Saturday, May 4, 2024
More
    હોમપેજમિડિયા‘જય શ્રીરામ બોલવાની ના પાડનારા મુસ્લિમ યુવક પર હુમલો’: દિવ્ય ભાસ્કરે ભ્રામક...

    ‘જય શ્રીરામ બોલવાની ના પાડનારા મુસ્લિમ યુવક પર હુમલો’: દિવ્ય ભાસ્કરે ભ્રામક હેડલાઈન સાથે છાપ્યા સમાચાર, પણ હકીકત સાવ જુદી- ફેક્ટચેક

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટમાં દાવો- જય શ્રીરામના નારા લગાવવાની ના પાડતાં હિંદુઓએ મુસ્લિમ યુવકને માર માર્યો. પરંતુ ઑપઇન્ડિયાના ફેક્ટચેકમાં તદ્દન જુદી હકીકત સામે આવી.

    - Advertisement -

    3 ઓક્ટોબર, 2023ના રોજની અખબાર ‘દિવ્ય ભાસ્કર’ની અમદાવાદ આવૃત્તિમાં એક સમાચાર છપાયા છે. ‘જય શ્રીરામ બોલવાની ના પાડનારા યુવક પર ચપ્પા, દંડાથી 4નો હુમલો’ શીર્ષક હેઠળ પ્રકાશિત આ સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદના માધવપુરા વિસ્તારમાં એક મુસ્લિમ યુવકને ચાર હિંદુ યુવકોએ ‘જય શ્રીરામ’ના નારા લગાવવા માટે દબાણ કર્યું અને બોલવાની ના પાડતાં જીવલેણ હુમલો કરી દીધો હતો. 

    રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, મૂળ ઉત્તરપ્રદેશનો વતની 20 વર્ષીય યુવક અલી તાલિબ હુસૈન અને તેનો ભાઈ મોહંમદ શહેરોજ તાલિબ હુસૈન અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રહે છે. અલી હુસૈને પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં કહ્યું કે, 1 ઓક્ટોબરના રોજ રજાના દિવસે સાંજે તે ઘરે હતો ત્યારે તેના ભાઈ મોહંમદ શેહરોજે આવીને તેને કહ્યું હતું કે, ત્રણ-ચાર માણસોએ તેની સાથે ઝઘડો કર્યો અને તેને મારવા માટે આવ્યા છે. 

    દિવ્ય ભાસ્કરનો 3 ઓક્ટોબર, 2023નો રિપોર્ટ (સાભાર- દિવ્ય ભાસ્કર વેબસાઈટ)

    રિપોર્ટમાં આગળ જણાવ્યા અનુસાર, અલીએ નીચે જઈને જોતાં ચાર માણસો ઊભા હતા, તેમની પાસે છરા, ચપ્પુ, પાઈપ અને દંડા હતા. ભાસ્કરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે આ ચારેયે મુસ્લિમ યુવકો પર હુમલો કરી દીધો હતો જેમાં મોહંમદ શેહરોજને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને બીજી તરફ તેના ભાઈ અલીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

    - Advertisement -

    દિવ્ય ભાસ્કરે રિપોર્ટમાં લખ્યું છે કે, અલી હુસૈને પોલીસ સામે નિવેદન આપ્યું હતું કે ચારેય માણસોએ તેના ભાઈ શેહરોજને જય શ્રીરામ બોલવા માટે કહ્યું હતું અને તેણે ના પાડી દેતાં હુમલો કરી દીધો હતો. 

    આ જ રિપોર્ટને શૅર કરીને પોતાને ‘પત્રકાર’ ગણાવતા એક ચેતન પગીએ ટ્વિટર પર આડકતરી રીતે હિંદુઓને ટાર્ગેટ કર્યા. તેમણે લખ્યું કે, ‘વોટ્સએમ યુનિવર્સિટીના ડિગ્રીધારીઓ જ્યારે પ્રેક્ટિસ શરૂ કરે છે…’ 

    શું છે હકીકત? તે જાણવા ઑપઇન્ડિયા પોલીસ સુધી પહોંચ્યું

    આમ તો દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ પોતે જ પોતાની હેડલાઈનનું ‘ફેક્ટચેક’ કરવા માટે પૂરતો છે, જેમાં અંતિમ બે લીટીમાં લખવામાં આવ્યુ છે કે, પોલીસને ચારેય યુવકોની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ રસ્તા પરથી ‘જય શ્રીરામ’ના નારા લગાવતા નીકળ્યા હતા અને મુસ્લિમ યુવક એવું સમજ્યો હતો કે આ લોકોએ તેને કહ્યું છે, જેથી ઝઘડો થયો હતો. પરંતુ તેમ છતાં ઑપઇન્ડિયાએ ઊંડાણપૂર્વક તપાસ કરીને હકીકત જાણવાના પ્રયાસ કર્યા. જેમાં પોલીસ અધિકારીના નિવેદને દિવ્ય ભાસ્કરના રિપોર્ટની પોલ ખોલી નાખી!

    ઑપઇન્ડિયાએ માધુપુરા પોલીસ મથકના પીઆઇ આઈ. એન ધાસુરાનો સંપર્ક કર્યો, જેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે હિંદુ યુવકો દ્વારા કોઇને ‘જય શ્રીરામ’ બોલવા માટે દબાણ કરવામાં આવ્યું હોય તેવું કશું જ નથી અને ગુજરાતી ન સમજી શકતા પરપ્રાંતીય યુવકને ગેરસમજ થઈ હોવાના કારણે આખો બનાવ બન્યો હતો. 

    હિંદુ યુવકોએ એકબીજાને સંબોધન કર્યું હતું, મુસ્લિમ યુવકે ગેરસમજ કરીને ઝઘડો કર્યો હતો

    પોલીસ અધિકારીએ અમને સમગ્ર બનાવની વિગતો આપી. તેમણે જણાવ્યું કે, બે (હિંદુ) યુવકો ત્યાંથી નીકળતા હતા ત્યારે રસ્તાની બાજુમાં જ એક મુસ્લિમ યુવક પણ ઉભો હતો. દરમ્યાન, હિંદુ યુવકોએ સામાન્ય રીતે સંબોધન કરતાં કોઈ અન્ય વ્યક્તિને ‘જય શ્રીરામ’ કહ્યું હતું. પરંતુ મુસ્લિમ યુવક ઉત્તર પ્રદેશનો હિન્દીભાષી છે અને તેને લાગ્યું કે હિંદુ યુવકોએ તેને કહ્યું હતું. આ ગેરસમજના કારણે વિવાદ થયો હતો.

    મુસ્લિમ યુવકે ગેરસમજ કરીને ઝઘડો કરતાં બંને પક્ષે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને પક્ષે જૂથો ભેગાં થઈ ગયાં હતાં અને સામસામા ઝઘડામાં એકને છરી વાગી ગઈ હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોઇ એક યુવકને ટાર્ગેટ કરીને ‘જય શ્રીરામ’ બોલવા માટે દબાણ કરવામાં આવ્યું હોય અને ત્યારબાદ મૉબ લિન્ચિંગ થયું હોય તેવું આ ઘટનામાં કશું જ નથી અને આ પ્રકારના દાવા ખોટા અને પાયાવિહોણા છે.

    આ સાથે પોલીસ અધિકારીએ એમ પણ જણાવ્યું કે સાંપ્રદાયિક શાંતિને ખલેલ પહોંચે તે પ્રકારની માહિતી ફેલાવવી જોઈએ નહીં કે આવી અફવાઓમાં પણ લોકો ન આવી જાય તેવી તેમણે અપીલ કરી હતી. 

    અહીં નોંધવા જેવી બાબત એ પણ છે કે મુસ્લિમ યુવકે પોતાને ‘જય શ્રીરામ’ ન કહેવા બદલ માર મારવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો, જેની ઉપર પોલીસની તપાસ થવાની હજુ બાકી હતી. પરંતુ તેમ છતાં જાણે ઘટના સાચી જ હોય અને જેવી ફરિયાદ કે આરોપ છે તેમ જ બન્યું હોય તે રીતે સમાચાર આપવામાં આવ્યા, જે ભ્રામક છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં