Wednesday, May 8, 2024
More
    હોમપેજગુજરાત'મારી ભૂલ હું સ્વીકારું છું, પણ મોદી સાહેબ સામે આક્રોશ શા માટે?':...

    ‘મારી ભૂલ હું સ્વીકારું છું, પણ મોદી સાહેબ સામે આક્રોશ શા માટે?’: પરષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ- સમજણનો નવો સેતુબંધ બાંધવા પ્રયાસ કરીએ

    પરષોત્તમ રૂપાલાએ વિનંતી કરતાં કહ્યું કે, "મારી ભૂલ છે, હું સ્વીકારવા તૈયાર છું. મારા કારણે મોદી સાહેબ સામે આખા ક્ષત્રિય સમાજને ઊભો કરવામાં આવે તે યોગ્ય નથી. નરેન્દ્રભાઈ આજે વિશ્વના નેતા છે. આપણાં દેશના નેતા છે."

    - Advertisement -

    રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. તે અંગે રૂપાલાએ જાહેર મંચ પરથી બેવાર માફી પણ માંગી લીધી છે. તેમ છતાં કોઈ નિવેડો આવી શકયો નથી. તેવામાં ફરી એકવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજને વિનંતી કરી છે. તેમણે વિનંતી સાથે જણાવ્યું છે કે, તેમની ભૂલને કારણે PM મોદી સામે રોષ ન થવો જોઈએ. સાથે તેમણે ક્ષત્રિયોના રાષ્ટ્ર નિર્માણ અને પાર્ટી નિર્માણના યોગદાનને પણ યાદ કર્યું હતું. તેમણે વિનંતી કરી છે કે, ક્ષત્રિય સમાજ વડાપ્રધાન મોદી સામે આક્રોશ વ્યક્ત ન કરે. તેમણે કહ્યું કે, સમજણનો નવો સેતુબંધ બાંધીને પ્રયાસ કરવામાં આવવો જોઈએ.

    જસદણ ખાતેના એક ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને જાહેર મંચ પરથી વિનંતી કરી છે. આ પહેલાં પણ તેમણે જાહેર મંચ પરથી જ બેવાર ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી છે. તેમણે કહ્યું કે, “મારે સમસ્ત ગુજરાત રાજ્યના ક્ષત્રિય સમાજના આગેવાનોને આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે, ભૂલ કરી હતી તે મેં કરી હતી. તેની મેં જાહેરમાં માફી પણ માંગી લીધી છે. કારણ કે, મારો તેવો ઇરાદો નહોતો. સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજે મને તેનો પ્રતિસાદ પણ આપ્યો. પણ મોદી સાહેબની સામે શા માટે?”

    તેમણે કહ્યું કે, “ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે, તમે તમારા યોગદાનને યાદ કરો. આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું ખૂબ મોટું યોગદાન છે. પાર્ટીના વિકાસની અંદર પણ તમારું ખૂબ મોટું યોગદાન છે. નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન ભારત સિવાય કોઈ વાત વિચારતા નથી. 18-18 કલાક કામ કરે છે. દેશ સિવાય અન્ય કોઈ વિષયની વાત નથી કરતા. 140 કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માને છે.”

    - Advertisement -

    ‘મારા કારણે મોદી સાહેબ સામે રોષ શા માટે?’

    પરષોત્તમ રૂપાલાએ વિનંતી કરતાં કહ્યું કે, “એમના (PM મોદીના) સાથી તરીકે ક્ષત્રિય સમાજના હું કેટલાય આગેવાનોનાં નામ લઈ શકું છું. મારા કારણે એમની સામે રોષ શા માટે? મારી ભૂલ છે, હું સ્વીકારવા તૈયાર છું. મારા કારણે મોદી સાહેબ સામે આખા ક્ષત્રિય સમાજને ઊભો કરવામાં આવે તે યોગ્ય નથી. નરેન્દ્રભાઈ આજે વિશ્વના નેતા છે. આપણા દેશના નેતા છે. હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે, આપ સૌ મોદી સાહેબ સામેના આ આક્રોશને લઈને પુનર્વિચાર કરો. સમાજના આગેવાનો સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવાનો આપણે પ્રયાસ કરીએ. આ હું ચૂંટણી માટે નથી કહેતો. સમાજ જીવનના તાણાવાનાને સ્પર્શતો આ વિષય છે. તેને રાજકારણથી દૂર રાખવાનો પ્રયાસ ક્ષત્રિય સમાજ અવશ્ય કરશે. એવી વિનંતી છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં