Wednesday, April 24, 2024
More
  હોમપેજસ્પેશ્યલતેમને જીવવાનો અધિકાર નહોતો, કેમ કે તેઓ હિંદુ હતા: ધંધુકામાં જેહાદીઓના હાથે...

  તેમને જીવવાનો અધિકાર નહોતો, કેમ કે તેઓ હિંદુ હતા: ધંધુકામાં જેહાદીઓના હાથે મોત વહોરનાર કિશન ભરવાડની પ્રથમ પુણ્યતિથીએ જાણો એક વર્ષમાં શું બદલાયું

  ઑપઇન્ડિયાએ કિશન ભરવાડના પુરા પરિવાર સાથે માનવીય અભિગમ સાથે વિસ્તારમાં વાત કરી. પરિવારના સભ્યોએ અને ખાસ કરીને કિશન ભરવાડના પિતા શીવાભાઈ ભરવાડે અમારી સાથે મોકળા મને વાત કરી.

  - Advertisement -

  ગુજરાતના ધંધુકાના ગૌપ્રેમી હિંદુ યુવાન કિશન ભરવાડની 25 જાન્યુઆરી, 2022ના રોજ બાઇક પર આવેલા બે હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી, કારણ કે તેમણે કથિત રીતે પ્રોફેટ મુહમ્મદના ફોટાવાળા વિડીયો સાથે સોશિયલ મીડિયા પોસ્ટ પ્રકાશિત કરી હતી. કિશને એક વિડીયો શેર કર્યો હતો જેમાં પયગંબર મોહમ્મદની તસવીર જોવા મળી હતી. 27 વર્ષીય કિશન બોલિયાને મૌલાનાઓ (ઇસ્લામિક ધાર્મિક નેતાઓ) દ્વારા પ્રેરિત કટ્ટરપંથી માણસો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેમણે તેમને ‘નિંદા’ કરનાર વ્યક્તિની હત્યાની જેહાદી પ્રવૃત્તિ કરવા માટે ઉશ્કેર્યા હતા.

  કિશન ભરવાડની હત્યા બાદ સમગ્ર ભારતમાં ઓછામાં ઓછા છ મૌલવીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઘણી એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે, એવું માનવામાં આવે છે કે ભરવાડનું મૃત્યુ એક એવા મોટા ષડયંત્રનો નેનો ભાગ હતું કે જેના તાર છેક પાકિસ્તાન સુધી જોડાયેલા હતા.

  કિશન ભરવાડની હત્યા બાદ સમગ્ર ભારતમાં જમાલપુર અમદાવાદના મૌલવી મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલા અને દિલ્હીના મૌલવી મૌલાના કમર ગની ઉસ્માની સહીત ઓછામાં ઓછા છ મૌલવીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બહુવિધ એજન્સીઓ આ બાબતની તપાસ કરી રહી હતી, અને તેમની તપાસ એ દિશામાં ઈશારો કરી રહી હતી કે આ હત્યા એક વ્યાપક કાવતરાનો ભાગ છે.

  - Advertisement -

  હવે જયારે આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે ઑપઇન્ડિયાએ જમીન પર હાલ આ વિષયને લઈને શું સ્થિતિ છે, કિશન ભરવાડના પરિવારની શું સ્થિતિ છે, ધંધુકામાં આ ઘટના બાદ શું પડઘાઓ પડ્યા અને કાયદાકીય રીતે આ કેસ ક્યાં પહોંચ્યો અને આરોપીઓની શું સ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો છે. અમને અમારી તાપસ અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં જે જાણવા મળ્યું તે અહીં આપ સમક્ષ મૂકી રહ્યા છે.

  કિશન ભરવાડના પરિવારની સ્થિતિ

  1 વર્ષની દીકરી જે કિશન ભરવાડની હત્યા સમયે માત્ર 23 દિવસની હતી

  ઑપઇન્ડિયાની ટીમે ધંધુકામાં રહેતા કિશન ભરવાડના પરિવારનો સંપર્ક કર્યો. ધંધુકામાં જ રહેતો આ પરિવાર આર્થિક રીતે મધ્યમવર્ગીય છે. પરિવારમાં કિશન ભરવાડના માતા-પિતા, પત્ની, બે ભાઈઓ અને એક બહેન છે. સાથે કે એક નાનકડી દીકરી પણ છે. નોંધનીય છે કે કિશન ભરવાડની હત્યા કરવામાં આવી ત્યારે આ દીકરીની ઉંમર માત્ર 23 દિવસની હતી. હાલ તેણે એક વર્ષ પૂર્ણ કર્યું છે.

  પરિવાર હજુ પોતાના દીકરાની હત્યાના આઘાતમાંથી સંપૂર્ણ રીતે ઉગરી શક્યો નથી. હાલ પણ આ વિષયની વાત કરતા કરતા તેમની આંખોમાં પાણી આવી જઈ રહ્યા હતા. સ્વાભાવિકપણે જ તેમને કિશનની ખોટ સાલી રહી હતી.

  અમે કિશન ભરવાડના પુરા પરિવાર સાથે માનવીય અભિગમ સાથે વિસ્તારમાં વાત કરી. પરિવારના સભ્યોએ અને ખાસ કરીને કિશન ભરવાડના પિતા શિવાભાઈ ભરવાડે અમારી સાથે મોકળા મને વાત કરી.

  કિશન ભરવાડની છાપ પહેલાથી હિંદુત્વવાદી વ્યક્તિ તરીકે હતી, જે જેહાદીઓને ખૂંચતી હતી

  શિવાભાઈએ એ દિવસ અને એ ઘટનાને યાદ કરતા જણાવ્યું હતું કે તેમને સપને પણ ખ્યાલ નહોતો કે તેમના પરિવારના દીકરા સાથે આવું થશે. તેમને એવો પણ ખ્યાલ નહોતો કે તેમની આસપાસ આવા જેહાદી માનસિકતા ધરાવતા લોકો રહી રહ્યા હતા. શિવાભાઈએ કહ્યું કે જયારે તે દિવસે પહેલીવાર તેમને જણાવવામાં આવ્યું કે તેમના દીકરા પર આ રીતનો હુમલો થયો છે ત્યારે તેમને એ વાત પર વિશ્વાસ જ નહોતો આવી રહ્યો.

  શિવાભાઈએ કિશનની વાતો વાગોળતા કહ્યું કે કિશન શરૂઆતથી જ ધાર્મિક પ્રવૃત્તિવાળા રહ્યા હતા. તે હંમેશાથી પોતાના ધર્મ પ્રત્યે વિશેષ લગાવતા જોવા મળ્યા હતા. વિસ્તારમાં પણ તેમની છબી એક હિંદુત્વવાદી વ્યક્તિ તરીકે હતી. અને કદાચ તેના લીધે જ તે આવા જેહાદી લોકોની આંખોમાં કણીની જેમ ખૂંચી રહ્યા હતા.

  ઘટના બાદ ઘણા હિંદુવાદી સંગઠનો આવ્યા મદદે

  કિશનના પિતાએ આગળ જણાવ્યું કે જયારે સૌને ધીમે ધીમે એ ઘટના વિષે સમાચાર મળવા લાગ્યા એવા જ ગુજરાતના ખૂણે ખૂણેથી અનેક જુદા જુદા નાના મોટા હિંદુવાદી સંગઠનોએ તેમનો સંપર્ક કર્યો હતો અને દરેકે તેમને યથાયોગ્ય મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.

  સાથે જ અનેક લોકો અને સંગઠનો રૂબરૂ તેમની મુલાકાત માટે ધંધુકા પણ આવ્યા હતા. ઘટનાના પહેલા દિવસથી કાયદાકીય લડાઈ સુધી લોકોએ ખુબ ફાળો આપ્યો છે તેવી વાત પણ શિવાભાઈએ કરી.

  ગુજરાત સરકાર પરિવારની જેમ રહી પડખે

  અમે જયારે શિવાભાઇને આ પુરા ઘટનાક્રમમાં શરૂઆતથી લઈને હમણાં સુધી સરકારનું વલણ કેવું રહ્યું એ બાબતે પ્રશ્ન કર્યો, ત્યારે તેઓએ સકારાત્મક જવાબ આપતા કહ્યું હતું કે તેમના કિશનની હત્યાના સમાચાર બહાર આવ્યા તે દિવસથી જ સરકાર અને પોલીસતંત્રએ તેમને પૂરતો સહયોગ કર્યો હતો. તે જ સમયે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમની મુલાકાત લીધી હતી અને તમામ કાયદાકીય મદદ સાથે તમામ આરોપીઓને પકડીને કડકમાં કડક સજા કરવાની બાંહેધરી પણ આપી હતી.

  નોંધનીય છે કે ઘટનાના દિવસથી જ પોલીસતંત્ર ભાગતું થયું હતું અને કલાકોના સમયમાં જ એક પછી એક આરોપીઓને ગુજરાતના ખુલે ખૂણેથી શોધીને પકડી પાડવામાં આવ્યા હતા. કિશન ભરવાડના પિતા અને પુરા પરિવારે સરકાર અને પોલીસતંત્રની હમણાં સુધીની કાર્યવાહી પાર સંતોષ દર્શાવ્યો હતો સાથે જ આરોપીઓને કડકમાં કડક સજા થાય એવી આશા પણ દર્શાવી હતી.

  આ ઘટના બાદ ધંધુકાની પરિસ્થિતિ

  બાદમાં શિવાભાઈએ અમારો સંપર્ક તેમના પરિવારના નજીકના અને વિસ્તારના સામાજિક અગ્રણી ભરતભાઈ પરમાર સાથે કરાવી. ભરતભાઈએ આ ઘટના પહેલાની, ઘટના સમયની અને તે બાદથી હમણાંની પરિસ્થિતિ વિષે વાત કરી હતી.

  શરૂઆતથી આ વિસ્તાર રહ્યો છે સંવેદનશીલ

  ભરતભાઈએ વાત કરી કે ધંધુકા અને તેની આસપાસનો વિસ્તાર હમેશાથી સંવેદનશીલ રહ્યો છે. અહીંયા નાની મોટી ધાર્મિક અથડામણો, બોલચાલ અને સંઘર્ષ અવાર નવાર થતા રહેતા હોય છે. વિસ્તારના મુસ્લિમો હમેશાથી અહીંયા પોતાનું વર્ચસ્વ સાબિત કરવાના અને વધારવાના પ્રયત્નમાં રહેતા હોય છે.

  ભરતભાઈ અનુસાર જયારે કિશન ભરવાડ પર જેહાદીઓએ આ રીતે આયોજન કરીને પીઠ પાછળ હુમલો કર્યો ત્યારે અહીંયાના લોકોને સમજાયું કે મુસ્લિમો કોઈ પણ નાની ઘટના કે બોલચાલની ભૂલી જતા નથી પરંતુ તેને વર્ષો વર્ષ યાદ રાખે છે અને સમય આવ્યે આ રીતે આયોજન કરીને પીઠ પાછળ હુમલો કરી શકે છે.

  ઘટના બાદ સર્વસમાજ એક થઈને માત્ર હિંદુ તરીકે આગળ આવ્યો

  ભરતભાઈએ જણાવ્યું કે આ ઘટના બાદ તુરંત જ લોકોમાં એક હિંદુત્વનું જોમ ઊપડ્યું હતું. દરેક સમાજના લોકોમાં આ ઘટના બાબતે રોષ જોવા મળ્યો હતો. તમામ લોકોએ એકસ્વરે આને એક હિંદુ યુવાન પર હુમલો ગણાવ્યો હતો અને તેમના માટે ન્યાય માંગવા સામે આવ્યા હતા.

  ભરતભાઈએ આગળ જણાવ્યું કે તે દિવસ બાદ આજ સુધી આ વિસ્તારમાં કોઈ આવી ઘટના બની નથી. પરંતુ હવે અહીંના હિંદુઓ વધુ જાગૃત થયા છે અને સતર્ક રહેતા થયા છે.

  ગૃહમંત્રીના અતિથીસ્થાને યોજાયો કિશન ભરવાડનો સ્મરણાંજલી કાર્યક્રમ

  નોંધનીય છે કે 21 જાન્યુઆરી 2023ના રોજ ધંધુકામાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, આસ્થા ફાઉન્ડેશન, યુવા બ્લડ ડોનેટ ગ્રુપ ધંધુકા, હિંદુ ધર્મ સેનાએ, ભગવાસેના, કરણીસેનાએ તથા અન્ય અનેક હિંદુ ધાર્મિક અને સામાજિક સંગઠનોએ સાથે મળીને કિશન ભરવાડની પુણ્યતિથિને અનુલક્ષીને એક સ્મરણાંજલી કાર્યક્રમ આયોજિત કર્યો હતો.

  આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા તથા પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા.

  આ સ્મરણાંજલિ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સ્થાનિક ઉપરાંત ગુજરાત તથા ભારતના ખૂણે ખૂણેથી આવેલ હિંદુઓ સંમેલિત થયા હતા. સૌએ આ અવસર પર કિશન ભરવાડને યાદ કર્યા હતા અને તેમની યાદમાં ડાયરો યોજાયો હતો.

  કાયદાકીય રીતે કેસની પરિસ્થિતિ

  ઑપઇન્ડિયા દ્વારા એ પણ તપાસ કરવામાં આવી કે આ કેસ કાયદાકીય રીતે ક્યાં પહોંચ્યો છે અને આરોપીઓની હાલ શું સ્થિતિ છે.

  અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ કેસ હાલ ચાલુ જ છે. તમામ આરોપી હાલ જેલમાં છે. નીચલી કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાંથી આ આરોપીઓની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. જે બાદ આરોપીઓના વકીલે સુપ્રીમ કોર્ટમાં તેમની જામીન અરજી મૂકી છે, જેના પાર નિર્ણય આવવાનો હજુ બાકી છે.

  આ કેસના આરોપીઓ પર UAPA સહિતની કલમો લગાવવામાં આવી છે જેથી તેમને જામીન મળે તેની શક્યતા નહિવત છે. ઑપઇન્ડિયા સાથે થયેલ વાત અનુસાર કિશન ભરવાડનો પરિવાર આ કેસમાં થયેલ કાર્યવાહીથી હમણાં સુધી સંતુષ્ટ છે.

  આ સુનિયોજિત જેહાદી હુમલાને સ્થાનિક અથડામણ જેવું દેખાડવાનું કાવતરું

  કિશન ભરવાડ પરનો હુમલો એ એક જેહાદી-આતંકવાદી હુમલો જ હતો, પરંતુ ઇસ્લામવાદીઓ અને ઉદારવાદીઓએ તેને એક સ્થાનિક અથડામણ તરીકે દર્શાવીને દબાવી દેવાનો ખુબ પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમાં તેઓ સફળ થયા ન હતા.

  જયારે હજુ આ કિસ્સો તાજો જ હતો ત્યારે મેં પોતે એક ખુલાસો કર્યો હતો કે જેમાં કિશન ભરવાડના મૃત્યુ બાદ જે લોકો તેમના માટે ન્યાય માંગી રહ્યા હતા તેમના પાર ઇસ્લામવાદીઓ નજર રાખી રહ્યા હતા. બાદમાં તેઓ આવા વ્યક્તિઓને ટાર્ગેટ કરીને મેસેજ કોલ પર ધમકીઓ આપતા હતા અને તેમના પર હુમલા કરવાનું પ્લાનિંગ કરતા હતા.

  28 જાન્યુઆરી 2022ના રોજ મેં આવા જ એક ઓનલાઇન ઇસ્લામિક સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં મેં તબક્કાવાર જણાવ્યું હતું કે કેવી રીતે આ સિન્ડિકેટ ચાલી રહ્યું છે અને કેવી રીતે તેઓ એક એક હિંદુ યુવાનોને નિશાન બનાવીને ટાર્ગેટ કરી રહ્યા છે.

  બાદમાં પોલીસ તપાસમાં પણ સામે આવ્યું હતું કે કિશન ભરવાડની હત્યાના મુખ્ય રણનીતિકાર મૌલાના ઉસ્માનીએ મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી ઈસ્લામિક રેકેટ તરફ આકર્ષવા માટે સોશિયલ મીડિયા ટીમ બનાવી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં