Thursday, April 2, 2026
More
    હોમપેજદેશસત્તામાં ખનન હતું જરૂરી, હવે થઈ ગયું પર્યાવરણ-વિરોધી: દસ્તાવેજોમાં અરવલ્લી મુદ્દે દેખાઈ...

    સત્તામાં ખનન હતું જરૂરી, હવે થઈ ગયું પર્યાવરણ-વિરોધી: દસ્તાવેજોમાં અરવલ્લી મુદ્દે દેખાઈ આવ્યાં કોંગ્રેસ-ગેહલોતનાં બેવડાં વલણો- ઑપઇન્ડિયા એક્સક્લુઝિવ

    પર્વતમાળાની સુધારેલી વ્યાખ્યા અને ખનન નીતિને લઈને વિપક્ષ જે રીતે ભય ફેલાવી રહ્યો છે તે સૂચવે છે કે અરવલ્લી કોંગ્રેસ પક્ષ માટે કોઈ ભાવનાત્મક વિષય કે સાચી ચિંતાનો મુદ્દો નથી, પરંતુ તેના રાજકીય પ્રતિસ્પર્ધી સામે સ્કોર સેટ કરવાની માત્ર એક તક છે.

    - Advertisement -

    અરવલ્લી પર્વતમાળાની સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકૃત સુધારેલી ‘100-મીટર’ની વ્યાખ્યા પર કોંગ્રેસ પાર્ટી રોષે ભરાઈ છે. તેનો આરોપ છે કે મોદી સરકાર કોઈક રીતે 90% પર્વતમાળાને આ વ્યાખ્યામાંથી બાકાત કરી રહી છે અને આ પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારમાં મોટાપાયે ખનન માટેના દરવાજા ખોલી રહી છે. તાજેતરમાં કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોદી સરકાર પર સુરક્ષાના ઉપાયોને નબળા પાડવા અને અરવલ્લીમાં ખનનની મંજૂરી આપવા માટે ‘સુનિયોજિત કાવતરું’ ઘડવાનો આરોપ લગાવ્યો છે.

    ગેહલોતે દાવો કર્યો કે અરવલ્લીને 100-મીટરના માપદંડ સાથે ફરીથી વ્યાખ્યાયિત કરવાના કેન્દ્ર સરકારના પગલાંને અલગથી જોવું જોઈએ નહીં, કારણ કે “આ સંસ્થાઓ પર કબજો મેળવવા અને અરવલ્લીને માઈનિંગ માફિયાઓને સોંપવાની એક મોટી યોજનાનો ભાગ છે.”

    કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની સ્પષ્ટતા કે અરવલ્લીનો માત્ર 0.10% વિસ્તાર જ ખનન માટે ખોલવામાં આવશે તેને ‘ભ્રામક અને તથ્યહીન’ ગણાવતા ગેહલોતે કહ્યું હતું કે, “વર્ષ 2002માં જંગલોના રક્ષણ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ બનેલી CEC (સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી) હવે સરકારની કઠપૂતળી બની ગઈ છે. અગાઉ તેના સભ્યોની નિમણૂક કોર્ટની મંજૂરીથી થતી હતી. આજે કેન્દ્ર સરકાર આ નિમણૂકો પર નિયંત્રણ ધરાવે છે, જેના કારણે CEC માત્ર એક રબર સ્ટેમ્પ બનીને રહી ગઈ છે.”

    - Advertisement -

    અશોક ગેહલોત અરવલ્લી પર્વતમાળાઓની વ્યાખ્યા માટેના 100-મીટરના માપદંડ અને ખનન નીતિ પર હોબાળો મચાવી રહ્યા છે, પરંતુ 2002માં રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે તેમણે પોતે આ જ બાબતની કરી હતી હિમાયત

    જે મુદ્દાઓ અને નીતિઓનું પોતે સત્તામાં હોય ત્યારે સમર્થન કર્યું હોય, સત્તાની બહાર જતાં જ તેનો દંભી વિરોધ કરવાનો કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ પાર્ટીના ‘અમે કરીએ ત્યારે સારું, તમે કરો ત્યારે ખરાબ’વાળા બેવડા ટ્રેક રેકોર્ડમાં એક નવો અધ્યાય ઉમેરી રહ્યા છે.

    જ્યારે ગેહલોત કેન્દ્રની ‘0.019% માઈનિંગ એરિયા’ની દલીલને ટાંકીને કેન્દ્ર અને રાજસ્થાનની ભાજપ સરકારો પર અરવલ્લીની પર્વતમાળાને માઈનિંગ માફિયાઓને સોંપવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવે છે, ત્યારે વાસ્તવમાં 2002માં ખુદ ગેહલોત સરકાર જ અરવલ્લીને ખનન માટે ખોલવા માંગતી હતી.

    વર્ષ 2002માં, રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે કોર્ટને જાણ કરી હતી કે તેણે ‘ખનનના હેતુઓ માટે 1543 કેસમાં જંગલની જમીન ડાયવર્ટ કરવા માટે’ કેન્દ્ર સરકારને દરખાસ્તો મોકલી હતી.

    વર્તમાન સમયમાં અશોક ગેહલોત અને કોંગ્રેસ પક્ષ અરવલ્લીની પર્વતમાળામાં ખનન પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. જોકે, 2002ના તેના એફિડેવિટમાં રાજસ્થાનની કોંગ્રેસ સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખનન ક્ષેત્ર રાજ્યમાં મોટી સંખ્યામાં લોકો માટે રોજગારી પેદા કરે છે અને અરવલ્લીમાં ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાથી તેઓ તેમની આજીવિકાથી વંચિત રહી જશે.

    ગેહલોત સરકારની એ એફિડેવિટમાં લખ્યું હતું કે, “ખનન ક્ષેત્ર ખૂબ મોટી સંખ્યામાં લોકો માટે રોજગારી પૂરી પાડે છે અને પેદા કરે છે, તેથી જો સમગ્ર અરવલ્લી પર્વતમાળાઓમાં ખનન પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો આ મુશ્કેલ સમયમાં તેમના માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બનશે. એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે આદિવાસી વસ્તીનો મોટો હિસ્સો અરવલ્લીની પર્વતમાળાઓમાં રહે છે અને ખનનની કામગીરી બંધ થવાથી તેઓ આજીવિકાના એક મહત્વપૂર્ણ સ્ત્રોતથી વંચિત રહી જશે.”

    તેમાં વધુમાં ઉમેર્યું હતું કે, “રાજ્ય સરકાર રજૂઆત કરે છે કે તમામ ખનન પ્રવૃત્તિઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધથી રાજ્યનાં અર્થતંત્ર પર ગંભીર અસર પડશે, કારણ કે ઉલ્લેખિત વિસ્તારોમાં ઉત્પાદિત ખનિજો અને ખનનની કામગીરી પર નિર્ભર આર્થિક પ્રવૃત્તિઓ રાજ્યની અર્થવ્યવસ્થામાં ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.”

    એફિડેવિટમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે રાજ્યના જે 14 જિલ્લાઓમાં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે, ત્યાં 5,000થી વધુ માઈનિંગ લીઝ (ખાણ પટ્ટા) અને 641 ક્વોરી લાયસન્સ હતા, જે 1.75 લાખથી વધુ લોકોને સીધી રોજગારી પૂરી પાડતા હતા. તેમાં વધુમાં જણાવાયું હતું કે ખનનની કામગીરી, જેમાં ખનિજોનું પરિવહન, મશીનરી અને સાધનોનું સંચાલન, ખનિજ પ્રોસેસિંગ અને માર્કેટિંગ/ટ્રેડિંગ વગેરેનો સમાવેશ થાય છે, તેના દ્વારા 14 જિલ્લાઓમાં 6 લાખથી વધુ લોકોને રોજગારી મળે છે.

    2002માં ગેહલોત સરકારે જણાવ્યું કે, “જો અરવલ્લી વિસ્તારોમાં ખનન બંધ કરવામાં આવે તો લગભગ 9,700 ઔદ્યોગિક એકમો, જેમાં અંદાજે ₹884 કરોડનું રોકાણ છે અને જે આશરે 64,000 લોકોને સીધી રોજગારી આપે છે, તેમને 14 જિલ્લાઓમાં પ્રતિકૂળ અસર થશે જ્યાં અરવલ્લીની પર્વતમાળાઓ આવેલી છે. એટલું જ નહીં, રાજ્યના અન્ય ખનિજ આધારિત ઔદ્યોગિક એકમો જે આ ખાણોમાંથી કાચો માલ મેળવે છે તેમને પણ અસર થશે.”

    પર્યાવરણ પ્રત્યેના આજના નવા જાગેલા પ્રેમ અને અરવલ્લીના રક્ષણની વાતોથી વિપરીત, 2002માં જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે તેમણે રોક ફોસ્ફેટ, ઝીંક, વોલેસ્ટોનાઈટ અને અન્ય ખનિજોના મોટા ભંડારને પ્રાધાન્ય આપ્યું હતું અને દલીલ કરી હતી કે ખનન પરનો પ્રતિબંધ વિવિધ ઉદ્યોગોના હિતોને નુકસાન પહોંચાડશે. કોંગ્રેસ સરકારે અરવલ્લીની ઇકોલોજીને (પર્યાવરણ) બદલે રાજ્યના અર્થતંત્ર પર ભાર મૂક્યો હતો. અશોક ગેહલોતે નિયંત્રણોને બદલે ખનનની આવકને પ્રાધાન્ય આપ્યું હતું.

    અશોક ગેહલોત હવે ભલે એવો દાવો કરે કે તેમની સરકારે 2002માં ‘આજીવિકાના દૃષ્ટિકોણ’ને ધ્યાનમાં રાખીને CEC દ્વારા ભલામણ કરાયેલી ‘100-મીટર’ની વ્યાખ્યાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ આ દૃષ્ટિકોણ આજે અપ્રાસંગિક બની ગયો નથી. અરવલ્લીમાં 0.019% વિસ્તારમાં જ ખનનની પ્રવૃત્તિઓને મંજૂરી આપવાથી પણ રોજગારીની વિપુલ તકો ઊભી થશે; જોકે હવે રાજ્યમાં કોંગ્રેસ સત્તામાં નથી, તેથી ખનન ‘ખરાબ’ બની ગયું છે. ભાજપ સરકાર માત્ર 0.019% વિસ્તારમાં અને તે પણ બિન-સુરક્ષિત ઝોનમાં ખનનની મંજૂરી આપવાનું વિચારે છે તો તેને “અરવલ્લીને માઈનિંગ માફિયાઓને સોંપી દેવા” સમાન ગણાવવામાં આવે છે.

    દેખીતી રીતે કોંગ્રેસનો દૃષ્ટિકોણ કયા પગલાંને ‘વ્યાવહારિક’ ગણવું અને કોને ‘વિનાશનું કાવતરું’ ગણવું, તે પોતે સત્તામાં છે કે વિપક્ષમાં તેના આધારે બદલાતો રહે છે.

    નોંધનીય છે કે અશોક ગેહલોતના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે જ અરવલ્લીની ‘100-મીટર’ની વ્યાખ્યાના આધારે સૌથી વધુ સંખ્યામાં, એટલે કે 700થી વધુ ખનનની પરવાનગીઓ આપી હતી, જેનો તેઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે.

    ઇન્ડિયા ટુડેને આપેલ એક ઈન્ટરવ્યુમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે એ વાત પર ભાર મૂક્યો હતો કે રાજસ્થાનમાં અત્યારે જે 1,008 ખાણો કાર્યરત છે, તેમાંથી “700 ખાણો અશોક ગેહલોતના શાસનકાળમાં શરૂ કરવામાં આવી હતી.”

    મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસ સરકાર હેઠળ ખનનની લીઝ આડેધડ આપવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે આ બાબતની નોંધ લઈને તેના પર સ્ટે (રોક) લગાવ્યો હતો.

    માર્ચ 2024ના CECના (સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી) અહેવાલમાં હાઈલાઈટ કરવામાં આવ્યું હતું કે કેવી રીતે અરવલ્લીમાં ગેરકાયદેસર ખનન વર્ષોથી એક જોખમ બની રહ્યું છે અને કોર્ટે 2010માં પણ નિર્દેશ આપ્યો હતો કે ખાણ લીઝ ધારકો તેમની લીઝની મુદત પૂરી થયા પછી પણ ખનનની પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહ્યા હતા.

    અશોક ગેહલોતના દંભને ખુલ્લો પાડતા ભાજપના નેતા અરુણ ચતુર્વેદીએ કહ્યું કે, “મને આશ્ચર્ય થાય છે કે ગેહલોત પોતે જ્યારે 2002માં મુખ્યમંત્રી હતા અને તેમની સરકાર સત્તામાં હતી, ત્યારે તેમણે આ જ મુદ્દે પોતાની સંમતિ આપી હતી. આજે તેઓ ફરીથી આ મુદ્દો ઉઠાવી રહ્યા છે અને બિનજરૂરી રીતે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે.”

    તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે 98% અરવલ્લીમાં ખનન પ્રતિબંધિત છે, ત્યારે “આ તબક્કે આ મુદ્દાનું રાજકીયકરણ કરવાનું કોઈ વ્યાજબી કારણ નથી…”

    એવું લાગે છે કે કોંગ્રેસ અને ખાસ કરીને ‘પાર્ટી પ્રિન્સ’ રાહુલ ગાંધી દ્વારા ફેલાવવામાં આવેલો ‘વૉટ ચોરી’નો મુદ્દો સફળ ન થયો, ત્યારે હવે કોંગ્રેસ ભાજપને નિશાન બનાવવા માટે અરવલ્લીની પર્વતમાળાના નામે એક ભયાનક નરેટિવ ઘડી રહી છે. ઑપઇન્ડિયાએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે કેવી રીતે આ વખતે સોનિયા ગાંધીએ મોરચો સંભાળ્યો અને 3 ડિસેમ્બરે ‘ધ હિન્દુ’માં એક લેખ લખીને દાવો કર્યો કે મોદી સરકારે અરવલ્લીની પર્વતમાળા માટે ‘ડેથ વોરંટ’ (મૃત્યુદંડ) પર હસ્તાક્ષર કર્યા છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ વધુમાં એવો દાવો કર્યો હતો કે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી પર્વતમાળા ખનન સામે સુરક્ષિત રહેશે નહીં અને આ રીતે 90% અરવલ્લીની પર્વતમાળા ગેરકાયદેસર ખાણિયાઓ અને માફિયાઓ માટે ખુલ્લી મૂકી દેવામાં આવશે.

    સોનિયા ગાંધીએ લખ્યું હતું કે, “મોદી સરકારે હવે આ પર્વતમાળા માટે લગભગ ડેથ વોરંટ પર હસ્તાક્ષર કરી દીધા છે, જે ગેરકાયદેસર ખનનને કારણે પહેલેથી જ ઉજ્જડ થઈ ગઈ છે. તેણે જાહેર કર્યું છે કે આ હારમાળામાં જે પર્વતમાળાની ઊંચાઈ 100 મીટરથી ઓછી છે, તેના પર ખનનવિરોધી કડક નિયમો લાગુ થશે નહીં. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ઊંચાઈની મર્યાદાથી નીચે આવતી 90% હારમાળાને ખતમ કરવા માટે આ ગેરકાયદેસર ખાણ માફિયાઓને ખુલ્લું આમંત્રણ છે.”

    કોંગ્રેસના નેતાઓ અને તેમનું વૈચારિક સમર્થન કરતું મીડિયા તેમજ સોશિયલ મીડિયા ઇકોસિસ્ટમ અરવલ્લીની પર્વતમાળા અને હારમાળાઓના ભવિષ્ય વિશેના આ ભયજનક નરેટિવને જોરશોરથી ફેલાવી રહ્યા છે.

    આ બધું ત્યારે શરૂ થયું જ્યારે 20 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે પર્યાવરણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી અરવલ્લીની કાર્યકારી વ્યાખ્યાને મંજૂરી આપી.

    અરવલ્લીની પર્વતમાળાની સુધારેલી વ્યાખ્યા આ મુજબ છે: “અરવલ્લી જિલ્લાઓમાં આવેલું એવું કોઈ પણ લેન્ડફોર્મ જેની ઊંચાઈ સ્થાનિક ભૂતળથી 100 મીટર કે તેથી વધુ હોય તેને ‘અરવલ્લી હિલ્સ’ કહેવામાં આવશે.”

    તેની સાથે જ ‘અરવલ્લી રેન્જ’ની (હારમાળા) વ્યાખ્યા છે કે “બે કે તેથી વધુ અરવલ્લી પર્વતમાળા (ઉપર જણાવેલી વ્યાખ્યા મુજબ), જે એકબીજાથી 500 મીટરના અંતરમાં આવેલી હોય – જેનું માપ બંને બાજુની સૌથી નીચેની કોન્ટૂર લાઇનની સીમાના સૌથી બહારના બિંદુથી લેવામાં આવશે – તે મળીને અરવલ્લી રેન્જ બનાવે છે.”

    સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને આ પ્રદેશનું કાળજીપૂર્વક મેપિંગ કરવા અને ટકાઉ ખનન માટે મેનેજમેન્ટ પ્લાન (MPSM) તૈયાર કરવા પણ નિર્દેશ આપ્યો હતો.

    જ્યારે લેફ્ટ લિબરલ ઇકોસિસ્ટમે #SaveAravalli કેમ્પેઈનને એવી રીતે વેગ આપ્યો કે જાણે કેન્દ્ર સરકાર થોડા જ દિવસોમાં અરવલ્લીને ધૂળમાં મેળવી દેવાની હોય, ત્યારે મોદી સરકારે સ્પષ્ટતા કરી કે ન તો અરવલ્લીની પર્વતમાળા ગેરકાયદેસર ખાણ માફિયાઓને સોંપવામાં આવી રહી છે, ન તો 90% પર્વતમાળા તેમનો ‘અરવલ્લી’ તરીકેનો દરજ્જો ગુમાવવાની છે. સરકારે એવા દાવાઓને પણ નકારી કાઢ્યા હતા કે ખનનની પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે વર્તમાન સુરક્ષા કવચને નબળું પાડવામાં આવશે.

    વિપક્ષ અને તેની સમર્થક ઇકોસિસ્ટમના મુખ્ય મુદ્દાઓ પૈકીના એક એવા ‘100-મીટર નિયમ’થી વિપરીત, સરકાર કહે છે કે આ નિયમ સ્થાનિક ભૂતળથી ઊંચાઈનો (elevation above local relief) ઉલ્લેખ કરે છે, નહીં કે ટેકરીઓના ઉપરના 100 મીટરનો.

    એ ભૂલવું ન જોઈએ કે, રાજસ્થાન રાજ્યમાં જ રાજ્ય સરકારના 2002ના સમિતિ અહેવાલના આધારે અરવલ્લીની ઔપચારિક વ્યાખ્યા સ્થાપિત કરવામાં આવી હતી, જે રિચાર્ડ મર્ફીના લેન્ડફોર્મ વર્ગીકરણ પર આધારિત હતી. જેમાં સ્થાનિક ભૂતળથી 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ ભૂ-સ્વરૂપોને પર્વતમાળા તરીકે ઓળખવામાં આવ્યા હતા અને તેના આધારે પર્વતમાળા તથા તેના સપોર્ટિંગ ઢોળાવ બંને પર ખનન પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. રાજસ્થાન 9 જાન્યુઆરી 2006થી આ વ્યાખ્યાનું પાલન કરી રહ્યું છે.

    કેન્દ્ર સરકારે અગાઉ જણાવ્યું હતું કે 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી પર્વતમાળાને ઘેરતા સૌથી નીચા બાઈન્ડિંગ કોન્ટૂરની (lowest binding contour) અંદર આવતા તમામ ભૂ-સ્વરૂપોને, તેમની ઊંચાઈ અને ઢોળાવને ધ્યાનમાં લીધા વગર, ખનન લીઝની મંજૂરીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

    સરકારે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદ (ICFRE) દ્વારા MPSMને (ટકાઉ ખનન માટેનો મેનેજમેન્ટ પ્લાન) અંતિમ સ્વરૂપ આપવામાં ન આવે ત્યાં સુધી ખનનની કોઈ નવી લીઝ આપવામાં આવશે નહીં. ભવિષ્યમાં તમામ ખનન માત્ર MPSM મુજબ તે જ વિસ્તારોમાં મંજૂર કરવામાં આવશે જ્યાં ટકાઉ ખનનની પરવાનગી આપી શકાય તેમ હોય.

    દેખીતી રીતે, કોંગ્રેસ પક્ષ વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, ભલે પ્રશ્નમાં રહેલી ઊંચાઈ-આધારિત સુધારેલી વ્યાખ્યા માત્ર કાર્યકારી (operational) હોય. સુપ્રીમ કોર્ટે ખનનની કોઈ નવી લીઝ ન આપવાનો આદેશ આપ્યો છે, જે તાત્કાલિક પર્યાવરણીય જોખમો સામે સુરક્ષા કવચ સુનિશ્ચિત કરે છે.

    પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે (MoEFCC) 21 ડિસેમ્બરના તેના નિવેદનમાં પહેલેથી જ જણાવ્યું હતું કે સુરક્ષિત વિસ્તારો, ઇકો-સેન્સિટિવ ઝોન, ટાઈગર રિઝર્વ, વેટલેન્ડ્સ અને કેમ્પા (CAMPA) પ્લાન્ટેશન સાઇટ્સમાં ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જોકે, વિપક્ષના આક્રોશને વધુ શાંત કરવા માટે, મંત્રાલયે 24 ડિસેમ્બરે બીજું નિવેદન બહાર પાડીને ‘અરવલ્લીમાં ખનનની કોઈપણ નવી લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ’ લાદી દીધો છે.

    MoEFCC એ જણાવ્યું હતું કે, “આ પ્રતિબંધ સમગ્ર અરવલ્લી વિસ્તારમાં એકસમાન રીતે લાગુ થાય છે અને તેનો હેતુ પર્વતમાળાની અખંડિતતા જાળવવાનો છે. આ નિર્દેશોનો ઉદ્દેશ્ય ગુજરાતથી નેશનલ કેપિટલ રિજન (NCR) સુધી વિસ્તરેલી આ સળંગ ભૌગોલિક પર્વતમાળા તરીકે અરવલ્લીનું રક્ષણ કરવાનો અને તમામ અનિયંત્રિત ખનન પ્રવૃત્તિઓને અટકાવવાનો છે.”

    તેણે વધુમાં ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદને (ICFRE) નિર્દેશ આપ્યો છે કે તેઓ સમગ્ર અરવલ્લીમાં એવા વધારાના વિસ્તારો/ઝોન ઓળખે જ્યાં પર્યાવરણીય, ભૌગોલિક અને લેન્ડસ્કેપ સ્તરની બાબતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દ્વારા અગાઉથી પ્રતિબંધિત વિસ્તારો સિવાય પણ ખનન પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

    ICFRE દ્વારા તૈયાર અને ફાઈનલ કરવામાં આવેલ MPSM પણ સીધો અમલમાં મૂકવામાં આવશે નહીં, પરંતુ વ્યાપક ભાગીદારોની (stakeholders) સલાહ લેવા માટે તેને જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવશે. સાદી ભાષામાં કહીએ તો, જ્યાં સુધી વિજ્ઞાન-આધારિત MPSM તૈયાર ન થાય ત્યાં સુધી કોઈ નવી ખનન લીઝ આપવામાં આવશે નહીં. MPSM પરામર્શ માટે જાહેર કરવામાં આવશે અને પર્યાવરણીય અસર અને ઇકોલોજીકલ ક્ષમતાનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા પછી પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરીને તથા પુનઃસ્થાપન માટેના પગલાં નક્કી કર્યા પછી જ માત્ર બિન-સુરક્ષિત વિસ્તારોમાં નવી ખનન લીઝની મંજૂરી અપાશે.

    વાસ્તવમાં કેન્દ્રએ ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાની રાજ્ય સરકારોને કડક નિર્દેશો જારી કર્યા છે કે તેઓ સુનિશ્ચિત કરે કે વર્તમાન કાયદેસરની ખનનની કામગીરી તમામ પર્યાવરણીય સુરક્ષાના નિયમો અને સુપ્રીમ કોર્ટના આદેશના ચુસ્ત પાલન સાથે કરવામાં આવે.

    અશોક ગેહલોત, જેઓ પોતાની જાતને માઇનિંગ માફિયાઓથી અરવલ્લીના રક્ષક ગણાવે છે, તેમણે જ પોતાના સંબંધીઓને ખનનના આપ્યા હતા કોન્ટ્રાક્ટ

    મહત્વની વાત એ છે કે, કોંગ્રેસે તેના તમામ નેતાઓમાંથી અરવલ્લી માઇનિંગ પોલિસી મુદ્દે ભાજપ પર હુમલો કરવા માટે અશોક ગેહલોતની પસંદગી કરી છે. ગેહલોત પોતે કરોડો રૂપિયાના માઇનિંગ કૌભાંડમાં તેમની કથિત ભૂમિકા માટે તપાસના દાયરામાં રહી ચૂક્યા છે.

    વર્ષ 2015માં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ગેહલોત અને તેમના એક સંબંધીનું નામ લેવામાં આવ્યું હતું (આરોપી તરીકે નહીં). તેમાં જણાવાયું હતું કે એક IAS અધિકારી, અશોક સિંઘવીએ અન્ય એક આરોપીને કહ્યું હતું કે રાજકીય વર્ગ પાસેથી ફાયદા મેળવવા માટે એક માઇનિંગ માલિક દ્વારા ગેહલોતના સંબંધીને નોકરી પર રાખવામાં આવ્યા હતા. સિંઘવી અને ખાણ વિભાગના ત્રણ અધિકારીઓ પર ACB દ્વારા લાંચનું નેટવર્ક ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેઓ માલિકો પાસેથી પૈસા પડાવવા માટે મનસ્વી રીતે કરારો રદ કરતા અને ખનનની કામગીરી અટકાવી દેતા હતા.

    અગાઉ, 2013માં જ્યારે ગેહલોત મુખ્યમંત્રી હતા, ત્યારે તેમના પર તેમના સંબંધીઓને સેન્ડસ્ટોનના (રેતીના પથ્થર) માઇનિંગ કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ લાગ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગેહલોતે 37માંથી 19 ખાણો તેમના સંબંધીઓને ફાળવી દીધી હતી.

    2022માં ગેહલોતના નેતૃત્વ હેઠળ રાજસ્થાનના ખાણ વિભાગે કથિત રીતે લાઈમસ્ટોનની (ચૂનાના પત્થર) ખાણોને માર્બલ ગ્રેડમાં ફેરવી નાખી હતી, જેના કારણે સરકારી તિજોરીને ₹1,000 કરોડનું નુકસાન થયું હતું.

    વર્ષ 2014માં એવા અહેવાલ આવ્યા હતા કે અશોક ગેહલોતના સંબંધીઓ – રામ વલ્લભ ચૌહાણ, સુરેશ ચૌહાણ, રમેશ ચૌહાણ અને રામ અવતાર ચૌહાણની (ચૌહાણ ભાઈઓ) માલિકીની કંપની ‘ગોટન લાઈમસ્ટોન ખનીજ ઉદ્યોગ લિમિટેડ’એ (GKUPL) નાગૌર જિલ્લાના ગોટન વિસ્તારમાં આવેલી 10 ચોરસ કિલોમીટરની ખનનની જમીન ગેરકાયદેસર રીતે અલ્ટ્રા ટેક સિમેન્ટ કંપનીને વેચી દીધી હતી.

    ACBએ તપાસમાં શોધી કાઢ્યું હતું કે માઇનિંગ એરિયાના આ વેચાણમાં ખાણ પટ્ટાના (લીઝ) નિયમોનું ઉલ્લંઘન થયું હતું. પ્રથમ, તેઓએ 1997માં જે.કે. સિમેન્ટને 2 ચોરસ કિલોમીટરનો વિસ્તાર વેચ્યો હતો અને જ્યારે તેની ટ્રાન્સફર અરજી ખાણ વિભાગ પાસે મંજૂરી માટે પેન્ડિંગ હતી, ત્યારે જ ગેહલોતના સંબંધીઓએ 2012માં સમગ્ર 10 ચોરસ કિલોમીટરનો વિસ્તાર અલ્ટ્રા ટેકને વેચી દીધો હતો.

    અરવલ્લીની પર્વતમાળા શા માટે મહત્વની છે?

    આશરે 2.5 અબજ વર્ષ જૂની અરવલ્લી પર્વતમાળા ગુજરાતમાંથી ઉદ્ભવે છે અને રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી વિસ્તરેલી છે. માઉન્ટ આબુમાં આવેલું ગુરુ શિખર (1,722 મીટર) તેનું સૌથી ઊંચું શિખર છે. દિલ્હી રિજ, જેને અવારનવાર રાજધાનીની ‘ગ્રીન વોલ’ (લીલી દીવાલ) અથવા ‘ગ્રીન લંગ્સ’ (લીલા ફેફસાં) તરીકે ઓળખવામાં આવે છે, તે પણ અરવલ્લી પર્વતમાળાનો જ એક વિસ્તાર છે.

    અરવલ્લી વગર રાજસ્થાનનું થારનું રણ ધીમે-ધીમે પૂર્વ તરફ વિસ્તરી શકે છે, જે હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધી પહોંચી શકે છે. આ કારણોસર, અરવલ્લીને રણીકરણ (desertification) સામેનું કુદરતી રક્ષણ માનવામાં આવે છે.

    ગરમ પવનોની ગતિને નિયંત્રિત કરવાથી લઈને ભૂગર્ભ જળનું સ્તર જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવવા સુધી, અરવલ્લીની પર્વતમાળા અને હારમાળાઓ જીવનદાતા છે. તે સેન્ડસ્ટોન, લાઈમસ્ટોન, માર્બલ અને ગ્રેનાઈટ તેમજ સીસું, જસત, તાંબુ, સોનું અને ટંગસ્ટન જેવા ખનિજોનો ભંડાર છે. વળી, તે વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું આશ્રયસ્થાન છે અને ચંબલ, સાબરમતી તથા લૂણી જેવી નદીઓનું ઉદ્ગમ સ્થાન પણ અહીં જ છે.

    કોંગ્રેસની સુવિધાની રાજનીતિ

    તેથી અરવલ્લીના સંરક્ષિત વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓની મંજૂરી આપવી જોઈએ નહીં. જોકે, પર્વતમાળાની સુધારેલી વ્યાખ્યા અને ખનન નીતિને લઈને વિપક્ષ જે રીતે ભય ફેલાવી રહ્યો છે તે સૂચવે છે કે અરવલ્લી કોંગ્રેસ પક્ષ માટે કોઈ ભાવનાત્મક વિષય કે સાચી ચિંતાનો મુદ્દો નથી, પરંતુ તેના રાજકીય પ્રતિસ્પર્ધી સામે સ્કોર સેટ કરવાની માત્ર એક તક છે.

    જોકે, સત્તાની બહાર હોવાને કારણે કોંગ્રેસ એવી કોઈ બાબત પર આક્રોશ વ્યક્ત કરી રહી હોય જે તેણે પોતે જ પોતાના શાસનકાળ દરમિયાન મંજૂર કરી હતી, તેવું આ પહેલીવાર નથી બન્યું. ખાસ કરીને અશોક ગેહલોત આ ખેલમાં માહેર રહ્યા છે, જે માત્ર 2002ના ખનનની તરફેણ કરતા સોગંદનામાથી લઈને હવે સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરવા સુધીના વલણથી જ નહીં, પણ હનુમાનગઢ ઇથેનોલ પ્લાન્ટના વિવાદ પરથી પણ સ્પષ્ટ થાય છે.

    નોંધવા જેવું છે કે હનુમાનગઢમાં ઇથેનોલ પ્લાન્ટને 2023માં અશોક ગેહલોતના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકાર દ્વારા જ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ જ્યારે ભાજપ સત્તામાં આવી અને તેનું બાંધકામ ચાલુ રાખ્યું, ત્યારે તે જ ગેહલોત અને કોંગ્રેસ પક્ષ તેની વિરુદ્ધ થઈ ગયા.

    આ બધું ત્યારે શરૂ થયું જ્યારે કોંગ્રેસ સરકારે 2023માં પંજાબ સ્થિત પેઢી ‘ડ્યુન ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ’ના સૂચિત ઇથેનોલ પ્લાન્ટ પ્રોજેક્ટને ₹450 કરોડના ભંડોળ માટે પસંદ કર્યો હતો. ચૂંટણીઓ આવી ત્યાં સુધી બધું બરાબર ચાલતું હતું, પણ જેવી કોંગ્રેસ સત્તામાંથી બહાર થઈ કે તરત જ વલણ બદલાઈ ગયું. કોંગ્રેસ માટે તે જ પ્રોજેક્ટ જે રોજગારી પેદા કરવાનો હતો અને અર્થતંત્રને વેગ આપવાનો હતો, તે હવે ‘ભાજપની કોર્પોરેટ તરફી યોજના’ બની ગઈ છે.

    આ રિપોર્ટ મૂળ અંગ્રેજીમાં લખાયેલો છે. મૂળ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં