Tuesday, October 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસચિન પાયલોટની સોનિયાને ચીમકી: મને સીએમ બનાવો નહીં તો પંજાબ જેવા હાલ...

    સચિન પાયલોટની સોનિયાને ચીમકી: મને સીએમ બનાવો નહીં તો પંજાબ જેવા હાલ થશે

    સચિન પાયલોટ અને અશોક ગહેલોત વચ્ચેનું યુદ્ધ ફરીથી સપાટી પર આવી ગયું છે અને આ વખતે સચિન પાયલોટે સોનિયા ગાંધીને અંતિમ ચેતવણી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

    - Advertisement -

    આ ઉનાળામાં રાજસ્થાનમાં ફરીથી રાજકારણે ગરમી પકડવાનું શરુ કરી દીધું છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતના સત્તા સંભાળ્યા સાથે જ મુખ્યમંત્રી પદ માટે શરુ થયેલી લડાઈ જે વચ્ચે વચ્ચે ઠંડી પડી જતી હતી તેણે ફરીથી માથું ઊંચક્યું છે. સુત્રોએ દાવો કર્યો છે કે રાજસ્થાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલોટે સોનિયા ગાંધીની મુલાકાત કરીને સ્પષ્ટ શબ્દોમાં અશોક ગહેલોતને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગણી કરી દીધી છે. બીજી તરફ એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાં પ્રશાંત કિશોરનું ન આવવું તેની પાછળ મુખ્ય કારણ પણ અશોક ગહેલોત જ છે.

     ન્યૂઝ ચેનલ NDTVએ સુત્રોના હવાલેથી જણાવ્યું છે કે સચિન પાયલોટે છેલ્લા અમુક દિવસો દરમ્યાન ગાંધી પરિવાર સાથે ત્રણ વખત ચર્ચા કરી છે. એવું કહેવાય છે કે આ ચર્ચા દરમ્યાન પાયલોટે હાઈકમાન્ડને સ્પષ્ટ કહ્યું છે કે ગહેલોતને હટાવવામાં જો હજી પણ વિલંબ કરવામાં આવશે તો રાજસ્થાનમાં પંજાબ જેવી સ્થિતિ ઉભી થઇ જશે. સુત્રોએ એમ પણ કહ્યું છે કે સચિન પાયલોટે ગહેલોતના સ્થાને પોતાને મુખ્યમંત્રી બનાવવાની માંગણી પણ કરી છે.

    પાયલોટે એમ પણ કહ્યું હોવાનું જાણવા મળે છે કે જો રાજસ્થાનમાં કોંગ્રેસને સતત બીજી ટર્મ જોઈતી હશે તો અશોક ગહેલોતને મુખ્યમંત્રી પદેથી હટાવવા જ પડશે. પાયલોટ અગાઉ સોનિયા ગાંધીએ અશોક ગહેલોતને નવી દિલ્હી મુલાકાત માટે બોલાવ્યા હતા. 23 એપ્રિલે રાજસ્થાનના પાટનગર જયપુરમાં રાજસ્વ સેવા પરિષદને એક કાર્યક્રમમાં અશોક ગહેલોતે કહ્યું હતું કે એમનું રાજીનામું તો સોનિયા ગાંધી પાસે 1998થી કાયમી ધોરણે સોનિયા ગાંધી પાસે રાખી મુકવામાં આવ્યું છે. આથી જ્યારે પણ રાજ્યનો મુખ્યમંત્રી બદલવાનો હશે તો કોઈને પણ ખબર નહીં પડે અને રાતોરાત આ કામ પતી પણ જશે. આ બાબતે કોઇપણ પ્રકારનું ચિંતન કે ચર્ચા નહીં થાય કારણકે સોનિયા ગાંધી એ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે, આથી અફવાઓ પર ધ્યાન ન આપવું.

    - Advertisement -

    પ્રશાંત કિશોરે પોતાના 600 સ્લાઈડ લાંબા પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે પાર્ટીએ યુવાન ચહેરાઓને આગળ કરવા જોઈએ અને આમ જો કોંગ્રેસ તેમના આ સૂચનનો અમલ કરત તો સચિન પાયલોટને પણ ફાયદો થાત આથી પ્રશાંત કિશોર કોંગ્રેસમાં ન આવે એ અશોક ગહેલોતના લાભમાં હતું અને આથી અશોક ગહેલોતને જ ‘પીકે’ને કોંગ્રેસથી દૂર રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ગણવામાં આવે છે. રાજસ્થાનના ટેક્નિકલ શિક્ષણ મંત્રી ડૉ. સુભાષ ગર્ગે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “કોઈ પણ સંગઠનને મજબુત કે તાકાત આપવાનું કાર્ય ફક્ત નેતૃત્ત્વ અને કાર્યકર્તા જ કરી શકે છે. કોઈ સલાહકાર કે પ્રોફેશનલ નહીં. નેતૃત્વને ચાણક્યની જરૂર હોય છે વેપારીની નહીં.” ડૉ. ગર્ગને અશોક ગહેલોતના નજીકના વ્યક્તિ ગણવામાં આવે છે.

    આ તરફ સચિન પાયલોટના સમર્થકો કહી રહ્યા છે કે પાયલોટ લડવાનું બંધ નહીં કરે, તેઓ કોઇપણ ‘લોલીપોપ’ માટે પોતાનું રાજનૈતિક સ્થાન નહીં છોડે. 2023ના ડિસેમ્બર મહિનામાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીઓ થવાની છે. આવા સંજોગોમાં સચિન પાયલોટે પોતાની વાત પક્ષના પ્રમુખ સામે રાખી છે. અત્રે એ નોંધનીય છે કે બે વર્ષ પહેલા પણ સચિન પાયલોટે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે પોતાનો દાવો આગળ ધર્યો હતો અને તેમને 18 વિધાનસભ્યોનું સમર્થન મળ્યું હતું. આ જ સમયે મુખ્યમંત્રી અશોક ગહેલોતને દિવસો સુધી પોતાના સમર્થક વિધાનસભ્યોને લઈને એક રિસોર્ટમાં રહેવું પડ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં