Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘વધુ શેલ્ફ લાઈફ, ઉપવાસમાં પણ લઇ શકાય..’: અંબાજી મંદિરના પ્રસાદ વિવાદમાં ગુજરાત...

    ‘વધુ શેલ્ફ લાઈફ, ઉપવાસમાં પણ લઇ શકાય..’: અંબાજી મંદિરના પ્રસાદ વિવાદમાં ગુજરાત સરકારે પણ ઝંપલાવ્યું, ચીકીના પ્રસાદનું સમર્થન કર્યું

    પ્રસાદ આસ્થાનો વિષય છે, એ મોઢાને સ્વાદિષ્ટ લાગે તે માટેની કોઈ મીઠાઈ નથી: આરોગ્ય મંત્રી

    - Advertisement -

    તીર્થધામ અંબાજી મંદિરે ચાલતા પ્રસાદ મામલેના વિવાદને લઈને હવે ગુજરાત સરકારે ઝંપલાવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે પત્રકારો સાથેની વાતચીતમાં પ્રસાદ તરીકે મોહનથાળની જગ્યાએ ચીકી રાખવાના મંદિર પ્રશાસનના નિર્ણયનું સમર્થન કર્યું હતું. 

    ચીકીના પ્રસાદનું સમર્થન કરતાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે, “ઉપવાસ હોય, અગિયારસ હોય કે પૂનમ હોય તે વખતે ઉપવાસના સમયે મોહનથાળ લઇ શકાતો નથી તેવી માન્યતાના કારણે પ્રસાદ હોવા છતાં પણ લોકો ગ્રહણ કરતા નથી. જેના કારણે મંદિર પ્રશાસને તેની જગ્યાએ ચીકીનો પ્રસાદ આપવાનો નિર્ણય લીધો છે.” 

    તેમણે વધુમાં ઉમેર્યું કે, “મોહનથાળની શેલ્ફ લાઈફ 8થી 10 દિવસની જ છે જ્યારે ચીકીના જે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે તેની શેલ્ફ લાઈફ ત્રણ મહિના હોય છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રસાદ આસ્થાનો વિષય છે, એ મોઢાને સ્વાદિષ્ટ લાગે તે માટેની કોઈ મીઠાઈ નથી.”

    - Advertisement -

    આરોગ્ય મંત્રીએ આગળ કહ્યું કે, આ ચીકી બજારમાં મળતી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ ચીકી ખાસ પ્રકારના માવા અને સીંગદાણામાંથી બનાવવામાં આવે છે. ઉપરાંત, તેને ત્રણ મહિના સુધી સાચવી શકાય, ફરાળમાં લઇ શકાય, ઓનલાઇન મોકલી શકાય છે. દરેક રીતે આ પ્રસાદ ખૂબ લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાય, દેશ-વિદેશમાં લોકો પણ મંગાવી શકે- આવી બાબતોને ધ્યાનમાં રાખીને તેને માતાજીના મંદિરમાં મૂકાયો છે. તેમણે ઉમેર્યું કે, મોહનથાળ જેટલા પ્રમાણમાં લોકો લઇ જતા હતા તેટલા જ પ્રમાણમાં આજે ચીકીનું પણ વેચાણ ચાલુ છે. 

    મોહનથાળ જ પ્રસાદ તરીકે ચાલુ રાખવાની માંગ

    ઉલ્લેખનીય છે કે છેલ્લા લગભગ દસેક દિવસથી અંબાજી મંદિરમાં આ પ્રસાદનો વિવાદ ચાલી રહ્યો છે અને અનેક હિંદુ સંગઠનો અને સ્થાનિકો મળીને પ્રશાસનના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. અહીં દાયકાઓથી મોહનથાળનો પ્રસાદ આપવામાં આવતો રહ્યો છે પરંતુ તાજેતરમાં તેની જગ્યાએ ચીકીનો પ્રસાદ આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

    નિર્ણયને લઈને બનાસકાંઠાના કલેક્ટરે જણાવ્યું હતું કે મંદિરમાં પ્રસાદ બદલવાને લઈને સંચાલકોને અનેક રજૂઆતો અને મંતવ્યો મળ્યાં હતાં. જેને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. ભક્તો દ્વારા થતી સૂકા પ્રસાદની માંગણીને લઈને હવે મોહનથાળની જગ્યાએ ચીકીનો પ્રસાદ આપવામાં આવશે તેમ કહીને તેમણે ઉમેર્યું કે, સૂકો પ્રસાદ બગડશે પણ નહીં અને લાંબા સમય સુધી રાખી શકાશે. 

    આ નિર્ણય સામે સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિંદુઓની માંગ છે કે પ્રસાદ તરીકે મોહનથાળ જ ચાલુ રાખવામાં આવે. આ જ વિરોધના ભાગરૂપે કેટલાક સ્થાનિક હિંદુઓ દરરોજ જાતે મોહનથાળ બનાવીને ભક્તોને વિતરિત કરી રહ્યા છે. (આ મામલે ઑપઇન્ડિયાનો વિસ્તૃત રિપોર્ટ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

    અંબાજી મંદિરમાં પ્રસાદ મામલે ચાલતા વિરોધ વચ્ચે બનાસકાંઠાના કલેક્ટરે આસ્થાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા માટે આશ્વાસન આપ્યું હતું પરંતુ હવે ગુજરાત સરકારે પણ ઝંપલાવીને ચીકીના પ્રસાદનું જ સમર્થન કરતાં ચર્ચાને વધુ વેગ મળ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં