નાણામંત્રી નિર્મલા સીતારમણે (Niramala Sitharaman) બજેટની (Budget) જાહેરાત કરી દીધી છે. જેમાં ગિગ વર્કર્સ (Gig Workers) માટે આગામી સમયમાં મળવાની સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ શબ્દ કોવિડ પછી ખૂબ પ્રચલિત થયો છે. ન માત્ર ભારતમાં પરંતુ સમગ્ર વિશ્વમાં આ ગિગ વર્કર્સની ચર્ચાઓ થઈ રહી છે. તથા વર્તમાન સમયમાં ગિગ વર્કર્સની માંગ પણ ઘણી છે. અત્યાર સુધી આ લોકો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું નહોતું, જોકે હવે સરકારે તેમના પર ધ્યાન આપીને તેમને પણ અમુક સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે.
નોંધનીય છે કે, ગિગ વર્કર્સ અર્થવ્યસ્થાનો મહત્વપૂર્ણ ભાગ છે. વર્તમાનમાં ગિગ ઈકોનોમી નામનો એક શબ્દ પણ પ્રચલિત થઈ રહ્યો છે. આજે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે, ગિગ વર્કર્સ કોને કહેવાય? ગિગ ઈકોનોમી એટલે શું? વર્તમાનમાં ગિગ વર્કર્સની શું પરિસ્થિતિ છે તથા બજેટમાં સરકારે તેમની માટે કઈ સુવિધાઓની જાહેરાતો કરી છે.
સરકારે બજેટમાં આપેલી સુવિધાઓ
છેલ્લા કેટલાય સમયથી આવા કર્મચારીઓ માટે કોઈ ચોક્કસ સુરક્ષા નીતિ લાવવાની માંગ થઈ રહી હતી. ત્યારે આ માંગ પર વિચાર કરીને વર્તમાન સરકાર આવા વર્કર્સ માટે નવી યોજનાની શરૂઆત કરવાની છે. ત્યારે બજેટ 2025-26માં, મોદી સરકારે ગિગ વર્કર્સને મોટી રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે, ગિગ વર્કર્સની નોંધણી માટે એક પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે.
આ માટે ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવ્યા પછી, આવા કર્મચારીઓને માન્યતા મળશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે વર્ષ 2021માં અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે રાષ્ટ્રીય ડેટાબેઝ, ઈ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું હતું. જે અસંગઠિત કામદારોનો પ્રથમ રાષ્ટ્રીય ડેટાબેઝ છે, જેમાં સ્થળાંતર કામદારો, બાંધકામ કામદારો, ગિગ અને પ્લેટફોર્મ કામદારો વગેરેનો સમાવેશ થાય છે. શ્રમકાર્ડ યોજના અંતર્ગત, 60 વર્ષની ઉંમર પછી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને દર મહિને ₹3,000 પેન્શન આપવાની જોગવાઈ છે.
𝐔𝐧𝐢𝐨𝐧 𝐁𝐮𝐝𝐠𝐞𝐭 𝟐𝟎𝟐𝟓
— All India Radio News (@airnewsalerts) February 1, 2025
A Social Security Scheme for welfare of online platform workers. Gig workers, of online platforms who bring dynamism to the new-age services economy, will be recognized by the government. They will receive identity cards and be registered on the… pic.twitter.com/IPo1prZRzV
આ ઉપરાંત આંશિક અપંગતાના કિસ્સામાં ₹2,00,000નો મૃત્યુ વીમો અને ₹1,00,000ની નાણાકીય સહાયની જોગવાઈ છે. જો ઈ-શ્રમ કાર્ડ ધરાવતો અસંગઠિત ક્ષેત્રનો કાર્યકર અકસ્માતને કારણે મૃત્યુ પામે છે, તો તેના/તેણીના જીવનસાથીને તમામ લાભો આપવામાં આવશે. આ સાથે સરકાર આ કર્મચારીઓને આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે પણ ઘણા પ્રયાસો કરશે. આ ઉપરાંત ગિગ વર્કર્સને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને આપણે AB-PMJAY પણ કહીએ છીએ તેનો પણ લાભ મળશે.
ગિગ વર્કર્સ એટલે શું?
ગિગ વર્કર્સ અથવા ગિગકર્મચારીઓ કાયમી નોકરી પર કામ કરતા હોતા નથી, તેઓ પોતાના કામના કલાકો જાતે નક્કી કરે છે. આમાં એવા લોકોનો સમાવેશ થાય છે, જેઓ કરાર પર સ્વતંત્ર રીતે એટલે કે ફ્રીલાન્સ કામ કરે છે. આમાં ઓનલાઈન પ્લેટફોર્મ, ડિલિવરી સેવાઓ, ટેક્સી સેવાઓ, કોલ પર સમારકામનું કામ અને ઘણી અન્ય સેવાઓ પર કામ કરતા લોકોનો સમાવેશ થાય છે. આજકાલ ભારતમાં આ ક્ષેત્રમાં કામ કરતા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જે લોકો ફૂડ ડિલિવરી કરે છે અથવા ઓલા ઉબેર જેવી ટેક્સી ચલાવે છે તેમને ગિગ વર્કર કહેવામાં આવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતમાં ગિગ વર્કર્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આનું કારણ ઓનલાઈન વ્યવસાયમાં ઝડપી વૃદ્ધિ છે. ઓનલાઈન ફૂડ પ્લેટફોર્મ અને ડ્રાઇવિંગ જેવા કામદારોમાં આ કામદારોની સંખ્યા ઘણી વધારે છે, પરંતુ તેમાંથી મોટાભાગના લોકો ઓનલાઈન શોપિંગ વસ્તુઓની ડિલિવરી સાથે સંકળાયેલા છે.
ગિગ ઈકોનોમી કે ગિગ અર્થતંત્ર એટલે શું?
ગિગ ઈકોનોમીમાં વ્યક્તિને સ્વતંત્ર રીતે કામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. અહીં નોકરી આપનાર, જેને એગ્રીગેટર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના પર નોકરી આપનાર વ્યક્તિ તરીકેની કોઈ જવાબદારી રહેતી નથી, તે તેનું કામ ગિગ વર્કરને સોંપીને છૂટ્ટો થઈ જાય છે. ગિગ વર્કર તરીકે કામ કરતા કર્મચારી અને કંપની વચ્ચે એક કરાર છે. આ કરાર હેઠળ કર્મચારીએ કંપનીના કોલ પર કામ કરવાનું હોય છે. કંપની ગિગ વર્કરને ફક્ત આ કામ માટે જ પૈસા ચૂકવે છે. આ કર્મચારીઓને કંપનીના કાયમી કર્મચારીઓની જેમ પગાર, ભથ્થાં, વીમા વગેરેના લાભ મળતા નથી. આ ઉપરાંત મોટાભાગની કંપનીઓ નોકરીદાતા તરીકેની જવાબદારીઓમાંથી બચવા માટે કોન્ટ્રાક્ટ બેસ પર નોકરીએ રાખતા હોય છે.
કયાંથી આવ્યો ગિગ શબ્દ?
‘ગિગ’ શબ્દ જાઝ સંગીતકારો દ્વારા પ્રસિદ્ધિમાં આવ્યો છે. 1920ના અરસામાં જાઝ સંગીતકારોએ અને તેમની ટીમે એન્ગેજમેન્ટ શબ્દને ટૂંકો કરવા માટે ગીગીંગ શબ્દ પ્રયોજવાનું શરૂ કર્યું. એટલે કે પૈસા લઈને છૂટક કામ કરતા લોકો. એક વાર છૂટક કામ કરતા લોકો માટે આ શબ્દનો ઉપયોગ થયા બાદ તે વિશ્વભરમાં પ્રસિદ્ધ બન્યો હતો.
ભારતમાં કેટલા પ્રમાણમાં છે ગિગ વર્કર્સ?
વર્તમાનમાં લગભગ 9.9 મિલિયનથી વધુ લોકો ગિગ વર્કર તરીકે કામ કરી રહ્યા છે, જે સંખ્યા 2029-30 સુધી 23 મિલિયનને પાર જવાની શક્યતા છે. એક અહેવાલ અનુસાર, 2.7 મિલિયન વર્કર રિટેલ અને વેચાણ સંબંધિત ક્ષેત્રમાં રોકાયલા છે. આ સિવાય ઓલા, ઉબેર જેવા ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં 1.3 મિલિયન, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 0.6 મિલિયન, ફાઈનાન્સ તથા ઇન્શ્યોરન્સ સર્વિસમાં 0.6 મિલિયન અને 2.5 મિલિયન લોકો ઇ-કોમર્સ સાથે સંકળાયેલ વેબસાઈટસ એટલે કે ડિલીવરી કરવાના કામમાં રોકાયેલ છે.
ગિગ વર્કર્સ કરી રહ્યા છે મુશ્કેલીઓનો સામનો
નોંધનીય છે કે ગિગ વર્કર્સના કામ કરવાના કલાકો નિશ્ચિત હોતા નથી. જેના કારણે ક્યારેક ડિલીવરીનું કામ કરતા કે કેબ-કે ઓટો ડ્રાઈવર તરીકે કામ કરતા લોકો 14 કલાકથી વધુ કલાકો કામ કરતા હોય છે. આ સિવાય ઝોમેટો, સ્વિગી જેવી ફૂડ ડિલીવરી એપમાં 10-15 મિનીટમાં ડિલીવરીની ગેરંટીના કારણે ટાર્ગેટ મેટ કરવા માટે જીવનું જોખમ વધી જતું હોય છે. જો ડિલીવરી કરવામાં મોડું થાય તો તેમના વેતનમાંથી પૈસા કપાતા હોય છે, આ સિવાય ગ્રાહક દુર્વ્યવહારનો પણ સામનો કરવો પડતો હોય છે. ઘણીવાર રસ્તાઓ પર આપણે પણ જોઈ શકીએ છીએ કે, ડિલીવરીનું કામ કરતા લોકો કેટલી ઉતાવળે ડ્રાઈવિંગ કરતા હોય છે.
આ સિવાય રોજના કામનું રોજ વેતન મળતું હોવાના કારણે તેઓ રજા લેવામાં પણ ખચકાટ અનુભવતા હોય છે. તેમની પાસે પગાર સ્લીપ હોતી નથી, પ્રોવિડન્ટ ફંડ નથી કપાતો, ગ્રેજ્યુઈટી નથી મળતી, વીમો નથી મળતો આ ઉપરાંત પગાર સ્લીપ ન હોવાના કારણે ક્રેડિટ કાર્ડ કે લોન પણ મળી શકતી નથી. આ સિવાય ઘણી કંપનીઓ આવા વર્કર્સ પાસેથી નિશ્ચિત કલાકો કરતા વધુ કલાકો કામ કરાવતી હોય છે અને એવી દલીલ આપે છે કે, જેટલું કામ કરાવીએ એટલું વેતન પણ આપીએ છીએ.
ગિગ વર્કર માટેના કાયદા
શ્રમ સંહિતા, 2019માં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રો સહિતના ગિગ વર્કર્સ માટે સાર્વત્રિક લઘુત્તમ વેતનની જોગવાઈ છે.
સામાજિક સુરક્ષા સંહિતા, 2020 ગિગ વર્કર્સને એક નવી વ્યાવસાયિક શ્રેણી તરીકે માન્યતા આપે છે.