Monday, July 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ માટે ગુજરાત એ ગુડ ગવર્નન્સની નહીં પરંતુ લઘુમતિઓના લોહીથી લથપથ કટ્ટર...

  કોંગ્રેસ માટે ગુજરાત એ ગુડ ગવર્નન્સની નહીં પરંતુ લઘુમતિઓના લોહીથી લથપથ કટ્ટર હિન્દુત્વની ભૂમિ છે

  ગુડ ગવર્નન્સ માટેના ગુજરાતના ડેશબોર્ડનો અભ્યાસ કરવા આવેલા કેરળના બે અધિકારીઓ વિરુદ્ધ કોંગ્રેસ અને મુસ્લિમ લીગે ત્યાંની લેફ્ટ સરકારની આકરી ટીકા કરતા ગુજરાતને ફરીથી બદનામ કર્યું છે.

  - Advertisement -

  ગત બુધવારે સીપીઆઈ(એમ)ના નેતૃત્ત્વવાળી કેરળની એલડીએફ સરકારે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી ગુડ ગવર્નન્સ સિસ્ટમનો અભ્યાસ કરવા માટે બે વ્યક્તિઓની હાઈલેવલ ઓફિશિયલ ટીમ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેરળના ચીફ સેક્રેટરી વીપી જોય અને તેમના સ્ટાફ ઓફિસર ઉમેશ એનએસકે ગઈકાલથી 29 એપ્રિલ સુધી આ બંને અધિકારીઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઓફિસમાં આવેલા ઈ-ગવર્નન્સની તમામ એપ્લીકેશન્સ એક જ પ્લેટફોર્મ પરથી કેવી રીતે ઓપરેટ થાય છે તેનો અભ્યાસ કરશે.

  કેરળ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ કે સુરેન્દ્રને કેરળના ચીફ સેક્રેટરીને ગુજરાતમાં આ ડેશબોર્ડનો અભ્યાસ કરવા માટે મોકલવાના કેરળ સરકારના નિર્ણયને વધાવી લીધો છે અને કહ્યું છે કે મુખ્યમંત્રી વિજયનને ખ્યાલ આવી ગયો છે કે ગુજરાત મોડલ જ સાચું મોડલ છે. “છેવટે કેરળ સરકારે એ નિર્ણય લીધો છે કે ગુજરાતના વિકાસના મોડલનો અભ્યાસ કરવામાં આવે. આપણા રાજ્યે ગુજરાત પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે, ખાસ કરીને વહીવટી, ઔદ્યોગિક અને ઉર્જા ક્ષેત્રોમાં. કેરળ ભ્રષ્ટાચાર, વધુ પડતા ખર્ચા અને ભાઈ-ભત્રીજાવાદનો અંત લાવીને જ ટકી શકશે.” તેમ તેમણે ઉમેર્યું હતું.

  તેમણે આગળ જણાવતાં કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજયને ‘નિષ્ફળ કેરળ મોડલને’ તાળું મારી દેવું જોઈએ અને આ દક્ષિણી રાજ્યમાં સફળ ગુજરાત ગુડ ગવર્નન્સ મોડલનું અમલીકરણ કરવું જોઈએ. ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ એપી અબ્દુલ્લાકુટ્ટીએ પણ કેરળ સરકારના આ નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું છે કે રાજ્યે ઉત્તર પ્રદેશમાં પણ એક ટીમ મોકલીને એ અભ્યાસ કરવો જોઈએ કે રાજ્ય સરકાર દ્વારા ચાલતી બસો કેવી રીતે સફળતાપૂર્વક ચલાવી શકાય છે.

  - Advertisement -

  પરંતુ કેરળની લેફ્ટ સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય કોંગ્રેસ તેમજ મુસ્લિમ લીગને પસંદ નથી આવ્યો અને તેમણે રાજ્ય સરકારની આ બાબતે આકરી ટીકા કરી છે. કેરળ કોંગ્રેસના પ્રમુખ કે સુધાકરને સરકાર પર હુમલો બોલાવતાં પ્રશ્ન કર્યો હતો કે શું કેરળ ગુજરાતમાં ચાલી રહેલા મોડલને અનુસરવાનું નક્કી કરી રહ્યું છે?

  તેમણે ગુજરાતને લઘુમતિઓના લોહીથી લથપથ એવી કટ્ટર હિન્દુત્વની વિચારધારાનું જન્મસ્થાન ગણાવ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે કેરળના અધિકારીઓની ગુજરાત મુલાકાતને ભાજપ અને સીપીઆઈ(એમ)ના ગવર્નન્સ સ્તરે વધેલા સંબંધ તરીકે જોવામાં આવવો જોઈએ. જ્યારે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના નેતા અને ધારાસભ્ય પીકે કુન્હાલીકુટ્ટીએ જણાવ્યું હતું કે કેરળે ગુજરાત પાસેથી શીખવા જેવું કશું જ નથી.

  સીપીઆઈના કેરળ રાજ્યના સેક્રેટરી કણમ રાજેન્દ્રનના માનવા અનુસાર રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય નોંધપાત્ર છે અને જણાવ્યું હતું કે નવી બાબતો શીખવા વચ્ચે રાજકારણ ન આવવું જોઈએ.

  ગુજરાત સરકારના ગુડ ગવર્નન્સ માટે સ્થાપિત ડેશબોર્ડની વ્યવસ્થા એ પ્રકારની છે કે ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યની તમામ ઈ-ગવર્નન્સની એપ્લીકેશન્સનો તમામ ડેટા આ એક સિસ્ટમમાંથી મેળવી શકે છે. આ ડેટાનો ઉપયોગ કરીને સીએમ ઓફિસ વ્યસ્વ્સ્થાપનમાં જ્યાં પણ તકલીફ છે તેને પારખી શકે છે અને છેક નીચેના સ્તરના અધિકારીનો સીધો સંપર્ક સાધીને જે-તે તકલીફને દૂર કરી શકે છે. આ સિસ્ટમ દરરોજ સરકારના 20 અલગ અલગ ક્ષેત્રોની ઈ-ગવર્નન્સ એપ્સમાંથી 3000થી પણ વધુ સૂચકો મેળવી શકે છે, અને એક જ પ્લેટફોર્મ પર તમામ અધિકારીઓનું સંકલન પણ કરે છે.

  છેલ્લા એક અઠવાડિયામાં કેરળ સરકાર આ જ પ્રકારના મુદ્દા પર બીજી વખત વિવાદમાં આવી છે. થોડા દિવસ અગાઉ કેરળના અધિકારીઓ કથિતરૂપે દિલ્હી મોડલનો અભ્યાસ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. આમ આદમી પાર્ટીએ એવો દાવો કર્યો હતો કે કેરળના શિક્ષણ વિભાગના અધિકારીઓ દિલ્હી રાજ્યની શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કરવા આવી છે. પરંતુ કેરળ સરકારે આ દાવાને નકાર્યો હતો અને કહ્યું હતું કે તેમણે દિલ્હીમાં કોઇપણ બાબતનો અભ્યાસ કરવા તેના એક પણ અધિકારીને મોકલ્યો નથી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં