Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅંબાજી મંદિરની ઓળખ બનેલો મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ:...

    અંબાજી મંદિરની ઓળખ બનેલો મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ: દાયકાઓ જૂની પરંપરા ચાલુ રાખવાની માંગ, 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું

    તાજેતરમાં જ મંદિરનું સંચાલન કરતા જિલ્લા તંત્રે પ્રસાદમાં મોહનથાળની જગ્યાએ ચીકી આપવાનો નિર્ણય કર્યો હતો. જેને લઈને વિરોધ ચાલી રહ્યો છે અને 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. 

    - Advertisement -

    ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ અંબાજી માતાના મંદિરે આપવામાં આવતા પ્રસાદ મામલે વિવાદ સર્જાયો છે અને ભક્તો, હિંદુ સંગઠનો અને સ્થાનિકો ભારે વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં મંદિરમાં મોહનથાળની જગ્યાએ ચીકી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને વખોડવામાં આવી રહ્યો છે. 

    અંબાજી માતાના મંદિરે દાયકાઓથી મોહનથાળનો પ્રસાદ આપવામાં આવતો રહ્યો છે. પરંતુ તાજેતરમાં જ મંદિરનું સંચાલન કરતા જિલ્લા તંત્રે પ્રસાદમાં મોહનથાળની જગ્યાએ ચીકી આપવાનો નિર્ણય કર્યો હતો. જેને લઈને વિરોધ ચાલી રહ્યો છે અને 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. 

    હિંદુ હિતરક્ષક સમિતિએ અંબાજી મંદિરમાં પ્રસાદ બદલવાના આ નિર્ણયનો વિરોધ કરીને નિર્ણય પરત ખેંચવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સંગઠને કહ્યું કે, જો 48 કલાકમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને ભૂખ હડતાળ પર પણ ઉતરવા માટે તેઓ તૈયાર છે. 

    - Advertisement -

    આ મામલાના પડઘા સોશિયલ મીડિયા પર પણ પડ્યા છે અને લોકો દાયકાઓથી ચાલતી આ પરંપરા તૂટવાને લઈને વિરોધ કરી રહ્યા છે. એક પત્ર પણ વાયરલ થયો છે, જેમાં કહેવામાં આવ્યું કે મોહનથાળનો પ્રસાદ વર્ષોથી આપવામાં આવતો રહ્યો છે અને તેની સાથે શ્રી અંબાજી મંદિરની આગવી ઓળખ અને મહિમા સંકળાયેલા છે. જેથી તેનું કાયમી ધોરણે વિતરણ ચાલુ રાખવામાં આવે.

    આ વિવાદ છેલ્લા બે દિવસથી ચાલી રહ્યો છે. લોકો દાયકાઓથી ચાલતી આ પરંપરા જાળવી રાખીને મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાની અપીલ કરી રહ્યા છે અને પ્રસાદમાં ચીકી રાખવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે આ નિર્ણયના કારણે 100થી વધુ કર્મચારીઓનો રોજગાર પણ છીનવાઈ ગયો છે. 

    કલેક્ટરે કહ્યું- સૂકો પ્રસાદ આપવાની રજૂઆતોના આધારે નિર્ણય લીધો 

    આ નિર્ણયને લઈને બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર આનંદ પટેલે કહ્યું હતું કે, મંદિરમાં પ્રસાદ બદલવાને લઈને સંચાલકોને અનેક રજૂઆતો અને મંતવ્યો મળ્યાં હતાં. જેને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. ભક્તો દ્વારા થતી સૂકા પ્રસાદની માંગણીને લઈને હવે મોહનથાળની જગ્યાએ ચીકીનો પ્રસાદ આપવામાં આવશે તેમ કહીને તેમણે ઉમેર્યું કે, સૂકો પ્રસાદ બગડશે પણ નહીં અને લાંબા સમય સુધી રાખી શકાશે. 

    જોકે, તેમની આ બાબત સામે વાંધો ઉઠાવતાં ભક્તોએ કહ્યું છે કે ચીકી તેલમાંથી બનાવવામાં આવે છે જ્યારે મોહનથાળ ઘીમાંથી બને છે. ઉપરાંત, જ્યાં સુધી સૂકા પ્રસાદની વાત છે તો મોહનથાળ પણ અઠવાડિયા સુધી સાચવી શકાય છે. જેથી મોહનથાળ જ પ્રસાદ તરીકે ચાલુ રાખવામાં આવે. 

    ભક્તોએ વિરોધ ઉઠાવતાં કહ્યું કે, નાથદ્વારા, મહુડી જેવાં મંદિરોના અમુક ચોક્કસ પ્રસાદ છે, જેના વગર આ મંદિરોની કલ્પના કરી શકાય નહીં. એ જ રીતે અંબાજી મંદિર સાથે મોહનથાળનો પ્રસાદ જોડાયેલો છે. તો આ ખાસ ઓળખ અને પરંપરાગત પ્રથાને શા માટે ખરાબ કરવી જોઈએ?

    એ નોંધવું જરૂરી છે કે ગુજરાતનાં અન્ય મોટાં મંદિરોમાં ચોક્કસ પ્રસાદ આપવામાં આવે છે અને જે પ્રસાદ હવે જે-તે મંદિરની ઓળખ બની ગયા છે. જેમકે, સોમનાથ મંદિરમાં પણ મોહનથાળ અને ચીકીનો પ્રસાદ અપાય છે. 

    એજન્સીએ કહ્યું- નવો મોહનથાળ બનાવવાનો ઓર્ડર નથી મળ્યો 

    એક રિપોર્ટમાં એ બાબત પણ સામે આવી હતી કે જે એજન્સીને મોહનથાળ બનાવવા માટેનો કોન્ટ્રાકટ મળ્યો છે તેમણે જણાવ્યું હતું કે તેમને હવે નવો પ્રસાદ બનાવવાનો ઓર્ડર મળ્યો નથી અને એક દિવસ ચાલે તેટલો જ મોહનથાળનો સ્ટોક પડ્યો છે. જોકે, કલેક્ટરે પૂરતો સ્ટોક હોવાનું જણાવ્યું હતું.

    2018માં ટેન્ડર મારફતે કોન્ટ્રાક્ટ અપાયો હતો 

    ઉલ્લેખનીય છે કે અગાઉ મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરનો સ્ટાફ જ પ્રસાદ બનાવતો હતો અને પેકિંગ માટેનો કોન્ટ્રાક્ટ બહારની પાર્ટીને આપવામાં આવતો. પરંતુ વર્ષ 2014માં ટેન્ડર બહાર પાડ્યા વગર કોન્ટ્રાકટ આપવામાં આવતાં મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં હાઇકોર્ટે સ્ટે મૂક્યો છે. પછીથી 2018માં ટેન્ડર બહાર પાડીને મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને આપવામાં આવ્યો હતો.  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં