શનિવારે (1 ફેબ્રુઆરી) નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-26 માટેનું વાર્ષિક બજેટ લોકસભામાં રજૂ કર્યું અને જેની સાથે જ મધ્યમવર્ગમાં આનંદ-આનંદ છવાઈ ગયો છે. કારણ છે નવા ટેક્સ સ્લેબ અને ₹12 લાખ સુધીની આવક પર આવક વેરામાંથી મુક્તિ. નાણાંમંત્રીએ બજેટ ભાષણમાં જ એલાન કર્યું કે હવે વાર્ષિક ₹12 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ઇન્કમ ટેક્સ ભરવો પડશે નહીં.
મધ્યમવર્ગ માટે આ એક બહુ મોટી ઘોષણા છે અને રાહત પણ મોટી છે. દેશભરમાં હાલ આ ચર્ચાનો વિષય છે. પણ આ ચર્ચા સાથે એક પ્રશ્ન પણ છે કે જો ₹12 લાખ સુધી કોઈ ટેક્સ ભરવાનો ન હોય તો પછી ટેક્સ સ્લેબમાં ₹12 લાખની આવક નીચે પણ બે સ્લેબ જોવા મળે છે, એનું શું કારણ છે.
પહેલાં જૂના-નવા ટેક્સ સ્લેબની ચર્ચા કરીએ.
પહેલાંની ટેક્સ રિજિમમાં ₹3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગુ પડતો ન હતો, જે નવા સ્લેબમાં 1 લાખ ઉમેરીને ₹4 લાખ કરવામાં આવી છે. ઉપરાંત 30% ઇન્કમ ટેક્સ માટે જે હાઇએસ્ટ બ્રેકેટ હતો તેને ₹15 લાખથી વધારીને ₹24 લાખ કરી દેવામાં આવ્યો છે. એટલે કે પહેલાં ₹15 લાખ ઉપરની આવક પર 30% ટેક્સ લાગતો, જે હવે ₹24 લાખ ઉપરની આવક માટે લાગુ પડશે.

આ સિવાય અગાઉના સ્લેબમાં ₹7 લાખ સુધીની આવક પર ટેક્સ ચૂકવવો પડતો ન હતો, જે રકમ હવે ₹12 લાખ કરી દેવામાં આવી છે. જેની ઘોષણા નાણાંમંત્રીએ બજેટ ભાષણમાં જ કરી હતી. પરંતુ પ્રશ્ન થાય કે જો ₹12 લાખ સુધીની આવક પર ટેક્સ ન ચૂકવવાનો હોય તો સ્લેબમાં ₹8 લાખથી ₹12 લાખ સુધીની આવક પર 10% ટેક્સ શા માટે દર્શાવવામાં આવી રહ્યો છે?
સ્લેબના આધારે થાય છે ઇન્કમ ટેક્સની ગણતરી
તેનું કારણ એ છે કે ઇન્કમ ટેક્સની ગણતરી સ્લેબના આધારે થાય છે, ફ્લેટ રેટ પર નહીં. જેથી વાસ્તવમાં આ ટકાવારી એ સ્થિતિ માટે છે, જ્યારે આવક ₹12 લાખ કરતાં વધી જાય. ₹12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ આપવાનો રહેશે નહીં. તેનાથી આવક વધવાની પરિસ્થિતિમાં માત્ર તે સ્લેબમાં જે ટેક્સની ટકાવારી હોય એટલો ટેક્સ નહીં લાગે પરંતુ શરૂઆતથી સ્લેબના આધારે ગણતરી થશે.
ઉદાહરણ તરીકે, જો કોઈની વાર્ષિક આવક ₹14 લાખ થઈ તો તેની ગણતરી આ રીતે થશે.
₹4 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નથી, જેથી શરૂઆતના 4 લાખ પર ટેક્સની ગણતરી નહીં થાય.
₹4 લાખથી ₹8 લાખ સુધીની આવક પર 5% ટેક્સ છે, જેથી આ ચાર લાખ પર 5% ટેક્સ લાગુ કરીએ તો ટેક્સની રકમ ₹20,000 થાય.
ત્યારબાદ ₹8 લાખથી ₹12 લાખના બીજા 4 લાખ પર પર 10% ટેક્સ ગણીએ તો એ ₹40,000 થશે.
₹12 લાખથી ₹16 લાખના સ્લેબ માટે ટેક્સ 15% છે. આપણે ગણતરી ₹14 લાખની રકમ માટે કરવાની છે. જેથી આ 2 લાખ રૂપિયા (12-14) પર 15% લેખે ₹30,000 ટેક્સ લાગશે.
હવે આ ત્રણેયનો સરવાળો માંડીએ તો ₹15 લાખની આવક પર ₹20,000+₹40,000+₹30,000=₹90,000.00 જેટલો ટેક્સ લાગશે.
હવે અહીં સ્લેબ ન હોય અને ₹14 લાખ રૂપિયાની આવક પર સીધો 15% ટેક્સ લાગુ કરી દઈએ તો રકમ વાસ્તવમાં ₹2,10,000 જેટલી થાય. પરંતુ ટેક્સની ગણતરી એ રીતે ફ્લેટ રેટ પર થતી નથી, પરંતુ સ્લેબ આધારે કરવામાં આવે છે. એટલે ₹14 લાખના કિસ્સામાં વાસ્તવિક ટેક્સ ₹90,000 ભરવાનો રહે.

ત્યારબાદ જો રકમ ₹16 લાખની ઉપર ગઈ તો ટેક્સ ₹1,20,000 વત્તા 20% ટેક્સ ₹16 લાખની ઉપરની રકમનો. જો ₹20 લાખથી આગળ આવક ગઈ તો અત્યાર સુધીની ગણતરીના ₹2 લાખ અને બીજા ટેક્સ સ્લેબના (20 લાખથી 24 લાખ સુધીનો) 25% અને ₹24 લાખથી ઉપર ગઈ તો ₹3,00,000 વત્તા ₹24 લાખથી ઉપરની આવકના 30% એ રીતે ટેક્સ ચૂકવવાનો રહે.
એ રીતે જો આવક ₹24 લાખ કરતાં વધી ગઈ તો અત્યાર સુધીના સ્લેબની ગણતરી પ્રમાણે ₹3 લાખ અને તેની ઉપરની રકમ પર 30% લેખે ટેક્સ ચૂકવવાનો રહે. ઉદાહરણ તરીકે, જો કોઈની આવક ₹30 લાખ થઈ તો 3 લાખ વત્તા ₹24 લાખથી ₹30 લાખના 6 લાખ પર 30% લેખે ₹1,80,000 એમ કુલ ₹4,80,000 ટેક્સ ચૂકવવાનો રહે.
શું છે રિબેટ બેનિફિટ?
હવે અહીં ‘રિબેટ બેનિફિટ’ની પણ ચર્ચા છે. જે ₹12 લાખ સુધીની આવક પર સંપૂર્ણ મળશે. એટલે કે ટેક્સ સ્લેબ પ્રમાણે જોવા જઈએ તો ₹4થી ₹8 લાખ સુધી 5% અને ₹8થી ₹12 લાખ સુધી 10% ટેક્સ લાગુ પડે છે, પરંતુ આ વાસ્તવમાં ₹12 લાખ પછીના ટેક્સની ગણતરી માટે છે. ₹12 લાખથી નીચેની આવક માટે આ રકમ રિબેટ તરીકે મળી જશે, જેથી કરદાતાએ કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે.
પરંતુ આનો અર્થ એ નથી કે ₹15 લાખની આવક પર ટેક્સની ગણતરી કરતી વખતે ₹12 લાખ સુધી કોઈ ટેક્સ લાગુ ન પડે. એ સ્લેબ પ્રમાણે જ ગણતરી થશે, જે ઉપર જણાવી. આ રિબેટ બેનિફિટ માત્ર ₹12 લાખ સુધીની આવક પર જ લાગુ પડશે.
માર્જિનલ રિલીફ શું છે?
અહીં માર્જિનલ રિલીફની પણ એક જોગવાઈ છે, જે ₹12,75,000 સુધી લાગુ પડશે. આર્થિક બાબતોના તજજ્ઞ યથાર્થ તલરેજા આ સિસ્ટમ વિશે માહિતી આપતાં જણાવે છે કે, આ વ્યવસ્થા એટલા માટે લાવવામાં આવે છે, જેથી કોઈ 12 લાખથી થોડા હજાર જ વધારે આવક મેળવતું હોય તેને ₹12 લાખથી વધુના સ્લેબ હેઠળ ટેક્સ ન ચૂકવવો પડે.
ઉદાહરણ તરીકે, આવક 12 લાખ ક્રોસ કરીને ₹12,50,000 પર પહોંચી ગઈ તો ટેક્સપેયરે તમામ સ્લેબની ગણતરી પ્રમાણે ટેક્સ ચૂકવવો પડે. તેનાથી બચવા માટે જો કરદાતા ઉપરની સરપ્લસ ઇન્કમ (₹50,000) ટેક્સ તરીકે ચૂકવી દે તો ટેક્સ શૂન્ય થઈ જાય અને વધુ ટેક્સ ન ચૂકવવો પડે.