Tuesday, July 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટના કોઈ પ્રદર્શન ના કોઈ ધરણા, રોજ જાતે 200 કિલો મોહનથાળ બનાવીને...

  ના કોઈ પ્રદર્શન ના કોઈ ધરણા, રોજ જાતે 200 કિલો મોહનથાળ બનાવીને વિતરીત કરીને પ્રસાદના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે મા અંબાના ભક્તો; જાણો બીજું ઘણું – OpIndia Exclusive

  શક્તિપીઠ અંબાજીમાં પરંપરાગત મોહનથાળ પ્રસાદ બંધ કરવાના નિર્ણયના વિરોધમાં શનિવાર, 11 માર્ચ 2023ના રોજ સવારે 10 વાગ્યાથી VHP ક્ષેત્ર મંત્રી અશોકભાઈ રાવલના નેતૃત્વમાં અંબાજીમાં ધરણાં યોજાવાના છે.

  - Advertisement -

  સામાન્ય રીતે જયારે આપણે કોઈ વિરોધનું નામ સાંભળીએ એટલે આપણી આંખો સામે આંદોલનો, પ્રદર્શનો, ધરણાંઓ અને હિંસાના દ્રશ્યો તરી આવતા હોય છે. પરંતુ શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રસાદમાં મોહનથાળના બદલે ચીક્કી આપવાના નિર્ણય સામે હિંદુ સમાજ એવો વિરોધ કરી રહ્યો છે કે જેને જોઈને સૌની આંખો પહોળી રહી જાય.

  હાલમાં જ ટ્વીટર પર અમારી નજર એક વાઇરલ ટ્વીટ પર પડી હતી. @PariPinkberry નામના યુઝર દ્વારા કરવામાં આવેલ આ ટ્વીટમાં 2 વિડીયો જોડવામાં આવ્યા હતા અને લખવામાં આવ્યું હતું, “અંબાજીમાં માઈ ભક્તો દ્વારા પ્રસાદમાં મોહનથાળ બંધ કરીને ચીક્કી આપવાના નિર્ણયનો અનોખો વિરોધ. સ્થાનિક ભક્તોએ હિંદુઓ પાસેથી દાન-દક્ષિણા મેળવી દર્શને આવનાર ભક્તોને માતાજીને ચડાવેલો મોહનથાળ આપવાનું શરૂ કર્યું. 3 દિવસથી રોજ 200 કિલો મોહનથાળ બનાવીને વિતરીત કરાય છે.”

  અંબાજીના પ્રસાદ વિવાદ બાબતના અનેક સમાચારો વચ્ચે અમે ક્યાંય પણ આ બાબતે કોઈ સમાચાર જોયા નહોતા. એટલે ઑપઇન્ડિયાની ટીમે આ વિડીયો અને વિષયની સત્યતા તપાસવાનો પ્રયત્ન કર્યો. આ પ્રયાસ દરમિયાન અમારો સંપર્ક આ વીડિયોમાં નજરે પડી રહેલ મુખ્ય વ્યક્તિ સાથે થયો, જેમનું નામ છે સુનિલભાઈ બ્રહ્મભટ્ટ. તેઓ પોતે અંબાજીના સ્થાનિક રહેવાસી છે અને મા અંબાના ખુબ મોટા ભક્ત છે.

  - Advertisement -

  અમે જયારે તેમને આ વાઇરલ વિડીયો બાબતે પુચ્છા કરી તો તેઓએ જણાવ્યું કે આ વિડીયો તદ્દન સાચા જ છે. સુનિલભાઈએ કહ્યું, “આ વિડીયો સાચા જ છે. તેમાં હું પોતે પણ નજરે પડી રહ્યો છું. અમારી 20-25 માઈભક્તોની એક ટિમ છે જે આ કામ કરી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી અંબાજી આવતા ભક્તો માતાના પારંપરિક મોહનથાળના પ્રસાદથી વંચિત ના રહી જાય એટલે અમે જાતે 200 કિલો જેટલો મોહનથાળ બનાવીને માતાજીને ધરાવીએ છીએ અને બાદમાં સૌ ભક્તોમાં વહેંચીએ છીએ.”

  આગળ વાત કરતા તેઓએ જણાવ્યું, “પ્રશાસન દ્વારા માતાજીના પારંપરિક પ્રસાદના સ્થાને ચિક્કીની વિતરણ શરૂ કરાતા સર્વે ભક્તો અને હિંદુ સમાજમાં ખુબ રોષ છે. અમે સૌ આ બાબતે વારંવાર ઘણી જગ્યાઓએ આવેદનો આપીને આવ્યા છીએ પરંતુ 9 દિવસ થવા છતાંય હાલમાં મંદિરમાં ચિક્કીનો પ્રસાદ જ અપાય છે.”

  જયારે મને તેમને પૂછ્યું કે તેઓને આ વિચાર કઈ રીતે આવ્યો અને આ માટે આર્થિક પાસાઓને કઈ રીતે આયોજીત કરવામાં આવે છે તો તેઓએ જણાવ્યું, “અમે છેલ્લા 3 દિવસથી આ સેવા કરી રહ્યા છીએ. આ માટે માતાના ભક્તો જ અમને દાન આપતા હોય છે. અમે આગળ પણ આ સેવા ચાલુ જ રાખીશું.”

  અંબાજી ભાજપના ઉપપ્રમુખનું રાજીનામુ

  સુનિલભાઈ બ્રહ્મભટ્ટ સાથેની ચર્ચામાં જયારે ભાજપ વિષે અમે સવાલ પૂછ્યા ત્યારે તેઓએ જણાવ્યું કે તેઓ પોતે અંબાજીના ભાજપના ઉપપ્રમુખ હતા અને આજે (શુક્રવાર, 10 માર્ચ 2023) સવારે જ તેઓએ મંદિર પરિસરમાંથી જ એક વિડીયો મેસેજ દ્વારા પોતાનું રાજીનામુ આપી દીધું છે.

  વિડીયોમાં તેઓ પ્રસાદ વિવાદ બાબતે ભાજપ અને તેના તેઓ તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપવાનું કહેતા સંભળાઈ રહ્યા છે.

  અંબાજી પરિસરમાં વર્ષોથી તેલ પર છે પ્રતિબંધ, ચીક્કીમાં તેલિયા પદાર્થો હોય છે

  ઑપઇન્ડિયા સાથેની વિસ્તૃત વાતચીતમાં સુનિલભાઈએ એક ખાસ ઐતિહાસિક બાબત તરફ અમારું ધ્યાન દોરતા કહ્યું કે, “અંબાજી મંદિર પરિસરમાં સદીઓથી તેલનો ઉપયોગ અને પ્રવેશ વર્જિત છે. રાજાશાહી વખતે પણ જયારે ભક્તો અહીં દર્શન કરવા આવતા ત્યારે તેઓએ અંબાજી પાસેથી પસાર થતી નદીમાં પુરા માથાબોળ નાહ્યાં બાદ જ અંબાજીમાં પ્રવેશ કરવાનો રહેતો હતો. આ જ કારણથી એ નદીનું નામ ‘તેલિયા નદી’ પડ્યું હતું. હવે જયારે પ્રસાદમાં ચીક્કી અપાઈ રહી છે ત્યારે ચીક્કી સિંગની હોય કે તલની પણ એ બંને તૈલી પદાર્થ કહેવાય અને તેમાંથી થોડે ઘણે અંશે તેલ તો નીકળે જ. માટે આ ચિક્કીનો પ્રસાદ સદીઓ જૂની પરંપરાઓ વિરુદ્ધ છે.”

  શનિવારે વિશ્વ હિંદુ પરિષદના ક્ષેત્ર પ્રચારક અંબાજીમાં કરશે ધરણાં

  શક્તિપીઠ અંબાજીમાં પરંપરાગત મોહનથાળ પ્રસાદ બંધ કરવાના નિર્ણયના વિરોધમાં શનિવાર, 11 માર્ચ 2023ના રોજ સવારે 10 વાગ્યાથી VHP ક્ષેત્ર મંત્રી અશોકભાઈ રાવલના નેતૃત્વમાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં ધરણાં યોજાવાના છે.

  આ ઉપરાંત રવિવારના (12 માર્ચ 2023) દિવસે VHPના આયોજન મુજબ ગુજરાત રાજ્યના તમામ માતાજીના મંદિરોમાં સ્તુતી કરશે અને મોહનથાળનો પ્રસાદ વહેંચાશે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં