તાજેતરમાં વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’નું (Chhaava) ટ્રેલર રિલીઝ થયું છે. દેશભરમાં તેની ચર્ચા ચાલી રહી છે. કારણ કે, તે ફિલ્મ ભારતીય ઇતિહાસના એ લોહિયાળ પાનાંને ઉછાળે છે, જેની ચર્ચા ભાગ્યે જ આજ સુધી થઈ છે. મરાઠા સામ્રાજ્યના મહાન રાજા છત્રપતિ સંભાજી મહારાજ (Chhatrapati Sambhaji Maharaj) પર આ ફિલ્મ (Film) બની છે. ઔરંગઝેબ અને મુઘલોના ક્રૂર શાસનમાં પણ ધર્મધ્વજની રક્ષા કરવા નીકળેલા મુઠ્ઠીભર મરાઠાઓની આ ગાથા છે. દેશભરમાં હવે સંભાજી મહારાજ વિશે જાણવાની જિજ્ઞાસા પણ વધી રહી છે. આ વિશેષ અહેવાલમાં આપણે છત્રપતિ સંભાજી મહારાજના જીવન અને ધર્મ માટેના તેમના સર્વોચ્ચ ત્યાગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
સૌથી પહેલાં તે સમજવું જરૂરી છે કે, ‘છાવા’ એટલે શું? છાવા એક મરાઠી શબ્દ છે. સિંહબાળ કે સિંહના પુત્રને ‘છાવા’ કહેવામાં આવે છે. ધર્મરક્ષક છત્રપતિ શિવાજી મહારાજના જ્યેષ્ઠ પુત્ર અને પરાક્રમી રાજા હોવાના કારણે છત્રપતિ સંભાજી મહારાજને ‘છાવા’ તરીકે ઓળખવામાં આવતા હતા. મરાઠા સામ્રાજ્યમાં જે સન્માન અને પ્રતિષ્ઠા છત્રપતિ શિવાજી મહારાજની હતી, તેવી જ પ્રતિષ્ઠા અને વીરતા સાથે સંભાજી મહારાજ પણ જીવ્યા હતા. બાળપણથી તેઓ વિદ્વાન અને કુશળ યોદ્ધા બનવા તરફ આગળ વધી રહ્યા હતા. શિવાજી મહારાજ બાદ સંભાજી મહારાજે ક્રૂર શાસક ઔરંગઝેબના તમામ મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.
મરાઠા સામ્રાજ્યના ઉદય બાદ છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના જ્યેષ્ઠ પુત્ર સંભાજી મહારાજનું શાસન હિંદુઓ માટે સુવર્ણ યુગ હતું. શિવાજી મહારાજ બાદ સંભાજીએ ભારતના મોટાભાગના વિસ્તારોને ભગવા ધ્વજ તળે લાવી દીધા હતા. આ જ કારણે ઔરંગઝેબ જેવા ક્રૂર ઇસ્લામી શાસક તેમને પકડવાના ખૂબ પ્રયાસો કરી રહ્યા હતા, પરંતુ તે સફળ થઈ શકતા નહોતા.
પ્રપંચથી પડક્યા સંભાજી મહારાજને
છત્રપતિ સંભાજી મહારાજને રણભૂમિ પર હરાવવા ઇસ્લામી આક્રાંતા ઔરંગઝેબ માટે અશક્ય હતું. તેથી તેણે છળકપટનો રસ્તો અપનાવ્યો. ઑર્ડે અન્ય તેની જેવા અન્ય ઇતિહાસકારોએ ઔરંગઝેબને કોઈ રીતે ‘દયાળુ રાજા’ તરીકે ચિતરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ ઇસ્લામી આક્રાંતાએ કઈ રીતે હિંદુ શાસકો પર અત્યાચાર કર્યો, તે વાસ્તવિકતાનો એક એવો અધ્યાય છે, જેને કોઈ કાળે ભુલાવી શકાય તેમ નથી. ઇસ્લામી ‘લેખક’ મોહમ્મદ સાકી મુસ્તૈદ ખાન દ્વારા લખવામાં આવેલા ઔરંગઝેબના અધિકૃત ઇસ્લામી જીવનચરિત્રમાં સંભાજી મહારાજની હત્યા વિશે ઘણું લખવામાં આવ્યું છે. તે પુસ્તકનું નામ હતું ‘મસીર-એ-આલમગિરી’. તે અનુસાર, છત્રપતિ સંભાજી મહારાજને છળકપટથી નિ:શસ્ત્ર પકડવામાં આવ્યા હતા, તે સમયે સંભાજી સાથે તેમના પ્રિય મિત્ર અને સલાહકાર કવિ કલશ પણ હાજર હતા.
‘Capture And Execution Of Sambha’ એક એવો અધ્યાય છે, જે ઔરંગઝેબના અમાનુષી અત્યાચારની કટ્ટરતાને દર્શાવે છે. આ અધ્યાયની શરૂઆતમાં જ લખવામાં આવ્યું છે કે, “એક સમાચાર મુસલમાનોના કાન સુધી પહોંચ્યા, જેની વર્ષોથી રાહ જોવામાં આવી રહી હતી. આખરે સંભાને પકડી પાડવામાં આવ્યા.”

તે સિવાય આ પુસ્તકમાં સંભાજી મહારાજને પકડવા માટે મોકલવામાં આવેલા સેનાપતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં કહેવાયું છે કે, “શિર્કેએ (બાતમીદાર) મુકરબ ખાનને માહિતી આપી હતી કે, સંભાજી મહારાજ પોતાના પ્રિય મિત્ર કવિ કલશ સાથે સંગમેશ્વરમાં છે. શિર્કેએ આ માહિતી સંભાજીના પારિવારિક વિવાદના પરિણામસ્વરૂપે આપી હતી.”
વધુમાં લખાયું છે કે, “મુકરબ ખાનના પુત્ર ઇખલાસ ખાને મહેલની અંદર ઘૂસીને સંભાજી મહારાજ અને કવિ કલશને વાળ પકડીને ઢસડ્યા હતા અને મહારાજના 25 મુખ્ય અનુયાયીઓ અને તમની પત્નીઓને બંદી બનાવી લેવાયા હતા.” આ સમાચાર અકલુજમાં રહેલા ઇસ્લામી બાદશાહ સુધી પહોંચ્યા હતા. જે બાદ તેણે હમદુદ્દિન ખાનને આદેશ આપ્યો કે, બંધકોને (સંભાજી મહારાજ અને કવિ કલશને) સાંકળોથી બાંધીને લાવવામાં આવે.

પુસ્તકમાં વધુમાં કહેવાયું કે, “જહાંપનાહની ઇસ્લામ પ્રત્યેની ‘શ્રદ્ધા’એ આદેશ આપ્યો કે, સંભાજીને એક લાકડાની ટોપી (અપરાધી તરીકેની નિશાની) પહેરાવવામાં આવે અને જેવા તેને છાવણીમાં લાવવામાં આવે કે તરત જ ઢોલ અને તુરહી વગાડવામાં આવે. જેથી ‘મુસલમાનો’નો હોંસલો વધે અને કાફિરોની (હિંદુઓ) હિંમત તૂટી પડે.”
બંને યોદ્ધાઓને આખી છાવણીમાં ફેરવાયા, ઔરંગઝેબે ‘અલ્લાહ’નો માન્યો આભાર
સાંકળથી બંધાયેલા છત્રપતિ સંભાજી મહારાજ અને કવિ કલશને આખી છાવણીમાં ફેરવવા માટેના આદેશ આપવામાં આવ્યા. કારણ કે, તેમને આવી સ્થિતિમાં જોઈને યુવા અને વૃદ્ધ મુસ્લિમો ‘કાફિર’ને પકડી પાડવા પર ખુશ થાય. જે બાદ સંભાજી મહારાજ અને કવિ કલશને ઔરંગઝેબની સામે લાવવામાં આવ્યા કે તરત જ ક્રૂર ઔરંગઝેબ કાલિન પર નમાજી મુદ્રામાં બેસી ગયો અને બંને હાથ ઉઠાવીને આ કામ માટે ‘અલ્લાહ’નો આભાર માન્યો. તે જ દિવસે ક્રૂર ઔરંગઝેબે બંને યોદ્ધાઓને બહાદુરગઢની કાળકોઠરીમાં નાખવાનો આદેશ આપી દીધો.
સંભાજી મહારાજ અને તેમના મિત્રને ખૂબ અપમાનિત કરવામાં આવ્યા, પરંતુ તેમની આંખોમાં હજુ પણ અગન જ્વાળાઓ હતી. ઔરંગઝેબે મરાઠા સામ્રાજ્યની ગુપ્ત માહિતી મેળવવા માટે રુહિલ્લા ખાનને સંભાજી મહારાજ પાસે મોકલ્યો હતો. પુસ્તકમાં ઉલ્લેખ છે કે, સંભાજી મહારાજના શબ્દો હતા- “હું મૃત્યુ સ્વીકાર કરીશ, પરંતુ આ નીચ વ્યક્તિને હિંદવી સ્વરાજ્યની માહિતી કોઈ કાળે નહીં આપું.” સંભાજી મહારાજની ક્રોધાગ્નિ આંખો જોઈને રુહિલ્લા ખાન હેરાન થઈ ગયો અને ઔરંગઝેબ પાસે આવી પહોંચ્યો.
ઇસ્લામ કબૂલવા માટે છત્રપતિ સંભાજી મહારાજ પર કર્યું દબાણ
રૂહિલ્લા ખાન ઔરંગઝેબ પાસે પહોંચી તો ગયો, પરંતુ સંભાજીએ કહેલા શબ્દો ઔરંગઝેબને કહી શકવા માટે હિંમત ન કેળવી શક્યો. બીજા દિવસે ઔરંગઝેબના આદેશ પર કવિ કલશની જીભ ખેંચી લેવામાં આવી અને હથિયારથી કાપી નાખવામાં આવી. થોડા જ દિવસોમાં સંભાજી મહારાજને ઇસ્લામ કબૂલવા માટેનું કહેવામાં આવ્યું. પરંતુ, સંભાજી મહારાજે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. જે બાદ ઔરંગઝેબે બંને યોદ્ધાઓની આંખોમાં ગરમ સળિયા નાખી દીધા અને આંખો ફોડી નાખી. ઔરંગઝેબે કાફિરો વિરુદ્ધ સૂચવવામાં આવેલી સૌથી ભયાનક યાતનાઓ આપી.
નખ ઉખાડ્યા, ખાલ ઉખાડી, માથાં વાઢ્યાં અને શરીરના ટુકડા કરી ફેંકી દીધા
‘પાક કિતાબ’ના આધારે ઔરંગઝેબે આદેશ આપ્યો કે, સંભાજી મહારાજને અસહ્ય ત્રાસ આપીને મારી નાખવામાં આવે. સૌપ્રથમ તો સંભાજી મહારાજ અને કવિ કલશની જીભ ખેંચી લેવામાં આવી હતી. બીજા જ દિવસે, તેમની આંખોમાં ગરમ સળિયા નાખીને અંધ કરી દેવામાં આવ્યા. આ સમય દરમિયાન, તેમને સતત કહેવામાં આવતું હતું કે, જો તેઓ ઇસ્લામ સ્વીકારે તો તેમનો જીવ બચી જશે, પરંતુ આ અપાર યાતનાઓ છતાં સંભાજી મહારાજ કહેતા હતા, “100 વાર મરીશ તોપણ ફરીથી પોતાના ધર્મમાં જ જન્મ લઈશ.”
આ ઘટના બાદ સંભાજી મહારાજ અને કવિ કલશના નખ પણ ખેંચી લેવામાં આવ્યા હતા, ધીરે-ધીરે તેમની ખાલ ઉતારવામાં આવી અને આંગળીઓ પણ એક-એક કરીને કાપી નાખવામાં આવી હતી. આ તમામ યાતના સમયે તેમને વારંવાર ઇસ્લામ કબૂલવા કહેવામાં આવ્યું, પરંતુ મહારાજાને ઇસ્લામી બર્બરતા સામે માથું ન ઝુકાવ્યું. સૌથી ભયાનક યાતનાઓ આપ્યા બાદ ઔરંગઝેબે બંને યોદ્ધાઓનાં માથાં વાઢી નાખવાના આદેશ આપ્યા અને કહ્યું કે, તેમના શરીરના ટુકડા-ટુકડા કરીને ફેંકી દેવામાં આવે. ઔરંગઝેબે આખી જિંદગી પ્રયાસ કર્યા પરંતુ તે સંભાજી મહારાજને ક્યારેય ઝુકાવી શક્યો નહીં.
મરાઠા સામ્રાજ્યના રાજાની ક્રૂર હત્યા બાદ મરાઠા છાવણીમાં વાયુવેગે આ સમાચાર પ્રસરી ગયા. આ ઘટના બાદ મરાઠાઓમાં વ્યાપક રોષ ઉભરાઇ આવ્યો અને મહિલાઓ પણ હાથમાં તલવારો લઈને સેનામાં સામેલ થવા લાગી. મરાઠાઓએ પોતાના મૃત છત્રપતિને સાક્ષી રાખીને સંકલ્પ કર્યો કે, ઔરંગઝેબને ક્યારેય દખ્ખણ જીતવા નહીં દેવાય. 27 વર્ષો સુધી કટ્ટર ઔરંગઝેબ મરાઠાઓ સાથે લડતો રહ્યો અને આખરે અહમદનગરમાં એક કીડાની જેમ તડપીને મરી ગયો.
આપણાં ઇતિહાસના પુસ્તકો આ વાસ્તવિક અને ક્રૂર ઘટનાને કાયમ છુપાવતા રહ્યા છે. પરંતુ દરેક હિંદુએ આ ઇતિહાસને જાણવાની ખૂબ જરૂર છે. દરેક હિંદુએ તે યાદ રાખવું જરૂરી છે કે, પોતાનો એક રાજા હિંદવી સ્વરાજ્ય અને ધર્મ માટે સર્વોચ્ચ બલિદાન આપવામાં પણ ખચકાયો નહોતો. સાથે હિંદુઓએ ક્રૂર ઔરંગઝેબની કટ્ટરતા અને બર્બરતાને પણ યાદ રાખવી ખૂબ જરૂરી છે.
સંદર્ભ:-
- મસીર-એ-આલમગિરી- સાકી મુસ્તૈદ ખાન
- ‘ઔરંગઝેબનો ઇતિહાસ’- સર જદુનાથ સરકાર
- Advanced Study In The History Of Modern India 1707-1813– જસવંતલાલ મહેતા
- Encyclopaedia of Indian Events & Dates- એસબી ભટ્ટાચાર્જી