ગત 3 મેના રોજ લેવામાં આવેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG મંગળવારે (12 મે) રદ કરી દેવાં આવી. પરીક્ષા આયોજિત કરતી એજન્સી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) પરીક્ષા સંપૂર્ણ રદ કરવાનું કહીને નવેસરથી પરીક્ષા યોજવા માટે જણાવ્યું છે. બીજી તરફ પરીક્ષાનું પેપર પહેલાં જ લીક થઈ ગયું હોવાની પ્રાથમિક જાણકારીઓ બાદ મામલાની તપાસ CBIને સોંપી દેવામાં આવી છે.
હાલ મામલાની તપાસ ચાલી રહી છે અને એજન્સીઓ તેમાં વધુ ઊંડી ઉતરશે તેમ વધુ જાણકારી મળતી જશે. પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર પેપર લીકનું આખું નેટવર્ક એક નહીં અનેક રાજ્યોમાં ફેલાયેલું હતું. હાલ એજન્સીના રડાર પર મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણાનાં અમુક ઠેકાણાં છે. અમુકની ધરપકડ કરવામાં આવી છે અને અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓની પૂછપરછ થઈ ચૂકી છે. CBIએ તપાસ હાથ પર લીધી તે પહેલાં રાજસ્થાનની SOGએ પ્રાથમિક તપાસ કરી હતી, જેણે CBIને અમુક સંદિગ્ધોની યાદી સોંપી દીધી હોવાનું કહેવાય છે.
સમગ્ર નેટવર્કનો ભાંડાફોડ કઈ રીતે થયો?
3 મેની સવારે દેશભરમાં NEET UGની પરીક્ષા હતી. તેની આગલી રાત્રે મૂળ રાજસ્થાનના સીકરના અને હાલ કેરળ રહીને મેડિકલનો અભ્યાસ કરતા એક MBBS વિદ્યાર્થીને વોટ્સએપ પર એક PDF ફાઇલ મળી હતી, જેમાં લખવામાં આવ્યું હતું– ગેસ પેપર. આ ફાઇલ કેરળના વિદ્યાર્થીને વતન સીકરના કોઈ મિત્રએ મોકલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
જોકે આ વિદ્યાર્થી MBBSમાં એડમિશન મેળવી ચૂક્યો હોવાથી સ્વાભાવિક રીતે તેને પેપરની જરૂર ન હતી. પણ તેણે સીકર રહેતા તેના પિતાને ફાઇલ મોકલી આપી, જેઓ કોચિંગન વિદ્યાર્થીઓ માટે સીકરમાં જ એક હોસ્ટેલ ચલાવે છે. વિદ્યાર્થીએ રાત્રે લગભગ 11 કલાકે તેના પિતાને PDF મોકલીને કહ્યું કે તેઓ તેમને ત્યાં રહેતા NEET UGના વિદ્યાર્થીઓ સાથે શૅર કરે જેથી તેમને તૈયારીમાં મદદ મળે.
બીજા દિવસની સવારે હોસ્ટેલ માલિક પિતાએ અમુક વિદ્યાર્થીઓને ગેસ પેપર આપવાના પ્રયાસ કર્યા પણ ત્યાં સુધીમાં તેઓ પરીક્ષા કેન્દ્ર પર જવા માટે નીકળી ચૂક્યા હતા. પરંતુ ત્યારપછી હોસ્ટેલ માલિકે તેમના એક પરિચિત કેમેસ્ટ્રી ટીચરને પેપર મોકલ્યું. જ્યારે આ કેમેસ્ટ્રી ટીચરે NEET UGનું વાસ્તવિક પેપર જોયું અને ગેસ પેપર સાથે સરખામણી કરી તો કેમેસ્ટ્રીના 108માંથી લગભગ 45 પ્રશ્નો મૅચ થતા જણાયા.
આગળ વધુ ખરાઈ કરવા માટે કેમેસ્ટ્રી ટીચરે પેપર બાયોલોજીના એક શિક્ષકને મોકલ્યું. બંનેએ ચેક કરતાં જાણવા મળ્યું કે બાયોલોજીના ગેસ પેપરમાં 204 પ્રશ્નો આપવામાં આવ્યા હતા, જેમાંથી 90 મૅચ થતા હતા. એટલે NEET UGના પેપરમાં ગેસ પેપરમાંથી કુલ 135 પ્રશ્નો મૅચ થતા હતા. ત્યારબાદ તેમણે હોસ્ટેલ માલિકને પણ જાણ કરી.
રિપોર્ટ્સ અનુસાર, હોસ્ટેલ માલિક અને શિક્ષકોએ પછીથી આ બાબતની જાણ સીકર પોલીસને કરી પરંતુ પોલીસે કેસ નોંધવાની ના પાડી દીધી અને પ્રશ્ન કર્યો કે પરીક્ષા પછી જ કેમ ફરિયાદ કરવામાં આવી રહી છે.
NTAને મેઇલ ગયો અને શરૂ થઈ તપાસ
પોલીસે ના પાડી દીધા બાદ ફરિયાદીઓએ નેશનલ ટેસ્ટિંગ એજન્સીને એક મેઇલ મોકલ્યો અને તેમને મળેલી જાણકારી આપી દીધી. આખરે NTAને જાણકારી મળતાં રાજસ્થાન SOGને તપાસના આદેશ આપવામાં આવ્યા. SOGએ ઇન્ટેલિજન્સ બ્યુરો સાથે મળીને 8 મેના રોજ તપાસ શરૂ કરી. ત્યારબાદ વોટ્સએપ ચેટ અને ફોન રેકર્ડ તપાસતાં જાણવા મળ્યું કે આ એક નાનકડું નહીં પણ અનેક રાજ્યોમાં ફેલાયેલું બહુ મોટું નેટવર્ક છે.
આખરે SOG અને IBએ NTAને માહિતી પહોંચાડતાં 12 મેના રોજ પરીક્ષા રદ કરવાની ઘોષણા કરવામાં આવી અને મામલાની સંપૂર્ણ તપાસ CBIને સોંપી દેવામાં આવી.
તે પહેલાં SOGને તપાસમાં નાશિકની લિન્ક મળી હતી. તપાસ બાદ નાશિકના એક શુભમ નામના વિદ્યાર્થીની પોલીસે ધરપકડ કરી હતી, જેની કસ્ટડી હવે CBIએ મેળવી લીધી છે. આશંકા છે કે તેણે પુણેના એક શખ્સ પાસેથી લીક ગેસ પેપર મેળવ્યું હતું અને તેને પાંચ લાખના માર્જિનથી વેચી દીધું હતું. મહારાષ્ટ્રથી આ પેપર હરિયાણા, રાજસ્થાન, કાશ્મીર, બિહાર અને કેરળ સુધી પહોંચ્યું.
શુભમ BAMSનો 30 વર્ષીય વિદ્યાર્થી છે. તેણે દસ લાખમાં પેપર ખરીદીને 15 લાખમાં હરિયાણાના કોઈ શખ્સને વેચી દીધું હોવાનું પ્રાથમિકપણે કહેવાય રહ્યું છે. અહેવાલો મુજબ પેપરની શુભમે હાર્ડ કૉપી ખરીદી હતી અને તેને સ્કેન કરીને મોકલ્યું હતું. તેણે પછીથી પોતાની ઓળખ ન છતી થાય તે માટે વેશ પણ બદલી નાખ્યો હતો અને વાળ પણ ટૂંકા કરી નાખ્યા હતા, પણ પોલીસે તેને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પકડી લીધો અને ત્યારબાદ હવે CBIને કસ્ટડી સોંપવામાં આવી છે.
રાજસ્થાન SOGએ લગભગ 150ની પૂછપરછ કરી
રાજસ્થાન SOGએ લગભગ 150 ઉમેદવારો, તેમના મિત્રો અને વાલીઓની પૂછપરછ બાદ શોધી કાઢ્યું કે હરિયાણાના એક શખ્સે સૌથી પહેલાં રાજસ્થાનના જયપુરમાં પેપર મોકલ્યું હતું અને ત્યાંથી અન્ય શહેરોમાં ફેલાયું હતું. જયપુરમાં બે ભાઈઓએ લગભગ ત્રીસ લાખમાં પેપર હરિયાણાના શખ્સ પાસેથી ખરીદ્યું હોવાનું કહેવાય છે. જ્યારે હરિયાણાના શખ્સની તપાસ કરવામાં આવી તો નાશિકના શુભમ સુધી તાર જોડાયા. ત્યારબાદ શુભમની ધરપકડ કરવામાં આવી. શુભમને પેપર ક્યાંથી મળ્યું એ હવે તપાસનો વિષય છે. CBIએ તાજેતરમાં પુણેથી એક મહિલાની ધરપકડ કરી છે, જેની ભૂમિકા શું હતી એ હજુ સુધી જાણવા મળ્યું નથી.
પેપરની પહેલી ડિજિટલ કૉપી નાસિકમાં જ તૈયાર કરવામાં આવી હોવાની આશંકા છે. જેના માટે મોબાઇલ કેમેરાના સ્થાને હાઇ ડેફિનેશન સ્કેનરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એજન્સીઓ હાલ એ પણ તપાસ કરી રહી છે કે નાશિકના એક નાના આઈટી સ્ટાર્ટઅપ સંબંધિત શેડો સર્વરનો ઉપયોગ ફાઇલોની હેરફેર કરવા માટે કરવામાં આવ્યો હતો કે કેમ.
એક આશંકા એ પણ છે કે સંભવતઃ આ પેપર અમુક સિલેક્ટેડ વિદ્યાર્થીઓ સુધી, જેઓ નેટવર્કનો ભાગ હતા, તેમના સુધી જ પહોંચાડવાનું આયોજન હતું પરંતુ કોઈક રીતે તે બહાર પણ લીક થઈ ગયું અને અનેક રાજ્યોમાં ફેલાઈ ગયું. ઉપરાંત આ વખતે ‘પેપર લીક’ જેવા શબ્દોના સ્થાને ‘ગેસ પેપર’ અને ‘ઇમ્પોર્ટેંટ ક્વેશ્ચન’, ‘હાઈ-કોન્ફિડન્સ ક્વેશ્ચન’ જેવા શબ્દો વાપરવામાં આવ્યા હતા.


