નાસાના (NASA) ભારતીય મૂળના વૈજ્ઞાનિક સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલ્મોર (Butch Wilmore) છેલ્લા 9 મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં (ISS) ફસાયા છે. નાસા તેમને પરત લાવવા માટે અનેક મથામણ કરી રહ્યું હતું, પરંતુ તેમાં સફળતા મળી શકી નહોતી. જોકે, ટેસ્લા અને સ્પેસએક્સના (SpaceX) માલિક ઈલોન મસ્કે (Elon Musk) દાવો કર્યો હતો કે, તેઓ બંને વૈજ્ઞાનિકોને સુરક્ષિત ધરતી પર પહોંચાડી શકે છે. પરંતુ અમેરિકી પ્રશાસન તરફથી તે દિશામાં કોઈ ધ્યાન આપવામાં ન આવ્યું હોવાનો આરોપ છે. ત્યારબાદ ટ્રમ્પ સત્તામાં આવે છે અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સની સાથે મળીને નાસા અંતરીક્ષયાત્રીઓને ધરતી પર પરત લાવવા માટે એક મિશન લૉન્ચ કરે છે.
.@NASA will provide live coverage of Crew-9’s return to Earth from the @Space_Station, beginning with @SpaceX Dragon hatch closure preparations at 10:45pm ET Monday, March 17.
— NASA Commercial Crew (@Commercial_Crew) March 16, 2025
Splashdown is slated for approximately 5:57pm Tuesday, March 18: https://t.co/yABLg20tKX pic.twitter.com/alujSplsHm
નાસા અને સ્પેસએક્સનું આ સંયુક્ત મિશન છે. જેને પૂરું પાડવા માટે સ્પેસએક્સના ડ્રેગન ક્રૂ સ્પેસક્રાફ્ટનો (Dragon crew spacecraft) ઉપયોગ કરવામાં આવ્યો છે. તાજેતરની માહિતી અનુસાર, ડ્રેગને ISS સાથેની ડોકિંગ પ્રક્રિયાને પૂર્ણ કરી છે અને સુનિતા વિલિયમ્સ સુધી પહોંચ પ્રસ્થાપિત કરી છે. નાસાએ આપેલી માહિતી અનુસાર, સંભવતઃ મંગળવારે (18 માર્ચ) બંને વૈજ્ઞાનિકોને ધરતી પર લાવવામાં આવી શકે છે. ત્યારે ઈલોન મસ્કના આ ડ્રેગન વિશે પણ ચર્ચાઓ તેજ થઈ છે. અહીં આપણે ડ્રેગન સ્પેસક્રાફ્ટ વિશેની સરળ ભાષામાં માહિતી મેળવીશું.
શું છે SpaceX ડ્રેગન?
SpaceXનું ડ્રેગન સ્પેસ્ક્રાફ્ટ એક આધુનિક અવકાશયાન છે, જેને SpaceX નામની કંપનીએ બનાવ્યું છે. આ કંપનીની સ્થાપના ઈલોન મસ્કે કરી હતી, જે ટેસ્લા અને X જેવી કંપનીઓ માટે પણ જાણીતા છે. ડ્રેગન સ્પેસ્ક્રાફ્ટનો મુખ્ય હેતુ અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જવા અને તેમને સુરક્ષિત રીતે ધરતી પર પાછા લાવવાનો છે. તેની ડિઝાઇન પણ કેપ્સૂલ આકારની હોય છે. આ યાન ખાસ કરીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સાથે કામ કરે છે, જ્યાં અવકાશયાત્રીઓ લાંબા સમય સુધી રહીને સંશોધન કરે છે. નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર હાલમાં ISS પર છે અને આ ડ્રેગન યાન તેમને ધરતી પર પાછા લાવવામાં મદદ કરશે.
SpaceXની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર, ડ્રેગન સ્પેસક્રાફ્ટે હમણાં સુધીમાં 49 મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. તે સિવાય તે 44 વખત ISSની મુલાકાત લઈને પરત આવ્યું છે. આ સ્પેસક્રાફ્ટની વિશેષતા એ છે કે, તેને ફરીથી ઉપયોગમાં પણ લઈ શકાય છે. વધુમાં એવું પણ જણાવાયું છે કે, આ યાન પૃથ્વીની કક્ષા સુધી અને તેનાથી આગળ 7 યાત્રિકોને લઈ જવા માટે સક્ષમ છે. તે હાલનું એકમાત્ર અવકાશયાન છે, જે પૃથ્વી પર મહત્વપૂર્ણ માત્રામાં કાર્ગો (માલસામાન) લાવવામાં સક્ષમ છે. વધુમાં તે માણસોને સ્પેસ સ્ટેશન સુધી લઈ જવા અને લાવવાવાળું પહેલુ ખાનગી સ્પેસક્રાફ્ટ પણ છે.
કેટલા પ્રકારના હોય છે ડ્રેગન સ્પેસક્રાફ્ટ?
ડ્રેગન સ્પેસ્ક્રાફ્ટ બે પ્રકારના હોય છે: એક કાર્ગો ડ્રેગન, જે સામાન અને સપ્લાયને અવકાશ સુધી લઈ જાય છે અને બીજું ક્રૂ ડ્રેગન, જે અવકાશયાત્રીઓને લઈ જવા માટે બનાવાયું છે. સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને પરત લાવવા માટે ક્રૂ ડ્રેગનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યાન તદ્દન નવી ટેક્નોલોજીથી બનેલું છે. તેમાં અવકાશયાત્રીઓ માટે બેસવાની જગ્યા, ઓક્સિજન, ખોરાક અને અન્ય જરૂરી વસ્તુઓની વ્યવસ્થા હોય છે. તે એક નાના ઘર જેવું છે, જે અવકાશમાં લાંબી સફર માટે તૈયાર કરાયું છે. તેમાં કુલ 16 એન્જિનો આવેલા હોય છે.
આ સિવાય ડ્રેગન સ્પેસક્રાફ્ટ 16 ડ્રેકો થ્રસ્ટર્સથી લેસ છે, જે તેને નક્કી કરવામાં આવેલી ભ્રમણ કક્ષામાં ઉડતું રાખે છે અને નિયંત્રિત કરે છે. જો ઉડાન દરમિયાન કોઈપણ સમસ્યા આવી પડે છે તો કેપ્સૂલમાં એક લૉન્ચ એસ્કેપ સિસ્ટમ (LES) હોય છે, જેમાં 8 સુપરડ્રેકો એન્જિન હોય છે. આ સિસ્ટમ ક્રૂ ડ્રેગનને તેના રોકેટથી તરત જ અલગ કરી દે છે, જેના કારણે સમસ્યાનો સામનો કરી શકાય છે. તે સિવાય યાનની અંદર પણ મુખ્ય ટચસ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે અને ત્રણ મોટી ટચસ્ક્રીન ડિસ્પ્લે પણ આપવામાં આવી છે. તે સિવાય તેના સ્પેસસૂટ પણ અલગ હોય છે, જે કોઈપણ સંજોગોમાં વૈજ્ઞાનિકોને બચાવી શકવા સક્ષમ હોય છે.
આ સ્પેસ્ક્રાફ્ટ ધરતીથી અવકાશમાં જવા માટે SpaceXના ફાલ્કન 9 રોકેટની મદદ લે છે. રોકેટ ડ્રેગનને અવકાશમાં છોડે છે અને પછી યાન પોતાની રીતે ISS સુધી પહોંચે છે. જ્યારે અવકાશયાત્રીઓનું કામ પૂરું થાય છે, ત્યારે ડ્રેગન તેમને પાછા લાવવા માટે તૈયાર થાય છે. પરત આવતી વખતે, તે ધરતીના વાતાવરણમાં પ્રવેશે છે અને પેરાશૂટની મદદથી સમુદ્રમાં ઉતરે છે. આ પ્રક્રિયા ખૂબ જ સાવધાનીથી કરવામાં આવે છે, જેથી અવકાશયાત્રીઓ સુરક્ષિત રહે.
મંગળ જેવા ગ્રહો પર માણસોને લઈ જવાની પણ ક્ષમતા
સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરે પોતાના મિશન દરમિયાન ISS પર ઘણું સંશોધન કર્યું છે. તેઓ 2024થી ત્યાં છે અને હવે 2025માં પાછા આવવાના છે. ડ્રેગન સ્પેસ્ક્રાફ્ટ તેમની સફરને સરળ અને સલામત બનાવશે. આ યાનની ખાસિયત એ છે કે તે ફરીથી વાપરી શકાય છે, એટલે કે તે એકથી વધુ વખત અવકાશમાં જઈ શકે છે. આનાથી અવકાશ યાત્રા સસ્તી અને સરળ બની છે.
આ રીતે, SpaceXનું ડ્રેગન સ્પેસ્ક્રાફ્ટ એક મહત્વનું સાધન છે, જે અવકાશ સંશોધનને આગળ વધારે છે. સુનિતા વિલિયમ્સ જેવા અવકાશયાત્રીઓને ધરતી પર પાછા લાવવામાં તે મોટી ભૂમિકા ભજવે છે. આ ટેક્નોલોજી ભવિષ્યમાં મંગળ જેવા ગ્રહો પર પણ માણસને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. જોકે, હજુ સુધી મંગળ ગ્રહ પર માણસોને પહોંચાડવાની સિદ્ધિ પ્રાપ્ત નથી થઈ શકી. પરંતુ દુનિયાના વૈજ્ઞાનિકો તે તરફ વિચારતા થઈ ગયા છે. આ ઉપરાંત ઈલોન મસ્ક જેવા મહત્વકાંક્ષી લોકો પણ મંગળ સુધી પહોંચવાની યોજના માટે પ્રતિબદ્ધ છે. તેથી આ સ્પેસક્રાફ્ટને પણ તે જ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેનાથી ભવિષ્યમાં માણસોને મંગળ સુધી પણ પહોંચાડી શકાય.