ફેબ્રુઆરી 2021માં સાબરમતી રિવરફ્રન્ટ પરથી આત્મહત્યા કરીને મૃત્યુ પામનાર અમદાવાદી મહિલા આયશાના પતિ આરીફ ખાનને અમદાવાદ સેશન્સ કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી છે. આયશાએ અમદાવાદની સાબરમતી નદીમાં કૂદતા પહેલા એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. તે સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આયશાએ તેના પતિ અને તેના પરિવાર પર દહેજ અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આયશા આત્મહત્યા કેસ વિષે સૌને એ વાઇરલ વિડીયો દ્વારા જાણકારી મળી હતી.
23 year old Ayesha releases this Video before Jumping in the #SabarmatiRiver #Ahmedabad! Just listen to this poignant misery of ill treatment at the hands of the In-Laws and a Ruthless Husband! Are We even Humans? When millions of Women are treated in such Tragic Fashion! pic.twitter.com/sPQf9za7Pp
— zafar sareshwala (@zafarsareshwala) February 28, 2021
અહેવાલો મુજબ, અદાલતે તેના ઉપરોક્ત વિડિયો સંદેશને સજા સંભળાવવાના પુરાવા તરીકે ગણ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે ઘરેલુ હિંસા જેવા સામાજિક દુષણને રોકવા માટે આરોપીઓને બક્ષવામાં ન આવે. આરીફનો વોઈસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો જેને મહત્વનો પુરાવો માનવામાં આવ્યો હતો.
સાબરમતી નદીમાં ઝંપલાવતા પહેલા આયશાએ તેના પતિને ફોન પણ કર્યો હતો. પોલીસે આયશા અને આરીફ વચ્ચે 70 મિનિટનું કોલ રેકોર્ડિંગ કબજે કર્યું હતું જેમાં બાદમાં તેને બૂમો પાડતો અને કહેતો સંભળાયો હતો કે, “મરી જા અને મને તારા મૃત્યુનો વીડિયો મોકલ.”
આયશાના મૃત્યુના એક અઠવાડિયા પછી વધુ વિગતો બહાર આવી હતી જેમાં ખુલાસો થયો હતો કે તેના પતિ આરીફના રાજસ્થાનની એક યુવતી સાથે લગ્નેત્તર સંબંધો હતા. આયશાનો પતિ આરીફ તેની હાજરીમાં પોતાની ગર્લફ્રેન્ડને ફોન કરતો અને આયશાની હાજરીમાં જ તેની સાથે અભદ્ર વાતચીત પણ કરતો હતો, અહેવાલોમાં જણાવાયું છે. તેના પતિ દ્વારા હેરાનગતિ હોવા છતાં, આયશાએ શાંત રહેવાનું અને તેના પતિનો સામનો ન કરવાનું નક્કી કર્યું હતું.
અહેવાલ મુજબ, આરીફે આયશા સમક્ષ કબૂલાત કરી હતી કે તેના જીવનમાં બીજી સ્ત્રી છે અને તેણે કહ્યું હતું કે તે આયશા માટે તેને છોડશે નહીં. અગાઉ 2020માં, આયશાએ અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં આરીફ અને તેના પરિવાર વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ પણ નોંધાવ્યો હતો.
તેણે આત્મહત્યા કરતા પહેલા તેના માતા-પિતાને પણ ફોન કર્યો હતો. તેના માતા-પિતાએ આયશાને પોતાનો નિર્ણય બદલવા માટે સમજાવવાનો સખત પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. તેણે તેની માતાને કહ્યું, “જે બધું તેના સાથે થયું છે, હું નિરાશ છું, હું હવે સહન કરી શકતી નથી, તે (તેનો પતિ આરીફ) સ્વતંત્રતા માંગે છે, હું તેને સ્વતંત્રતા આપીશ.”
આયશા આત્મહત્યા કેસ વિષે સોશિયલ મીડિયા પર ઘણી ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. અધિકારીઓએ મૃતદેહને કબજે લીધો હતો અને આ મામલે તેના પતિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં માર્ચ 2021માં તેની ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે મોટા ભાગના લોકો 23 વર્ષની આયશા સાથે થયેલ આ ઘટનાક્રમ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા હતા, ત્યારે કેટલાક એવા હતા જેમણે ફરિયાદ કરી હતી કે આયશાને ધર્મ વિષે ખબર નથી એટલે એણે હલાલ કરતાં હરામને પસંદ કર્યું હતું એમ કહીને આયશાને જ ગુનેગાર બનાવી દીધી હતી.
અન્ય એક ટ્વિટર યુઝરે તો આરીફને દોષમુક્ત કરતાં ત્યાં સુધી કહી દીધું કે “આયશાના પતિએ આમ ખોટા આરોપો પર સરેંડર નહોતું કરવું જોઈતું. આમાં આયશાની જ ભૂલ છે. આયશાએ જ એના પતિને એક તરફી પ્રેમ કર્યો હશે અને લગ્ન પહેલાથી જે એ જાણતી હશે કે એનો પતિ એને પ્રેમ નહિ કરે. તો હવે એના મૃત્યુ માટે એનો પતિ જવાબદાર કેમ?”