Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાત‘તેની પત્ની ગર્ભવતી, માતા ICUમાં, પરિવાર વેરવિખેર થઇ ગયો….’: સુરતના પાર્થની હત્યા...

    ‘તેની પત્ની ગર્ભવતી, માતા ICUમાં, પરિવાર વેરવિખેર થઇ ગયો….’: સુરતના પાર્થની હત્યા કરનાર અઝરૂદ્દીનને ફાંસી આપવાની પરિવારની માંગ, જેલમાં VIP સગવડો અપાતી હોવાનો આરોપ

    પાર્થના ભાઈએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે દીકરાના મૃત્યુના સમાચાર બાદ મમ્મી સંપૂર્ણ ભાનમાં આવ્યાં જ નથી, તેમને સતત ICUમાં રાખવામાં આવી રહ્યા છે. પાર્થના જવાથી તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી છે.

    - Advertisement -

    થોડા દિવસો અગાઉ સુરતમાં પાર્થ નામના યુવકની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યા બાદ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા. પોલીસે આરોપી અઝરૂદ્દીન શેખની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ પણ ધકેલી દીધો હતો. જોકે આરોપી અઝરૂદ્દીન શેખ જેલમાં પણ જલસા કરતો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે સુરતમાં પાર્થની જાહેરમાં હત્યા કરનાર અઝરૂદ્દીન શેખને ફાંસી આપવા માટેની માંગ પણ પરિવારે કરી છે તો સાથે પરિવાર કેવી વિકટ સ્થિતિનો સામનો કરી રહ્યો છે તે પણ જાણવા મળ્યું.

    ગત તારીખ 16 ઓગસ્ટ 2023ના રોજ સુરતના ઉમરા વિસ્તારમાં રહેતો યુવક પાર્થ આહિરકર નાનપુરાના પટેલ ચેમ્બર પાસે પોતાના કોઈ મિત્રની જન્મદિવસની ઉજવણી કરવા ગયો હતો. જ્યાં અમરોલી કોસાડ આવાસ પાસે રહેતા અઝરૂદ્દીન અહમદ શેખ નામના વ્યક્તિએ જાહેરમાં છરાના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાંખી હતી. કહેવામાં આવી રહ્યું છે કે એક યુવતી સાથે પાર્થની મિત્રતાને લઈને અઝરૂદ્દીન સાથે તેનો ઝઘડો ચાલી રહ્યો હતો. જેની દાઝ રાખીને આરોપીએ 15થી વધુ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

    પાર્થની કમાણી પર જ પરિવારનું ગુજરાન ચાલતું, તેની પત્ની પણ ગર્ભવતી, માતા ICUમાં

    ઘટના બાદ પરિવારની પરિસ્થિતિ જાણવા ઑપઇન્ડિયાએ મૃતક પાર્થના મોટા ભાઈ સાગરનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન થયેલી ટેલિફોનિક વાતચીતમાં સાગરે જણાવ્યું હતું કે, “પાર્થની કમાણી પર જ આખા ઘરનું ગુજરાન ચાલી રહ્યું હતું, તે નાસ્તાની લારી ચલાવીને તનતોડ મહેનત કરતો હતો. તેમનાં પત્ની હાલ 7 મહિનાનાં ગર્ભવતી છે, પાર્થની હત્યા બાદથી તેમનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે. વારંવાર તેમને દવાખાને લઈ જવા પડે છે. પાર્થના જવાથી આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે.”

    - Advertisement -

    આ વાતચીત દરમિયાન સાગરે અમારી ટીમને તેમનાં માતા વિશે જણાવતા કહ્યું કે, “તેના મૃત્યુના સમાચાર બાદ મમ્મી સંપૂર્ણ ભાનમાં આવ્યાં જ નથી, તેમને સતત ICUમાં રાખવામાં આવી રહ્યાં છે. પાર્થના જવાથી તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી છે. આજે પાર્થનું બેસણું છે અને તેમ છતાં હું મમ્મી સાથે દવાખાને છું.”

    આરોપીને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ફાંસી આપવાની પીડિત પરિવારની માંગ

    મૃતક પાર્થના ભાઈએ આરોપ લગાવ્યો કે, અઝરૂદ્દીનને તેના સહયોગીઓ દ્વારા જેલમાં VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. સાગરે જણાવ્યું કે, “જેલમાં પણ તેને મનગમતી વાનગીઓ પીરસવામાં આવી રહી છે. કોઈ માણસ હત્યા કર્યા બાદ આવું કઈ રીતે કરી શકે?” આરોપીને આ પ્રકારની સગવડ કોણ આપી રહ્યું છે તે સવાલ પર સાગરે કહ્યું હતું કે, “તે મને નથી ખબર પણ મને અનેક જગ્યાએથી આ જાણવા મળ્યું છે કે અઝરૂદ્દીનને જેલમાં પણ તેને ભાવતું ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.”

    સાગરે આગળ જણાવ્યું કે, મને ભાઈએ આગળ આ વિશે કશું જ કહ્યું ન હતું. જો મને ખબર પડી હોત તો જરૂર કંઈને કંઈ કર્યું જ હોત. હત્યા થઇ તે દિવસે અમને ફોન આવ્યો કે તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. અમને લાગ્યું કે તેને ગાડી પર અકસ્માત નડ્યો હશે, પરંતુ હોસ્પિટલ જઈને હકીકત જાણવા મળી. અમારી એક જ માંગ છે કે તેના હત્યારાને ફાંસીએ ચડાવવામાં આવે.

    હિંદુ સંગઠનો પરિવારની મદદે આવ્યાં

    પાર્થ મધ્યમવર્ગીય પરિવારનો યુવાન હતો. આખા પરિવારના ભરણપોષણની તમામ જવાબદારીઓ તેના ખભા પર હતી. ત્યારે પરિવારના કમાઉ દીકરાની હત્યા બાદ પરિવારજનો અને ખાસ કરીને મૃતક પાર્થની સગર્ભા પત્નીનું ભવિષ્ય અંધકારમય ભાષી રહ્યું છે. તેવામાં સુરતમાં પાર્થની જાહેરમાં હત્યા કરનાર અઝરૂદ્દીન શેખને ફાંસી આપવા પરિવારની માંગ બાદ સ્થાનિક હિંદુ સંગઠનો પીડિત પરિવારની મદદે દોડી આવ્યાં છે અને તેમને ન્યાય અપાવવા કાયદાકીય સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે.

    ઉલ્લેખનીય છે કે પાર્થની હત્યા પાછળનું પ્રાથમિક કારણ જણાવતાં પોલીસે કહ્યું હતું કે, સુરતના આવેલા નાનપુરામાં જે યુવકનો જન્મદિવસ હતો તેની બહેનના પૂર્વ પ્રેમી અઝરૂદ્દીન અહમદ શેખનો પાર્થ સાથે યુવતીની મિત્રતા હોવાને લઈને ઝઘડો થયો હતો. બાદમાં અઝરૂદ્દીને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી પાર્થની હત્યા કરી હતી. તેના શરીર પર 15થી વધુ ઈજાનાં નિશાન છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે. હાલ જરૂરી તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં