Tuesday, February 25, 2025
More
    હોમપેજદેશછત્રપતિ સંભાજી મહારાજની 40 દિવસની યાતનાઓ અને ક્રૂર હત્યા બાદ મરાઠાઓએ બતાવ્યું...

    છત્રપતિ સંભાજી મહારાજની 40 દિવસની યાતનાઓ અને ક્રૂર હત્યા બાદ મરાઠાઓએ બતાવ્યું રૌદ્ર સ્વરૂપ: મહારાજ રાજારામ અને સંતાજીની રણનીતિથી ભયભીત થઈને મૃત્યુ સુધી ભાગતો રહ્યો ઇસ્લામી આક્રાંતા ઔરંગઝેબ- અહીં જાણો વધુ

    ઔરંગઝેબ પણ ભયભીત થઈને ભાગતો ફરતો હતો. તે સહ્યાદ્રીના પર્વતોમાં છુપાઈને બેસી ગયો હતો. સતત 27 વર્ષ સુધી મરાઠાઓએ ઔરંગઝેબને હાંફે ચડાવી દીધો હતો. અંતે મરાઠાઓના હાથે થઈ રહેલી મુઘલોની સતત હારના દુઃખમાં ઔરંગઝેબ તડપીને મહારાષ્ટ્રમાં જ માર્યો ગયો હતો.

    - Advertisement -

    છત્રપતિ શિવાજી મહારાજના જ્યેષ્ઠ પુત્ર ધર્મવીર છત્રપતિ સંભાજી મહારાજ (Chhatrapati Sambhaji Maharaj) પર બનેલી ફિલ્મ ‘છાવા’ (Chhaava) આજે તમામ રેકોર્ડ તોડી રહી છે. સંભાજી મહારાજના જીવનને જનમાનસ સુધી પહોંચાડવાનું કામ તે ફિલ્મે કર્યું છે. દેશભરમાં માહોલ એવો છે કે, લોકો થિયેટરમાંથી ભાવુક થઈને આંસુઓ સાથે બહાર નીકળી રહ્યા છે. સોશિયલ મીડિયાથી લઈને જમીની સ્તર સુધીની તમામ જગ્યાઓ પર સંભાજી મહારાજની ભવ્ય કીર્તિ સ્થાપિત થઈ ચૂકી છે. પણ દેશનો એક મોટો વર્ગ છત્રપતિ સંભાજી મહારાજના દેહાંત બાદ જન્મેલા મરાઠાઓના શોર્ય (Maratha bravery) વિશે હજુ પણ અજાણ છે.

    ‘હિંદવી સ્વરાજ્ય’ના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના દેહાંત બાદ ઔરંગઝેબ અને તેની મુઘલ સેના જશ્નમાં મશગુલ થઈ ગઈ હતી. કારણ કે, દક્ષિણને જીતવાનું તેનું સ્વપ્ન હવે તેને પૂર્ણ થતું દેખાય રહ્યું હતું. પરંતુ તે જ સમયે એન્ટ્રી થાય છે ધર્મવીર છત્રપતિ સંભાજી મહારાજની. સંભાજી મહારાજે મુઘલોને એટલા હેરાન અને ભયભીત કરી મૂક્યા કે, તેમનું દક્ષિણ ભારત જીતવાનું સ્વપ્ન ક્યારેય પૂર્ણ થઈ ન શક્યું. છત્રપતિ સંભાજી મહારાજના દેહાંત બાદ પણ મુઘલો ખૂબ ખુશ થયા હતા અને દખ્ખણને જીતવા માટે સાબદા થયા હતા. પરંતુ આ વખતે મરાઠાઓ મરણિયા થઈને નીકળી પડ્યા હતા.

    છત્રપતિ સંભાજી મહારાજના બલિદાન બાદ એક થઈ ગયા હતા મરાઠાઓ

    છત્રપતિ સંભાજી મહારાજને ઔરંગઝેબે 40 દિવસ સુધી ભયાનક યાતનાઓ આપી હતી અને ઇસ્લામ સ્વીકારવાનું દબાણ કર્યું હતું. પરંતુ ધર્મવીર સંભાજી મહારાજે પોતાના ધર્મનો ત્યાગ કરવાની જગ્યાએ મૃત્યુ પસંદ કર્યું હતું. છત્રપતિ સંભાજી મહારાજની નિર્મમ હત્યા બાદ મરાઠાઓ ઉકળી ઉઠયા હતા અને એક થવા લાગ્યા હતા. મહિલાઓ પણ શસ્ત્રો સાથે રણમેદાનમાં ઉતરી આવી હતી. મરાઠા સામ્રાજ્યમાં રહેલા તમામ મતભેદો દૂર થઈ ગયા હતા અને માત્ર એક જ લક્ષ્ય રહ્યો હતો- ક્રૂર ઇસ્લામી શાસક ઔરંગઝેબનો સર્વનાશ.

    - Advertisement -

    મરાઠા સામ્રાજ્યમાં અનેક વીરયોદ્ધાઓ થયા, તેમાં એક નામ હતું માલ્હોજી ધોરપડે. સંગમેશ્વરના કિલ્લામાં જ્યારે શૂરવીર છત્રપતિ સંભાજી મહારાજ પોતાના મુઠ્ઠીભર મરાઠા યોદ્ધાઓ સાથે ઔરંગઝેબના સિપહસાલાર મુકર્રમ ખાનના વિશાળ મુઘલ સૈન્ય સામે યુદ્ધ લડી રહ્યા હતા, તે જ સમયે છત્રપતિ સાથે અન્ય એક મરાઠા યોદ્ધા પણ પોતાની બહાદુરી બતાવી રહ્યા હતા. તેમનું નામ માલ્હોજી ધોરપડે હતું. આ યુદ્ધમાં મુઘલોનો સંહાર કરતા-કરતા આ વીર મરાઠા પણ વીરગતિ પામ્યા હતા. પરંતુ, મરાઠા સામ્રાજ્ય માટે તેઓ પોતાનો એક જીવંત અને સ્વાભિમાની વારસો છોડતા ગયા હતા. તે જીવંત વારસો હતો માલ્હોજીના પુત્ર સંતાજી ધોરપડે (Santaji Ghorpade).

    છત્રપતિ રાજારામનો રાજ્યાભિષેક અને સંતાજીની વીરતા

    છત્રપતિ સંભાજી મહારાજની હત્યા બાદ ઔરંગઝેબના સેનાપતિ ઝુલ્ફીકાર ખાને મરાઠા સામ્રાજ્યની રાજધાની રાયગઢ પર કબજો કરી લીધો હતો. તે દરમિયાન તેણે છત્રપતિ સંભાજી મહારાજના પત્ની યેશુબાઈ અને તેમના પુત્રને કેદ કરી લીધા હતા. ત્યારબાદ 1689માં છત્રપતિ સંભાજી મહારાજના નાના ભાઈ રાજારામ મહારાજ છત્રપતિ બન્યા હતા. તેમનો રાજ્યાભિષેક પૂર્ણ થયા બાદ મુઘલોની કમર તોડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. છત્રપતિ રાજારામ મહારાજના શાસનકાળ દરમિયાન સંતાજીને મરાઠા સામ્રાજ્યના સરસેનાપતિ ઘોષિત કરવામાં આવ્યા હતા.

    સંતાજીનો સાથ અન્ય એક મરાઠા યોદ્ધાએ આપ્યો હતો. તેમનું નામ ધનાજી જાધવ હતું. ઔરંગઝેબ અને મુઘલ સેના એવા વિચારોમાં સરી પડી હતી કે, છત્રપતિ સંભાજી મહારાજના દેહાંત બાદ મરાઠાઓનું મનોબળ તૂટી જશે, પરંતુ મનોબળ તૂટવાની જગ્યાએ મરાઠાઓ હવે ઔરંગઝેબના લોહીના તરસ્યા થઈ ગયા હતા. ‘હર હર મહાદેવ’ અને ‘જય ભવાની’ના ઉદઘોષની સાથે જ મુઘલ સેના કાંપી ઉઠતી હતી અને ખાસ તો સંતાજીની વીરતા સામે મુઘલોના મોટા-મોટા પડઘમ સિપાહીઓ પણ પાણી ભરતા હતા.

    કહેવાય છે કે, મરાઠા સામ્રાજ્યની આસપાસ આવેલી નદીઓમાં મુઘલો પોતાના ઘોડાઓને પાણી પાવા માટે પણ ઊભા નહોતા રહેતા. તેનું એકમાત્ર કારણ હતું સંતાજી. ધનાજી જાધવ સાથે મળીને સંતાજીએ લગભગ 17 વર્ષો સુધી મુઘલોને હાંફે ચડાવ્યા હતા. તેમનો એકમાત્ર ધ્યેય ઔરંગઝેબને ખતમ કરવાનો હતો. પરંતુ આ સમયગાળા દરમિયાન ઔરંગઝેબ બસ ભાગતો ફરતો હતો.

    હિંદવી સ્વરાજ્યને મજબૂત કરીને શક્તિશાળી થયું મરાઠા સામ્રાજ્ય

    છત્રપતિ સંભાજી મહારાજના દેહાંત બાદ શિવાજી મહારાજ દ્વારા સ્થાપિત હિંદવી સ્વરાજ્યમાં અરાજકતા વ્યાપી ગઈ હતી અને આખું સામ્રાજ્ય અસ્તવ્યસ થઈ ગયું હતું. ત્યારબાદ છત્રપતિ રાજારામ મહારાજે સરસેનાપતિ સંતાજીને હિંદવી સ્વરાજ્યને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. તે સમય એવો હતો કે, ન તો મરાઠા સામ્રાજ્ય પાસે મુઘલો જેટલી સેના હતી, ન તો કોઈ સંપત્તિ હતી અને ન તો વિશાળ રાજ્ય હતું. તેવા સમયે સેનાપતિ સંતાજીએ હિંદવી સ્વરાજ્યને ફરીથી જીવતું કર્યું અને મરાઠા સામ્રાજ્યના ઇતિહાસમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી.

    ઔરંગઝેબની છાવણી પર હુમલો, જીવ બચાવીને ભાગ્યો હતો ઇસ્લામી શાસક

    મહારાષ્ટ્રના લેખક બશીર કામરૂદ્દીન મોમિને પોતાના પુસ્તક ‘ભંગલે સ્વપ્ન મહારાષ્ટ્રાચે’માં ઉલ્લેખ કર્યો છે કે, ઑગસ્ટ 1689ના રોજ શ્રાવણ માસ દરમિયાન સંતાજીએ અચાનક તુલાપુરમાં હુમલો કરી દીધો હતો. ઔરંગઝેબ વિશાળ સેના સાથે તુલાપુરમાં ધામા નાખીને બેઠો હતો. આ તે જ સ્થળ હતું, જ્યાં છત્રપતિ સંભાજી મહારાજની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. સંતાજીની સાથે ધનાજી પણ આ યુદ્ધમાં સામેલ થયા હતા. બંને યોદ્ધાઓએ મુઠ્ઠીભર મરાઠાઓને લઈને ઔરંગઝેબની છાવણી પર હુમલો કરી દીધો હતો.

    આ યુદ્ધનું વર્ણન કરતા મુઘલ ‘ઇતિહાસકાર’ કાફી ખાન (મોહમ્મદ હાશિમ) લખે છે કે, તુલાપુરના યુદ્ધ બાદ સંતાજીનો ભય મુઘલ સૈનિકોમાં અરેરાટી ફેલાવી રહ્યો હતો. સંતાજીની સામે પડતો મુઘલ સૈનિક કાં તો મરી જતો હતો અથવા તો કેદ થઈ જતો હતો. સ્થિતિ એવી હતી કે, સંતાજીનું નામ સાંભળતાની સાથે જ મુઘલ સેનામાં નાસભાગ મચી જતી હતી. તુલાપુરમાં મરાઠાઓના અચાનક હુમલાથી મુઘલો જોર-જોરથી બૂમો પાડવા લાગ્યા હતા કે, ‘હુજુર, મરાઠે આ ગયે.’ એક તરફ સંતાજી મુઘલ સેનાને ધ્વસ્ત કરી રહ્યા હતા તો મુઘલ સેનાના સૈનિકો ઔરંગઝેબને બચાવવા પાછળ પડ્યા હતા.

    મરાઠાઓ મુઘલ છાવણીની અંદર સુધી ઘૂસી ગયા હતા. તેમણે મુઘલોનો એટલો નરસંહાર કર્યો હતો કે, ઔરંગઝેબ પોતાનો જીવ બચાવીને ભાગી ગયો હતો. ઔરંગઝેબ બચી તો ગયો પણ આખા મુઘલ સલ્તનતનું નાક પણ કપાવતો ગયો. ઘણા ઇતિહાસકારો એવું પણ કહે છે કે, મરાઠાઓના હુમલા સમયે ઔરંગઝેબ પોતાની દીકરીના તંબુમાં ભાગી ગયો હતો. ત્યારબાદ મરાઠાઓ ઔરંગઝેબના તંબુ પર લગાવેલા બે સુવર્ણ કળશને કાપીને સિંહગઢ તરફ નીકળી ગયા હતા.

    આ ઘટના બાદ મરાઠાઓએ રાયગઢ પર પણ હુમલો કરી દીધો હતો. ઇતિયાદ ખાનને હરાવ્યા બાદ સતત મરાઠાઓ આગળ વધી રહ્યા હતા. કહેવાય છે કે, રાયગઢમાં મુઘલ સરદાર ઝુલ્ફીકાર પણ ધામા નાખીને બેઠો હતો. આ તે જ સરદાર હતો, જેણે છત્રપતિ સંભાજી મહારાજના પત્ની યેશુબાઈને કેદ કર્યા હતા. મરાઠાઓ ઝુલ્ફીકારની સેનાને ધમરોળીને કિંમતી ખજાનો અને પાંચ હાથી પોતાની સાથે લઈને પન્હાલા પહોંચી ગયા હતા. આ રીતે ગોરિલા યુદ્ધનીતિ અપનાવીને મરાઠાઓએ મુઘલોનું પૂરું મનોબળ તોડી નાખ્યું હતું.

    હવે વારો મુકર્રમ ખાનનો હતો, જેણે છળકપટથી છત્રપતિ સંભાજી મહારાજને કેદ કર્યા હતા. મુકર્રમ ખાનને ઔરંગઝેબે મહારાષ્ટ્રના કોલ્હાપુર અને કોંકણ પ્રાંતનો સૂબેદાર નિયુક્ત કર્યો હતો. ડિસેમ્બર, 1689માં મરાઠાઓએ મુકર્રમ ખાનની સેનાને ઘેરી લીધી હતી અને મુઘલોની લાશોનો ઢગલો કરી દીધો હતો. ભયાનક યુદ્ધમાં સંતાજીએ મુકર્રમ ખાનને દોડાવી-દોડાવીને માર્યો હતો. મુકર્રમની દુર્દશા જોઈને મુઘલ સેના તેને લઈને જંગલમાં ભાગી ગઈ હતી, જ્યાં તડપી-તડપીને મુકર્રમ ખાન મર્યો હતો. મુકર્રમ ખાનને મારીને મરાઠાઓએ છત્રપતિ સંભાજી મહારાજની હત્યાનો બદલો લીધો હતો.

    મહારાષ્ટ્રમાં જ મર્યો ઔરંગઝેબ

    આ બધી ઘટનાઓ બાદ ઔરંગઝેબ પણ ભયભીત થઈને ભાગતો ફરતો હતો. તે સહ્યાદ્રીના પર્વતોમાં છુપાઈને બેસી ગયો હતો. સતત 27 વર્ષ સુધી મરાઠાઓએ ઔરંગઝેબને હાંફે ચડાવી દીધો હતો. અંતે મરાઠાઓના હાથે થઈ રહેલી મુઘલોની સતત હારના દુઃખમાં ઔરંગઝેબ તડપીને મહારાષ્ટ્રમાં જ માર્યો ગયો હતો. કહેવાય છે કે, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં તે મર્યો હતો. નોંધવા જેવું છે કે, તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે ઔરંગાબાદનું નામ બદલીને ‘છત્રપતિ સંભાજીનગર’ કરી દીધું છે.

    ઔરંગઝેબનો અંત માત્ર એક વ્યક્તિનો નહીં, પણ આખા મુઘલ સલ્તનતનો હતો. મરાઠા સામ્રાજ્યના વીરયોદ્ધાઓએ મુઘલોમાં એટલો ભય પેદા કર્યો હતો કે, ઔરંગઝેબ અંત સુધી મરાઠાઓથી ભાગતો રહ્યો અને જીવ બચાવતો રહ્યો હતો. બીજી તરફ મરાઠાઓ દિનપ્રતિદિન શક્તિશાળી બનતા જતાં હતા.

    સંદર્ભ:-

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં