Saturday, March 28, 2026
More
    હોમપેજદેશમનરેગાની જગ્યાએ હવે લાગુ થશે 'વિકસિત ભારત-જી રામ જી યોજના': સંસદમાં બિલ...

    મનરેગાની જગ્યાએ હવે લાગુ થશે ‘વિકસિત ભારત-જી રામ જી યોજના’: સંસદમાં બિલ રજૂ કરશે મોદી સરકાર, વાંચો શું બદલાશે

    નવી યોજના મનરેગાની તુલનામાં એક મોટું પરિવર્તન છે. તેમાં રોજગાર, પારદર્શિતા, યોજના નિર્માણ અને જવાબદેહી – ચારેય સ્તરે સંરચનાત્મક નબળાઈઓને દૂર કરવામાં આવી છે. સૌથી મોટો બદલાવ રોજગારની ગેરંટીમાં છે, જેને 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે.

    - Advertisement -

    મોદી સરકાર ગ્રામીણ રોજગારની દિશામાં એક મોટા પરિવર્તનની તૈયારી કરી રહી છે. લગભગ 20 વર્ષ જૂના MGNREGAની (મહાત્મા ગાંધી નેશનલ રૂલર એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ’) જગ્યાએ હવે એક આધુનિક યોજના લાવવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેનું નામ છે ‘Viksit Bharat- Guarantee For Rozgar and Ajeevika Mission (Gramin). આ બિલને સંક્ષિપ્તમાં VB- G RAM G-2025’ (વિકસિત ભારત-જી રામ જી) તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. 

    આ બિલને સંસદમાં રજૂ કરવામાં આવશે અને તેના આધારે ગ્રામીણ રોજગાર ઊભો કરવા માટે નવેસરથી યોજના શરૂ કરવામાં આવશે. સરકાર આ બિલને ‘વિકસિત ભારત 2047’ના દીર્ઘકાલિન લક્ષ્ય સાથે જોડીને જોઈ રહી છે. આ બિલ હેઠળ ગ્રામીણ સમાજમાં રહેતા શ્રમિકોને લાભ મળશે અને રોજગારીની કાનૂની ગેરંટી પણ મળશે. 

    મનરેગાથી આગળ કેમ વધવા માંગે છે સરકાર?

    મનરેગા યોજનાને વર્ષ 2005માં લાગુ કરવામાં આવી હતી, જ્યારે ગ્રામીણ ભારતની સામાજિક-આર્થિક સ્થિતિ આજ કરતાં ઘણી અલગ હતી. તે સમયે ગરીબી હતી, ડિજિટલ માળખું નબળું હતું અને ગ્રામીણ રોજગારની તકો મર્યાદિત હતી. છેલ્લા દાયકામાં પરિસ્થિતિ બદલાઈ છે. સરકારી આંકડાઓ અને ઉપભોગ સર્વેક્ષણો મુજબ ગ્રામીણ ગરીબીમાં ઝડપી ઘટાડો આવ્યો છે, ડિજિટલ ચુકવણી, આધાર ઓળખ અને માળખાગત સુવિધાનો મોટો વિસ્તાર થયો છે.

    - Advertisement -

    સરકારની દલીલ છે કે મનરેગાનું માળખું આજની જરૂરિયાતોને અનુરૂપ રહ્યું નથી અને તેની માંગ આધારિત ખુલ્લી વ્યવસ્થામાં પારદર્શિતા, પરિસંપત્તિની ગુણવત્તા અને જવાબદેહી સાથે જોડાયેલી ગંભીર સમસ્યાઓ સામે આવી છે. 

    જોકે, મનરેગામાં પછીના વર્ષોમાં અનેક સુધારા કરવામાં આવ્યા હતા, જેમ કે મહિલાઓની ભાગીદારી વધારવી, આધાર સાથે જોડાયેલા શ્રમિકોની સંખ્યામાં વૃદ્ધિ, ડિજિટલ ચૂકવણી અને જીયો-ટૅગિંગ. તેમ છતાં નાણાંનો દુરુપયોગ, હાજરી પ્રણાલીને નેવે મૂકવી અને પરિસંપત્તિઓની ગુણવત્તા સાથે જોડાયેલી સમસ્યાઓ ચાલુ રહી હતી. આ સંરચનાત્મક સમસ્યાઓને કારણે એક નવી યોજનાની જરૂરિયાત પડી હતી. 

    અનેક રાજ્યોમાં તપાસ દરમિયાન નકલી કામો, નિયમોનું ઉલ્લંઘન અને નાણાંના દુરુપયોગના કેસો સામે આવ્યા હતા. 2024–25માં વિવિધ રાજ્યોમાં ₹193.67 કરોડનો કૌભાંડ નોંધાયો હતો. કોરોના મહામારી પછી માત્ર 7.61 ટકા પરિવારો જ 100 દિવસનો રોજગાર પૂરો કરી શક્યા હતા. આ બધાં કારણોથી સ્પષ્ટ થયું કે માત્ર નાના સુધારા પૂરતા નથી. 

    વિકસિત ભારત-જી રામ જી બિલ 2025 શું છે?

    વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) અધિનિયમ, 2025ને મનરેગાનો એક આધુનિક અને સંરચનાત્મક વિકલ્પ ગણાવવામાં આવી રહ્યો છે. આ કાયદો ગ્રામીણ પરિવારોને રોજગારની કાનૂની ગેરંટી આપે છે, પરંતુ તેની સાથે જ ટકાઉ અને ઉપયોગી ગ્રામીણ પરિસંપત્તિઓના નિર્માણ પર ખાસ ભાર મૂકે છે. આ યોજના હેઠળ દરેક ગ્રામીણ પરિવારને (જેના વયસ્ક સભ્યો શ્રમ કરવા માટે સ્વૈચ્છિક રીતે તૈયાર હોય) વર્ષમાં 125 દિવસની શ્રમ આધારિત રોજગારની ગેરંટી આપવામાં આવશે. 

    આ નવી યોજનાની એક મોટી વિશેષતા એ છે કે તેમાં કામોને વિખરાયેલી રીતે નહીં, પરંતુ ચાર સ્પષ્ટ પ્રાથમિક ક્ષેત્રોમાં કેન્દ્રિત કરવામાં આવ્યાં છે. આ ક્ષેત્રોમાં જળ સુરક્ષા સાથે જોડાયેલા કામો, મુખ્ય ગ્રામીણ માળખાકીય સુવિધા, આજીવિકા સાથે સંબંધિત માળખું અને હવામાનની ઘટનાઓનો સામનો કરવા માટેના વિશેષ કામો સામેલ છે. સરકારનું કહેવું છે કે તેનાથી માત્ર અસ્થાયી રોજગાર જ નહીં મળે, પરંતુ ગામોમાં લાંબા સમય સુધી ઉપયોગી થનારી પરિસંપત્તિઓ પણ તૈયાર થશે. 

    ગ્રામીણ અર્થવ્યવસ્થા પર પણ થશે અસર

    VB–G RAM G Act હેઠળ ગ્રામ પંચાયતોને કેન્દ્રમાં રાખવામાં આવી છે. દરેક પંચાયતને વિકસિત ગ્રામ પંચાયત યોજના બનાવવી પડશે, જેમાં સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ કામોની ઓળખ કરવામાં આવશે. આ યોજનાઓને રાષ્ટ્રીય સ્તરની સ્થાનિક અને ઇન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત પ્રણાલીઓ, જેમ કે પીએમ ગતિશક્તિ સાથે જોડવામાં આવશે. તેનાથી પહેલી વાર ગ્રામીણ રોજગાર યોજનાને એક સમન્વિત રાષ્ટ્રીય વિકાસ રણનીતિનો ભાગ બનાવવામાં આવી રહ્યો છે.

    સરકારનો દાવો છે કે આ નવી યોજના ગ્રામીણ અર્થતંત્રને અનેક સ્તરે મજબૂત કરશે. જળ સાથે જોડાયેલા કામોથી સિંચાઈ અને ભૂજળમાં સુધારો થશે. સડકો, સંપર્ક અને અન્ય માળખાકીય સુવિધાઓથી બજાર સુધીની પહોંચ સરળ બનશે. ભંડારણ અને ઉત્પાદન સાથે જોડાયેલા માળખાથી ખેડૂતો અને ગ્રામીણ ઉદ્યમીઓને ફાયદો થશે. સાથે જ 125 દિવસની રોજગાર ગારંટીથી ગામોમાં આવક અને વપરાશ વધશે, જેનાથી પલાયનમાં ઘટાડો થવાની આશા છે. 

    ખેડૂતો અને શ્રમિકો માટે શું બદલાશે? 

    નવી યોજનામાં ખેડૂતોની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. રાજ્યોને અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ વાવણી અને લણણીના વ્યસ્ત સમયમાં મહત્તમ 60 દિવસની અવધિ માટે જાહેર કામોને રોકી શકે છે, જેથી ખેતરોમાં શ્રમિકોની અછત ન પડે. તેનાથી કૃષિ કામો દરમિયાન મજૂરીમાં કૃત્રિમ વધારો પણ નહીં થાય. જળ અને સિંચાઈ સાથે જોડાયેલા કામોને કારણે ખેતીની ઉત્પાદકતા અને જળ ઉપલબ્ધતામાં સુધારો થવાની વાત પણ કહેવામાં આવી રહી છે.

    ગ્રામીણ શ્રમિકો માટે સૌથી મોટો બદલાવ રોજગારના દિવસોમાં વધારો છે. 100 દિવસની જગ્યાએ હવે 125 દિવસની ગેરંટી આપવામાં આવશે. ડિજિટલ હાજરી, આધાર આધારિત ઓળખ અને સીધી એકાઉન્ટમાં ચૂકવણી જેવી વ્યવસ્થાઓ ચાલુ રહેશે, જેનાથી મજૂરીની ચોરી પર અંકુશ લાગશે. જો કોઈ પરિવારને કામ ઉપલબ્ધ ન કરાવવામાં આવે તો બેરોજગારી ભથ્થું આપવું રાજ્યોની કાનૂની જવાબદારી રહેશે.

    ફંડિંગ મોડેલમાં બદલાવ, પારદર્શી બનશે યોજના

    મનરેગાની માંગ આધારિત ફંડિંગની જગ્યાએ નવી યોજનામાં માનક આધારિત એટલે કે નોર્મેટિવ ફંડિંગ મોડેલ અપનાવવામાં આવશે. સરકારનું કહેવું છે કે તેનાથી બજેટ ફાળવણી વધુ સરળ બનશે અને યોજનાનું વધુ સારું વ્યવસ્થાપન થઈ શકશે. જોકે રોજગારની કાનૂની ગેરંટી ચાલુ રહેશે અને વિશેષ પરિસ્થિતિઓમાં, જેમ કે પ્રાકૃતિક આફતોના સમયે, વધારાના સંસાધનો ઉપલબ્ધ કરાવી શકાશે.

    VB–G RAM G Actમાં પારદર્શિતા અને નિરીક્ષણ માટે અનેક નવી વ્યવસ્થાઓ ઊભી કરાશે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ફ્રોડ ડિટેક્શન સિસ્ટમ, રીઅલ-ટાઇમ ડૅશબોર્ડ, સાપ્તાહિક જાહેર ખુલાસા અને દરેક ગ્રામ પંચાયતમાં વર્ષમાં બે વાર ઑડિટ સામેલ છે. કેન્દ્ર અને રાજ્ય સ્તરે સંચાલન સમિતિઓ બનાવવામાં આવશે, જેથી જવાબદેહી સુનિશ્ચિત થઈ શકે. 

    કેન્દ્ર અને રાજ્યોની શું ભૂમિકા હશે?

    નવી યોજનાને કેન્દ્રીય ક્ષેત્રની યોજનાને બદલે કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે લાગુ કરવાનો પ્રસ્તાવ છે. સામાન્ય રાજ્યો માટે ખર્ચની ભાગીદારી 60:40 રહેશે (કેન્દ્રની ભાગીદારી 60 ટકા અને રાજ્યની ભાગીદારી 40 ટકા રહેશે), જ્યારે પૂર્વોત્તર અને હિમાલયી રાજ્યો માટે 90:10ની જોગવાઈ હશે (કેન્દ્રની ભાગીદારી 90 ટકા અને રાજ્યની ભાગીદારી 10 ટકા રહેશે). જે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભા નથી ત્યાં પૂરો ખર્ચ કેન્દ્ર વહન કરશે. સરકારનો દાવો છે કે તેનાથી રાજ્યોની ભાગીદારી વધશે અને દુરુપયોગ પર અંકુશ લાગશે.

    VB–G RAM G Act, 2025ને લઈને સરકારનું કહેવું છે કે, આ મનરેગાને ખતમ કરવા કરતાં વધુ તેને એક નવા યુગમાં લઈ જવાનો પ્રયાસ છે. બિલ સંસદમાં આવ્યા પછી તેના પર રાજકીય ચર્ચા પણ તીવ્ર થવાની સંભાવના છે.

    મનરેગાથી કેમ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ નવી યોજના?

    નવી યોજના મનરેગાની તુલનામાં એક મોટું પરિવર્તન છે. તેમાં રોજગાર, પારદર્શિતા, યોજના નિર્માણ અને જવાબદેહી – ચારેય સ્તરે સંરચનાત્મક નબળાઈઓને દૂર કરવામાં આવી છે. સૌથી મોટો બદલાવ રોજગારની ગેરંટીમાં છે, જેને 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે, તેનાથી ગ્રામીણ પરિવારોની આવક સુરક્ષા વધશે.

    જ્યાં મનરેગા હેઠળ કામો અનેક શ્રેણીઓમાં વિખરાયેલા હતા અને કોઈ સ્પષ્ટ રાષ્ટ્રીય રણનીતિ નહોતી, ત્યાં નવી યોજના ચાર પ્રકારના કામો પર કેન્દ્રિત છે, જેથી ટકાઉ પરિસંપત્તિઓ બને અને જળ સુરક્ષા, ગ્રામીણ માળખાગત સુવિધા, આજીવિકા તથા જળવાયુ અનુકૂલનને પ્રત્યક્ષ સમર્થન મળે.

    આ ઉપરાંત, ગ્રામ પંચાયતો દ્વારા પોતે તૈયાર કરવામાં આવતી ‘વિકસિત ગ્રામ પંચાયત યોજનાઓ’ અનિવાર્ય કરવામાં આવી છે, જેને PM ગતિ-શક્તિ જેવા રાષ્ટ્રીય લોકલ પ્લાનિંગ સિસ્ટમ્સ સાથે જોડવામાં આવશે. તેનાથી સ્થાનિક જરૂરિયાતો અને રાષ્ટ્રીય લક્ષ્યો વચ્ચે વધુ સારો તાલમેલ બનેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં