Saturday, June 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટવિવાદિત એમએલએ જીગ્નેશ મેવાણીને પાંચ દિવસની પોલીસ કસ્ટડી : મહિલા પોલીસકર્મી સાથે...

  વિવાદિત એમએલએ જીગ્નેશ મેવાણીને પાંચ દિવસની પોલીસ કસ્ટડી : મહિલા પોલીસકર્મી સાથે અભદ્ર વર્તન કરવાના આરોપસર થઇ છે ધરપકડ

  જીગ્નેશ મેવાણીને મહિલા પોલીસકર્મી સાથે અભદ્ર વ્યવહાર કરવાના આરોપ હેઠળ સ્થાનિક કોર્ટે 4 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

  - Advertisement -

  ગુજરાતના કોંગ્રેસ સમર્થક ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગઈકાલે બીજા એક કેસમાં પકડાયા બાદ તેમને પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. ગઈકાલે બારપેટા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

  પોતાનાં ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ આસામમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ આસામ પોલીસે ગત 21 એપ્રિલે પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી મેવાણીની ધરપકડ કરી હતી અને આસામ લઇ ગઈ હતી.

  આસામ લઇ ગયા બાદ મેવાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પોલીસે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે બાદ સોમવારે મેવાણીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરી કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જોકે, ત્યારબાદ તરત અન્ય એક કેસમાં આસામની બારપેટા પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

  - Advertisement -

  જીગ્નેશ મેવાણી વિરુદ્ધ 21 એપ્રિલે બારપેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમની ઉપર મહિલા પોલીસકર્મી સાથે ગેરવર્તણૂંક કરવાનો અને ધમકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદમાં મહિલા પોલીસકર્મીએ જણાવ્યું છે કે, એક સ્થાનેથી બીજી જગ્યાએ લઇ જતી વખતે જીગ્નેશ મેવાણીએ તેમની સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કર્યો હતો અને જ્યારે તેમણે મેવાણીને રોકવાના પ્રયત્નો કર્યા તો તેમણે ધમકી આપી હતી.

  રિપોર્ટ અનુસાર, મહિલા પોલીસ કર્મચારીએ ફરિયાદમાં કહ્યું છે કે, ‘બારપેટાના સિમલગુડી પાસેથી પસાર થતી વખતે, ધરપકડ થયેલા આરોપી વ્યક્તિએ મને અપશબ્દો કહ્યા હતા. મેં તેમને ટોક્યા તો તેમણે વધુ અપશબ્દો વાપર્યા હતા અને મારી સામે આંગળીઓ ઉઠાવીને મને ધમકાવવાના પ્રયત્નો કર્યા હતા અને મને બળજબરીથી સીટ તરફ ધકેલી દીધી હતી.’

  આ ફરિયાદ બારપેટા પોલીસ સ્ટેશન ખાતે ગત 21 એપ્રિલના રોજ નોંધાઈ હતી. અહીં નોંધનીય છે કે બારપેટા ઉપરાંત આસામના ગોલપરા પોલીસ મથકે પણ જીગ્નેશ મેવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે, તે કયા મામલે છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

  બીજી તરફ, જીગ્નેશ મેવાણીના વકીલે કહ્યું છે કે, આવતીકાલે બારપેટાની કોર્ટમાં તેઓ જામીન માટે રજૂઆત કરશે.

  જીગ્નેશ મેવાણીએ થોડા દિવસો પહેલાં પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી કેટલાંક ટ્વીટ કર્યાં હતા, જેમાં તેમણે પીએમ મોદીને ગોડસેના સમર્થક ગણાવી દીધા હતા. આ વિવાદાસ્પદ ટ્વીટ બાદ આસામમાં એક વ્યક્તિએ મેવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આસામ પોલીસ ગુજરાત આવીને મેવાણીને ઉંચકી ગઈ હતી. ત્યારથી તેઓ આસામમાં જ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે જીગ્નેશ મેવાણી ગુજરાતની વડગામ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. વર્ષ 2021 માં તેમણે કોંગ્રેસ પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું અને પોતે 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પરથી લડશે તેમ પણ જણાવ્યું હતું. જોકે, હાલ તેઓ અપક્ષ ધારાસભ્ય હોવાથી કોંગ્રેસમાં વિધિવત જોડાયા ન હતા. કારણ કે અપક્ષ ધારાસભ્યો પાર્ટીમાં જોડાય તો ગૃહનું સભ્યપદ ગુમાવવું પડે છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં