Monday, April 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઅંબાજી મંદિરના પ્રસાદ વિવાદમાં હવે દાંતાના રાજવી પરિવારની એન્ટ્રી, કહ્યું- હાઇકોર્ટ સુધી...

  અંબાજી મંદિરના પ્રસાદ વિવાદમાં હવે દાંતાના રાજવી પરિવારની એન્ટ્રી, કહ્યું- હાઇકોર્ટ સુધી પણ જવા તૈયાર, મંદિર સુધી રેલીની ચીમકી પણ ઉચ્ચારી

  પરમવીરસિંહે પૂછ્યું, વર્ષોથી ચાલતી આવેલી પરંપરા એકાએક બંધ શા માટે કરી દેવામાં આવી? અમે અંબાજી મંદિર સુધી રેલી પણ કાઢીશું અને જરૂર પડે તો હાઇકોર્ટમાં પણ જઈશું.

  - Advertisement -

  અંબાજી મંદિરના પ્રસાદને લઈને વિવાદ શમવાનું નામ લઇ રહ્યો નથી. એક તરફ હિંદુ સંગઠનો, હિંદુઓ મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ કરવાની માંગ કરી રહ્યો છે તો બીજી તરફ હવે આ વિવાદમાં સરકાર પણ કૂદી છે. દરમ્યાન, દાંતાના રાજવી પરિવારે પણ ઝંપલાવીને મોહનથાળ ફરી શરૂ કરવાની માંગ કરી છે અને જો તેમ ન થાય તો હાઇકોર્ટ સુધી જવા માટે તૈયારી દર્શાવી છે. 

  દાંતા સ્ટેટના રાજવી પરિવારના પરમવીરસિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેઓ આગામી સમયમાં લોકોને ભેગા કરીને ભવ્ય રેલી આયોજિત કરીને અંબાજી મંદિર સુધી જશે અને જો આ મામલે યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી પણ દાખલ કરવામાં આવશે. 

  પરમવીરસિંહ પોતે મા અંબાના સાધક છે અને મંદિરમાં અવારનવાર દર્શન અને પૂજા-અર્ચના માટે જતા રહે છે. દર વર્ષે આસો સુદ આઠમના દિવસે રાજવી પરિવાર મંદિર પરિસરમાં મોટો યજ્ઞ પણ આયોજિત કરે છે. જેમાં હજારો કિલો ઘી અને નારિયેળની આહુતિ આપવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. 

  - Advertisement -

  પરમવીરસિંહે કહ્યું કે, અંબાજી મંદિરમાં વર્ષોથી પ્રસાદ તરીકે મોહનથાળ આપવામાં આવે છે. એકાએક આ પ્રસાદ બંધ કરવામાં કેમ આવ્યો તે સમજાતું નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે એકાએક આ નિર્ણય લેવામાં આવ્યો તે પાછળ શું કારણ છે? અમે આ મામલે હાઇકોર્ટ જવા માટે પણ તૈયાર છીએ. 

  ઉલ્લેખનીય છે કે દાયકાઓ અગાઉ રજવાડાં સમયે અંબાજી મંદિરનો વહીવટ દાંતા સ્ટેટ દ્વારા કરવામાં આવતો. રાજવી પરિવારના પરમવીરસિંહે કહ્યું કે, “અમે વહીવટ કરતા ત્યારે પણ પ્રસાદ તરીકે મોહનથાળ જ આપવામાં આવતો અને સંચાલન અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના હાથમાં આવ્યું ત્યારે તેમણે પણ મોહનથાળનો પ્રસાદ જ ચાલુ રાખ્યો હતો. તો પછી એકાએક બંધ શા માટે કરવામાં આવ્યો?”

  ક્યાંથી શરૂ થયો વિવાદ?

  ઉલ્લેખનીય છે કે આ વિવાદ દસેક દિવસ પહેલાં શરૂ થયો હતો જ્યારે અચાનક અંબાજી મંદિરમાં મોહનથાળનો સ્ટોક ખૂટવા માંડ્યો હતો. ત્યારબાદ પ્રશાસને પ્રસાદમાં મોહનથાળની જગ્યાએ ચીકી આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જેને લઈને વિરોધ શરૂ થયો હતો અને ત્યારથી મોહનથાળ જ ચાલુ રાખવાની માંગ કરવામાં આવી રહી છે. 

  બીજી તરફ, ગુજરાત સરકાર અંબાજી મંદિરે પ્રસાદ તરીકે ચીકીના સમર્થનમાં છે. બે દિવસ પહેલાં સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચીકીના પ્રસાદનું સમર્થન કરીને કહ્યું હતું કે, મોહનથાળ ઉપવાસમાં લઇ શકાતો નથી અને તેની શેલ્ફ લાઈફ પણ ઓછી છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, વિશ્વ હિંદુ પરિષદથી માંડીને અન્ય સંગઠનો અને હિંદુઓ સતત મોહનથાળ જ ચાલુ રાખવાની માંગ કરી રહ્યા છે. હવે દાંતાના રાજવી પરિવારે પણ ઝંપલાવ્યું છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં