- Advertisement -
શનિવારે (1 ફેબ્રુઆરી) કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું છે. મોદી સરકારે મધ્યમવર્ગના લાભ માટે તૈયાર કરેલ આ બજેટમાં અનેક ક્ષેત્રોના વિકાસ માટે ઘણી યોજનાઓનો ઉલ્લેખ છે. જેમાં કૃષિ, આરોગ્ય, શિક્ષણ, કાયદો અને વ્યવસ્થા, નાણાં, વેપાર, માળખાગત સુવિધાઓ અને ઘણું બધું સામેલ છે.
કૃષિ
- મોદી સરકારે ‘ધન ધાન્ય કૃષિ યોજના‘ની જાહેરાત કરી છે, જેનો અમલ રાજ્યો સાથે ભાગીદારીમાં કરવામાં આવશે. આ યોજનાનો લાભ 1.7 કરોડ ખેડૂતોને મળશે.
- મૂલ્યવર્ધન અને પ્રોસેસિંગ વધારવા માટે બિહારમાં ‘મખાના બોર્ડ’ના ગઠનની પણ જાહેરાત કરવામાં આવી છે.
- ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) હેઠળ લોન મર્યાદા હાલના ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી છે.
- ખેડૂતોને લાભ આપવા માટે, આસામમાં 12.7 લાખ મેટ્રિક ટન યુરિયા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે.
- મોદી સરકારે ઉત્પાદનમાં આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવા માટે કઠોળ માટે ‘આત્મનિર્ભર મિશન’ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.
- ‘રાષ્ટ્રીય ખાદ્ય તેલીબિયાં મિશન’ના માધ્યમથી ભારતના ખાદ્ય તેલ બજારને પણ મજબૂત બનાવવામાં આવશે.
- ખેડૂતોની આવક વધારવા માટે બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેકની સ્થાપના કરવામાં આવશે.
આરોગ્ય
- મોદી સરકારે ભારતમાં હેલ્થકેર સિસ્ટમમાં સુધારો કરવા માટે નાણાકીય વર્ષ 2025-2026ના બજેટમાં ₹98,311 કરોડ ફાળવ્યા છે.
- ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટીવ (PLI) યોજના માટે ₹2,445 કરોડ ફાળવ્યા છે.
- સરકારે જાહેરાત કરી છે કે, દેશમાં 200 કેન્સર સેન્ટર સ્થાપિત કરવામાં આવશે.
- 36 જીવનરક્ષક દવાઓ પર બેઝિક કસ્ટમ ડ્યુટીથી (BCD) પણ મુક્તિ આપી છે.
ટેક્સેશન
- મોદી સરકારે ₹12લાખ સુધીની આવક પર ચૂકવવાપાત્ર ટેક્સ ‘શૂન્ય’ કરીને મધ્યમ વર્ગને નોંધપાત્ર રાહત આપી છે.
- હવેથી ટેક્સપેયરો બે ઘરોને સેલ્ફ ઓક્યુપાઈડ તરીકે દર્શાવીને ટેક્સમાં રાહત મેળવી શકશે. પહેલાં આ સુવિધા માત્ર એક જ ઘર માટે ઉપલબ્ધ હતી.
- સ્ત્રોત પર કર કપાત (TDS) અને સ્ત્રોત પર કર વસૂલાત (TCS) બંનેને તર્કસંગત બનાવવા માટે એક નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે.
કાયદો અને વ્યવસ્થા
- મોદી સરકારે હાલના કાયદાઓની 100થી વધુ જોગવાઈઓને ગુનાહિત શ્રેણીમાંથી મુક્ત કરવા માટે જન વિશ્વાસ 2.0 બિલ રજૂ કરવાની જાહેરાત કરી છે.
નાણાકીય વ્યવસ્થા
- બેંકોને સ્વ-સહાય જૂથો માટે ‘ગ્રામીણ ક્રેડિટ સ્કોર’ જાળવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી નાણાકીય સુલભતા વધુ સારી રીતે સુનિશ્ચિત કરી શકાય.
- ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને (FDI) પ્રોત્સાહન આપવા માટે એક મોડેલ દ્વિપક્ષીય રોકાણ સંધિ બનાવશે.
- વીમામાં FDI મર્યાદા 74% થી વધારીને 100% કરવામાં આવી છે.
વેપાર
- મોદી સરકારે નિકાસમાં નોન-ટેરિફ અવરોધોનો સામનો કરવા માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને (MSME) સમર્થન આપવાની ખાતરી આપી છે.
- બજેટ 2025માં સૂક્ષ્મ ઉદ્યોગો માટે ‘ક્રેડિટ ગેરંટી કવર’ ₹5 કરોડથી વધારીને ₹10 કરોડ કરવાની પણ જોગવાઈ છે.
- સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે ફંડ ઑફ ફંડ્સને (FoF) ₹9 લાખ કરોડથી વધુની પ્રતિબદ્ધતા મળી છે.
- મોદી સરકારે ‘મેક-ઇન-ઇન્ડિયા’ યોજના હેઠળ ફૂટવેર અને ચામડાના ઉદ્યોગોને વેગ આપવા અને ટકાઉ રમકડાંનું ઉત્પાદન કરવાની યોજનાઓની જાહેરાત કરી છે.
- પ્રાઇવેટ-પબ્લિક પાર્ટનરશિપથી (PPP) ચાલતા માળખાગત પ્રોજેક્ટ્સ માટે ₹1.5 લાખ કરોડના ખર્ચની જાહેરાત કરવામાં આવી છે.
- ‘ઇન્ડિયા પોસ્ટ’ને એક મુખ્ય જાહેર લોજિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન તરીકે વિકસાવવામાં આવશે. જે ગ્રામીણ વિકાસ માટે ઉત્પ્રેરક સાબિત થશે.
- જહાજ નિર્માણને લઈને નાણાં પૂરા પાડવા માટે ₹25,000 કરોડના ભંડોળ સાથે મેરીટાઇમ ડેવલપમેન્ટ ફંડની સ્થાપના કરવામાં આવશે.
શિક્ષણ અને નોકરીઓ
- મોદી સરકારે સ્પેસિફાઇડ ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી ₹10 લાખ સુધીની શિક્ષણ લોન પર ‘ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ’ (TCS) દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
- પીએમ રિસર્ચ ફેલોશિપ યોજના હેઠળ IIT અને IIScમાં ટેકનોલોજીકલ સંશોધન અને નવીનતા માટે 10,000 ફેલોશિપની જાહેરાત.
- સરકારે 10,000 વધારાની મેડિકલ સીટો ઉમેરવાની જાહેરાત કરી છે. આગામી 5 વર્ષમાં મેડિકલ સીટોમાં 75,000નો વધારો કરવાનો લક્ષ્યાંક પણ છે.
- શિક્ષણમાં AI સેન્ટર ઑફ એક્સિલન્સ માટે ₹500 કરોડ ફાળવવામાં આવ્યા છે.
- સરકાર યુવાનોના કૌશલ્ય વર્ધન માટે 5 નેશનલ સેન્ટર ઑફ એક્સિલન્સ સ્થાપશે.
- બધી માધ્યમિક શાળાઓ બ્રોડબેન્ડ કનેક્શનથી સજ્જ હશે.
- સરકાર આગામી 5 વર્ષમાં શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સ (ATLs) સ્થાપશે.
- પીએમ સ્વનિધિ યોજના હેઠળ ગિગા વર્કર્સને લોન સુવિધાઓ અને વીમો પૂરો પાડશે અને ઈ-શ્રમ પોર્ટલ દ્વારા ઓળખ કાર્ડ જારી કરશે. આ સુવિધાનો લાભ 1 કરોડ ગિગ વર્કર્સને મળશે.
ટુરિઝમ
- મોદી સરકાર સંબંધિત રાજ્ય સરકારો સાથે મળીને 50 પર્યટન સ્થળો વિકસાવવામાં મદદ કરશે.
- સરકાર ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરશે અને ભારતમાં મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપશે.
- સરકારે દેશમાં હોમસ્ટે માટે મુદ્રા લોનમાં પણ વધારો કર્યો છે.
- 4 કરોડ મુસાફરોની જરૂરિયાતો પૂરી કરવા અને તેમને 120 સ્થળો સાથે જોડવા માટે એક નવી ઉડાન યોજના શરૂ કરવાની ખાતરી આપી છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર
- બિહારના મિથિલા ક્ષેત્રમાં પશ્ચિમ કોસી નહેર પ્રોજેક્ટ માટે સરકારે નાણાકીય સહાયની ખાતરી આપી છે.
- શહેરોને વિકાસ કેન્દ્રોમાં પરિવર્તિત કરવા માટે ₹1 લાખ કરોડનું અર્બન ચેલેન્જ ફંડ બનાવવામાં આવશે.
- જળ જીવન મિશનને 100% સફળ કરવા માટે આ મિશનને 2028 સુધી લંબાવવામાં આવ્યું છે. જેનો હેતુ દરેક ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડવાનો છે.
ઉર્જા
- ક્લીન એનર્જી માટે સરકારે 2047 સુધીમાં 100 ગીગાવોટ (GW) પરમાણુ ઉર્જા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
- સ્મોલ મોડ્યુલર રિએક્ટરના સંશોધન અને વિકાસ પર ₹20,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
- Advertisement -