Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅંબાજીમાં મોહનથાળ પ્રસાદનો વિવાદ યથાવત; હિંદુ હિતરક્ષક સમિતિએ અલ્ટીમેટમનો સમય પૂર્ણ થયાં...

    અંબાજીમાં મોહનથાળ પ્રસાદનો વિવાદ યથાવત; હિંદુ હિતરક્ષક સમિતિએ અલ્ટીમેટમનો સમય પૂર્ણ થયાં બાદ મહત્વનો નિર્ણય લીધો

    લાખો લોકો આ દિવસે અંબાજીનાં દર્શન કરવા આવતાં હોય છે. આથી આ શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે હેતુથી બે દિવસ આ મુદ્દે કશું જ ન કરવાનો નિર્ણય હિંદુ હિતરક્ષક સમિતિ દ્વારા લેવામાં આવ્યો હોય તે શક્ય છે.

    - Advertisement -

    અંબાજીમાં મોહનથાળનાં પ્રસાદ બાબતે વિવાદ હવે નવું રૂપ લઇ શકે તેમ છે. અગાઉ અંબાજી કલેકટરે મંદિરનો પ્રખ્યાત મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ફક્ત ચીક્કીનો પ્રસાદ જ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો તેનો સાર્વત્રિક વિરોધ થયો હતો. આ નિર્ણય અંગે હિંદુ હિતરક્ષક સમિતિએ 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું જેની મુદત ગઈકાલે પૂર્ણ થઇ ગઈ હતી.

    આ મુદત પૂર્ણ થયાં બાદ અંબાજીનાં જ પૌરાણિક શિવ મંદિરમાં હિંદુ હિતરક્ષક સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં અંબાજીમાં મોહનથાળનાં પ્રસાદ ફરીથી શરુ કરાવવા અંગે આગળ કઈ રણનીતિ અપનાવવી તે અંગેનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ નિર્ણય આવતીકાલથી શરુ થનારા બે દિવસનાં હોળીના તહેવારને ધ્યાનમાં લઈને મોકૂફ રાખવામાં આવ્યો છે.

    હવે 8મી માર્ચે સમિતિની પુનઃ બેઠક આયોજિત થશે અને મોહનથાળનો પ્રસાદ અંબાજીનાં મંદિરમાં ફરીથી શરુ કરાવવા માટે શું કરવું જોઈએ તે અંગે ચર્ચા કરવામાં આવશે. ફાગણની પુનમ એટલેકે હોળીનો તહેવાર અંબાજીના શ્રદ્ધાળુઓ માટે અત્યંત મહત્વનો હોય છે અને લાખો લોકો આ દિવસે અંબાજીનાં દર્શન કરવા આવતાં હોય છે. આથી આ શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે હેતુથી બે દિવસ આ મુદ્દે કશું જ ન કરવાનો નિર્ણય હિંદુ હિતરક્ષક સમિતિ દ્વારા લેવામાં આવ્યો હોય તે શક્ય છે.

    - Advertisement -

    આ દરમ્યાન એક સમાચાર એવા પણ આવી રહ્યાં છે કે અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાવીને ફક્ત ચીક્કી જ આપવાનાં નિર્ણય સામે પણ મોટું વિઘ્ન આવી શકે છે. અંબાજીમાં ચીક્કીનો અનામત સ્ટોક પણ ખલાસ થવા આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સ્ટોક ગઈકાલે એટલે કે રવિવાર સુધી જ ચાલે એમ હતો અને રવિવારે આ મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટતી હોય છે.

    આમ મોહનથાળનો પ્રસાદ બંધ કરીને અચાનક જ ફક્ત ચીક્કી નો પ્રસાદ ચાલુ રાખવાનાં અચાનક લેવામાં આવેલાં નિર્ણયનાં વિપરીત પરિણામો સામે આવી રહ્યાં હોવાનું લાગી રહ્યું છે. આ દરમ્યાન હિંદુ હિતરક્ષક સમિતિ 8મી માર્ચની બેઠક બાદ અંબાજી બંધ અથવાતો ભૂખ હડતાલ જેવા આકરા નિર્ણયો પણ લેવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

    તો બીજી તરફ ભારતની શક્તિપીઠમાંથી એક એવાં અંબાજીનાં આ મંદિરમાં અને માતાજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવતાં કરોડો શ્રદ્ધાળુઓ આ વિવાદનો સત્વરે અંત આવે તેવી પ્રાર્થના માતાજીને કરી રહ્યાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં