Thursday, April 18, 2024
More
  હોમપેજસ્પેશ્યલશક્તિપીઠ અંબાજી પ્રસાદ વિવાદ: હિંદુ આસ્થાના વિજય પહેલા 13 દિવસ ચાલેલા આ...

  શક્તિપીઠ અંબાજી પ્રસાદ વિવાદ: હિંદુ આસ્થાના વિજય પહેલા 13 દિવસ ચાલેલા આ વિવાદની ટાઈમલાઈન શું હતી? – અહીં જાણો

  આ વિવાદ અને તેને જોડાઈને થાયેલો સંઘર્ષ એ બાબતે પણ ખાસ રહ્યો કે આ તમામ 14 દિવસો દરમિયાન હિંદુ ભક્તોએ ના કોઈ તોફાન કર્યા કે ના કોઈ રસ્તા રોકીને સામાન્ય નાગરિકોને હેરાન કર્યા. ના તેઓએ કોઈ સરકારી સંપત્તિને નુકશાન પહોચાડ્યું કે ના ક્યાંય પથ્થમારાના સમાચાર આવ્યા.

  - Advertisement -

  એક પખવાડિયા લાંબા વિવાદ અને સંઘર્ષ બાદ આજે અંબાજી મંદિર ગાદીએ મોહનથાળ બનાવવાનું શરૂ કર્યું છે. આ સાથે જ મા અંબાના તમામ ભક્તો કે જેઓ અંબાજી પ્રસાદ વિવાદ દરમિયાન પોતાની પુરી શક્તિ અને આસ્થાથી મોહનથાળ પ્રસાદ શરુ કરાવવા માટે લડત આપી રહ્યા હતા તે સૌમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.

  તો ચાલો આજે આપણે તબક્કાવાર રીતે જાણીએ કે આ અંબાજી પ્રસાદ વિવાદ કયાંથી શરૂ થયો અને કઈ રીતે તેનું નિરાકરણ આવ્યું.

  1 માર્ચથી 3 માર્ચ: મોહનથાળનો સ્ટોક પૂરો થવાની વાત બહાર આવી

  2023ના માર્ચ મહિનાની શરૂઆતથી જ અંબાજી મંદિરમાં મહાપ્રસાદ મોહનથાળનો સ્ટોક પૂરો થવાની અણીએ હોવાની વાત વહેતી થઇ હતી. આખરે 3 માર્ચના દિવસે બપોરે આ સ્ટોક બિલકુલ ખાલી થઇ ગયો હતો.

  - Advertisement -

  પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે જાણે આ પૂર્વઆયોજિત હોય તેમ મંદિરના પ્રસાદઘર અને પ્રસાદની બારીઓ પર ચીક્કીનો સ્ટોક આવી ચુક્યો હતો અને દર્શન કરવા આવી રહેલા સૌ ભાવીભક્તોને પ્રસાદમાં મોહનથાળની જગ્યાએ ચીક્કી આપવાની શરૂઆત થઇ ચુકી હતી.

  4 માર્ચ: હિંદુ હિતરક્ષક સમિતિએ આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ

  હવે એ જાહેર થઇ ગયું હતું કે મંદિર પ્રસાશન ભક્તોને મોહનથાળની જગ્યાએ પ્રસાદમાં ચીક્કી જ આપવા માંગે છે. અને ત્યાંથી શરુ થયો અંબાજી પ્રસાદ વિવાદ.

  સૌ પહેલા અંબાજીની સ્થાનિક હિંદુ હિતરક્ષક સમિતિએ પ્રસાશનને મંદિરમાં ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપી દીધું હતું. તેમનું કહેવું હતું કે જો 48 કલાકમાં મા અંબાનો મૂળ પ્રસાદ શરૂ કરવામાં નહિ આવે તો આ બાબતે મોટું આંદોલન કરવામાં આવશે.

  6 માર્ચ: અલ્ટીમેટમ પૂર્ણ પરંતુ આંદોલન મુલતવી । કલેક્ટરની બાંહેધરી

  6 માર્ચના દિવસે હિંદુ હિતરક્ષક સમિતિના 48 કલાકના અલ્ટીમેટમનો અંત આવ્યો હતો પરંતુ મંદિર પ્રસાશને હજુ તેમની માંગણી પુરી કરી નહોતી. સૌને લાગતું હતું કે હવે મોટું આંદોલન જરુરુ થશે. પરંતુ માથે હોળીનો પવિત્ર હિંદુ તહેવાર હોવાને કારણે સમિતિએ મોટું મન રાખીને દર્શનાર્થીઓને અગવડ ના પડે એ માટે પોતાનું આંદોલન મુલતવી રાખ્યું હતું.

  આ જ દિવસે સાંજના સમયે અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તથા બનાસકાંઠા કલેક્ટરનું મહત્વનું નિવેદન સામે આવ્યું હતું. તેઓએ શ્રદ્ધાળુઓની લાગણી અને માગણીને લઇ ટૂંક સમયમમાં જન હિતકારી નિર્ણય લેવાશે તેવી ખાતરી આપી હતી.

  બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, “મંદિરમાં આવતો દરેક પૈસો જનહિત માટે વપરાય છે અને આ મુદ્દાનો તાત્કાલિક નિર્ણય થાય તેવી અમારી પણ લાગણી છે.” તેમણે ઉમેર્યું કે, શ્રદ્ધાળુઓની લાગણી ચોક્કસ રજૂ કરાશે.

  7 માર્ચથી 10 માર્ચ: સ્થાનિક હિંદુઓએ જાતે મોહનથાળ બનાવીને શ્રદ્ધાળુઓમાં વહેંચવાનું શરૂ કર્યું

  અંબાજી પ્રસાદ વિવાદ હવે આગળ શું રૂપ લેશે એ બાબતે સૌ અસમંજસમાં જ હતા. પરંતુ આ સ્થિતિ વચ્ચે પણ કોઈ પણ શ્રદ્ધાળુ મા અંબાના પ્રસાદથી વંચિત ના રહી જાય એ વિશેની કાળજી લઈને સ્થાનિક હિંદુ યુવાનોએ લોકફાળાની મદદથી રોજ 200 કિલો મોહનથાળ બનાવીને મા અંબાને ધરાવીને દર્શનાર્થીઓને વહેંચવાનું શરૂ કર્યું હતું.

  આ વિષયમાં આ આખી યોજનાના મુખ્ય વ્યક્તિ એવા સુનિલભાઈ બ્રહ્મભટ્ટ સાથે ઑપઇન્ડિયાએ ખાસ વાતચીત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે તેઓ અંબાજીમાં ભાજપમાં ઉપપ્રમુખ હતા પરંતુ આ અંબાજી પ્રસાદ વિવાદ બાબતે પોતાનો વિરોધ દર્શાવવા તેઓએ ભાજપના દરેક હોદ્દાઓ પરથી રાજીનામુ આપી દીધું હતું.

  11 માર્ચ: સરકાર તરફથી પહેલું નિવેદન અને ચીક્કીના સમર્થનમાં બહાનાઓ

  આખરે 10 દિવસો બાદ પહેલીવાર ગુજરાત સરકાર તરફથી અંબાજી પ્રસાદ વિવાદ મુદ્દે પહેલું નિવેદન બહાર આવ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં પ્રસાદ તરીકે મોહનથાળની જગ્યાએ ચીક્કી રાખવાના મંદિર પ્રશાસનના નિર્ણયનું સમર્થન કર્યું હતું. 

  ચીકીના પ્રસાદનું સમર્થન કરતાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે, “ઉપવાસ હોય, અગિયારસ હોય કે પૂનમ હોય તે વખતે ઉપવાસના સમયે મોહનથાળ લઇ શકાતો નથી તેવી માન્યતાના કારણે પ્રસાદ હોવા છતાં પણ લોકો ગ્રહણ કરતા નથી. જેના કારણે મંદિર પ્રશાસને તેની જગ્યાએ ચીકીનો પ્રસાદ આપવાનો નિર્ણય લીધો છે.” 

  તેમણે વધુમાં ઉમેર્યું કે, “મોહનથાળની શેલ્ફ લાઈફ 8થી 10 દિવસની જ છે જ્યારે ચીકીના જે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે તેની શેલ્ફ લાઈફ ત્રણ મહિના હોય છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રસાદ આસ્થાનો વિષય છે, એ મોઢાને સ્વાદિષ્ટ લાગે તે માટેની કોઈ મીઠાઈ નથી.”

  11 માર્ચ- 12 માર્ચ: VHP આવ્યું મેદાનમાં

  આખરે 10 દિવસે પણ અંબાજી પ્રસાદ વિવાદનો અંત ન આવતા વિશ્વ હિંદુ પરિષદે વિવાદમાં જંપલાવ્યું. 11 માર્ચના દિવસે VHP ક્ષેત્રમંત્રી અશોક રાવલના નેતૃત્વમાં અંબાજી ખાતે મોટી સંખ્યામાં હિંદુઓએ ભેગા થઈને ધરણા કર્યા હતા.

  12 માર્ચના દિવસે પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ ગુજરાતના દરેક માતાજીના મંદિરે સ્થાનિક હિંદુઓ અને પરિષદના કાર્યકર્તાઓએ મોહનથાળનો પ્રસાદ વહેંચીને અંબાજી પ્રસાદ વિવાદ બાબતે પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.

  13 માર્ચ: દાંતાના રાજવી પરિવારની આંદોલનની ચીમકી

  હવે અંબાજી મંદિરના પ્રસાદને લઈને વિવાદ શમવાનું નામ લઇ રહ્યો નહોતો. એક તરફ હિંદુ સંગઠનો, હિંદુઓ મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ કરવાની માંગ કરી રહ્યા હતા તો બીજી તરફ હવે આ વિવાદમાં સરકાર પણ કૂદી ચુકી હતી. દરમિયાન, દાંતાના રાજવી પરિવારે પણ અંબાજી પ્રસાદ વિવાદમાં ઝંપલાવીને મોહનથાળ ફરી શરૂ કરવાની માંગ કરી હતી અને જો તેમ ન થાય તો હાઇકોર્ટ સુધી જવા માટે તૈયારી દર્શાવી હતી. 

  દાંતા સ્ટેટના રાજવી પરિવારના પરમવીરસિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેઓ આગામી સમયમાં લોકોને ભેગા કરીને ભવ્ય રેલી આયોજિત કરીને અંબાજી મંદિર સુધી જશે અને જો આ મામલે યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી પણ દાખલ કરવામાં આવશે. 

  13 માર્ચ: કલેકટરનું જાહેરનામું અને ધરણા, વિરોધ પ્રદર્શનો પર રોક

  હવે આ વિવાદ બાબતે હિંદુઓ ઉગ્ર થઇ રહ્યા હતા. જયારે પ્રસાશનને નાક પરથી પાણી જતું લાગ્યું તો 13 માર્ચના રોજ બનાસકાંઠાના કલેકટરે એક જાહેરનામું બહાર પાડ્યુંઆટલું જ નહીં, જાહેરનામાં ભંગ કરનારને સીધી સજાની જોગવાઈ કરવામાં આવી છે.  જેમાં તેની સામે આઈ પી. સી. કલમ 188, 135 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ જાહેરનામું 10/03/2023 થી 24/03/2023 સુધી લાગુ રહેશે. સાથે સાથે આ જાહેરનામાની નોટિસ અંબાજી મંદિર ના 7 નંબર ગેટ પર પણ લગાવવામાં આવી છે.   હતું.

  આ વિવાદ હવે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું હતો, ત્યારે આ વિરોધને ડામવા માટે વહીવટી તંત્ર નવા નવા પ્રતિબંધો લગાવી રહ્યું હતું. બનાસકાંઠા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું કે જીલ્લાની કોઈ પણ સરકારી કચેરી આગળ વિરોધ પ્રદર્શન કે ધરણા પર બેસી શકાશે નહીં. કલેકટરે DJના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુક્યો હતો.

  આટલું જ નહીં, જાહેરનામાં ભંગ કરનારને સીધી સજાની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં તેની સામે આઈ પી. સી. કલમ 188, 135 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવશે એવું કહેવાયું હતું. આ જાહેરનામું 10/03/2023 થી 24/03/2023 સુધી લાગુ રહેવાનું હતું. સાથે સાથે આ જાહેરનામાની નોટિસ અંબાજી મંદિરના 7 નંબર ગેટ પર પણ લગાવવામાં આવી હતી. 

  14 માર્ચ: લાંબા અને શાંતિભર્યા સંઘર્ષ બાદ હિંદુઓની આસ્થાની થઇ જીત

  14 માર્ચના દિવસે સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદ વિવાદનો આખરે સરકારની મધ્યસ્થી બાદ અંત આવ્યો હતો. અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું વિતરણ ચાલુ રાખવામાં આવ્યુ હતું. ગાંધીનગરમાં અંબાજી મંદિર ટ્રસ્ટના સભ્યોની ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સાથે બેઠક મળી હતી. જે પછી આ વિવાદનો અંત આવ્યો હતો અને મોહનથાળના પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તાત્કાલિક ધોરણે પ્રસાદ શરૂ કરવાનું સૂચન કરવામાં આવ્યુ હતું.

  અહીં આવતા દરેક ભક્તો અને સમગ્ર હિંદુ સમાજની લાગણી હતી કે અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવામાં આવે. ત્યારે આ મામલામાં અંતે સરકારે મધ્યસ્થી કરી છે. મંગળવારે ગાંધીનગરમાં બપોરે અંબાજી મંદિરના સંચાલકોની ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ  સાથે બેઠક મળી હતી. જેમાં મંદિરમાં મોહનથાળ અને ચીક્કી બંને પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

  આમ 1લી માર્ચ 2023ના રોજ શરૂ થયેલો આ અંબાજી પ્રસાદ વિવાદ 14 માર્ચ 2023ના દિવસે પૂર્ણ થયો હતો. સરકાર અને પ્રસાશને હિંદુ ભક્તોની માંગને માન આપ્યું હતું અને મોહનથાળના પ્રસાદને ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો.

  ઉપરાંત આ વિવાદ અને તેને જોડાઈને થાયેલો સંઘર્ષ એ બાબતે પણ ખાસ રહ્યો કે આ તમામ 14 દિવસો દરમિયાન હિંદુ ભક્તોએ ના કોઈ તોફાન કર્યા કે ના કોઈ રસ્તા રોકીને સામાન્ય નાગરિકોને હેરાન કર્યા. ના તેઓએ કોઈ સરકારી સંપત્તિને નુકશાન પહોચાડ્યું કે ના ક્યાંય પથ્થમારાના સમાચાર આવ્યા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં