Tuesday, March 31, 2026
More
    Home Blog Page 362

    વિનેશ ફોગાટને નહીં મળે મેડલ: કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સે ફગાવી અપીલ, ડિસ્કવોલિફાય કરવાનો ઓલમ્પિક્સ કમિટીનો નિર્ણય માન્ય રખાયો

    પેરિસ ઓલમ્પિક્સમાં 50 કિલો વર્ગ મહિલા કુશ્તીની ફાઇનલમાં પહોંચ્યા બાદ ડિસ્કવોલિફાય થયેલી રેસલર વિનેશ ફોગાટને કોઇ મેડલ નહીં મળે. મહિલા પહેલવાને બહાર થયા બાદ કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ્સમાં સિલ્વર મેડલ માટે અપીલ કરી હતી, પરંતુ તે ફગાવી દેવામાં આવી છે. જેથી હવે અન્ય કોઇ વિકલ્પ રહ્યો નથી. 

    કોર્ટે ઇન્ટરનેશનલ ઓલમ્પિક્સ કમિટીનો નિર્ણય માન્ય રાખ્યો છે. કોર્ટ સમક્ષ વકીલોએ દલીલ કરી હતી કે, મંગળવારે (આગલા દિવસે) સાંજે કુદરતી પ્રક્રિયાઓના કારણે વજન વધ્યું હતું અને પોતાના શરીરની કાળજી રાખવી એ ખેલાડીનો મૂળભૂત અધિકાર છે. દલીલો આપવામાં આવી કે પહેલા દિવસે વજન જે-તે મર્યાદા અનુસાર જ રહ્યું હતું અને ત્યારબાદ રિકવરીના કારણે વજન થોડુંઘણું વધ્યું હતું, પરંતુ તે કોઇ ફ્રોડ નથી. કોર્ટે આ દલીલ જોકે માન્ય રાખી નથી. 

    આ મામલે 8 ઑગસ્ટના રોજ અપીલ સ્વીકારવામાં આવ્યા બાદ 9 ઑગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ 13 ઑગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ 13મીએ બંને પક્ષને સાંભળ્યા બાદ પોતાની દલીલોને સમર્થન આપતા વધુ પુરાવાઓ રેકર્ડ પર રજૂ કરવાનો સમય આપીને ડેડલાઈન 16 ઑગસ્ટ સુધી લંબાવી દેવામાં આવી હતી. પરંતુ ચુકાદો હવે આવી ચૂક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

    શું છે સમગ્ર મામલો? 

    વિનેશ ફોગાટને વધુ વજનના કારણે બહાર કરી દેવામાં આવી હતી. ઓલમ્પિક્સના નિયમો અનુસાર, 50 કિલો વર્ગ રેસલિંગ માટે વજન જાળવવું જરૂરી છે. ફાઈનલ મેચના દિવસે સવારે વજન કરવામાં આવતાં વિનેશનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે તે ફાઇનલમાં પહોંચી ગઈ હોવા છતાં ડિસ્કવોલિફાય કરી દેવામાં આવી હતી. ઓલમ્પિક્સમાં ડિસ્કવોલિફાય થયેલા ખેલાડીઓને પૉઇન્ટ્સ ટેબલમાં અંતિમ સ્થાન પર મોકલી દેવામાં આવે છે, આ સ્થિતિમાં કોઇ મેડલ મળવાની શક્યતાઓ રહેતી નથી. 

    વિનેશ ફોગાટ સેમીફાઈનલ જીતીને ફાઇનલમાં પહોંચી હોવાના કારણે તેનો ગોલ્ડ કે સિલ્વરમાંથી એક મેડલ નિશ્ચિત હતો. જો જીત મળી હોત તો ગોલ્ડ જીત્યો હોત અને પરાજય પણ થયો હોત તો સિલ્વર મેડલ મળ્યો હોત. પરંતુ બરતરફ થવાના કારણે સિલ્વર મેડલ પણ મળી શક્યો નહીં. ત્યારબાદ વિનેશે કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ્સમાં અપીલ કરીને સિલ્વર મેડલની માંગ કરી હતી. 

    કોર્ટે આ અરજી સ્વીકારી લેતાં મેડલની આશા બંધાઈ હતી. ત્યારબાદ સુનાવણી પણ હાથ ધરવામાં આવી અને વિનેશ તરફથી ભારતના શ્રેષ્ઠ વકીલો પૈકીના એક હરીશ સાલવેએ પક્ષ રાખ્યો હતો. પહેલાં નિર્ણય 13 ઑગસ્ટની સાંજે સંભળાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું, પરંતુ પછીથી મામલો 16 ઑગસ્ટ સુધી ટાળી દેવામાં આવ્યો. પરંતુ બુધવારે (14 ઑગસ્ટ) સમાચાર પ્રાપ્ત થયા કે અપીલ ફગાવી દેવામાં આવી છે. 

    અમરેલીમાં 50 કિલો ગૌમાંસ સાથે પકડાયો હતો આસિફ, ગૌહત્યા મામલે 10 વર્ષની સજા ફટકારાઈ: કોર્ટે માન્યું- ગાય હિંદુઓમાં પવિત્ર તે જાણતો હોવા છતાં લાગણી દુભાવવાના ઇરાદે કરી હતી કતલ

    ગૌવંશની કતલ કરીને લોહી પાલિકાની ગટરમાં વહેવડાવા મામલે અમરેલીની સેશન્સ કોર્ટે એક મુસ્લિમ શખ્સને 10 વર્ષની સજા ફટકારી છે તેમજ 2 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. આરોપીની ઓળખ આસિફ અલારખ તરકવડીયા તરીકે થઈ છે. મામલો 2021નો છે, જે મામલે 13 ઑગસ્ટ, 2024ના રોજ ચુકાદો સંભળાવવામાં આવ્યો. 

    આ મામલો 6 નવેમ્બર, 2021નો છે. આસિફ વિરુદ્ધ અમરેલી શહેર પોલીસ મથકે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ તેમજ IPC તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, થોડા દિવસ બાદ કોર્ટે તેને શરતી જામીન પર મુક્ત કર્યો હતો. પહેલાં મામલો સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો હતો, જ્યાંથી પછીથી માર્ચ, 2023માં સેશન્સ કોર્ટને કેસ કમિટ કરી દેવાયો હતો. 

    કેસની વધુ વિગતો અનુસાર, કેસ નોંધાયાના દિવસે પોલીસે બાતમીના આધારે આસિફના ઘરે દરોડા પાડ્યા હતા. જ્યાંથી 50 કિલો ગૌમાંસ અને પશુ કાપવાનાં સાધનો મળી આવ્યાં હતાં. ત્યારબાદ તેની ધરપકડ કરીને અમરેલી શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. FIRમાં જણાવવામાં આવ્યું હતું કે, આસિફે ગાય હિંદુ ધર્મનું પવિત્ર પ્રતીક માનવામાં આવતી હોવાનું જાણવા છતાં હિંદુઓની લાગણી દુભાય તેવું કૃત્ય કરીને આર્થિક ફાયદો મેળવવાના ઈરાદે ગૌવંશ કાપીને લોહી અને અન્ય ખરાબ કચરો નગરપાલિકાની ખુલ્લી ગટરમાં કાપી ઉપદ્રવ ફેલાવ્યો હતો. 

    મામલો પ્રથમ સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે 17 સપ્ટેમ્બર, 2022ના રોજ ચાર્જશીટ રજૂ કરી હતી. પરંતુ પછીથી માર્ચ, 2023માં કેસને સેશન્સ કોર્ટમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ગત 2 ઑગસ્ટના રોજ આરોપી સામે ચાર્જ ફ્રેમ કર્યા હતા અને 8 ઓગસ્ટે ચુકાદો અનામત રાખી લીધો હતો. આખરે 13 ઑગસ્ટના રોજ ચુકાદો જાહેર કરીને આરોપીને દોષી જાહેર કરવામાં આવ્યો. 

    કોર્ટે માન્યું- હિંદુઓની લાગણી દુભાવવા માટે કૃત્ય કર્યું હતું

    તમામ દલીલોને અંતે અને રેકર્ડ પર ઉપલબ્ધ પુરાવાઓ અને તથ્યોને ધ્યાને લેતાં કોર્ટે માન્યું કે આરોપીએ ગૌવંશની કતલ કર્યાનું પ્રસ્થાપિત થાય છે. જેથી IPCની કલમ 429 હેઠળ તે ગુનેગાર સાબિત થાય છે. આ ઉપરાંત, ગાય હિંદુ ધર્મ માટે પવિત્ર માનવામાં આવતી હોવાનું જાણવા છતાં આરોપીએ કતલ કરી હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું અને ઉમેર્યું હતું કે IPC 295 હેઠળ કોઇ ધર્મનું દ્વેષભાવનાથી અપમાન કરવું એ ગુનો બને છે. ઉપરાંત, કોર્ટે તેને ગુજરાત પોલીસ એક્ટની કલમ 119 હેઠળ પણ ગુનેગાર ઠેરવ્યો હતો, જેમાં પશુને ક્રૂરતાપૂર્વક બાંધી રાખીને માર મારવા પર સજાની જોગવાઈ કરવામાં આવી છે. 

    અંતિમ હુકમમાં કોર્ટે આસિફને IPCની કલમ 295 અને 429 તેમજ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 5(1-C) અને કલમ 6(b)ના ભંગ બદલ કલમ 8 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 119 હેઠળ ગુનેગાર ઠેરવ્યો હતો. કોર્ટે તેને IPC કલમ 295 હેઠળ 2 વર્ષની સજા અને 2 હજારનો દંડ, IPC 429 હેઠળ 3 વર્ષની સજા અને 3 હજારનો દંડ, ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમો હેઠળ 10 વર્ષની સજા અને 2 લાખનો દંડ અને GPAની કલમ 119 હેઠળ 2 માસની સજા ફટકારવામાં આવી હતી. તેણે તમામ સજા સાથે ભોગવવાની રહેશે. ઑપઇન્ડિયા પાસે કોર્ટના આદેશની નકલ ઉપલબ્ધ છે. 

    ’15 ઓગસ્ટે અમદાવાદમાં થશે મોટો બોમ્બ બ્લાસ્ટ’: પોલીસ કંટ્રોલરૂમમાં કોલ કરી આપી ધમકી, કોલ કરનારની થઈ ઓળખ

    15 ઓગસ્ટે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થવા જઈ રહી છે. સમગ્ર દેશમાં ઉજવણી અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલગ અલગ સ્થાનો પર ઉજવણી પહેલા ‘તિરંગા યાત્રા’નું (Tiranga Yatra) પણ આયોજન થઈ રહ્યું છે. ત્યારે સ્વતંત્રતા દિવસ પહેલા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ (Ahmedabad) શહેરના પોલીસ કંટ્રોલરૂમમાં બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) કરવાનો ધમકી ભર્યો ફોન કોલ આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

    સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા અમદાવાદ શહેરના પોલીસ કંટ્રોલરૂમને એક ધમકી ભર્યો કોલ આવ્યો હતો. આ કોલમાં એક વ્યક્તિ 15 ઓગસ્ટના (Independence Day) દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. આ કોલ આવ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

    ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાંચ દ્વારા આ મામલામાં ટેકનિકલ એનાલિટિક્સની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ફોન કરનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ હતી. પોલીસ આ વ્યક્તિને પકડવા માટે પણ નીકળી ચૂકી હતી. પોલીસ તે વ્યક્તિના આવો ધમકી ભર્યો કોલ કરવા પાછળના ઉદ્દેશ્ય અંગે તપાસ કરી રહી છે.

    આ પહેલા અમદાવાદ-વડોદરા એરપોર્ટ ઉડાવવાની મળી હતી ધમકી

    આ અગાઉ પણ આ જ વર્ષે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેના પગલે એરપોર્ટ પર કડક સુરક્ષાની ગોઠવણ કરવામાં આવી હતી. એરપોર્ટ પર ચેકિંગની સાથે ડોગ-સ્કવોડ અને બોમ્બ-સ્કવોડને બોલાવી લેવા સહિતના પગલાં હાથ ધરવામાં આવ્યા હતા.

    એ પહેલા જૂન માહિનામાં વડોદરા એરપોર્ટ પર બોમ્બ સેટ કર્યો હોવાનો એરપોર્ટ ઓથોરિટીને ઇ-મેઈલ મળ્યો હતો. ત્યારે વડોદરા એરપોર્ટને કડક ચેકિંગ અંતર્ગત હાઈએલર્ટ પર રાખવામાં આવ્યું હતું. આ સિવાય દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટમાં પણ બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. જેના પગલે તાત્કાલિક ફ્લાઇટનું લેંડિંગ કરવવામાં આવ્યું હતું.

    આ ઉપરાંત તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી પહેલા આમદવાદની 9 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવી હતી. ત્યારે જે સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી તે બધી જ સ્કૂલો પર કડક સુરક્ષાની ગોઠવણ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

    કોલકાતામાં હત્યા-રેપનો ઘૃણાસ્પદ બનાવ, પણ બંગાળથી મહિલા સાંસદ મહુઆ મોઈત્રા 5 દિવસ સુધી રહ્યાં મૌન: પ્રશ્ન કરવાની ‘ગુસ્તાખી’ કરી તો લિબરલ ‘પત્રકારો’થી માંડીને INDI સમર્થકો પણ થયા બ્લૉક

    બંગાળના કોલકાતામાં મહિલા ડૉક્ટરના રેપ અને હત્યાના ઘૃણાસ્પદ બનાવને લઈને દેશભરમાં પ્રદર્શનો ચાલી રહ્યાં છે, સોશિયલ મીડિયા પર ન્યાયની માંગ થઈ રહી છે, સ્વયં કલકત્તા હાઈકોર્ટે રાજ્ય પોલીસ પાસેથી લઈને CBIને સોંપી દીધો છે, પણ આમ ભાજપશાસિત રાજ્યોમાં નાનકડો પણ કોઇ બનાવ બને તો દિવસમાં 10 ટ્વિટ કરનાર અને હોબાળો મચાવીને જે-તે CM અને વડાપ્રધાન મોદી સુધી પહોંચી જતા વિપક્ષી નેતાઓ અને ખાસ કરીને મહિલા નેતાઓએ મૌન ધારણ કરી લીધું છે. બીજી તરફ, જેઓ તેમને પ્રશ્ન કરી રહ્યા છે તેમને બ્લૉક કરવામાં આવી રહ્યા છે. અમુકે હવે ચારેકોરથી સવાલો થયા બાદ ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે બોલવાનું શરૂ કર્યું છે. આ યાદીમાં TMC સાંસદ મહુઆ મોઈત્રા પણ છે. 

    મહુઆ મોઈત્રા દેશનાં અન્ય રાજ્યમાં ક્યાંય પણ કોઇ ઘટના બને તો તુરંત X પર પોસ્ટ કરી દે છે અને રાજ્ય સરકાર સામે સવાલોની યાદી ધરી દે છે. એક વિપક્ષી નેતા તરીકે તે ખોટું પણ ન કહેવું જોઈએ. ઠીક છે, વિપક્ષનું કામ સરકારોને સવાલ કરવાનું છે, આવા મુદ્દાઓમાં પીડિતોને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવાનું છે. પણ એનો અર્થ એ નથી કે જ્યારે કેસ પોતાના રાજ્યમાં કે પોતાની સરકારમાં બને ત્યારે મોઢામાં મગ ભરી લેવા. 

    હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યાની થોડી જ ક્ષણોમાં સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દેનાર મહુઆ મોઈત્રા કોલકાતાની મહિલા ટ્રેની ડૉક્ટરના રેપ અને હત્યાના ઘૃણાસ્પદ મામલામાં 5 દિવસ સુધી મૌન રહ્યાં. ન રાજ્ય સરકારને પ્રશ્ન કર્યા કે ન પોલીસને. મમતા બેનર્જીને પ્રશ્ન કરવાનો તો કોઇ પ્રશ્ન જ ન હતો. કલકત્તા હાઈકોર્ટે સુદ્ધાં કહ્યું કે આ મામલામાં સરકારનું વલણ તેમને ઠીક લાગી રહ્યું નથી, ત્યાં સુધી કહ્યું કે, કૉલેજના પ્રિન્સિપાલને બચાવવાના પ્રયાસ શા માટે થઈ રહ્યા છે? પરંતુ મહુઆ મોઈત્રા કે તેમનાં જેવાં અમુક મહિલા નેતાઓને આ બોલવા જેવો કે અવાજ ઉઠાવવા જેવો મુદ્દો ન લાગ્યો. તેમણે તદ્દન ફાલતુ અને ઢંગધડા વગરના હિંડનબર્ગ રિપોર્ટ પર જ ધ્યાન આપવાનું મુનાસિબ માન્યું. 

    આખરે મામલો દેશભરમાં ચર્ચિત બન્યો તો સોશિયલ મીડિયા પર પ્રશ્ન ઉઠવા માંડ્યા. વિપક્ષી મહિલા સાંસદોને પૂછવામાં આવ્યું કે તેઓ આ વિષય પર ક્યારે બોલશે? દક્ષિણપંથીઓ ઠીક પણ INDI ગઠબંધનની ઈકોસિસ્ટમમાંથી પણ પ્રશ્ન ઊઠવા માંડ્યા. ત્યારે વિપક્ષી મહિલા સાંસદોએ વારાફરતી પોસ્ટ કરવા માંડી. પણ ઊડીને આંખે વળગે એવી બાબત એ છે કે તેમાં ક્યાંય પણ રાજ્ય સરકારને કોઇ પ્રશ્ન પૂછવામાં ન આવ્યા કે ન એટલી ઉગ્રતાથી મુદ્દો ઉઠાવવામાં આવ્યો. માત્ર ‘જેઓ જવાબદાર હોય તેમને’ સજા આપવાની વાત કહેવામાં આવી. 

    આ બધાની વચ્ચે યુ-ટ્યુબર અજિત અંજુમને પણ પોતાની જ દવાનો સ્વાદ ચાખવા મળ્યો. આમ તો તેઓ કાયમ મહુઆ મોઈત્રાનાં ગુણગાન ગાવામાં કોઇ કસર બાકી રાખતા નથી કે અદાણીથી લઈને અન્ય અનેક મુદ્દાઓમાં તેમણે કાયમ મહુઆના પક્ષે જ કલમ ચલાવી છે. સંસદમાં પણ તેઓ બે વાક્ય બોલી નાખે તો આ પત્રકારો તેને 10 બનાવીને હોહા કરી નાખે છે અને તેમને ‘બ્રેવ લેડી’ જેવાં ઉપનામો આપી દે છે. પણ હમણાં તેમને શું સૂઝ્યું કે મહુઆ મોઈત્રાને આ વિષયમાં ન બોલવા બદલ પ્રશ્ન કરી દીધા. પરિણામ એ આવ્યું કે તેમને બ્લૉકત્વ પ્રાપ્ત થયું. 

    અજિત અંજુમે પછીથી ‘વ્યથા’ ઠાલવતાં લખ્યું, “બંગાળની ડૉક્ટર દીકરી સાથે થયેલા નિર્દયી કૃત્ય પર એક પ્રશ્ન સાથે ટેગ શું કર્યાં, મહુઆ મોઈત્રાએ મને બ્લૉક કરી દીધો. વાહ મેડમ વાહ.’ આગળ અંજુમે કહ્યું કે, મહુઆ રોજ મોદીની સરકારને આક્રમક વલણ સાથે સવાલો કરતાં રહે છે, પણ તેમની સરકારને પ્રશ્ન કરવામાં આવ્યા તો તરત બ્લૉક કરી દીધાં. તેમને માત્ર પ્રશ્ન જ પૂછવાનું આવડે છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રવચન આપતાં પાવડે છે. ‘હિપોક્રેસી કી ભી સીમા હોતી હૈ’ના જાણીતા વાક્ય સાથે તેમણે વ્યથાને અંત આપ્યો. 

    આમાં અજિત અંજુમ એક નામ નથી. INDI ગઠબંધનના ઘણા સમર્થકો, જેઓ અત્યાર સુધી મહુઆ મોઈત્રાનાં નામનાં ગુણગાન કરતા હતા, તેમણે આ વિષયમાં પ્રશ્ન કરવા બદલ બ્લૉક થવાનો વારો આવ્યો છે. એક યુઝરે મહુઆ મોઈત્રાએ તેમને બ્લૉક કર્યાં હોવાનું લખીને ઉમેર્યું કે, “હું આ માનવા તૈયાર નથી. હું જેમને હીરો માનતી હતી, તેમણે બ્લૉક કરી. તેઓ ઠીક છે? કે અકાઉન્ટ હૅક થયું છે? 

    હર્ષ તિવારી નામના એક કાયમ INDI પાર્ટીઓની તરફેણમાં ટ્વિટ કરતા રહેતા યુવાને પણ બ્લૉક થવું પડ્યું. તેણે પછીથી X પર લખ્યું કે, ‘મહુઆ મોઈત્રાએ મને બ્લૉક કર્યો, કારણ મેં તેમને એક પ્રશ્ન જ કર્યો હતો. અમે તેમને કાયમ ડિફેન્ડ કર્યાં, પણ આટલી અસહિષ્ણુતા?’ 

    આવાં બીજાં ઘણાં અકાઉન્ટ્સ છે. દક્ષિણપંથીઓમાં તો હવે મોટાભાગના જાણીતાં અકાઉન્ટ પહેલેથી જ બ્લૉક છે. જેઓ હમણાં પ્રશ્ન પૂછવાની ‘ગુસ્તાખી’ કરી રહ્યા છે તેઓ વારાફરતી બ્લૉક થઈ રહ્યા છે. 

    જોકે, પછીથી મહુઆ મોઈત્રાએ મોડે-મોડેથી એક પોસ્ટ કરી હતી, જેમાં લખવામાં આવ્યું- ‘RG કર (હૉસ્પિટલ)ના ભયાનક ગુનાએ આપણને આઘાત પમાડી દીધો છે. કોઈને છોડવા જોઈએ નહીં અને ત્વરિત અને પારદર્શી તપાસ થવી જોઈએ.’ આમાં ક્યાંય રાજ્ય સરકારને પ્રશ્ન ન હતા કે ન CMનું નામ હતું. લોકોએ આ પોસ્ટની નીચે જવાબ આપતાં કહ્યું કે, હજુ થોડા દિવસ હિંડનબર્ગ પર રાજકારણ રમીને પછી ટ્વિટ કર્યું હોત તોય ચાલી ગયું હોત. 

    આ ઘટનાક્રમ પૂરતો છે એ જાણવા માટે કે ખરેખર આ વિપક્ષી નેતાઓને રસ શેમાં છે. ન્યાયમાં કે રાજકારણ રમવામાં? ન્યાય જ ધ્યેય હોય તો ત્યાં કઈ સરકાર છે અને કોણ મુખ્યમંત્રી છે એ જોયા વગર બોલવું જોઈએ. પરંતુ આપણે ત્યાંના લિબરલો અને તેમના નેતાઓ ‘નોખી માટીના’ છે. આવી ઘટનાઓ વખતે તેઓ સાબિત કરતા રહે છે. 

    સુરેન્દ્રનગરમાં તિરંગા યાત્રામાં નીકળેલાં બાળકોની ટી-શર્ટ પર વીર સાવરકર જોઈને ભડક્યા કોંગ્રેસીઓ, અટકાવીને રસ્તા વચ્ચે શરૂ કર્યું રાજકારણ: દિવ્ય ભાસ્કરે પણ ચલાવ્યો ‘ગાંધી-સરદાર’ ભુલાયાનો એજન્ડા

    15 ઑગસ્ટે 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાય તે પહેલાં ઠેરઠેર તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે. બુધવારે (14 ઑગસ્ટ) સુરેન્દ્રનગર જિલ્લાના સાંગણી ગામની એક શાળાનાં બાળકો આવી જ તિરંગા યાત્રા લઈને નીકળ્યાં હતાં, પરંતુ તેમાં કોંગ્રેસ નેતાઓને બાળકોએ પહેરેલી ટી-શર્ટ જોઈને વાંધો પડ્યો હતો. વાસ્તવમાં વિદ્યાર્થીઓની ટી-શર્ટ પર વીર વિનાયક સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીરો છાપવામાં આવી હતી. કોંગ્રેસીઓએ યાત્રા અડધેથી જ રોકીને આ બાબત પર વાંધો ઉઠાવ્યો અને રાજકારણ રમવાનું શરૂ કરી દીધું હતું. 

    ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં યાત્રા લઈને જતાં બાળકોને રોકીને અમુક કોંગ્રેસીઓ તેમની ટી-શર્ટને લઈને વાંધો ઉઠાવતા જોવા મળે છે. એક વ્યક્તિ કહેતો સંભળાય છે કે, “સ્કૂલ ડ્રેસને દબાવી દેવામાં આવ્યો અને RSSના સાવરકરવાળો ફોટો લઈને ફરે છે, તે બરાબર ન કહેવાય.” ત્યારબાદ તે બાળકોને સંબોધીને કહે છે કે, “તમારે નક્કી કરવાનું કે આપણે ગાંધી બાપુની તસવીરો પહેરીને નીકળીશું, કે સાવરકરની.” જેના જવાબમાં બાળકો ‘ગાંધી બાપુને’ એવો જવાબ આપતાં સંભળાય છે. 

    ત્યારબાદ એક નેતા આગળ કહે છે કે, “ગાંધી બાપુની હત્યામાં જેમણે ષડ્યંત્ર કર્યું હતું, તે સાવરકરની ટી-શર્ટ પહેરાવીને સાંગાણી સ્કૂલના શિક્ષકો અને આચાર્યો….” અહીં નોંધવું જોઈએ કે ગાંધી હત્યા કેસમાં સાવરકરની ભૂમિકા હોવાનો એક પણ પુરાવો નથી અને કેસમાં પણ તેમને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા હતા. 

    પછીથી વિડીયોમાં અમુક પોલીસ અધિકારીઓ પણ જોવા મળે છે અને કોંગ્રેસ નેતાઓને શાળાના શિક્ષકો સાથે દાદાગીરી પણ કરતા જોઈ શકાય છે. અંતે કોંગ્રેસ નેતાઓ બાળકોને યુનિફોર્મ ઉપર પહેરેલી સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ફોટાવાળી ટીશર્ટ કાઢી નાખવા માટે કહે છે અને બાળકો તેનું પાલન કરીને કાઢી નાખે છે. અહીં કોંગ્રેસ નેતાઓ ગાંધી-સરદારને ભૂલાવીને સાવરકરને સ્થાન આપવામાં આવી રહ્યું હોવાનાં રોદણાં રડે છે, પરંતુ વિડીયોમાં અનેક વ્યક્તિઓ કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની ટીશર્ટ પહેરીને ફરતા જોવા મળે છે. જેમાં ન ગાંધીને સ્થાન છે, ન સરદાર પટેલને. સાવરકરને હોવાનો તો કોઇ પ્રશ્ન જ નથી.

    નૌશાદ સોલંકીએ પત્ર લખીને ટી-શર્ટ પર પ્રતિબંધ મૂકવા કહ્યું 

    મીડિયામાં એક પત્ર પણ સામે આવ્યો છે, જે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નૌશાદ સોલંકીએ જિલ્લા કલેક્ટરને લખ્યો છે. જેમાં સુરેન્દ્રનગરની શાળાની આ યાત્રાનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે સાવરકરના ફોટાવાળી ટીશર્ટને મોહનદાસ ગાંધી અને સરદાર પટેલનાં નામ ભૂંસી નાખવાના ષડયંત્રનો ભાગ ગણાવ્યો હતો. પત્રમાં સાવરકરની તસવીરોવાળી ટી-શર્ટ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. 

    ભાસ્કરે પણ ‘ગાંધી-સરદાર’ વિશેનો એજન્ડા આગળ ધપાવ્યો 

    એક તરફ કોંગ્રેસીઓ વીર સાવરકર વિશે જુઠ્ઠાણાં ફેલાવીને પોતાનો દ્વેષ છલકાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ મીડિયા પણ જાણે એજન્ડા આગળ વધારી રહ્યું છે. આ સમાચાર અંગેની ‘દિવ્ય ભાસ્કર’ની હેડલાઈનમાં લખવામાં આવ્યું છે- ‘ગુજરાતમાં જ ગાંધી-સરદાર ભુલાયા’. પરંતુ મહત્વની વાત એ છે કે ભૂલાયું કોઇ નથી, માત્ર અન્ય સ્વાતંત્ર્યવીરોને યાદ કરવામાં આવ્યા છે. શાળાના શિક્ષકો કે વિદ્યાર્થીઓ રેલીમાં નીકળીને ગાંધી-સરદાર વિરુદ્ધ નારા નથી લગાવ્યા, માત્ર સાવરકરને યાદ કર્યા છે. ને એવું ક્યાંય લખ્યું નથી કે ગુજરાતમાં મોહનદાસ ગાંધી અને સરદાર પટેલ સિવાય અન્ય કોઇ સ્વાતંત્ર્યસેનાનીઓનાં નામ પણ ન લઇ શકાય. બંને આદરણીય છે, પરંતુ આવી માનસિકતા દેશના કોઇ પ્રદેશમાં નથી. 

    એક સંસ્થાએ દાનમાં બાળકોને આપી હતી આ ટી-શર્ટ, અનેક શાળાઓમાં વહેંચાઇ

    આ મામલે વધુમાં જાણવા મળ્યું છે કે મુંબઈની એક સંસ્થા ‘શ્રીમતી ઇન્દુમતી વસંતલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા તાજેતરમાં જ સ્ટેશનરીની અમુક ચીજો વહેંચવામાં આવી હતી. જેની સાથે આ સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીરોવાળી ટીશર્ટ પણ બાળકોને અપાઈ હતી. હવે, કોઇ પણ સંસ્થા કોઇ પણ પ્રકારની સ્ટેશનરી અને સામગ્રી વહેંચી શકે. સંભવતઃ તિરંગા યાત્રા જેવો કાર્યક્રમ યોજાયો હોવાના કારણે શાળાનાં બાળકો ટી-શર્ટ પહેરીને આવ્યાં હશે. તેમાં કોંગ્રેસીઓએ RSS અને બીજા જાતજાતના પ્રોપગેન્ડા ચલાવ્યા હતા. 

    ગુજરાતના ડ્રોન દીદી અને લખપતિ દીદી યોજનાના લાભાર્થીઓને મળ્યું સ્વતંત્રતા દિવસ કાર્યક્રમ માટે દિલ્હીનું આમંત્રણ: મહિલાઓએ PM મોદીનો વ્યક્ત કર્યો આભાર

    ડ્રોન દીદી યોજના (Drone Didi Yojana) અને લખપતિ દીદી યોજના (Lakhpati Didi Yojana) અંતર્ગત લાભ મેળવેલા બહેનોને રૂલર ડેવલપમેન્ટ મંત્રાલય- ભારત સરકાર દ્વારા લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસના સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ આમંત્રણ માટે લાભાર્થી મહિલાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો (Narendra Modi) આભાર વ્યક્ત કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે લાભાર્થી બહેનોના વિડીયો PIB in Gujaratના X હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યા હતા. ગાંધીનગરના હેપ્પી પટેલે આ અંગે વિડીયોમાં કહ્યું હતું કે, “ડ્રોન દીદી યોજના અંતર્ગત રૂલર ડેવલોપમેન્ટ મંત્રાલય ભારત સરકાર (Rular Devlopment Ministry, Bharat Sarkar) દ્વારા મને આમંત્રિત કરવામાં આવી એ માટે હું ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહી છું. આમંત્રિત કરવા માટે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું.”

    આ સિવાય બનાસકાંઠાના લાભાર્થી મહિલા તેજલ બહેને કહ્યું હતું કે, “સમગ્ર દેશવાસીઓને મારા નમસ્કાર. હું તેજલબેન રોનકકુમાર સોલંકી ડ્રોન દીદી બનાસકાંઠા ગુજરાતથી છું. મારા માટે ખૂબ હર્ષ અને ગર્વની ક્ષણ છે કે રૂલર ડેવલોપમેન્ટ મંત્રાલય- ભારત સરકાર દ્વારા લાલ કિલ્લા, દિલ્હીમાં આયોજિત સ્વતંત્રતા સમારોહમાં મહેમાન તરીકે મને આમંત્રિત કરવામાં આવી છે. આ માટે હું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”

    આ ઉપરાંત વડોદરાના ક્રિષ્નાબેન વેકરીયાએ પણ આ માટે વિડીયોમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “સમગ્ર દેશવાસીઓને મારા નમસ્કાર હું ક્રિષ્ના વેકરીયા ડ્રોન દીદી વડોદરા ગુજરાતથી. મને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રૂલર ડેવલપમેન્ટ મંત્રાલય દ્વારા દિલ્હી લાલ કિલ્લા પર યોજાતા સમારોહનું આમંત્રણ મળ્યું છે. હું પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કરું છું કે મને આવા ઐતિહાસિક સમારોહનો ભાગ બનાવવામાં આવી.”

    આ ઉપરાંત સરકાર દ્વારા શરૂ કરાયેલ લખપતિ દીદી યોજનાના લાભાર્થી મહિલાઓને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ અંગે ખેડા જિલ્લાના લાભાર્થી બહેને જણાવ્યુ હતું કે, “નમસ્તે, મારૂ નામ વિલાસબેન ઉપેન્દ્રસિંહ ચાવડા છે. હું ગુજરાતનાં ખેડા જિલ્લાથી છું. મને સરકારની લખપતિ દીદી યોજના અંતર્ગત આ વખતે લાલ કિલ્લા પર યોજનારા રાષ્ટ્રીય કાર્યક્રમમાં મહેમાન તરીકે આમંત્રિત કરી છે. આ માટે હું ખૂબ ખુશ છું કે આ રાષ્ટ્રીય કાર્યક્રમનો ભાગ બનવાનો અવસર મને મળશે, અને હું સરકારની આભારી છું. લખપતિ દીદી યોજનનો ઉદ્દેશ્ય છે કે ગામડાની દરેક મહિલા આત્મનિર્ભર બને અને આગળ વધે. સરકારનો આ યોજના માટે હું સરકારને ધન્યવાદ વ્યક્ત કરું છું.”

    ઉલ્લેખનીય છે પ્રધાનમંત્રી મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલ ડ્રોન દીદી યોજના અને લખપતિ દીદી યોજના અંતર્ગત મહિલાઓને લાભ આપવામાં આવે છે. ગામડાની દરેક મહિલા પગભર બને, આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તે માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. સરકારે આ વખતના બજેટમાં પણ યોજનાનું બજેટ અઢી ગણું વધાર્યું હતું.

    અરવિંદ કેજરીવાલ રહેશે જેલમાં જ, વચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર: મનીષ સિસોદિયાવાળી દલીલ પણ ના આવી કામ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે. તેમને દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં હાલ રાહત મળી શકી નથી. સુપ્રીમ કોર્ટે હાલ તેમને CBIના કેસમાં વચગાળા જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટમાં કેજરીવાલના પક્ષ તરફથી મનીષ સિસોદિયાવાળી દલીલ આપવામાં આવી હતી, પરંતુ તે ચાલી શકી નહીં. નોંધનીય છે કે, CBI દ્વારા તેમની ધરપકડને બહાલ કરવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર આપતાં કેજરીવાલે વચગાળાના જામીન માટેની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે હાલ તેમને તાત્કાલિક કોઇ રાહત આપવાનો ઇનકાર કર્યો છે અને 23 ઑગસ્ટ સુધીમાં CBI પાસેથી આ વિશેનો જવાબ પણ માંગ્યો છે.

    સુપ્રીમ કોર્ટે બુધવારે (14 ઑગસ્ટ) આ મામલે સુનાવણી કરતાં અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા માટેનો ઇનકાર કરી દીધો છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભૂઈયાંની બેન્ચે CBI દ્વારા કેજરીવાલની ધરપકડને બહાલ કરવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ તેમની અરજી પર તપાસ એજન્સીને માત્ર નોટિસ મોકલી છે. કોર્ટે કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું છે કે, “અમે કોઈપણ પ્રકારના વચગાળાના જામીન નથી આપી રહ્યા. અમે નોટિસ જારી કરીશું.” આ વિશેની આગામી સુનાવણી પણ 23 ઑગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

    સુપ્રીમ કોર્ટમાંથી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને AAP નેતા મનીષ સિસોદિયાને જામીન મળ્યાના 2 દિવસ બાદ દાખલ કરેલી અરજીમાં કેજરીવાલે CBI દ્વારા પોતાની ધરપકડ અને તે બાદના રિમાન્ડના આદેશોને પડકાર આપ્યો છે અને કેસમાં જામીનની પણ માંગ કરી છે. તેમણે દિલ્હી હાઈકોર્ટના 5 ઑગસ્ટના આદેશને પડકાર્યો છે. જેમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, કેજરીવાલની ધરપકડ ન તો ગેરકાયદેસર હતી અને ન તો કોઈ આધાર-પુરાવા વગરની હતી, કારણ કે, CBIએ તેમની કસ્ટડી અને રિમાન્ડ માટે જરૂરી તમામ પુરાવા રજૂ કર્યા હતા.

    AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે અરજીમાં દલીલ કરી હતી કે, જે આધાર પર મનીષ સિસોદિયાને જામીન પર છોડવામાં આવ્યા છે, તે આધાર તેમના પર પણ લાગુ પડવા જોઈએ. જોકે, સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલની આ દલીલ ચાલી શકી નહીં. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને જણાવ્યું કે, કેજરીવાલને PMLAના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ચૂક્યા છે. CBI કેસમાં પણ નીચલી કોર્ટે જામીન આપી દીધા છે. એમ પણ કહ્યું કે, CBIએ કેસ દાખલ કર્યાના 1 વર્ષ અને 10 મહિના પછી કેજરીવાલની ધરપકડ કરી છે, જે કાયદા અનુસાર નથી. તેમણે કોર્ટને કહ્યું કે, તેમણે વચગાળાના જામીન માટે પણ માંગ કરી છે, પણ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે વચગાળાની કોઇ રાહત મળશે નહીં. કોર્ટે CBI પાસે જવાબ માંગ્યો છે, જે રજૂ થયા બાદ 23 ઑગસ્ટના રોજ આગામી સુનાવણી હાથ ધરાશે.

    ₹1 કરોડના ડ્રગ્સ મામલે ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપી શેહબાઝની ધરપકડ: નેપાળથી સુરત આવતા જ સતર્ક SOG પોલીસે દબોચ્યો, અગાઉ ઝડપાયો હતો માસ્ટરમાઇન્ડ કાસિફ

    સુરતના રામપુરાના લાલગેટ ખાતેથી ત્રણ મહિના પહેલાં ₹1 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. તે મામલે સુરત SOG પોલીસ શેહબાઝ આલમ નામના વોન્ટેડ આરોપીને છેલ્લા ત્રણ મહિનાથી શોધી રહી હતી. જ્યારે હવે પોલીસને તેમાં સફળતા મળી છે. પોલીસે ડ્રગ્સ માફિયા શેહબાઝ આલમ ઈરશાદ હુસૈન ખાનની ધરપકડ કરી લીધી છે. ડ્રગ્સ પકડાયું ત્યારે આરોપી પોતાના વતન ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરીને નેપાળ જતો રહ્યો હતો. નેપાળથી તે ફરીથી ઉત્તર પ્રદેશ આવ્યો હતો અને ત્યાંથી સુરત આવતા જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

    સુરતના રામપુરાના ₹1 કરોડના ડ્રગ્સ મામલે ત્રણ મહિનાથી ભાગતો ફરતો આરોપી શેહબાઝ ઝડપાયો છે. સુરત પોલીસને તેની બાતમી મળી હતી, જે બાદ આખરે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર મોહંમદ કાસિફ શેહબાઝને એક ટ્રીપના 5 હજાર આપતો હતો. MD ડ્રગ્સ લેવા માટે આરોપી ત્રણ વખત તેના સહયોગીઓ સાથે મુંબઈ આવ્યો હતો અને ત્યાંથી ડ્રગ્સ લઈને સુરત પરત ફર્યો હતો. આરોપી મોહંમદ કાસિફ અને શેહબાઝ છેલ્લા 6 વર્ષથી ચાલાકીથી આ ડ્રગ્સના ધંધામાં જોતરાયેલા હતા.

    બંને આરોપીઓ ઘરના દરવાજા પર તાળું મારી દેતા હતા, જેથી વટેમાર્ગુ અને પોલીસને શંકા ન થઈ શકે. ત્યારબાદ તેઓ ટેરેસ પર રહેતા હતા અને નીચે આવેલા ડ્રગ્સના ગ્રાહકોને ટેરેસ પરથી ડોલ મોકલીને MD ડ્રગ્સની ડિલિવરી આપતા હતા. આરોપીઓને ડ્રગ્સ લેવા અને રૂપિયાનો વહીવટ કરવા માટે અલગ-અલગ સ્થળોએ બોલાવવામાં આવતા હતા. અગાઉ SOGએ મુસ્લિમ વેશ ધારણ કરીને આરોપી કાસિફને ઝડપી પાડ્યો હતો. હમણાં સુધીમાં આ કેસ મામલે ગ્રાહકો સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

    લાલગેટ વિસ્તારમાં ભજીયાની લારીની આડમાં પણ ચાલતો હતો ડ્રગ્સનો ધંધો

    નોંધનીય છે કે, લાલગેટ રામપુરા વિસ્તારમાંથી ₹1 કરોડનું ડ્રગ્સ ઝડપાયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તે ઘટનાના થોડા દિવસ બાદ જ પોલીસને જાણવા મળ્યું હતું કે, લાલગેટ હોડી બંગલા પાસે બેકરીની ગલીમાં ભજીયા અને પાનના ગલ્લાની આડમાં MD ડ્રગ્સનો ધંધો થઈ રહ્યો છે. ત્યારબાદ પોલીસે તાત્કાલિક ઓપરેશન હાથ ધરીને 3 ડ્રગ્સ પેડલરો ઝડપી પાડ્યા હતા. આરોપીઓની ધરપકડની માહિતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આપી હતી. પોલીસે ત્રણેય પાસેથી ₹12.57 લાખનો 125 ગ્રામ MD ડ્રગ્સ, 4 મોબાઈલ, ડિજિટલ કાંટો સહિત ₹13.32 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ ડ્રગ્સનો વેપાર કરવા માટે જુદા-જુદા કોડવર્ડનો પણ ઉપયોગ કરી રહ્યા હતા.

    આરોપીઓની ઓળખ, મોહમ્મદ જાફર, રાસીદજમાલ અને મોઇનુદ્દીન અન્સારી તરીકે થઈ હતી. આરોપીઓ ભજીયાની લારીની આડમાં ડ્રગ્સનો ધંધો કરતાં હતા. તેઓ તેના ઓળખીતા ગ્રાહકોને વોટ્સએપ પર કોલ કરીને ડ્રગ્સ આવી ગયું હોવાની માહિતી આપતા હતા. પરંતુ તેઓ આ માટે પણ કોડવર્ડ જ યુઝ કરતાં હતા. તેઓ ગ્રાહકોને કહેતા હતા કે, ‘દવા આ ગઈ હૈ.’ તેમના આ કોડવર્ડથી સામેના વ્યક્તિને ખ્યાલ આવી જતો હતો કે, ડ્રગ્સ આવી ગયું છે. ત્યારબાદ ગ્રાહકો તેમની ભજીયાની લારી પર જઈને ડ્રગ્સ ખરીદતા હતા.

    રેસિડેન્ટ ડૉક્ટરોએ પરત ખેંચી દેશવ્યાપી હડતાળ, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ FORDAનું એલાન: કોલકાતા રેપ-મર્ડર કેસ મામલે CBI તપાસ શરૂ

    પશ્ચિમ બંગાળના કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. ઘટના સામે આવ્યા બાદથી જ મેડિકલ સાથે સંકળાયેલા અલગ-અલગ સંગઠનોએ હડતાળની જાહેરાત કરી હતી. શરૂઆતમાં પશ્ચિમ બંગાળના તમામ જિલ્લાઓમાં ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા હતા, જે બાદ આક્રોશના વમળમાં આખો દેશ આવ્યો હતો અને દેશભરમાં હડતાળો ચાલુ થઈ ગઈ હતી. જેના કારણે સામાન્ય નાગરિકો અને દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હવે જાણવા મળી રહ્યું છે કે, રેસિડેન્ટ ડૉક્ટરોએ પોતાની દેશવ્યાપી હડતાળ પરત ખેંચી લીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ FORDA (Federation of Resident Doctors’ Association)એ આ અંગેનું એલાન કર્યું છે.

    ‘ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિયેશન’ (FORDA)ના પ્રતિનિધિમંડળે મંગળવારે (13 ઑગસ્ટ) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. FORDAના અધ્યક્ષ અવિરલ માથુરે જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, “કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને અમે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને અમારી માંગણીઓ તેમની સમક્ષ રાખી હતી. તેમણે અમને આશ્વાસન આપ્યું છે કે, તેઓ ડૉક્ટરો માટે સુરક્ષિત માહોલ તૈયાર કરશે. તેમણે ખાતરી આપી છે કે, અમારી માંગણી પર સમયબદ્ધ રીતે કડક કાર્યવાહી પણ થશે. એક કમિટી બનાવવામાં આવશે, જેમાં અમે પણ સામેલ હશું. અમારી તમામ માંગો સ્વીકારી લેવામાં આવી છે, તેથી રેસિડેન્ટ ડૉક્ટરોએ અને FORDAએ દેશવ્યાપી હડતાળ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.”

    CBIની ટીમ પહોંચી કોલકાતા

    જોકે, FORDA સિવાયના મેડિકલ ક્ષેત્રના અન્ય સંગઠનો હડતાળ ચાલુ જ રાખશે. બીજી તરફ આ ઘટનાને લઈને કલકત્તા હાઈકોર્ટના આદેશ અનુસાર, CBI તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. બુધવારે (14 ઑગસ્ટ) CBIની ટીમે કોલકાતા પોલીસ પાસેથી આ કેસને લઈને આ અંગેની તપાસ શરૂ કરી દીધી છે.

    દિલ્હીથી CBI ટીમ કોલકાતા પહોંચી ચૂકી છે. આ ઉપરાંત હવે કેન્દ્રીય એજન્સી ઘટનાસ્થળ પર જઈને આ અંગેની વિસ્તૃત તપાસ હાથ ધરશે. હવે પછીની તમામ તપાસ CBI દ્વારા કરવામાં આવશે. જરૂર પડ્યે, સ્થાનિક પોલીસની મદદ પણ લેવાશે.

    મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યા

    કોલકાતાની સરકારી હોસ્પિટલમાં બનેલી આ ઘટના 8-9 ઑગસ્ટ, 2024ની હોવાનું કહેવાય રહ્યું છે. ઘટનાની વિગતો અનુસાર, કોલકાતાની સરકારી હોસ્પિટલ (આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ)ના સેમિનાર હૉલમાં શુક્રવારે (9 ઑગસ્ટ) પોસ્ટ-ગ્રેજ્યુએટ ટ્રેની મહિલા ડૉક્ટરનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપ છે કે મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેમની હત્યા કરવામાં આવી હતી. પોલીસ અનુસાર, 8-9 ઑગસ્ટની રાત્રે નાઈટ ડ્યુટી દરમિયાન મહિલા ડૉક્ટર તેમના જુનિયર સાથી મિત્રો સાથે બેસીને નીરજ ચોપડાની ઓલમ્પિક ગેમ જોઈ રહી હતી. રાત્રિના લગભગ 2 વાગ્યા સુધી તેણે તેના સાથી મિત્રો સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ એપ પરથી ઓર્ડર કરીને ભોજન કર્યું હતું. ત્યારબાદ મિત્રોને જાણ કરીને સેમિનાર હૉલમાં આરામ કરવા માટે ગઈ હતી.

    હૉલમાં જઈને તેણે શરૂઆતમાં થોડું વાંચન કર્યું અને ત્યારબાદ 3 વાગ્યાની આસપાસ ઊંઘી હતી. પરંતુ બીજા દિવસે શુક્રવારે (9 ઑગસ્ટ) સવારે સેમિનાર હૉલમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જે અર્ધનગ્ન હાલતમાં હતો. મોંઢામાંથી, આંખોમાંથી અને ગુપ્તાંગના ભાગેથી લોહી પણ વહી રહ્યું હતું હતું. પોલીસ ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમમાં શરૂઆતી સમયે દુષ્કર્મની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું કહેવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ અધિકારીઓએ પણ નિવેદન આપીને આ બાબતની પુષ્ટિ કરી હતી.

    CCTV કેમેરા અને અન્ય તપાસના આધારે પોલીસે શનિવારે (10 ઑગસ્ટ) એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેનું નામ સંજય રૉય હોવાનું સામે આવ્યું હતું. આરોપ છે કે, તેણે જ ટ્રેની મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી. આરોપીની ધરપકડ બાદ તરત જ તેને 14 દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેણે પોતે ગુનો કર્યો હોવાની તમામ કબૂલાત પણ કરી લીધી હતી. હાલ પણ આ મામલે કાર્યવાહી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. આરોપી પર BNSની કલમ 64 (દુષ્કર્મ) અને 103 (હત્યા) હેઠળ ગુનો નોંધાયો છે. હાલ CBI આ કેસની તપાસ કરી રહી છે.

    TMC સાંસદ સાકેત ગોખલે સામે અમદાવાદની કોર્ટે ઘડ્યા આરોપ, મની લોન્ડરિંગનો મામલો: 2022માં ગુજરાત પોલીસે કરી હતી ધરપકડ

    તૃણમૂલ કોંગ્રેસનાં (Trinamool Congress) સાંસદ અને તથાકથિત એક્ટિવિસ્ટ સાકેત ગોખલે વિરુદ્ધમાં મની લોન્ડરિંગના અપરાધિક આરોપ ઘડાયા છે. અમદવાદની (Ahmedabad) વિશેષ અદાલતે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 (PMLA) અંતર્ગત આ આરોપ ઘડયા હતા. અદાલતે ED દ્વારા કરાયેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી હાથ ધરી છે.

    EDએ આ અંગે જણાવ્યુ હતું કે, “અમદાવાદ ગ્રામીણના માનનીય પ્રધાન જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અને વિશેષ અદાલતે 13 ઓગસ્ટના રોજ TMC સાંસદ સાકેત ગોખલે (Saket Gokhale) વિરુદ્ધમાં PMLA અંતર્ગત આરોપ ઘડયા છે અને પોલીસ કેસમાં પણ આ આરોપ ઘડવામાં આવ્યા છે.” ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ED એ મની લોન્ડરિંગ (Money Laundering) એક્ટ અંતર્ગત 31 વર્ષના TMC સાંસદ અને પ્રવક્તા તથા કથિત એક્ટિવિસ્ટ સાકેત ગોખલે પર ચાર્જશીટ ફાઇલ કરી હતી.

    EDએ અદાલતમાં જણાવ્યુ હતું કે સાકેત ગોખલેએ ક્રાઉડ ફાંડિંગ દ્વારા એકઠી થયેલી મોટી રકમ પોતાના વ્યક્તિગત ખર્ચાઓ, ભોજન, સટ્ટા શેયર અને ટ્રેડિંગમા વેડફી નાખી છે. જે બિનજરૂરી અને ફાલતુ ખર્ચાઓ જણાઈ રહ્યા છે. EDએ જણાવ્યુ હતું કે વિશેષ અદાલત જ્યાં સુધી આ મામલે કોઈ નિર્ણયના લેય ત્યાં સુધી અદાલતે CrPCની કલમ 309 અંતર્ગત ગોખલેની PMLAની કાર્યવાહીને નિલંબિત કરવાની અરજી પણ ફગાવી દીધી હતી.

    2022માં અમદાવાદના વ્યક્તિએ કરી હતી ફરિયાદ

    ઉલ્લેખનીય છે કે 28 ડિસેમ્બર 2022ના રોજ અમદાવાદના એક વ્યક્તિએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો હતો કે સાકેત ગોખલેએ શરૂ કરેલ ક્રાઉડ ફંડિંગની રકમનો ઉપયોગ ગરીબોના કલ્યાણ માટે કરવાનો હતો પરંતુ આ રકમ સાકેત ગોખલેએ પોતે જ વાપરી નાખી હતી. આ બાદ અમદાવાદ પોલીસે સાકેત ગોખલે સામે IPCની કલમો 420 (છેતરપિંડી), 406 (વિશ્વાસનું અપરાધિક હનન) અને 467 (ફોર્જરી) હેઠળ કેસ દાખલ કર્યો હતો.

    આ બાદ ગોખલેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. EDએ માહિતી આપી હતી કે ગોખલેએ ઓનલાઈન પ્લેટફોર્મ ‘અવરડેમોક્રેસીડોટઇન’ પર ચાલવાયેલા અભિયાન અંતર્ગત લોકો પાસેથી રૂપિયા લીધા હતા. જેનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચાઓ માટે કર્યો. ED અનુસાર ગોખલેએ ₹1.70 કરોડની રકમનો દુરુપયોગ કર્યો હતો. જેના કારણે PMLA અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી હતી.