહારાજ! તમે તે જ પરમેશ્વરીનાં શરણે જાઓ. તેમની આરાધના કરવાથી તેઓ મનુષ્યોને ભોગ, સ્વર્ગ અને મોક્ષ આપે છે.”
સુરથ અને વૈશ્યની તપસ્યા
માર્કંડેયજીએ ક્રૌષ્ટુકિજીને કહ્યું, “મેધા મુનિના આ વચનો સાંભળીને રાજા સુરથે ઉત્તમ વ્રતનું પાલન કરનારા તે મહર્ષિને નમન કર્યું. રાજ્યનું અપહરણ અને અત્યંત મોહથી ખિન્ન થયેલા રાજા વૈરાગ્ય પામીને વૈશ્ય સાથે તપસ્યા માટે નીકળી પડ્યા. બંને નદીના તટે જઈને જગદંબાના દર્શન માટે તપસ્યા કરવા લાગ્યા. વૈશ્યે ઉત્તમ દેવીસૂક્તના જપ કર્યા અને બંનેએ નદીકાંઠે દેવીની માટીની મૂર્તિ બનાવીને પુષ્પ, ધૂપ અને હવન વડે આરાધના શરૂ કરી. તેમણે ધીમે-ધીમે આહાર ઘટાડ્યો, પછી નિરાહાર રહીને એકાગ્રચિત્તે દેવીનું ચિંતન કર્યું. બંનેએ પોતાના શરીરના રક્તથી પ્રોક્ષિત બલિ આપી, સતત ત્રણ વર્ષ સુધી સંયમપૂર્વક આરાધના શરૂ રહી.
દેવીનું પ્રાકટ્ય અને વરદાન
રાજા સુરથ અને સમાધિ વૈશ્યની તપસ્યાથી પ્રસન્ન થઈને જગતને ધારણ કરનારા ચંડિકા દેવીએ પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું, “રાજન! અને કુળને આનંદ આપનારા વૈશ્ય! તમે જેની ઇચ્છા રાખો છો, તે માગો. હું સંતુષ્ટ છું, તેથી તમને બધું જ આપીશ.” માર્કંડેયજીએ કહ્યું, “રાજાએ બીજા જન્મમાં નાશ ન પામનારું રાજ્ય અને આ જન્મમાં શત્રુસેનાનો બળપૂર્વક નાશ કરી પોતાનું રાજ્ય પરત મેળવવાનું વરદાન માગ્યું. વૈશ્યનું ચિત્ત સંસારથી ખિન્ન અને વૈરાગ્યથી ભરેલું હતું અને તે અત્યંત બુદ્ધિમાન હતો, તેથી તેણે મોહ અને અહંકારરૂપ આસક્તિનો નાશ કરનારું જ્ઞાન માગ્યું.”
દેવીનું વરદાન અને અંતર્ધાન
દેવીએ કહ્યું, “રાજન! તું થોડા જ દિવસોમાં શત્રુઓને પરાજિત કરીને તારું રાજ્ય પાછું મેળવીશ અને ત્યાં તારું રાજ્ય સ્થિર રહેશે. મૃત્યુ પછી તું ભગવાન સૂર્યના અંશથી જન્મીને પૃથ્વી પર સાવર્ણિક મનુ તરીકે પ્રસિદ્ધ થઈશ. વૈશ્યવર્ય! તેં જે વરદાન માગ્યું છે, તે હું આપું છું. તને મોક્ષ માટે જ્ઞાન પ્રાપ્ત થશે.” માર્કંડેયજીએ કહ્યું, “આમ, બંનેને મનોવાંછિત વરદાન આપીને ભક્તિપૂર્વક કરેલી સ્તુતિ સાંભળી દેવી અંબિકા તત્કાળ અંતર્ધાન થઈ ગયાં. દેવીનાં વરદાનથી ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ સુરથ સૂર્યના અંશથી જન્મીને સાવર્ણિક નામે મનુ થયા.”
આ રીતે શ્રી માર્કન્ડેય પુરાણમાં વર્ણીત દેવી માહાત્મ્યનો અંતિમ ત્રયોદશ (તેરમો) અધ્યાય પૂર્ણ થાય છે.
દુર્ગા સપ્તશતીનો તેરમો અધ્યાય દેવીનાં માહાત્મ્યની આરાધના, તપસ્યા અને શરણાગતિ દ્વારા રાજા સુરથ અને વૈશ્યને મળેલાં રાજ્ય, જ્ઞાન અને મોક્ષનાં વરદાનો દર્શાવે છે, જે ભક્તોને દેવીની શક્તિ અને કૃપાથી ભૌતિક તથા આધ્યાત્મિક ઉન્નતિનો સંદેશ આપે છે. આવનારા લેખમાં આપણે તમામ અધ્યાયોનો ટૂંકો સાર જાણીને પૂર્ણાહુતિ કરીશું.


