ત્રીજા કાર્યકાળનું પહેલું વર્ષ પૂરું થાય એ પહેલાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર એક મોટો અને અગત્યનો સુધારો કરવા જઈ રહી છે અને હવે એ અંતિમ તબક્કામાં છે. છેક ઑગસ્ટ 2024માં સરકારે સંસદમાં રજૂ કરેલું વક્ફ સુધારા બિલ (Waqf Amendment Bill) JPCમાં જઈને ફરી સંસદમાં આવ્યું અને હવે બુધવારે (2 એપ્રિલ) ચર્ચા માટે મૂકાયું છે. પક્ષ-વિપક્ષ ચર્ચા કરે પછી મતદાન માટે મૂકાશે અને બહુમતી મળી તો પસાર થઈ જશે.
નવા વક્ફ બિલને લઈને ઘણું લખાયું. તેમાં શું મૂળ સુધારા કરવામાં આવ્યા છે, કઈ જોગવાઈઓ બદલાઈ છે, વક્ફનું સંચાલન કેટલુંક બદલાશે એ બધી ચર્ચાઓ આવશ્યક છે અને થઈ પણ રહી છે. પણ એક મુદ્દા પર ઓછું ધ્યાન ગયું એ છે કે વક્ફ એક્ટ, 1995નો ખંડ 40, જે સંભવતઃ સૌથી વધુ વિવાદાસ્પદ હતો અને સરકારે નવા સંશોધનમાં આ આખા એક્ટને ધરમૂળમાંથી ઉખાડી ફેંક્યો છે.
વાસ્તવમાં આ સેક્શન 40 વક્ફ બોર્ડને અમાપ શક્તિઓ પ્રદાન કરતો હતો. જોગવાઈ એવી હતી કે બોર્ડને જો લાગે કે કોઈ સંપત્તિ વક્ફ સંપત્તિ છે તો દાવો ઠોકી શકતું હતું અને જે-તે સંપત્તિના માલિકને નોટિસ પાઠવી શકતું હતું. એ માલિકે પછીથી સાબિત કરવાનું રહેતું કે તેની સંપત્તિ વક્ફ સંપત્તિ નથી. ત્યારપછી પણ જો વક્ફ બોર્ડને લાગે કે તેનો ખુલાસો યોગ્ય નથી અને સંપત્તિ વક્ફની છે, તો તેઓ તેને વક્ફ સંપત્તિ ઘોષિત કરી શકતા અને આ નિર્ણયનું મૂલ્યાંકન એકમાત્ર વક્ફ ટ્રિબ્યુનલ દ્વારા જ થઈ શકતું. જો ટ્રિબ્યુનલ પણ વક્ફ બોર્ડનો દાવો યથાવત રાખે તો પછી તેમાં કશું થઈ શકે એમ ન હતું. નવા સુધારામાં આ ખંડને તિલાંજલિ આપી દેવામાં આવી છે. આ લેખમાં થોડું વિગતવાર જોઈએ.

વક્ફ એક્ટ, 1995નો સેક્શન 40 કહે છે કે, જો વક્ફ બોર્ડને લાગે કે કોઈ સંપત્તિ વક્ફ સંપત્તિ છે તો તે પોતાની રીતે તે સંપત્તિ વિશે માહિતી એકઠી કરી શકે છે અને તે સંપત્તિ વકફ સંપત્તિ છે કે નહીં કે પછી સન્ની વક્ફ છે કે શિયા વક્ફ તેવો પ્રશ્ન ઉદભવે તો તે તપાસ બાદ જે-તે પ્રશ્નનું સમાધાન કરી શકે છે.
આગળ વાંચો– ઉપર કહ્યું એ બાબતોમાં બોર્ડનો નિર્ણય અંતિમ ગણાશે. અપવાદ એક જ કિસ્સામાં કે વક્ફ ટ્રિબ્યુનલ તેને રદ કરે કે તેમાં સુધારો કરે.
આ સિવાય, જો કોઈ સંપત્તિ ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ, 1882 અથવા તો સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ, 1860 કે અન્ય કોઈ પણ એક્ટ હેઠળ નોંધવામાં આવી હોય પણ જો વક્ફ બોર્ડને લાગે કે તેમની પાસે જે-તે સંપત્તિને વક્ફ સંપત્તિ ઘોષિત કરવાનું પર્યાપ્ત કારણ છે, તો તેઓ આ કાયદા જે કહેતા હોય એ, તેને ધ્યાનમાં લીધા વગર તપાસ કરી શકે છે અને જો તપાસ બાદ બોર્ડને લાગે કે આ સંપત્તિ વક્ફ સંપત્તિ છે તો તેઓ ટ્રસ્ટ કે સોસાયટીને નોટિસ મોકલી શકે અને કાં તો સંપત્તિને વક્ફ એક્ટ હેઠળ નોંધી શકે અથવા તો તેને કેમ ન નોંધી શકાય એ બાબતનો ખુલાસો જે-તે ટ્રસ્ટ પાસેથી માંગી શકે છે.
આ બધા પછી વક્ફ બોર્ડને લાગે કે સંપત્તિ તેમની છે, તો તેઓ આદેશ પસાર કરીને સંપત્તિ નામે કરી શકે. અહીં પણ, તેનો આદેશ એકમાત્ર ટ્રિબ્યુનલ જ રદ કરી શકે કે તેમાં ફેરફાર કરી શકે. જો તેમ ન કરે તો એ અંતિમ ગણાય.
સરકારે રદ કર્યો આખો સેક્શન
ખંડ વાંચીને જ ખ્યાલ આવી જાય કે તત્કાલીન કોંગ્રેસ સરકારે વક્ફને કેટલી શક્તિઓ આપી હતી. કોઈ પણ સંપત્તિ, ભલે તે કોઈ એક્ટ હેઠળ નોંધાયેલી હોય, તેને વક્ફ માત્ર ‘પોતાને લાગે’ એટલાં કારણોસર વક્ફ સંપત્તિ જાહેર કરી શકે અને તેની પ્રક્રિયાઓ પણ તદ્દન પોલી. નોટિસ પાઠવવામાં આવે, જવાબ માંગવામાં આવે અને જો ‘સંતોષકારક’ ન લાગે તો સંપત્તિ વક્ફ સંપત્તિ ઘોષિત કરી દેવામાં આવે. બીજું કશું જ નહીં. કોર્ટમાં પણ જઈ ન શકાય. ટ્રિબ્યુનલ જવું પડે અને ટ્રિબ્યુનલે જો બોર્ડનો આદેશ યથાવત રાખ્યો તો પછી કશું જ થઈ શકે એમ ન હતું. સંપત્તિ વક્ફ સંપત્તિ ઘોષિત કરી દેવામાં આવે.
નવા કાયદામાં સરકાર આ સેક્શનમાં કોઈ સુધારા કરવાની માથાકૂટમાં પડી નથી, પણ સીધો ખંડ જ ઉડાવી દેવામાં આવ્યો છે. મોદી સરકારના વક્ફ સંશોધન બિલ, 2024માં ક્લોઝ 20 કહે છે કે, ‘સેક્શન 40 ઑફ ધ પ્રિન્સિપલ એક્ટ (પ્રિન્સિપલ એક્ટ એટલે 1995નો મૂળ કાયદો) શેલ બી ઓમિટેડ. ગુજરાતીમાં– ‘મૂળ કાયદાનો ખંડ 40 હટાવી દેવામાં આવશે.’

અહીં અતિમહત્વની વાત એ છે કે બિલ જ્યારે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) સમક્ષ મોકલવામાં આવ્યું ત્યારે JPCએ તેની ઉપર વિગતવાર ચર્ચા કરી. તમામ વક્ફ બોર્ડના અભિપ્રાયો લેવામાં આવ્યા, મંત્રાલયને સાંભળવામાં આવ્યું, ઉપરાંત અન્ય હિતધારકોના પણ મત લેવામાં આવ્યા. પરંતુ તમામ ચર્ચાઓ પછી સમિતિએ પણ એ ઠેરવ્યું કે વક્ફની શક્તિઓ પર નિયંત્રણ જરૂરી છે અને યોગ્ય પ્રક્રિયાઓ બાદ વક્ફ સંપત્તિનું સંચાલન થાય એ માટે આ ખંડ દૂર થવો જરૂરી છે. JPCએ પણ સરકારના મૂળ બિલમાં સેક્શન 40 દૂર કરવાની જોગવાઈ હતી એને યથાવત રાખી છે.
કોણ સમર્થનમાં, કોણ વિરોધમાં?– ચર્ચાઓ શું થઈ?
કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય આ સેક્શન દૂર કરવાના પક્ષમાં જણાવે છે કે, તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે વક્ફને યોગ્ય પ્રક્રિયાઓના પાલન બાદ ઘોષિત કરવામાં આવે. જોકે ગુજરાત વક્ફ બોર્ડ સહિત ઘણાં રાજ્યોનાં બોર્ડ આ નિર્ણયની વિરુદ્ધમાં હતાં. જોકે અમુક સમર્થનમાં પણ જોવા મળ્યાં.
ગુજરાત વક્ફ બોર્ડની દલીલ હતી કે આ સુધારાના કારણે બોર્ડના ‘હકો’ અને ‘અધિકારો’ને અસર પહોંચશે. MP બોર્ડે સુધારો સૂચવ્યો કે ખંડ રાખવામાં આવે પણ તેમાં ‘જો બોર્ડ પાસે તમામ કાયદાકીય દસ્તાવેજો ઉપલબ્ધ હોય તો’– એ બાબત ઉમેરી દેવામાં આવે તો બીજી સમસ્યા નહીં રહે. મહારાષ્ટ્ર બોર્ડનું કહેવું હતું કે આ ખંડ દૂર કરવામાં આવે તો ટ્રિબ્યુનલ પર કામનું ભારણ વધશે અને તેમના કામ પર પણ અસર થશે. તમિલનાડુ બોર્ડનું માનવું હતાઓ કે આ ખંડ દૂર કરવા માટે યોગ્ય તર્ક કે કારણ આપવામાં આવ્યાં નથી. કર્ણાટક વક્ફ બોર્ડે દલીલ કરી કે આ સુધારાથી બંધારણના આર્ટિકલ 25 અને 26નું ઉલ્લંઘન થશે. કેરળ બોર્ડે કહ્યું કે આ સુધારો બિનજરૂરી છે અને તેનાથી ન્યાયિક મામલાઓમાં જ વધારો થશે.
રાજસ્થાન બોર્ડની દલીલ હતી કે સેક્શન 40 વક્ફ બોર્ડને કોઈ વધારાની શક્તિ આપતો નથી અને તમામ પ્રક્રિયાઓ કાયદાકીય રીતે જ થાય છે. UP વક્ફ બોર્ડે પણ સેક્શન રાખવાના પક્ષમાં દલીલો કરી અને અમુક સુધારા સૂચવ્યા, જેમાં ટ્રિબ્યુનલ સાથે કોર્ટને પણ સત્તા આપવા માટે જોગવાઈ કરવાનું સૂચન કરવામાં આવ્યું. બંગાળ વક્ફ બોર્ડની દલીલ હતી કે આ સુધારાથી વક્ફના કેરેટકર પર હુમલો ગણાશે અને સેક્શન 40 રદ કરવામાં ન આવવો જોઈએ. બિહાર બોર્ડની દલીલો હતી કે આ સુધારો વક્ફને મળેલા રક્ષણની વિરુદ્ધ છે. એકમાત્ર ત્રિપુરા બોર્ડને આ સુધારો કરવા સામે કોઈ વાંધો ન હતો.
JPCને અન્ય હિતધારકો તરફથી જે સૂચનો પ્રાપ્ત થયાં હતાં તેની ઉપર નજર કરીએ.
એક દલીલ એવી કરવામાં આવી કે અગાઉની સચર કમિટી અને JPCએ ઠેરવ્યું હતું કે ઘણી વક્ફ સંપત્તિઓ પર અતિક્રમણ કરવામાં આવ્યું છે. (યાદ રહે, વક્ફે અતિક્રમણ નથી કર્યું પણ વક્ફની સંપત્તિઓ પર અતિક્રમણ કરવામાં આવ્યું! છે ને મજાની વાત!) પરંતુ બિલના આ સુધારામાં વક્ફ બોર્ડને સંપત્તિની ઓળખ કરવાનો અને તેને પરત મેળવવાનો અધિકાર જ લઈ લેવામાં આવ્યો છે, જેથી એ અત્યંત નુકસાનકારક છે અને સુધારો રદ થવો જોઈએ.
એક દલીલ એવી થઈ કે આ જોગવાઈનો દુરુપયોગ થાય છે કે નહીં તે નક્કી કરવાનું કામ ટ્રિબ્યુનલ કે કોર્ટ પર છોડી દેવું જોઈએ. બીજાં ઘણાં સ્ટેચ્યુટરી (કાયદાથી સ્થાપિત) બોર્ડ આ પ્રકારે નિર્ણય લેતાં હોય છે, પણ અહીં વક્ફ બોર્ડને કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે- આવી પણ એક દલીલ કરવામાં આવી.
બીજી તરફ, સંશોધનના સમર્થનમાં જણાવવામાં આવ્યું કે, આ સેક્શન આપખુદ અને ગેરબંધારણીય છે અને તેનાથી વક્ફ બોર્ડને અમાપ શક્તિઓ મળી જાય છે, જેની ઉપર નિયંત્રણ જરૂરી છે. દલીલમાં કહેવામાં આવ્યું કે, આ ખંડના કારણે વક્ફ બોર્ડને ટ્રસ્ટ અને સોસાયટી એક્ટમાં નોંધાયેલી સંપત્તિ પર પણ કબજો મેળવવાનો અધિકાર મળી જાય છે, જે ગેરબંધારણીય છે. ઉપરાંત, જેની સંપત્તિ પર દાવો કરવામાં આવ્યો હોય તે સુરક્ષા મેળવવા માટે ક્યાંય જઈ શકતો પણ નથી. વક્ફ સંપત્તિ ખરેખર વક્ફ છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર માત્ર સિવિલ કોર્ટનો જ હોવો જોઈએ, કોઈ બોર્ડનો નહીં. દલીલોમાં કહેવામાં આવ્યું કે, વક્ફ બોર્ડને સેક્શન 40 હેઠળ જે અધિકારો આપવામાં આવ્યા હતા એ સ્વચ્છંદી છે અને ન્યાયના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે.

તમામ દલીલો અને અભિપ્રાયોને ધ્યાનમાં લઈને JPC પોતાના રિપોર્ટમાં જણાવે છે કે, વક્ફ બોર્ડની અમાપ શક્તિઓ પર નિયંત્રણ મેળવવા માટે સેક્શન 40 રદ થવો જરૂરી છે. તેના કારણે બોર્ડ સંપત્તિ પર દાવો તો કરી શકશે, પણ યોગ્ય નિયમોનું પાલન કરવું પડશે અને મનફાવે એ રીતે કોઈ પણ સંપત્તિ વક્ફ સંપત્તિ ઘોષિત કરી શકશે નહીં. સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે આ સેક્શન રદ થવાથી વક્ફ પાસે જે ગેરબંધારણીય શક્તિઓ હતી એ જ નાબૂદ કરવામાં આવી રહી છે, બાકી સંપત્તિ પર દાવો તો કરી જ શકાશે. પણ તે યોગ્ય કાયદાકીય પ્રક્રિયા દ્વારા સાબિત કરવો પડશે.
અંતે સમિતિએ ઠેરવ્યું કે, તમામ હિતધારકો અને લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા મુદ્દાઓને ધ્યાને લેતાં સમિતિ એ નિષ્કર્ષ ઉપર પહોંચે છે કે બોર્ડની શક્તિઓ પર નિયંત્રણ મેળવીને વક્ફ યોગ્ય કાયદાકીય પ્રક્રિયાના પાલન બાદ ઘોષિત થાય તે સુનિશ્ચિત કરવા માટે મૂળ કાયદાના ખંડ 40ને રદ કરવામાં આવે એ ન્યાયોચિત રહેશે. જેથી આ સુધારો યથાતથ સ્થિતિમાં સ્વીકારવામાં આવે છે.
JPCએ જે સંશોધિત બિલ રજૂ કર્યું છે તેમાં પણ મોદી સરકારે કરેલા સુધારાને એ જ સ્થિતિમાં ઉલ્લેખિત કરવામાં આવ્યો છે. જેથી બિલ પસાર થયા બાદ એક્ટ બનતાંની સાથે જ સેક્શન 40 ભૂતકાળ બની જશે. વક્ફ બોર્ડની ગેરબંધારણીય, આપખુદ અને એકપક્ષીય નીતિવાળી શક્તિઓ પર લગામ લગાવવાના પ્રયાસના ભાગરૂપે લાવવામાં આવેલું આ બિલ એક્ટ બને તો એ મોદી સરકારની આ એક મોટી સફળતા હશે.
(તમામ તસવીરો સૌજન્ય: JPCના વક્ફ સંશોધન બિલ પરના રિપોર્ટમાંથી)