ભારતીય મૂળનાં નાસાના વૈજ્ઞાનિક સુનિતા વિલિયમ્સ (Sunita Williams) લગભગ 9 મહિના સુધી અવકાશમાં રહ્યા બાદ 18 માર્ચ, 2025ના રોજ પૃથ્વી પર પરત ફર્યાં. તેઓ આ 9 મહિનાના સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં (ISS) હતાં. જોકે તેઓ અને અન્ય અવકાશયાત્રી બૂચ વિલ્મર ગયાં હતાં 8 દિવસ માટે પરંતુ આ તકનીકી ખામી સર્જાવાના કારણે આ આઠ દિવસનો પ્રવાસ 9 મહિનામાં લંબાયો. આખરે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સના એક યાનની મદદથી તેમનું પુનરાગમન શક્ય બન્યું. 18 માર્ચની સાંજે (સ્થાનિક સમય પ્રમાણે) અમેરિકાના ફ્લોરિડામાં તેમનું યાન દરિયામાં ઊતર્યું અને તેની સાથે દુનિયાએ રાહતનો શ્વાસ લીધો.
એ સર્વવિદિત છે કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ નહિવત્ પ્રમાણમાં છે. જેથી આટલા લાંબા સમય સુધી સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં (Microgravity) રહેવાથી સુનિતા વિલિયમ્સના શરીરમાં ઘણા ફેરફારો (Physical Changes) થયા છે, જેને સામાન્ય થતાં ઘણો સમય લાગી શકે છે. આમ તો આવા શારીરિક-માનસિક ફેરફારો આટલા લાંબા સમયની અવકાશયાત્રા પછી સામાન્ય છે. હાલ પૃથ્વી પર પરત ફર્યા પછી તેમનું શરીર ગુરુત્વાકર્ષણની સ્થિતિમાં અને પૃથ્વીના વાતાવરણમાં ફરીથી ઢળવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન તેમના શરીરમાં ઘણા બધા આંતરિક અને બાહ્ય ફેરફારો આવ્યા છે, જેની ઉપર પ્રકાશ પાડીએ.
શરીરમાં થયેલા ફેરફારો
અવકાશમાં ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં શરીરની અંદર રહેલાં પ્રવાહી (લોહી, પાણી, યુરિન) ઉપરની તરફ જાય છે. આ પ્રવાહી પુનઃવિતરણને કારણે ચહેરા પર સોજો આવે છે, નાક ભરાઈ જાય છે અને ખોપરીની અંદર દબાણ વધે છે. વધુમાં, શરીરના નીચેના ભાગમાં પ્રવાહીનું પ્રમાણ ઓછું થાય છે, જેના કારણે અવકાશયાત્રીઓના પગ પાતળા અને નબળા દેખાય છે. આ ઘટનાને ‘પફી-હેડ બર્ડ-લેગ્સ સિન્ડ્રોમ’ કહેવામાં આવે છે. આ ઉપરાંત પ્રવાહીના દબાણથી આંખો પર અસર થઈ શકે છે, જેનાથી દૃષ્ટિમાં ધૂંધળાપણું કે અન્ય ફેરફારો થઈ શકે, જોકે તેની અસર વ્યક્તિ પ્રમાણે બદલાય છે.
પૃથ્વી પર પાછા ફરતાં જ આ પ્રવાહી નીચેની તરફ ધસે છે, જેનાથી ઊભા થતાં ચક્કર આવવા કે બેહોશી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ જ કારણે લેન્ડિંગ પછી તેમને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યાં હતાં. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે અવકાશયાત્રીઓ પુનર્વસનમાંથી પસાર થાય છે. જેમાં રક્ત પ્રવાહને ફરી પહેલાંની સ્થિતિમાં લાવવા માટે શારીરિક કસરતો કરવી પડે છે. ખાસ કરીને શરીરના નીચેના ભાગની હલચલનને લગતી કસરતો.
ગુરુત્વાકર્ષણ વિના માંસપેશીઓ અને હાડકાં પર ઓછું દબાણ પડે છે, જેનાથી માંસપેશીઓ નબળી પડે છે (મસલ એટ્રોફી) અને હાડકાંનું ઘનત્વ ઘટે છે. દર મહિને લગભગ 1% હાડકાંનું ઘનત્વ ઘટે છે, એટલે કે સુનિતાને નવ મહિનામાં 9% જેટલું નુકસાન થયું હશે. પૃથ્વી પર પાછા ફરતાં તેમની પગ અને પીઠની માંસપેશીઓ નબળી હોવાથી ઊભા રહેવું કે ચાલવું મુશ્કેલ બન્યું હશે.
હાડકાંનું ઘનત્વ ઘટવાના કારણે અવકાશયાત્રીઓની કરોડરજ્જુના કદમાં વૃદ્ધિ સાથે થોડા ઇંચ ઊંચા પણ થઈ શકે છે. જોકે, પૃથ્વી પર પાછા ફર્યા પછી આ કામચલાઉ ઊંચાઈ વધારો ધીમે-ધીમે જવા લાગે છે અને કરોડરજ્જુ ફરીથી સામાન્ય થતી હોય ત્યારે ઘણીવાર પીઠનો દુઃખાવો પણ થાય છે.
હૃદય અને રક્તવાહિની તંત્ર
ISSના સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ વાતાવરણમાં હૃદયને ગુરુત્વાકર્ષણ સામે લોહી પંપ કરવા માટે પૃથ્વી જેટલી મહેનત કરવાની જરૂર પડતી હોતી નથી. આ ઘટેલા કાર્યભારને કારણે હૃદયમાં માળખાકીય ફેરફારો થાય છે. અભ્યાસો દર્શાવે છે કે વિસ્તૃત અવકાશ મિશન દરમિયાન અવકાશયાત્રીઓના હૃદય લગભગ 9.4% વધુ ગોળાકાર બને છે.
આ ફેરફારના કારણે હૃદયની પમ્પિંગ ક્ષમતામાં ઘટાડો થાય છે. તેથી પૃથ્વી પર પરત ફરતાં હૃદયની સમસ્યાઓનું જોખમ વધી શકે છે, જે શરૂઆતમાં થાક કે ચક્કરનું કારણ બની શકે છે. જોકે, આ ફેરફારો સામાન્ય રીતે કામચલાઉ હોય છે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણના સંપર્કમાં આવ્યા પછી હૃદય ધીમે-ધીમે તેના સામાન્ય કદમાં પાછું આવે છે.
રેડિએશનનો સામનો
આ ઉપરાંત અવકાશમાં કોઈ ઓઝોન સ્તર માનવીના શરીરને સૂર્યના કિરણોથી રક્ષણ આપતું નથી. તેથી અવકાશયાત્રીઓ દરરોજ સૂર્યના પારજાંબલી કિરણોના સંપર્કમાં આવીને રેડિએશનનો ભોગ બનતા હોય છે. દરરોજનું આ રેડિએશન છાતીના 1 એક્સ-રેના સંપર્કમાં આવ્યા બરાબર છે. નવ મહિના દરમિયાન સુનિતા વિલિયમ્સને લગભગ 270 છાતીના એક્સ-રે જેટલા રેડિએશન સ્તરનો સામનો કરવો પડ્યો હશે. જેની અસરોમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે, પેશીઓને નુકસાન થઈ શકે છે અને કિરણોત્સર્ગ બીમારી અને કેન્સરનું જોખમ વધી શકે છે, જે અવકાશયાત્રીઓ માટે લાંબા ગાળાના સ્વાસ્થ્ય જોખમો ઉભા કરે છે.
રોજના 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્ત
ISS પરનું વાતાવરણ પૃથ્વી પરના વાતાવરણ કરતા ઘણું અલગ છે. ISS દર 90 મિનિટે પૃથ્વીની પરિક્રમા કરે છે, જેનાથી અવકાશયાત્રીઓ દરરોજ 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્ત જોવા પડે છે. જેના કારણે તેમની ઊંઘની પેટર્ન પર પણ અસર પડે છે.
પૃથ્વી પર પરત આવ્યા બાદ સંતુલન માટે જવાબદાર વેસ્ટિબ્યુલર સિસ્ટમને ફરીથી ગુરુત્વાકર્ષણની આદત પડવામાં સમય લાગે છે, જેનાથી ઉબકા કે ચક્કર આવી શકે છે. અવકાશમાં પગ પર દબાણ કે ઘર્ષણ ન હોવાથી અવકાશયાત્રીઓના પગ નરમ અને સંવેદનશીલ બની જાય છે, જેને ‘બેબી ફીટ’ કહે છે. જેના કારણે તેમને પૃથ્વી પર ચાલવામાં તકલીફ પડે છે. તેથી જ સુનિતાને વ્હીલચેયર પર લઈ જવામાં આવ્યાં હતાં.
સામાન્ય થવામાં કેટલો સમય લાગશે?
સુનિતા વિલિયમ્સની રિકવરી તાત્કાલિક શરૂ થઈ ગઈ છે, પરંતુ સંપૂર્ણ રીતે સામાન્ય થવાનો સમય તેમના શરીરની સ્થિતિ અને પુનર્વસન પર આધાર રાખે છે. તાત્કાલિક અસરો જેવી કે ચક્કર, નબળાઈ વગેરે લગભગ એક-બે અઠવાડિયાં સુધી રહી શકે છે. આ ઉપરાંત માંસપેશીઓની શક્તિ પરત લાવવા નિયમિત કસરત અને થેરાપી લેવી પડે છે, જે સામાન્ય થવામાં 1-3 મહિના લાગી શકે છે.
હાડકાંનું ઘનત્વ પુનઃપ્રાપ્ત થવામાં 6 મહિનાથી એક વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે, અને કેટલીકવાર સંપૂર્ણ રીતે પાછું નથી આવતું. ISS પર દરરોજ 16 સૂર્યોદય-સૂર્યાસ્તના ચક્ર પછી ઊંઘ અને મૂડ સામાન્ય થવામાં થોડાં અઠવાડિયાં લાગી શકે છે.
સુનિતા વિલિયમ્સને જોકે અવકાશમાં 600 દિવસથી વધુનો અનુભવ છે, જેથી તેઓ આ પ્રક્રિયાથી સારી રીતે પરિચિત છે. તેમ છતાં આ નવ મહિનાની યાત્રાના કારણે અસરો થોડી વધુ થઈ હોય એ સ્વાભાવિક છે. સારી વાત એ છે કે નાસાએ જણાવ્યું છે કે લેન્ડિંગ પછી તેઓ સ્વસ્થ હતાં અને હાથ-પગનું હલનચલન પણ સામાન્ય હતું. સંપૂર્ણ રિકવરી માટે અમુક સપ્તાહ કે મહિનાઓ લાગશે, જે દરમિયાન તેમનું શરીર ધીમે-ધીમે ગુરુત્વાકર્ષણમાં ફરીથી ઢળશે. દરેક અવકાશયાત્રીએ પરત ફર્યા બાદ આ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હોય છે.