Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાત‘રૂપાલાએ સાચા હૃદયથી માફી માંગી લીધી છે, તેમને માફ કરી દેવાશે તેવો...

    ‘રૂપાલાએ સાચા હૃદયથી માફી માંગી લીધી છે, તેમને માફ કરી દેવાશે તેવો વિશ્વાસ’: ગૃહમંત્રી અમિત શાહના નિવેદનથી સ્થિતિ સ્પષ્ટ, કહ્યું- 26માંથી 26 બેઠકો જીતીશું

    તેમણે ઇન્ડિયા ટીવી સાથે વાતચીત દરમિયાન પણ રૂપાલા વિવાદ મુદ્દે જવાબ આપ્યો. તેમણે કહ્યું, “રૂપાલાજીએ બહુ સ્પષ્ટતા સાથે, અસંદિગ્ધ રીતે માફી માંગી લીધી છે અને હું માનું છું કે તેમને માફ કરી દેવામાં આવશે.”

    - Advertisement -

    ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે. ગુરુવારે (18 એપ્રિલ) તેમણે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતી તમામ વિધાનસભાઓમાં એક પછી એક રોડ શો યોજ્યા, જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. પછીથી રાત્રે તેમણે અમદાવાદના વેજલપુરમાં એક સભા પણ સંબોધિત કરી. રોડ શો દરમિયાન તેમણે અનેક મીડિયા ચેનલો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા વિરુદ્ધના આંદોલનને લઈને પણ જવાબ આપ્યા. 

    ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં જ્યારે પૂછવામાં આવ્યું કે રાજકોટમાં પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, તેમના મત મુજબ તેની અસર ચૂંટણીમાં જોવા મળશે કે કેમ? જેના જવાબમાં ગૃહમંત્રી શાહે કહ્યું કે, “તમે આ લોકોની સંખ્યા જુઓ, રૂપાલાજીએ માફી માંગી લીધી છે. સાચા હૃદયથી માફી માંગી છે. હું નથી માનતો કે હવે આની ચૂંટણીમાં વધુ અસર થશે. જનતા મોદીજીની સાથે છે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ચૂંટણીમાં NDA 400+ બેઠકો સાથે સરકાર બનાવશે.  

    આ સિવાય તેમણે ઇન્ડિયા ટીવી સાથે વાતચીત દરમિયાન પણ રૂપાલા વિવાદ મુદ્દે જવાબ આપ્યો. તેમણે કહ્યું, “રૂપાલાજીએ બહુ સ્પષ્ટતા સાથે, અસંદિગ્ધ રીતે માફી માંગી લીધી છે અને હું માનું છું કે તેમને માફ કરી દેવામાં આવશે.”

    - Advertisement -

    નોંધવું જોઈ કે રાજકોટ લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજા-રજવાડાં વિશે આપેલા એક નિવેદનને લઈને ગુજરાતનો ક્ષત્રિય સમાજ તેમનો વિરોધ કરી રહ્યો છે અને ટીકીટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જેને લઈને રાજકોટમાં એક સંમેલન પણ યોજાઈ ગયું. જોકે, પરષોત્તમ રૂપાલા એક નહીં પણ બે વખત માફી માંગી ચૂક્યા છે. પરંતુ સમાજ તેમની ઉમેદવારી પરત ખેંચવાની માંગ પર અડગ છે. 

    બીજી તરફ, પરષોત્તમ રૂપાલા ફોર્મ ભરી ચૂક્યા છે, પરંતુ રાજપૂત સમાજને આશા છે કે 22 એપ્રિલ પહેલાં તેઓ ફોર્મ પરત ખેંચી લેશે. જો ફોર્મ પરત નહીં ખેંચાય તો સમાજે રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જોકે, ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ ઘણીખરી સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે અને પરષોત્તમ રૂપાલા જ ચૂંટણી લડશે તેવું લગભગ નક્કી છે.

    જોકે, હાલ આંદોલન ઠંડુ પડી ગયું છે અને બીજી તરફ સંકલન સમિતિ અને અમુક અગ્રણીઓ વચ્ચે જ વિખવાદ જોવા મળી રહ્યો છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 19 એપ્રિલ અને પરત ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ છે. 7 મેના રોજ ગુજરાતની 26 બેઠકો પર મતદાન યોજાશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં