Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅંબાજી મંદિરનો પ્રસાદ વિવાદ: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સૂચક નિવેદન, મોહનથાળ...

    અંબાજી મંદિરનો પ્રસાદ વિવાદ: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સૂચક નિવેદન, મોહનથાળ ફરી ચાલુ કરવાની VHPની માંગ

    આ મામલે વિશ્વ હિંદુ પરિષદે પણ અવાજ ઉઠાવ્યો છે અને ફરીથી મોહનથાળને જ પ્રસાદ તરીકે ચાલુ રાખવા માટે માંગ કરવામાં આવી છે.

    - Advertisement -

    અંબાજી મંદિરના પ્રસાદ વિવાદને લઈને ગુજરાત સરકારે મોહનથાળ અને ચીકી બાબતે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યા બાદ હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે. 

    નીતિન પટેલે કહ્યું કે, હાલ મામલો ટ્રસ્ટ અને ભક્તો વચ્ચે ચાલી રહ્યો છે અને ગુજરાત સરકાર આ મામલે યોગ્ય નિરાકરણ લાવશે. તેમણે મહેસાણામાં આ વાત કહી હતી. નીતિન પટેલના નિવેદન બાદ ફરીથી ચર્ચા શરૂ થઇ છે કે પ્રસાદ ફરીથી મોહનથાળ કરવામાં આવશે કે ચીકી જ યથાવત રહેશે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગુજરાત સરકાર પણ આ વિવાદને લઈને પોતાનું સ્ટેન્ડ જાહેર કરી ચૂકી છે. પત્રકારો સાથેની વાતચીતમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ચીકીની શેલ્ફ લાઈફ વધારે છે તેમજ તેને ઉપવાસમાં પણ લઇ શકાય છે, જેના કારણે પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

    - Advertisement -

    આરોગ્ય મંત્રીએ આગળ કહ્યું હતું કે, આ ચીકી બજારમાં મળતી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ ચીકી ખાસ પ્રકારના માવા અને સીંગદાણામાંથી બનાવવામાં આવે છે. ઉપરાંત, તેને ત્રણ મહિના સુધી સાચવી શકાય, ફરાળમાં લઇ શકાય, ઓનલાઇન મોકલી શકાય છે. દરેક રીતે આ પ્રસાદ ખૂબ લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાય, દેશ-વિદેશમાં લોકો પણ મંગાવી શકે- આવી બાબતોને ધ્યાનમાં રાખીને તેને માતાજીના મંદિરમાં મૂકાયો છે. તેમણે ઉમેર્યું કે, મોહનથાળ જેટલા પ્રમાણમાં લોકો લઇ જતા હતા તેટલા જ પ્રમાણમાં આજે ચીકીનું પણ વેચાણ ચાલુ છે. 

    આ મામલે વિશ્વ હિંદુ પરિષદે પણ અવાજ ઉઠાવ્યો છે અને ફરીથી મોહનથાળને જ પ્રસાદ તરીકે ચાલુ રાખવા માટે માંગ કરવામાં આવી છે. VHP ગુજરાતના મહામંત્રી અશોક રાવલે કહ્યું કે, આ વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવો ઘાટ છે. મેં એક દિવસ પહેલાં જ તેમની (સરકાર) મુલાકાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે પ્રસાદ બદલવાનો નિર્ણય ટ્રસ્ટનો છે હવે મંત્રી કહે છે કે ચીકીનો પ્રસાદ જ ચાલુ રહેશે. 

    તેમણે કહ્યું કે, આ ભ્રષ્ટાચારનો મામલો લાગી રહ્યો છે અને પૈસા માટે બધું થઇ રહ્યું છે. ચીકી તો બાળકો દ્વારા ખવાતી વસ્તુ છે. તેમણે આગળ કહ્યું કે, માતાજીનું યંત્ર તૂટી ગયું છે, ગર્ભગૃહમાં આગ પણ જોવા મળી છે અને બે વખત ધજા પણ બદલવામાં આવી છે. માતાજીનો કોપ દેખાય રહ્યો છે પરંતુ સત્તાધારીઓ એટલા શક્તિશાળી થઇ ગયા છે કે તેઓ પોતાની ભૂલ સુધારવા માંગતા નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં