Sunday, May 19, 2024
More
  હોમપેજગુજરાતજેહાદ પીડિતોનો અવાજ બનવાથી લઈને ઘટનાઓની સાચી હકીકત દર્શાવવા સુધી....વર્ષ 2023ના ઑપઇન્ડિયાના...

  જેહાદ પીડિતોનો અવાજ બનવાથી લઈને ઘટનાઓની સાચી હકીકત દર્શાવવા સુધી….વર્ષ 2023ના ઑપઇન્ડિયાના ટોપ-10 ગ્રાઉન્ડ રિપોર્ટ

  વર્ષ દરમિયાન ઑપઇન્ડિયા દ્વારા અનેક ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યા, પરંતુ એવા ટોપ 10 અહેવાલો પર એક નજર કરીએ, જે વર્ષ દરમિયાન સૌથી વધુ વંચાયા અને સૌથી વધુ વખણાયા હોય.

  - Advertisement -

  ગ્રાઉન્ડ રિપોર્ટિંગ ક્ષેત્રે ઑપઇન્ડિયા સતત અગ્રેસર રહ્યું છે. પ્રમાણમાં નાની ટીમ હોવા છતાં અમે સમયે-સમયે ગ્રાઉન્ડ પર જઈને માહિતી મેળવીને વાચકો સમક્ષ મૂકતા રહ્યા છીએ અને વાચકોએ પણ આ અહેવાલોને ભરપૂર પ્રેમ આપ્યો છે. ઘણા એવા અહેવાલો અમે વાંચકો સમક્ષ રાખ્યા છે અને વાંચકોએ પણ અમારા જમીની સ્તરના કાર્યને ખૂબ જ વખાણ્યું છે.

  ઘણા ખરા કિસ્સાઓમાં એવું બન્યું છે કે મેઇનસ્ટ્રીમ મીડિયાએ જેને સ્પર્શ જ કર્યો ન હોય તેવી બાબતો અમને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ દરમિયાન મળી આવી છે અને તેને ઑપઇન્ડિયા દ્વારા અહેવાલો તરીકે વાચકો સમક્ષ મૂકી છે. ઘણી વખત મેઈનસ્ટ્રીમ મીડિયાએ જે નેરેટિવ ચલાવ્યો હોય તેને ધ્વસ્ત પણ કર્યો છે. કેટલાક કિસ્સાઓમાં એવું પણ બન્યું કે જે પીડિતો સુધી કોઇ મીડિયા ન પહોંચી શક્યું ત્યાં સુધી પણ અમે પહોંચ્યા અને તેમના અવાજને ઉઠાવવાનું કામ કર્યું તો કોઇ રિપોર્ટના કારણે છેક ગૃહ મંત્રાલય સુધી પડઘા પડ્યા. આમ તો ઑપઇન્ડિયાએ અનેક ગ્રાઉન્ડ રિપોર્ટ વર્ષના અંત સુધીમાં કર્યા છે પણ કેટલાક અગત્યના રિપોર્ટ પર નજર કરીએ.

  વર્ષ દરમિયાન ઑપઇન્ડિયા દ્વારા અનેક ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યા, પરંતુ એવા ટોપ 10 અહેવાલો પર એક નજર કરીએ, જે વર્ષ દરમિયાન સૌથી વધુ વંચાયા અને સૌથી વધુ વખણાયા હોય.

  - Advertisement -

  કિશન ભરવાડના પરિવાર સાથે વાતચીત, એક વર્ષમાં શું-શું બદલાયું?

  25 જાન્યુઆરી, 2022ના રોજ ઇસ્લામી કટ્ટરપંથીઓએ કિશન ભરવાડની કરપીણ હત્યા કરી હતી. દેશભરમાં આ ઘટનાના પડઘા પડ્યા હતા. જેના એક વર્ષ બાદ તેમની વાર્ષિક પુણ્યતિથિ પર ઑપઇન્ડિયા તેમના પરિવાર પાસે પહોંચ્યું હતું. ત્યાં પહોંચીને અમારી ટીમે એક વર્ષ પછી કિશન ભરવાડના ઘરની સ્થિતિ કેવી છે? તે વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે અને સરકાર તરફથી મળેલા સહકાર વિશેની માહિતી મેળવી હતી. તેમના પિતાજીએ જણાવ્યું હતું કે, કિશન પહેલેથી જ હિંદુવાદી હતા અને અસામાજિક તત્વોની આંખમાં ખટકતા હતા. એ ઉપરાંત તેમણે ઘટના સમયે હિંદુ સંગઠનની મદદ વિશે પણ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઘટના બાદ અનેક હિંદુ સંગઠનોએ તેમનો સંપર્ક કરીને મદદ માટેની બાહેંધરી આપી હતી. એ સિવાય તેમણે સરકારનો પણ આભાર માન્યો હતો કે, ગુજરાત સરકાર આવી દુઃખદ ઘટનામાં પડખે ઊભી હતી.

  નોંધનીય છે કે, ગુજરાતના ધંધુકાના ગૌપ્રેમી હિંદુ યુવાન કિશન ભરવાડની 25 જાન્યુઆરી, 2022ના રોજ બાઇક પર આવેલા બે હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી, કારણ કે તેમણે કથિત રીતે પ્રોફેટ મુહમ્મદના ફોટાવાળા વિડીયો સાથે સોશિયલ મીડિયા પોસ્ટ પ્રકાશિત કરી હતી. કિશને એક વિડીયો શેર કર્યો હતો જેમાં પયગંબર મોહમ્મદની તસવીર જોવા મળી હતી. 27 વર્ષીય કિશન બોલિયાને મૌલાનાઓ દ્વારા પ્રેરિત કટ્ટરપંથી માણસો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેમણે તેમને ‘નિંદા’ કરનાર વ્યક્તિની હત્યા માટે ઉશ્કેર્યા હતા.

  વડોદરાની રામયાત્રા પર હુમલો થયો તે પહેલાં શું બન્યું હતું?

  30 માર્ચ, 2023ના રોજ રામનવમીના દિવસે વડોદરામાં એક જ દિવસમાં ભગવાન રામની બે શોભાયાત્રાઓ પર મુસ્લિમ બહુમતી વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો. સવારે ફતેપુરાના મુસ્લિમ બહુમતી વિસ્તાર પાંજરીગર મહોલ્લામાં મસ્જિદ પાસે હુમલો થયા બાદ સાંજે પણ અન્ય એક વિસ્તારમાં ભારે પથ્થરમારો થયો હતો. તેને લઈને ઑપઇન્ડિયાએ વડોદરા શહેર બજરંગ દળ સંયોજક કેતનભાઈ ત્રિવેદીનો સંપર્ક કર્યો હતો. કેતનભાઈ યાત્રા દરમિયાન ત્યાં હાજર જ હતા. તેમણે આ હુમલો પ્રિપ્લાન્ડ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, યાત્રા દરમિયાન અચાનક બાઈક લઈને મુસ્લિમ યુવક આવ્યો હતો અને કાર સાથે બાઈક અથડાવી હતી જે બાદ મુસ્લિમોએ છત અને ઘર પરથી પથ્થરો વરસાવવાના ચાલુ કરી દીધા હતા. આ ઘટના બાદ મુસ્લિમ મહિલાઓને આગળ કરી દેવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

  જેતપુરમાં મુસ્લિમ બનેલા યુવકે ફરી સનાતન અપનાવ્યો

  જુલાઈ, 2023માં જેતપુરના આશિષ ગોસ્વામી નામના હિંદુ યુવકે બાંગ્લાદેશી મુસ્લિમ યુવતી સાથે લગ્નની લાલચે અને ઝાકીર નાઈકના વિડીયો જોઈ-જોઈને ઈસ્લામ અપનાવી લીધો હતો. જે બાદ જેતપુરના હિંદુ સંગઠનો અને સંતોએ મળીને તે યુવાનને ફરી સનાતન તરફ પાછો વાળ્યો હતો. સ્થાનિક હિંદુ ધર્મ સેનાના આગેવાન અને જેતપુરમાં આવેલા નૃસિંહ મંદિરના મહંત કનૈયાનંદ મહારાજે મોટી સંખ્યામાં હિંદુ યુવાનો સાથે મળીને તેને 2 કલાક સુધી સમજાવ્યો હતો. જે બાદ તે યુવાન ફરી સનાતની થયો હતો. ઑપઇન્ડિયાએ કનૈયાનંદ મહારાજનો સંપર્ક કર્યો હતો અને વિગતવાર તમામ ઘટના વિશે જાણકરી મેળવી હતી.

  મુસ્લિમોના ટોળાંએ ચંડોળા પાસે બસ રોકી

  9 ઓક્ટોબરે અમદાવાદના ચંડોળા વિસ્તારમાં એક કટ્ટરવાદી મુસ્લિમ ટોળાંએ હિંદુ યાત્રિકોની બસને રોકી અને ધમકી આપી આપી. ટોળાંએ કહ્યું હતું કે, જય શ્રીરામ જેવા નારા તમારા વિસ્તારોમાં લગાવો અહીં નહીં. આ બાબતે ઑપઇન્ડિયાએ ગુજરાત વિશ્વ હિંદુ પરિષદના (VHP) પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂત સાથે વાત કરી હતી. તેમણે આ ઘટનાને લઈને કહ્યું હતું કે, આ રીતે હિંદુ યાત્રિકોને લઈ જતી બસને રોકવાનો અર્થ શું? તેમણે આ ઘટના પાછળ કોઈ ષડયંત્ર હોવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે એવા સવાલો પણ ઉઠાવ્યા કે શું આ વધુ એક ગોધરા કાંડ જેવું કાવતરું હતું?

  માંડલનો વાલ્મિકી સમાજ પલાયન કરવા મજબૂર

  2 મે, 2023ના રોજ માંડલમાં વાલ્મિકી સમાજના બાળકની મશ્કરી મુદ્દે સામાન્ય તકરાર થઈ હતી. જે બાદ સમીર સલીમ અડી અને અન્ય એક સગીર વયના મિત્રએ મશ્કરી કરતાં અટકાવનાર વાલ્મિકી સમાજના બે યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના વચ્ચે માંડલના વાલ્મિકી સમાજે હિજરતની પરવાનગી માંગતો પત્ર તાલુકા TDOને આપ્યો હતો. જેમાં માંડલના મુસ્લિમોથી ત્રાસીને પલાયન કરતાં હોવાનું કહેવાયું હતું. જે બાદ ઑપઇન્ડિયાએ વાલ્મિકી સમાજના સ્થાનિક આગેવાન ભાવિન સિરેસિયાનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં જીવલેણ હુમલાની ઘટના બાદ પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે પીડિતોને દબાણ કરવામાં આવી રહ્યું છે.

  વીર જવાન મહિપાલસિંહની અંતિમયાત્રા

  4 ઓગસ્ટ, 2023ના રોજ વીરગતિ પામેલા મૂળ સુરેન્દ્રનગર અને અમદાવાદમાં રહેતા મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળાની અંતિમ યાત્રામાં લાખો લોકો સ્વયંભૂ જોડાયા હતા. ઑપઇન્ડિયાએ ખૂબ જ ઝીણવટપૂર્વક એક-એક ઘટનાનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું. લાખોની જનમેદની અને વિરગતના સગર્ભા પત્ની વર્ષાબાની પરિસ્થિતિ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિવારને મળીને વિરગતને વીરાંજલી અર્પણ કરી હતી.

  નોંધનીય છે કે, 4 ઓગસ્ટ, 2023ના રોજ જમ્મુ-કાશ્મીરના કુલગામ ક્ષેત્રના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સામે થયેલી અથડામણમાં ભારતીય સેનાના 3 જવાન વીરગતિ પામ્યા હતા. જેમાંથી એક જવાન મૂળ સુરેન્દ્રનગરના વતની અને અમદાવાદ રહેતા મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા હતા. રવિવારે (6 ઓગસ્ટ, 2023) વીર મહિપાલસિંહને અંતિમ વિદાય આપવામાં આવી.

  ભરૂચમાં આદિવાસી સમાજને મુસ્લિમ યુવકોએ આપી ધમકી

  ઓકટોબર, 2023માં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઈખર ગામના આદિવાસી સમાજે ક્લેક્ટને આવેદન પત્ર આપ્યું હતું જેમાં કહેવાયું હતું કે તેમના ગામના મુસ્લિમ આગેવાનોએ નવરાત્રિની ઉજવણી ન કરવા માટે ધમકી આપી હતી અને જાતિવિષયક અપશબ્દો પણ કહ્યા હતા. ઑપઇન્ડિયાએ નવરાત્રીનું આયોજન કરતાં શૈલેષ વસાવા સાથે વાત કરીને માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના યુવાનો નવરાત્રિની તૈયારી કરી રહ્યા હતા તે સમયે મોહસીનઅલી ખાન પઠાણ અને અલીહસન પઠાણ નામના વ્યક્તિઓ આવીને અભદ્ર ગાળો આપવા લાગ્યા હતા. મુસ્લિમોએ કહ્યું હતું કે, આ તેમનો વિસ્તાર છે તેથી અહીં નવરાત્રિ નહીં મનાવવા દે. શૈલેષ વસાવાએ જણાવ્યું હતું કે આ પહેલાં પણ અનેકવાર મુસ્લિમો આદિવાસી સમાજને હેરાન કરતા રહ્યા છે.

  ઑપઇન્ડિયા ઇમ્પેક્ટ: મંજુસર કેસમાં RSS કાર્યકર્તા પર લગાવાયેલા PASA રિવોક

  ઓકટોબર, 2023માં વડોદરાના મંજુસરમાં ગણપતિ વિસર્જન યાત્રા પર મુસ્લિમ કટ્ટરપંથી ભીડે હુમલો કર્યો હતો અને પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસે સાવલીના એક RSS કાર્યકર્તા નીલેશ પરમારની ધરપકડ કરી હતી અને તેમને પાસા (PASA- Prevention of Anti-Social Activities Act) અંતર્ગત અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી દેવાયા હતા. તેમના પરિવારનો આરોપ હતો કે તેમનું ગામ મુસ્લિમ બહુમતી ધરાવે છે અને આ કાર્યવાહી રાજકારણથી પ્રેરિત છે. આ બાબતે ઑપઇન્ડિયાએ મજબૂતીથી સવાલ ઉઠાવ્યા હતા અને તેમના પરિવાર સાથે વાત કરી હતી. પુરાવાઓ ચકાસીને તે જાણકારી ભેગી કરીને તેના પર અહેવાલ તૈયાર કર્યો હતો અને લોકો સમક્ષ પ્રસ્તુત કર્યો હતો.

  જેને લઈને નીલેશ પરમારના PASA રિવોક કરવામાં આવ્યા હતા અને ધામધૂમથી ઉજવણી સાથે તેમનું ગામમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બાબતને લઈને નીલેશ પરમાર અને તેમના પરિવારજનોએ ઑપઇન્ડિયાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

  સુરતમાં પાર્થની હત્યા, પરિવારના અવાજને સરકાર સુધી પહોંચાડવાનું કર્મ અમારા ભાગે આવ્યું, અમે નિભાવ્યું

  16 ઓગસ્ટ, 2023ના રોજ સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા પાર્થ આહીરકર નાનપુરાના પટેલ ચેમ્બર પાસે પોતાના કોઈ મિત્રની જન્મદિવસની ઉજવણીમાં ગયો હતો જ્યાં અઝરૂદ્દીન અહમદ શેખે તેમની જાહેરમાં છરાના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. એક યુવતી સાથે પાર્થની મિત્રતા હોવાને લઈને આરોપીએ આ પગલું ભર્યું હતું. આ ઘટના બાદ પરિવારની સ્થિતિ જાણવા માટે ઑપઇન્ડિયાએ મૃતક પાર્થના મોટા ભાઈ સાગરનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાર્થની કમાણી પર જ આખા ઘરનું ગુજરાન ચાલતું હતું. તે નાસ્તાની લારી ચલાવીને મહેનત કરતો હતો અને તેમના પત્ની પણ ગર્ભવતી છે.

  સાગરે વધુમાં જણાવ્યું હતું કે, પાર્થની હત્યા બાદથી તેમના પત્નીનું સ્વાસ્થ્ય પણ સારું નથી રહેતું. પાર્થના માતા વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, પાર્થની હત્યા બાદથી તેમના માતા સંપૂર્ણ હોશમાં આવ્યા જ નથી અને ICUમાં જ એડમિટ છે. આ ઉપરાંત સાગરે એવો આરોપ પણ લગાવ્યો હતો કે, અઝરૂદ્દીનને તેના સહયોગીઓ દ્વારા જેલમાં VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. આ સાથે અન્ય હિંદુ સંગઠનો પણ પરિવારની મદદે આવ્યા હોવાનું જણાવ્યું હતું.

  મણિપુરનાં બાળકોને આશ્રય આપતી ગુજરાતની ગોકુલધામ સંસ્થા

  મણિપુર હિંસામાં માતા-પિતા ગુમાવનારા અનેક બાળકો માટે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલા નાર ગામ સ્થિત ગોકુલધામ સંસ્થા વરદાનરૂપ બની હતી. આ સંસ્થા સ્વામિનારાયણ ધામ વડતાલ સંચાલિત છે. આ સંસ્થામાં મણિપુરના 50 મૈતેઈ બાળકોને આશ્રય મળ્યો છે. ઑપઇન્ડિયાએ આ વિશે વધુ માહિતી મેળવવા માટે સંસ્થાનો સંપર્ક કર્યો હતો. જ્યાં ત્યાંનાં સ્વામી સુખદેવપ્રસાદ દાસ સાથે અમારી ખાસ વાતચીત થઈ હતી. તેમણે સંસ્થાને આ વિચાર ક્યાંથી આવ્યો તેમજ સંસ્થા કેવી રીતે કાર્ય કરે છે તે વિશેની માહિતી આપી હતી.

  ઑપઇન્ડિયા સાથે વાત કરતાં સ્વામીએ જણાવ્યું હતું કે, મણિપુર હિંસાને લઈને મન વિચલિત હતું તેથી આવા બાળકોને મદદ કરવાની પ્રેરણા ઉદ્ભવી હતી. સંસ્થામાં ગુરુકુળ છે અને તેમાં પહેલેથી અનેક બાળકો ભણી રહ્યા છે. તો વિચાર આવ્યો કે આવા પીડિત બાળકોને અહીં લાવીને તેમની મદદ કરી શકાય.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં