Sunday, November 17, 2024
More
    Home Blog Page 1149

    હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યા બાદ લોકોની પ્રતિક્રિયા : કોઈકે કોંગ્રેસ માટે હાનિકારક ગણાવ્યા, કોઈએ કહ્યું- ભાજપમાં જોડાઈ જશે 

    છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ આખરે આજે વિધિવત રીતે પાર્ટીથી અલગ થઇ ગયા છે. હાર્દિકે ટ્વિટર ઉપર એક પત્ર શૅર કરીને પોતે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપે છે તેમ જણાવ્યું હતું. આ સાથે હાર્દિક પટેલે પોતાના પત્રમાં આ પાછળનું કારણ પણ જણાવ્યું હું. 

    હાર્દિક પટેલે ટ્વિટ કરતા કહ્યું, “આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામુ આપી રહ્યો છું. મને વિશ્વાસ છે કે મારા સાથીઓ અને ગુજરાતની જનતા મારા આ નિર્ણયનું સ્વાગત કરશે. હું માનું છું કે આ પગલા બાદ ભવિષ્યમાં હું ગુજરાત માટે સાચા અર્થમાં સકારાત્મક કાર્ય કરી શકીશ.”

    હાર્દિક પટેલે પત્રમાં કોંગ્રેસની ટીકા કરી હતી તો આડકતરી રીતે રામમંદિર, CAA-NRC અને જમ્મુ-કાશ્મીર અને 370 મુદ્દે ભાજપ સરકારની પ્રશંસા પણ કરી હતી. કોંગ્રેસ છોડ્યા બાદ હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જશે તે હજુ નક્કી નથી. એક તરફ તેઓ ભાજપના વખાણ કરી ચૂક્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી પણ તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. આવનાર દિવસોમાં આ મુદ્દે સ્પષ્ટતા થશે.

    હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે તેવું છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું હતું. ઉપરાંત, તેઓ ભાજપના નેતાઓ સાથે પણ મુલાકાતો કરતા રહ્યા હતા. જેના કારણે વહેલું-મોડું હાર્દિક કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તે નક્કી હતું, જેથી આજે જયારે તેમણે રાજીનામુ આપવાની જાહેરાત કરી ત્યારે લોકોને ખાસ આશ્ચર્ય થયું ન હતું. જોકે, તેમ છતાં ટ્વિટર પર આ અંગે લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. 

    હાર્દિક પટેલના રાજીનામા બાદ કેટલાક લોકોએ તેમના નિર્ણયનું સ્વાગત કર્યું છે તો કેટલાકે અનુમાન લગાવ્યું છે કે હાર્દિક પટેલ જલ્દીથી જ ભાજપમાં જોડાઈ જશે. ઉપરાંત કેટલાકે હાર્દિકના અગાઉના ટ્વિટના સ્ક્રીનશોટ શૅર કરીને હાર્દિકને પાર્ટીમાંથી રાજીનામું આપવા અંગે સવાલો કર્યા હતા. 

    અંકિત દૂબે નામના યુઝરે કહ્યું, “તમારા જેવા અચાનક ઉભરી આવેલા નેતાઓને પાર્ટી માત્ર પોસ્ટર બોય બનાવે છે, બીજું કંઈ નહીં. તમે એવા લોકોમાંથી નથી જેમનો રાજકારણ પર કબજો છે. હવે તમે ભાજપમાં જશો તો એ ભાષણોનું શું જે તમે તેમની વિરુદ્ધ આપ્યાં હતાં?”

    અન્ય એક યુઝર નીલ મુખર્જીએ કહ્યું, “કોંગ્રેસ કેમ છોડી એ સમજી શકાય છે. પરંતુ મેવાણી જેવા નકારાત્મક માનસિકતાવાળા મિત્રોનો સાથ નહીં છોડ્યો તો ભવિષ્યમાં પણ તમારી પાસેથી ગુજરાત કે ભારત માટે કોઈ સકારાત્મક કાર્યની આશા નહીંવત છે.”

    અન્ય એક યુઝર ડૉ દિનેશ કુમારે હાર્દિક પટેલના જૂના ટ્વિટનો એક સ્ક્રીનશોટ શૅર કરીને લખ્યું હતું કે, શું તમારી કોઈ વિચારધારા છે? આ ટ્વિટમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, ‘હાર-જીતના કારણે પક્ષ તો વેપારીઓ બદલે છે, વિચારધારાના અનુયાયીઓ નહીં. લડીશ, જીતીશ અને અંતિમ શ્વાસ સુધી કોંગ્રેસમાં જ રહીશ.’ ઉપરાંત, અન્ય એક યુઝરે કહ્યું કે તમે પોતાની વિશ્વસનીયતા ઓછી કરી દીધી છે.

    એક યુઝરે કહ્યું, “તમારા જેવા નેતાઓનો આ જ વાંધો છે. કોંગ્રેસમાં જોડાયા નહીં કે સીએમનું સપનું જોવાનું શરૂ કરી દો છો. તમારા જેવા નેતા કોંગ્રેસ માટે ફાયદાકારક કરતા હાનિકારક વધુ છે.”

    એક યુઝરે કોંગ્રેસ પાર્ટીની વર્તમાન સ્થિતિ અંગે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, “સતત ત્રણ દાયકાથી સત્તાથી બહાર, સોનીયા-રાહુલની અપરિપક્વ નેતાગીરીથી અંધકારમય ભવિષ્ય અને આ કારણોસર અદના/સમર્પિત કાયૅકરોનો દુકાળ….પદ/પાવર/પૈસાની પીડા..સરવાળે ભાજપ શરણં ગચ્છામિ…”

    જય નામના યુઝરે હાર્દિક પટેલનો પત્ર શેર કરીને કહ્યું હતું કે, “રામમંદિર, 370, GST અને CAA જેવા મુદ્દાઓ પર વખાણ કરવા એ ઈશારો છે કે આગલું કદમ શું હશે?”

    યુપીમાં નવા મદરેસાઓને ગ્રાન્ટ નહીં મળે: યોગી સરકારનો મોટો નિર્ણય; અખિલેશ યાદવના સમયમાં તિજોરીઓ ખોલી નાંખવામાં આવી હતી

    યુપીમાં નવા મદરેસાઓને હવે ગ્રાન્ટ આપવામાં આવશે નહીં. યોગી સરકારની કેબિનેટમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, યોગી સરકારે આ સંબંધમાં ઠરાવ પસાર કરીને અખિલેશ સરકારની જૂની નીતિઓનો અંત આણ્યો હતો. નવા પ્રસ્તાવ પછી મદરેસાઓને કોર્ટનો દરવાજો ખખડાવીને પણ રાહત નહીં મળી શકે.

    હકીકત એવી છે કે આખા ઉત્તર પ્રદેશમાં કુલ 16461 મદરેસા છે. તેમાંથી 559 મદરેસાઓને હાલમાં સરકારી ગ્રાન્ટ આપવામાં આવી રહી છે. આ મદરેસાના શિક્ષકો, ઉપરાંત નોન-ટીચિંગ સ્ટાફને પણ આ ગ્રાન્ટમાંથીજ પગાર મળે છે, મંગળવારે (17 મે 2022) ના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં, લઘુમતી કલ્યાણ વિભાગે એક ઠરાવ પસાર કર્યો હતો, કે હવેથી કોઈપણ નવા મદરેસાને અનુદાન આપવામાં નહીં આવે. ગયા વર્ષે પણ યોગી સરકાર દ્વારા એકપણ નવા મદરેસાને કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવી ન હતી.

    મળતી માહિતી મુજબ, ભૂતકાળની અખિલેશ સરકાર દ્વારા મદરેસાઓને અનુદાન આપવા માટે વર્ષ 2016માં એક નીતિ લાગુ કરવામાં આવી હતી, જેને વર્તમાન યોગી સરકારે નાબૂદ કરી દીધી છે. આ નીતિ હેઠળ, સપા સરકારે વર્ષ 2003 સુધીમાં માન્યતા પ્રાપ્ત 146 મદરેસાઓને અનુદાન આપવાનું નક્કી કર્યું હતું. જો કે યોગી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન કોઈપણ મદરેસાને આ ગ્રાન્ટ મળી નહોતી. આ પછી, સપા સરકારની નીતિને ટાંકીને, મદરેસાની પ્રબંધક કમિટી હાઈકોર્ટમાં ગઈ હતી અને અને અરજી કરીને ખુલાસો માંગ્યો કે તમામ કાયદાકીય માપદંડોને પુરા કરવા છતાં તેમને ગ્રાન્ટ શામાટે ફાળવવામાં નથી આવતી.

    હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરતા સરકારને મઉ સ્થિત એક મદરેસાના કેસમાં અનુદાન આપવા અંગે વિચારણા કરવા જણાવ્યું હતું. જ્યારે સરકારે આ મદરેસાના ધોરણો તપાસ્યા તો ખબર પડી કે તેને બનાવટી દસ્તાવેજોના આધારે માન્યતા આપવામાં આવી હતી. હવે, અન્ય મદરેસાઓને અનુદાન આપવાની બાબતમાં, સરકાર મઉ કેસમાંથી બોધપાઠ લઈ રહી છે, અને જેઓ દાવો કરી રહ્યા છે કે તેઓ અનુદાન માટેના તમામ માપદંડોને પૂર્ણ કરે છે તે તમામની પહેલા તપાસ કરવામાં આવી રહી છે.

    રાષ્ટ્રગીત ફરજીયાતનો નિર્ણય

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યની મદરેસાઓને લઈને વધુ એક મોટો નિર્ણય લીધો હતો. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા નિર્ણય લેવામાં હતો કે રાજ્યના તમામ સહાયિત અને બિન-સહાયિત મદરેસામાં, વર્ગો પહેલાં રાષ્ટ્રગીતનું પઠન ફરજિયાત રહેશે. મદરેસાના વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો ભાવ વધે તે હેતુથી ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આ નિર્ણય લીધો છે.

    ગુજરાતમાં AAPની પરિવર્તન યાત્રા ફ્લોપ: ગુજરાતીઓનો સપોર્ટ ન મળતા પંજાબથી ગાડીઓ અને માણસો બોલાવવા પડ્યા, વિડીયો વાઇરલ

    ગુજરાતમાં ચૂંટણી પહેલા 182 બેઠકોના મતદાતાઓના સંપર્ક માટે 15 તારીખથી આમ આદમી પાર્ટીએ પરિવર્તન યાત્રાની શરૂઆત કરી હતી. પરિવર્તન યાત્રા દરમિયાન રેલીઓ પણ ખાલીખમ દેખાઈ અને સભાસ્થળો પણ સૂના રહ્યા હતા. રેલીઓમાં મોટા ભાગના વાહનો અને માણસો પંજાબના માલૂમ પડ્યા હતા. લોકોએ સોશિયલ મીડિયામાં વિવિધ વિડીયો શેર કરીને આ પરિવર્તન યાત્રા ફ્લોપ છે એમ જણાવ્યુ હતું.

    ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યની તમામ 182 વિધાનસભામાં મતદાતાઓનો સંપર્ક કરવા પરિવર્તન યાત્રા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 15 તારીખે સોમનાથ મંદિરથી ગોપાલ ઇટલીયાએ પરિવર્તન યાત્રા શરુ કરી દ્વારકાથી ઇસુદાન ગઢવીએ પરિવર્તન યાત્રાનો આરંભ કર્યો હતો. એ ઉપરાંત રાજ્યના અલગ અલગ 6 સ્થાનેથી યાત્રા શરૂ થઈ હતી.

    પરંતુ જોવા જેવુ એ રહ્યું કે આમ આદમી પાર્ટની આ પરિવર્તન યાત્રાઓને ગુજરાતીઓ દ્વારા જોઈએ એવો પ્રતીભાવ મળ્યો નહોતો. આમ આદમી પાર્ટી આ અગાઉથી જ જાણી ગઈ હોય એમ એમણે પહેલાથી જ યાત્રા માટે મોટી સંખ્યામાં પંજાબથી ગાડીઓ અને માણસોને બોલાવી રાખ્યા હતા. યાત્રામાં ક્યાક રેલીમાં માણસો ન જોવા મળ્યા તો ક્યાક સભાસ્થળ સૂમસામ દેખાયું હતું. આમ આદમી પાર્ટીના નેતા તથા પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવી રેલીમાં હાથ બતાવી બતાવીને થાકી ગયા પણ સામે કોઈ હાથ બતાવવાવાળું ભાસ્યું નહોતું.

    AAPની આ પરીવર્તન યાત્રા માત્ર એક ફિયાસ્કો સાબિત થતાં લોકોએ સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટી તથા AAP નેતાઓને અરીસો બતાવવાનું કામ કર્યું હતું. ટ્વિટર પર આ વિષયમાં અઢળક પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.

    AAPની પરિવર્તન યાત્રા પર નેટિઝન્સની પ્રતિક્રિયાઓ

    આમ આદમી પાર્ટીની આ પરિવર્તન યાત્રા ફિયાસ્કો સાબિત થયા બાદ ટ્વિટર આ વિષેની પ્રતિક્રિયાઓથી ઉભરાઇ ગયું હતું. ગુજરાતનાં એક જાણીતા ઇન્વેસ્ટિગેસન જર્નલિસ્ટ વિજય પટેલ (@vijaygajera)એ પોરબંદરની યાત્રાના એક પછી એક ઘણા વિડીયો અને ફોટો શેર કર્યા હતા જેમાં યાત્રામાં બોલાવાયેલ ગુજરાત બહારના વાહનો અને લોકો નજરે પડી રહ્યા હતા તથા સભાસ્થળો ખાલીખમ જોવા મળ્યા હતા. તેમના આ ફોટો એને વિડીયો ટ્વિટર પર ખૂબ વાઇરલ થયા હતા.

    @vijaygajera પરિવર્તન યાત્રાના ફોટો સાથે એક ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘AAP ગુજરાતને ગુજરાતીઓનું સમર્થન નથી મળી રહ્યું તેથી AAPએ પંજાબમાંથી લોકોને તેમની રેલીઓમાં ગોઠવ્યા છે! પંજાબથી AAPના સીએમ ઉમેદવાર માટે મુખ્ય વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.’ અહી તેમણે કથિત રીતે ઇસુદાન ગઢવીને આપના ગુજરાતનાં મુખ્યમંત્રીના ઉમેદવાર પણ કહ્યા હતા. તથા ટ્વિટમાં જોડેલ ફોટાઓમાં પંજાબ પાસિંગવાળી ઘણી ગાડીઓ પણ જોઈ શકાય છે.

    અન્ય એક ટ્વિટર યુઝર @SortedEagle એ ઇસુદાન ગઢવીની પરિવર્તન યાત્રાનો અન્ય એક વિડીયો શેર કરી મજાક ઉડાવતા લખ્યું કે, ‘આ ગુજરાતની AAP રેલી હતી જ્યાં ઉમેદવાર એક ટ્રક પર છે જે રસ્તા પરના ઝાડને હાથ હલાવતા હતા, જ્યારે રસ્તાઓ પર કોઈ ભીડ નથી😂😂😂’. વિડિયોમાં ઇસીદન ગઢવી એમના ટ્રક પરથી સામેની બાજુ હાથ ઊંચો કરીને હલાવતા જોવા મળી રહ્યા છે પરંતુ સામેની બાજુ કોઈ ભીડ કે લોકો જોવા નથી મળી રહ્યા.

    આ જ વિડીયો પર ટિપ્પણી કરતાં અન્ય એક ટ્વિટર યુઝરે @himani411 એ લખ્યું કે, ‘આના કરતા તો વધારે ભીડ અમારે ત્યાં સોસાયટીના ગણેશ વિસર્જનમાં હોય છે.’

    ટ્વિટર યુઝર @iamdixitajoshi એ પણ આ વિડીયો શેર કરતા આમ આદમી પાર્ટી પર મજા લેતા લખ્યું કે, ‘પરિવર્તન યાત્રાની ફૂટેજ છે. સાચું કહેજો કે જનતાનો રિસ્પોન્સ કેટલો છે? આપ નેતા બિચારા હાથ હલાવી-હલાવી થાકી ગયા, પણ જનતાને AAP માં કોઈ રસ નથી. આપ નેતાની બોડીલેંગ્વેજ નોટિસ કરો કે અંદરખાને તે પણ નિરાશ છે,પણ કહે કોને. AAP મોટી-મોટી ફેંકવામાં નંબર વન છે, મરી જશે પણ સત્ય સ્વીકાર નહિ કરે.’

    @vijaygajera એ અન્ય એક વિડીયો શેર કર્યો જેમાં રેલી બાદ ઇસુદાન ગઢવી એક સભા કરવા સભામંડપ તરફ જતાં જોવા મળે છે, પરંતુ ત્યાં તેમને સાંભળવા કોઈ આવ્યું નહોતું. આમ આદમી પાર્ટીના ગણ્યા ગાઠયાં લોકો જ ત્યાં નજરે પડે છે. વિજય પટેલે ટ્વિટમાં લખ્યું કે, ‘ગુજરાતમાં AAPના સમર્થનમાં ભારે ભીડ! એક સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવીનું વિશાળ જનમેદની દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બની શકે ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ!’

    @vijaygajera એ અન્ય એક વિડીયો શેર કર્યો જેમાં રેલીના રૂટમાં વચ્ચે વીજળીના વાયરો આવતા ઇસુદાન ગઢવી પહેલાથી જ સાવચેતીના ભાગરૂપે નીચે બેસી જાય છે. જેના પર ટિપ્પણી કરતાં પટેલ લખે છે કે, ‘ઇસુદાન નેય ખબર છે ગુજરાતમાં 24 કલાક વીજળી હોય છે! Even AAP politicians of Gujarat knows that Gujarat has 24×7 electricity!’

    આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીની એ સભામાં ભાષણ વખતનો એક વિડીયો શેર કરતાં પટેલે લખ્યું કે, ‘આ હાસ્યાસ્પદ છે. AAP ગુજરાતના સીએમ ઉમેદવાર (બિનસત્તાવાર રીતે) દાવો કરી રહ્યા છે કે પંજાબના લોકો પાસે હવે સીએમ જેટલી જ શક્તિ છે! તેઓ કોઈપણ અધિકારીઓને સીધા સસ્પેન્ડ કરી શકે છે! તે ભગવંત માનને જોરદાર ટક્કર આપી રહેલ છે! દેખીતી રીતે આ એક જોક છે.’

    આમ આ સમગ્ર પરિવર્તન યાત્રા આમ આદમી પાર્ટી માટે એક શીખ સાબિત થઈ રહી છે કે હજુ તેમણે ગુજરાતીઓએ એટલા સ્વીકાર્યા નથી. અને આ વાત અંદરખાને આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ પણ જાણે જ છે માટે જ તેઓ દ્વારા પંજાબમાંથી માણસો બોલાવવાની જરૂર પડી છે.

    કોંગ્રેસની આતુરતાનો અંત; છેવટે હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી!

    લગભગ દોઢેક મહિનાની કશ્મકશ બાદ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી દીધી છે. હાર્દિક પટેલે રાજીનામું આપતી એક ટ્વીટ હાલમાં જ કરી છે. હાર્દિક પટેલનું રાજીનામું આવે તેની રાહ કોંગ્રેસ પક્ષમાં કદાચ મોટા ભાગના નેતાઓ જોઈ રહ્યા હતા અને છેવટે હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાં રહ્યા નથી.

    પાટીદાર અનામત આંદોલન દ્વારા ગુજરાતના રાજકારણની લાઇમલાઇટમાં આવેલા હાર્દિક પટેલે હજી 2017ની વિધાનસભાની ચૂંટણી અગાઉ જ તે સમયના કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં અને તેમના હસ્તે જ કોંગ્રેસનું સભ્યપદ સ્વીકાર્યું હતું. ત્યારબાદ કોંગ્રેસે વિધાનસભાચૂંટણીમાં ધાર્યા કરતા ઘણો સારો દેખાવ કર્યો હતો. તેમ છતાં હાર્દિક પટેલની અવગણના ત્યારથી જ શરુ થઇ ગઈ હતી. આ અવગણના ત્યારે ટોચ પર પહોંચી હતી જ્યારે હાર્દિક પટેલે ગત વર્ષે આયોજિત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા તેમનો ભાવ ન પૂછાતો હોવાની તેમજ પ્રચારમાં તેમની મદદ ન લેવાતી હોવાની ફરિયાદ જાહેરમાં કરી હતી.

    2019માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની નેતાગીરી જ્યારે ગુજરાતમાંથી પક્ષને 1 બેઠક જીતાડવામાં પણ નિષ્ફળ ગઈ ત્યારે લાંબાગાળાની રાહ જોયા બાદ કેન્દ્રીય નેતાગીરીએ હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં કોંગ્રેસની વરિષ્ઠ નેતાગીરી તેમની કોઈજ સલાહ ન લેતી હોવાનો આરોપ હાર્દિકે વારંવાર મૂક્યો હતો. તો બીજા પક્ષે ગુજરાત કોંગ્રેસના હાલના પ્રમુખ જગદીશ ઠાકોરે વળતો આરોપ મુકતા કહ્યું હતું કે હાર્દિક તેમને મળતા નથી અને તેમની વાત રજુ કરતા નથી. ગુજરાત કોંગ્રેસના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ હમણાં થોડા જ દિવસ અગાઉ હાર્દિક પટેલને સલાહ આપી હતી કે પક્ષે તેમને ઘણું આપ્યું છે આથી કોંગ્રેસે હાર્દિકને કશું આપ્યું નથી એવી વાત તેમણે કરવી જોઈએ નહીં.

    થોડા જ સમય અગાઉ કરેલી ટ્વીટમાં હાર્દિક પટેલે કહ્યું છે કે, “આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારો દરેક સાથીદાર અને ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે મારા આ નિર્ણય બાદ હું ભવિષ્યમાં ગુજરાત માટે સાચેજ સકારાત્મક રૂપથી કાર્ય કરી શકીશ.

    હાર્દિક પટેલનું રાજીનામું જે ટ્વીટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેમાં હાર્દિક પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલો પત્ર પણ એટેચ કર્યો છે.

    આ ટ્વીટ દ્વારા એ સ્પષ્ટ થાય છે કે હાલપૂરતો હાર્દિક પટેલનો કદાચ અન્ય કોઈ રાજકીય પક્ષમાં જોડાવાનો કોઈજ વિચાર નથી લાગતો, પરંતુ હાર્દિક પટેલને આમ આદમી પાર્ટીએ અગાઉ પોતાના પક્ષમાં જોડાવાનું ખુલ્લું આમંત્રણ આપ્યું હતું તો તેણે પોતે એક ઇન્ટરવ્યુમાં ભાજપના વખાણ પણ કર્યા હતા જે ઘણું સૂચક છે.

    ગુજરાતના નગરોમાં પાણી-પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાનાં કામો માટે કેન્દ્ર સરકારે પાંચ હજાર કરોડ મંજૂર કર્યા

    કેન્દ્ર સરકાર દ્વારા અમૃત 2.0 યોજના હેઠળ ગુજરાત રાજ્યના નગરો-મહાનગરોમાં 412 વિવિધ કામો માટે પ્રથમ તબક્કામાં રૂ. 5128 કરોડની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ મામલે સોમવારે (16 મે 2022) જાણકારી આપવામાં આવી હતી.

    ગુજરાત સરકાર દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, દેશના રાજ્યોમાં નગરો, મહાનગરોમાં 100 ટકા પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજનાની વ્યવસ્થા પૂરી પાડવા કેન્દ્ર દ્વારા શરૂ કરવામાં આવેલી અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત 2.0) મિશન અન્વયે ગુજરાત સરકારે રજૂ કરેલી પ્રથમ તબક્કાના કામો માટેની રૂ. 5128 કરોડની દરખાસ્ત કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયે મંજૂર કરી છે.

    ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) દ્વારા સ્ટેટ વોટર એક્શન પ્લાનના પ્રથમ તબક્કામાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓ, 156 નગરપાલિકાઓ માટે રજૂ કરવામાં આવેલી આ દરખાસ્તમાં પાણી પુરવઠાના 206, ભૂગર્ભ ગટર યોજનાના 70 તથા તળાવ નવિનીકરણના 68 અને બાગ-બગીચાના 68 મળી કુલ 412 કામોનો સમાવેશ થાય છે.

    સરકારે જણાવ્યું કે, સ્ટેટ હાઇપાવર સ્ટીયરીંગ કમિટિમાં રજુ કરવામાં આવેલી આ દરખાસ્ત રાજ્ય સરકારે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયની એપેક્સ કમિટી સમક્ષ તાજેતરમાં રજૂ કરી હતી. એપેક્સ કમિટીએ GUDM ની આ સંપૂર્ણ દરખાસ્તનો સ્વીકાર કરીને પ્રથમ તબક્કાના 412 કામો અમૃત 2.0 હેઠળ આવરી લેવા રૂ. 5128 કરોડની રકમ મંજૂર કરી છે.

    આ સંદર્ભમાં હવે બધા કામોના ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને તથા ટેક્નિકલ એપ્રૂવલ મેળવીને તબક્કાવાર આ કામોનો વિવિધ અમલીકરણ સંસ્થાઓ અમલ કરવામાં આવશે તેમ પણ સરકારે જણાવ્યું હતું.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર-2021માં પાંચ વર્ષ માટે લૉન્ચ કરેલી અમૃત-2.0 યોજના હેઠળ રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં 100 ટકા પાણી પુરવઠા પહોંચાડવાનો તેમજ 31 અમૃત શહેરોમાં 100 ટકા ભૂગર્ભ ગટર યોજનાની વ્યવસ્થા પૂરી પાડવાનો લક્ષ્યાંક ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે.

    ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા આ હેતુસર  15 હજાર કરોડની રકમના કામો સ્ટેટ વોટર એક્શન પ્લાન અન્વયે ૩ તબક્કામાં હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ, પ્રથમ તબક્કાના 5128 કરોડ રૂપિયાના 412 કામોને કેન્દ્ર સરકારે મંજૂરી આપતાં રાજ્યના નગરો-મહાનગરોમાં જળવ્યવસ્થાપનના કામોમાં વેગ આવશે તેમ પણ સરકારે જણાવ્યું હતું.

    તદુપરાંત, સરકારે જણાવ્યું હતું કે, ‘પ્રથમ તબક્કાના 5128 કરોડ રૂપિયાના 412 કામોને કેન્દ્ર સરકારે ત્વરિત મંજૂરી આપતાં રાજ્યના નગરો-મહાનગરોમાં જળવ્યવસ્થાપનના કામોમાં વેગ આવશે અને રાજ્યના નગરો-મહાનગરો કેન્દ્ર અને રાજ્ય સરકારની ડબલ એન્જિનવાળી સરકારની મદદથી જળ આત્મનિર્ભરતા સાકાર કરશે.’ 

    જ્ઞાનવાપી કેસ : શિવલિંગની સુરક્ષા કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, વિવાદિત માળખામાં મુસ્લિમોને નમાઝ પઢવા માટે મંજૂરી

    વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં આવેલા વિવાદિત માળખા ‘જ્ઞાનવાપી’ મામલે ચાલતા વિવાદ વચ્ચે આજે આ મામલે સુપ્રીમ કોર્ટ ખાતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જિલ્લા તંત્રને આદેશ આપતા કહ્યું છે કે જે સ્થળે શિવલિંગ મળ્યું છે તેને સીલ કરવામાં આવે અને પૂરતી સુરક્ષા આપવામાં આવે. પરંતુ તેના કારણે નમાઝમાં ખલેલ પહોંચવી ન જોઈએ તેમ પણ કોર્ટે કહ્યું હતું. આ સાથે કોર્ટે આગામી સુનાવણી માટેની તારીખ 19 મે નક્કી કરી હતી.

    સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું, “આગામી સુનાવણી સુધી અમે વારાણસીના ડીએમને આદેશ આપીએ છીએ કે શિવલિંગ મળી આવ્યું છે તે સ્થાનની સુરક્ષા કરવામાં આવે, પરંતુ મુસ્લિમોને નમાઝ પઢવામાં કોઈ સમસ્યા આવવી ન જોઈએ.”

    બીજી તરફ, જ્ઞાનવાપી વિવાદિત માળખાના સરવે પર રોક લગાવવાનો ઇનકાર કરતા સુપ્રીમ કોર્ટ દ્વારા મંગળવારે (17 મે 2022) કહેવામાં આવ્યું હતું કે, “આ મામલાની સુનાવણી નીચલી કોર્ટમાં ચાલી રહી છે, તેથી જિલ્લા અદાલતના નિર્ણયની રાહ જોવી જરૂરી છે.” સુપ્રીમ કોર્ટે વારાણસીની જિલ્લા અદાલતના  અંજુમન ઇંતેજામિયા મસ્જિદની અરજી પર હિંદુ પક્ષકારો અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ જારી કરીને 19 મે સુધીમાં જવાબ આપવા કહ્યું છે. 

    નોંધવું જોઈએ કે, વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી સમિતિ ‘અંજુમન ઇંતેજામિયા મસ્જિદ’ની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ પીએસ નરસિમ્હાની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. ‘અંજુમન ઇંતેજામિયા મસ્જિદ’ દ્વારા સુપ્રીમ કોર્ટમાં વારાણસી કોર્ટ તરફથી કરાવવામાં આવી રહેલા સરવેના આદેશને પડકારતી અરજી કરવામાં આવી છે. આ જ આદેશ હેઠળ વિવાદિત માળખાના પરિસરની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. 

    મસ્જિદ સમિતિના વકીલ હુજૈફા અહમદીએ કોર્ટને કહ્યું કે, આ પૂજાના અધિકારનો મામલો છે અને તેમાં મા ગૌરી, હનુમાન અને અન્ય દેવતાની પૂજાની માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ જગ્યાનું કેરેક્ટર બદલવાની માંગ છે જે હાલ મસ્જિદ છે. 

    અહમદીએ આગળ પોતાની દલીલમાં કહ્યું કે, “અમારું કહેવું છે કે આ અરજી સ્વીકાર જ ન થવી જોઈતી હતી. બીજો મુદ્દો પોલીસ સંરક્ષણનો છે. આ આદેશ અમને સાંભળ્યા વગર જ કરવામાં આવ્યો હતો. પછી કહેવામાં આવ્યું કે એક ખાસ વ્યક્તિને કોર્ટ કમિશનર બનાવવામાં આવે. નીચલી અદાલતના આ ત્રણ આદેશોને અમે પડકારી રહ્યા છીએ.

    મુસ્લિમ સમિતિના વકીલે કોર્ટને કહ્યું કે, “શનિવાર અને રવિવારે કમિશનર સરવે કરવા માટે ગયા હતા અને તેમને ખબર હતી કે કેસ સુપ્રીમ કોર્ટમાં લંબિત છે અને આ બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. વારાણસી કોર્ટે સોમવારે કમિશનર દ્વારા જણાવવામાં આવ્યા બાદ પરિસરમાં એક સ્થળ સીલ કરવાનો આદેશ આપ્યો કે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરની અંદર એક શિવલિંગ મળી આવ્યું છે. આ કાર્યવાહી રોકવામાં આવે અને યથાસ્થિતિ બનાવી રાખવામાં આવે તેવી અમારી માંગ છે.”

    અહમદીએ નીચલી અદાલત દ્વારા કમિશનરની નિયુક્તિ સહિત તમામ આદેશો પર રોક લગાવવાની માંગ કરી હતી અને યથાસ્થિતિ જાળવી રાખવા માટે આદેશ આપવાની માંગ કરી હતી અને દલીલ કરી હતી કે આ આદેશ ગેરકાયદેસર છે અને સંસદના કાયદાની વિરુદ્ધ છે. જો પરિસરને સીલ કરવામાં આવશે તો સ્થિતિમાં પરિવર્તન આવશે. તેમણે પ્લેસિસ ઓફ એક્ટનો સંદર્ભ આપીને કહ્યું કે, તેના ત્રીજા ખંડમાં યથાસ્થિતિ જાળવી રાખવાની વાત કહેવામાં આવી છે.

    ભારતીય નૌકાદળમાં ઉમેરાયાં બે યુદ્ધજહાજ : INS સુરત અને INS ઉદયગિરિનું રક્ષામંત્રીના હસ્તે લોકાર્પણ, જાણો બંને યુદ્ધજહાજો વિશે  

    સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે (17 મે 2022) મુંબઈના મઝગાંવ ડૉકયાર્ડ ખાતેથી ભારતીય નૌકાદળના બે યુદ્ધજહાજ INS સુરત અને INS ઉદયગિરી લૉન્ચ કર્યા હતા. આઈએનએસ સુરત P15B શ્રેણીનું ગાઇડેડ મિસાઈલ ડેસ્ટ્રોયર છે, જ્યારે આઈએનએસ ઉદયગિરિ P17A કલાસનું સ્ટીલ્થ ફ્રિગેટ છે. આ બંને યુદ્ધ જહાજોની ડિઝાઇન નૌકાદળના DND દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જ્યારે તેમનું બાંધકામ MDL, મુંબઈ ખાતે થયું છે. 

    INS સુરત અને INS ઉદયગિરિ લૉન્ચ કર્યા બાદ સંબોધન કરતા રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, “આ બંને યુદ્ધજહાજો ભારતીય નૌકાદળના શસ્ત્રભંડારની શક્તિઓ વધારશે અને દુનિયાને ભારતની રણનીતિક શક્તિઓ સાથે આત્મનિર્ભરતાની શક્તિઓનો પણ પરિચય કરાવશે.” તેમણે કહ્યું કે INS સુરત અને INS ઉદયગિરિ ભારતની વધતી સ્વદેશી ક્ષમતાના ચમકતા ઉદાહરણો છે. આગામી સમયમાં આપણે ન માત્ર આપણી જરૂરિયાતોને પૂર્ણ કરીશું પરંતુ દુનિયાની જહાજ નિર્માણની જરૂરિયાતોને પણ પૂર્ણ કરીશું તેમ તેમણે ઉમેર્યું હતું. રક્ષામંત્રીએ કહ્યું કે, ભારત જલ્દીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મેક ઈન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ની પરિકલ્પનાને સાકાર કરશે.

    રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, “જો કોઈ દેશ પોતના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવા માંગે તો તેણે પોતાના સૈન્ય કૌશલ્યને મુખ્ય ભૂમિથી દૂરના ક્ષેત્રોમાં પ્રદર્શિત કરવા જોઈએ. જો કોઈ દેશ ક્ષેત્રીય કે વેશ્વિક શક્તિ બનવાની આકાંક્ષા રાખતો હોય તો તેણે એક મજબૂત નૌસૈનિક બળ વિકસિત કરવું જોઈએ. સરકાર આ દિશામાં તમામ સંભવ પ્રયાસો કરી રહી છે. અમે એક મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ ભારત બનાવવા માંગીએ છીએ, જેને એક વૈશ્વિક શક્તિના રૂપમાં માન્યતા પ્રાપ્ત થઇ હોય.

    INS સુરત

    આઈએનએસ સુરત એક ગાઇડેડ મિસાઈલ ડેસ્ટ્રોયર યુદ્ધજહાજ છે અને જેને બ્લૉક નિર્માણ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે, જેમાં બે અલગ-અલગ ક્ષેત્રોમાં નિર્માણ કરીને મુંબઈમાં તૈયાર કરવામાં આવ્યું હતું. ‘સુરત’ પ્રોજેક્ટ 15B વિધ્વસંક સિરીઝનું ચોથું જહાજ છે. આ સિરીઝનું પહેલું જહાજ 2021 માં કમિશન કરવામાં આવ્યું હતું. બીજાં બે જહાજો પણ લૉન્ચ થઇ ચૂક્યા છે અને હાલ પરીક્ષણના તબક્કામાં છે. 

    આઈએનએસ સુરતનું નામ ગુજરાતના મુખ્ય શહેરોમાંના એક અને ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરત પરથી પાડવામાં આવ્યું છે. જ્યારે INS ઉદયગિરિનું નામ આંધ્રપ્રદેશની એક ગિરિમાળાના નામ પરથી પડ્યું છે. 

    INS ઉદયગિરિ

    INS ઉદયગિરિ P17 Frigates ક્લાસનું યુદ્ધજહાજ છે. જેમાં અત્યાધુનિક હથિયારો અને પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ ઉમેરવામાં આવ્યા છે. આ 17A Frigates સિરીઝનું ત્રીજું જહાજ છે. 

    INS ઉદયગિરિ અગાઉ સેવા આપી ચૂકેલા ‘ઉદયગિરી’ જહાજનું એડવાન્સ્ડ વર્ઝન છે. લિએન્ડર ક્લાસ ASW Frigate યુદ્ધ જહાજ ‘ઉદયગિરિ’એ ફેબ્રુઆરી 1976 થી ઓગસ્ટ 2004 સુધી સેવા આપી હતી અને આ દરમિયાન અનેક મોટાં ઑપરેશનોમાં ભાગ લીધો હતો.

    P17A પ્રોગ્રામ હેઠળ કુલ સાત જહાજ નિર્માણાધિન છે. જેમાં ચાર MDL ખાતે અને બાકીના 3 GRSE ખાતે બની રહ્યા છે. આ પ્રોજેક્ટમાં અનેક અત્યાધુનિક ટેક્નોલોજી અને કોન્સ્પેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

    ચોરે મંદિરમાંથી ચોરેલી મૂર્તિઓ પરત કરી, કહ્યું- ઊંઘ નથી આવતી, બિહામણાં સપનાં આવે છે; અગાઉ દાનપેટીમાં કૉન્ડોમ નાંખનાર નવાઝ મૃત્યુ પામ્યો હતો

    ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં ચોરીનો એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. અહીં આવેલા એક પ્રાચીન બાલાજી હારાજના મંદિરમાં ગત 9 મેના રોજ ચોરી થઇ હતી. પરંતુ હવે ચોરી થયેલી અષ્ટ ધાતુની 14 મૂર્તિઓને ચોર રવિવારે એક ચિઠ્ઠી લખીને મહંતના આવાસની બહાર ફરી પાછી મૂકી ગયા હતા.

    એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચોરોએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, “અમને રાત્રે બિહામણાં સપનાં આવે છે, અમે ઊંઘી નથી શકતા. તેથી આ મૂર્તિઓ અમે મહંતના આવાસ બહાર મૂકી રહ્યા છીએ.”

    કર્વી પોલીસ મથકના SHO રાજીવ કુમાર સિંહે સોમવારે (16 મે 2022) જણાવ્યું હતું કે, “નવમી મેની રાત્રે તરોંહા સ્થિત પ્રાચીન બાલાજી મંદિરમાંથી અષ્ટ ધાતુની 16 મૂર્તિઓ ચોરી થઇ ગઈ હતી, જેની કિંમત કરોડો રૂપિયા થાય છે. આ મામલે મહંત રામબાળકે અજ્ઞાત ચોરો વિરુદ્ધ એક FIR દાખલ કરાવી હતી.” પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચોરી કરવામાં આવેલ 16 માંથી 14 મૂર્તિઓ રવિવારે રહસ્યમય સંજોગોમાં મહંત રામબાળકના આવાસની બહારથી મળી આવી હતી.

    બાલાજી મંદિરમાંથી થોડા દિવસો પહેલાં ચોર 16 કિંમતી મૂર્તિઓ ઉઠાવીને લઇ ગયા હતા. જેને લઈને મહંતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગભગ ત્રણસો વર્ષ જૂની અતિપ્રાચીન મૂર્તિઓ ચોરી થઇ છે. જેમાંથી એક મૂર્તિ અષ્ટધાતુની, ત્રણ મૂર્તિઓ તાંબાની, ચાર મૂર્તિઓ પિત્તળની, છ મૂર્તિઓ રાધા-કૃષ્ણ અને છ મૂર્તિઓ શાલિગ્રામની હતી. આ ચાંદીના ઘરેણાં હતાં. આ મામલે પોલીસે ચાર સંદિગ્ધોને પકડ્યા હતા પરંતુ નાટકીય રીતે ચોરોએ મૂર્તિઓ પરત કરી દીધી હતી. આ મામલે પોલીસ આગળ કાયદાકીય કાર્યવાહી કરી રહી છે.

    અગાઉ પણ આવી ઘટનાઓ બની હતી
    ઉલ્લેખનીય છે કે આ પહેલાં 2019માં રામજન્મભૂમિ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવી ઘટના સામે આવી હતી. ભગવાન રામની 140 વર્ષ જૂની અષ્ટધાતુ મૂર્તિને નજરબાગ વિસ્તારના માધુરીકુંજમાંથી ચોર્યા પછી ચોર ચોરેલી મૂર્તિઓ 5મા દિવસે પરત કરી ગયો હતો.

    મૂર્તિ ચોરનાર ચોરે જણાવ્યું હતું કે, જ્યારથી તેણે ચોરી કરી ત્યારથી તેના શરીરમાં એક અજીબ દર્દ થવા લાગ્યું હતું. તેને ગભરાટ સાથે ડરામણા સપના આવી રહ્યા હતા. તે લાંબો સમય સુધી મૂર્તિ પોતાની પાસે રાખી શક્યો નહીં અને માધુરી કુંજ મંદિર જઈને ભગવાન રામની ચોરેલી મૂર્તિઓ મંદિરના પૂજારીને સોંપી દીધી હતી. મૂર્તિ સોંપ્યા બાદ તેમના શરીરની પીડા મટી ગઈ હતી.

    નવાઝે દાનપેટીમાં નાંખ્યું હતું કૉન્ડોમ, દીવાલમાં માથું પછાડીને મૃત્યુ પામ્યો હતો

    2021માં, કર્ણાટકના મેંગલુરુમાં સ્વામી કોરાગજ્જાના મંદિરના દાન પેટીમાંથી કોન્ડોમ મળ્યું હતું. જેના ત્રણ દિવસ પછી અચાનક અન્ય સમુદાયના બે છોકરાઓ મંદિરમાં આવ્યા અને પૂજારીની સામે માફી માટે વિનંતી કરવા લાગ્યા હતા. બંનેએ પૂજારીને કહ્યું કે તેણે પોતાના પાર્ટનર નવાઝ સાથે મળીને થોડા દિવસો પહેલા મંદિરના દાન પેટીમાં કોન્ડોમ નાંખ્યું હતું.

    દાનપેટીમાં કોન્ડોમ નાંખ્યા પછી તેને એક દિવસ લોહીની ઉલટી થઈ અને પછી મળદ્વારમાંથી લોહી નીકળવાનું શરૂ થયું હતું. અંતે તે તેના ઘરની દિવાલો પર માથું મારતા મૃત્યુ પામ્યો હતો. મરતી વખતે તેણે તેમને કહ્યું કે કોરગજ્જા તેમનાથી ગુસ્સે છે. જે બાદ બાકીના બે અબ્દુલ રહીમ અને અબ્દુલ તૌફીકે પણ ડરી જઈને મંદિરે જઈને પૂજારીની માફી માંગી હતી.

    ઔરંગઝેબ તમારા પિતા છે તો… CM સરમાએ ઓવૈસી પર ગર્જના કરી, પૂછ્યું- જેણે અમારી બહેનો અને દીકરીઓ પર બળાત્કાર કર્યો, દેશમાં તેનું નામ કેમ?

    હિમંતા બિસ્વા સરમાએ તાજેતરમાં આસામના મુખ્યમંત્રી તરીકે એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ પ્રસંગે તેમણે ‘ટાઈમ્સ નાઉ’ સાથે વાત કરી હતી. હવે તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આને શેર કરીને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

    ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે જ્ઞાનવાપી મસ્જિદ, કોંગ્રેસ, રાહુલ ગાંધી, યુનિફોર્મ સિવિલ કોડ, સીએએ, એનઆરસી, જીગ્નેશ મેવાણીની ધરપકડ, ઓવૈસી સહિતના અનેક મુદ્દાઓ પર મુક્તપણે વાત કરી. તેમણે કહ્યું કે ચૂંટણીમાં આપેલા વાયદાઓ અમલમાં આવી રહ્યા છે અને છેલ્લું એક વર્ષ સારું રહ્યું છે.

    જ્ઞાનવાપી કેસમાં તેમણે કહ્યું કે રામ મંદિરનો મુદ્દો હતો જે ઉકેલાઈ ગયો છે, અન્ય પડતર મુદ્દાઓ પણ ઉકેલવા જોઈએ. તેમણે કહ્યું કે જ્ઞાનવાપી મંદિર છે કે નહીં તે જાણવું જરૂરી છે અને દરેક હિન્દુને જાણવાનો અધિકાર છે. તેમણે કહ્યું, “સરવે રિપોર્ટ આવ્યા પછી ચર્ચા થવી જોઈએ. એકબીજાની વચ્ચે મામલો ઉકેલવો જરૂરી છે. દેશની જનતાએ ભાજપને બહુમતી આપી છે. કોંગ્રેસનું નામ સાંભળીને હવે લોકો ચિડાઈ જાય છે. કોંગ્રેસે તુષ્ટિકરણની રાજનીતિ કરી છે.

    ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે જે લોકો જમીન સાથે જોડાયેલા છે તેઓ કોંગ્રેસમાં રહેશે નહીં. તેમણે કહ્યું, “2031 સુધી કોંગ્રેસમાં કોઈ નહીં હોય. તેનું અસ્તિત્વ પૂરું થઈ જશે.” આ સાથે જ રાહુલ ગાંધી પર તેમણે કહ્યું કે તેઓ શું કરશે અને શું નહીં કરે, તે કોઈ કહી શકતું નથી. તે સંશોધનનો વિષય છે. “પરંતુ તમે એમ ન કહી શકો કે રાહુલ ગાંધી જે કહે તે કરશે,” તેમણે કહ્યું. કોંગ્રેસની વન ફેમિલી વન ટિકિટ પર તેમણે કહ્યું કે કોંગ્રેસ ચિંતન શિવિર સાથે અમારે શું લેવાદેવા છે. કોંગ્રેસમાં પરિવારવાદ છે. કોંગ્રેસમાં પરિવારવાદનો અંત આવી શકે નહીં.

    યુનિફોર્મ સિવિલ કોડ પર હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે હિંદુ ધર્મમાં પિતાની સંપત્તિ પર દીકરીનો અધિકાર છે, પરંતુ મુસ્લિમ દીકરીને આ અધિકાર નથી. સીએમ શર્માના જણાવ્યા મુજબ, મુસ્લિમોમાં ઘણા લગ્નો થાય છે અને દેશમાં સમાન નાગરિક સંહિતા હોવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે મુસ્લિમ દીકરીઓના ઉત્થાન માટે UCC જરૂરી છે અને તે જલ્દી આવવું જોઈએ. તેનાથી દેશમાં સામાજિક ન્યાય આવશે. એક પુરૂષને એક કરતાં વધુ સ્ત્રી સાથે લગ્ન કરવાનો અધિકાર ન હોવો જોઈએ. જો 36 ટકા મહિલાઓને અધિકારો ન હોય તો તેઓ સામાજિક ન્યાયની વાત ન કરી શકે. સામાજિક ન્યાય દરેક માટે જરૂરી છે. હિન્દુઓની જેમ મુસ્લિમ સમાજમાં પણ જ્ઞાતિઓ છે, તે તરફ ધ્યાન આપવું જોઈએ.

    તેમણે વધુમાં કહ્યું કે NRC, CAAથી તમે મુસ્લિમ વસ્તીના વધારાને રોકી શકતા નથી. આ માટે તમારે શિક્ષણ, આરોગ્ય પર ધ્યાન આપવું પડશે. NRC, CAA ન્યાય માટે છે. આસામમાં મુસ્લિમ દીકરીઓના શિક્ષણ પર કામ કરાયું છે. રમખાણો અંગે તેમણે કહ્યું કે ભાજપ સરકારમાં સાંપ્રદાયિક હિંસા થતી નથી. હિજાબનો મુદ્દો કર્ણાટકની કોલેજ સુધી સીમિત હતો. તે કોલેજ યુનિફોર્મનો મુદ્દો હતો. આ મુદ્દો બિનજરૂરી રીતે ઉઠાવવામાં આવ્યો હતો.

    જિગ્નેશ મેવાણીની ધરપકડ પર તેમણે કહ્યું કે તેમણે ભગવાન અને ગોડસેની સરખામણી કરી, પીએમ મોદી પરના ટ્વિટથી ધરપકડ થઈ નહોતી. હંમેશા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ધરપકડ થતી રહતી હોય છે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે તેઓ હંમેશા કાયદાનું પાલન કરે છે. જીગ્નેશની ધરપકડ કાયદાની પ્રક્રિયા હેઠળ થઈ હતી.

    રાજદ્રોહ કાયદાના રાજકીય ઉપયોગ અંગે સરમાએ કહ્યું હતું કે UAPA રાષ્ટ્રવિરોધીઓ સામે લાદવામાં આવ્યો હતો, રાજકીય દ્વેષથી ઉલ્ફા સામે રાજદ્રોહનો કેસ નથી કરાયો. કાયદાનો દુરુપયોગની વાત ખોટી છે. આસામમાં રાજકીય નેતાઓ સામે કોઈ રાજદ્રોહ થયો ન હતો.

    ભાજપના મુખ્યમંત્રીઓના બદલાવ પર તેમણે કહ્યું કે ભાજપના કોઈપણ કાર્યકરને પદ સાથે જોડવામાં ન આવે. બિપ્લબ દેબ ત્રિપુરા માટે સારું કામ કર્યું છે. આગળનો પ્રશ્ન હતો – ભાજપ લોકોને વાસ્તવિક મુદ્દાથી ગેરમાર્ગે દોરે છે? તેમણે કહ્યું કે મોંઘવારીમાંથી મુક્તિ મેળવવી સરકારની ફરજ છે. PMએ રાજ્યોને તેલના ભાવ ઘટાડવા કહ્યું. મોંઘવારીનો મુદ્દો કાયમી નથી.

    બીજી તરફ, જ્યારે ભાજપે અકબરુદ્દીન ઓવૈસી દ્વારા ઔરંગઝેબની કબર પર ચાદર ચઢાવવાને ઉશ્કેરણીજનક ગણાવ્યું, ત્યારે હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “શું કોઈ ઔરંગઝેબની કબરની પણ મુલાકાત લઈ શકે? આજે તમે ઔરંગઝેબની કબર પર જશો, કાલે તમે કહેશો કે તમે અલ-કાયદાની કબર પર જવા માંગો છો. તમે દેશના સાંસદ પણ છો. દેશને બરબાદ કરનાર ઔરંગઝેબની કબર પર શા માટે જાઓ છો? જો તે તમારા પિતા છે, તો પછી જાઓ. મને વાંધો નહીં આવે, પણ નહીં તો તમે કેમ જાવ છો? તમે તેની પાસેથી શું પ્રેરણા લેશો? શિવાજી મહારાજ પાસેથી પ્રેરણા લો. લાચિત બોડફકન પાસેથી પ્રેરણા લો. ઔરંગઝેબ પાસેથી પ્રેરણા લઈને, શું તમે દેશને ઔરંગઝેબના સમયમાં પાછા લઈ જવા માંગો છો?”

    વધુમાં, રસ્તાઓના નામ બદલવાને યોગ્ય ઠેરવતા, તેમણે કહ્યું કે જેણે તમારું મંદિર તોડ્યું, જેણે તમારી બહેનો અને પુત્રીઓને પકડી લીધા અને તેમના પર અત્યાચાર કર્યો, જેમણે તમને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું, શું તે બધાને દેશમાં નામ આપવું જોઈએ? તેમણે કહ્યું કે આ તમામ મુદ્દાઓ સમાપ્ત થશે પછી નવા ભારતનું નિર્માણ થશે. પેન્ડિંગ મુદ્દાઓ પૂરા થવા જોઈએ. તે પછી હિંદુ-મુસ્લિમ મળીને દેશના નિર્માણ માટે કામ કરવાનું શરૂ કરશે.

    આ વિડીયો વાયરલ થયા બાદ નેટીઝન્સ ખૂબ જ મજા કરી રહ્યા છે અને ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. અહીં નેટિન્સ દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ પર એક નજર છે…

    વાયરલ વીડિયોમાં ટ્વિટરના એન્જીનિયરે કબૂલ્યું : કંપની પર વામપંથીઓનો કબજો, ફક્ત દક્ષિણપંથીઓને કરાય છે સેન્સર 

    માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ ટ્વિટરના એક વરિષ્ઠ એન્જીનિયરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ સ્વીકારે છે કે ટ્વિટર પર કઈ રીતે વામપંથીઓ કબજો જમાવીને બેઠા છે અને કઈ રીતે માત્ર દક્ષિણપંથી અકાઉન્ટ્સ પર સકંજો કસવામાં આવે છે. 

    વાયરલ વિડીયોમાં સિરુ મુરુગેસન નામના એન્જીનિયર પ્રોજેક્ટ વેરિટાસ સાથે કામ કરતા એક પત્રકાર સાથે વાતચીત કરતા અનેક ખુલાસા કરતા જોવા મળે છે. આ વિડીયો પત્રકાર ટિમ પૂલે મંગળવારે (17 મે 2022) ટ્વિટર પર શેર કર્યો હતો. ટ્વિટરના એન્જીનિયરનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

    મુરુગેસન કહે છે, “ટ્વિટર ફ્રી સ્પીચમાં માનતું નથી. જ્યારે ઈલોન ફ્રી સ્પીચમાં માને છે. તેઓ મૂડીવાદી છે અને અમે મૂડીવાદી તરીકે નહીં પણ સમાજવાદી તરીકે કામ કરી રહ્યા હતા.” તેઓ આગળ કહે છે, “વૈચારિક રીતે આવી વાતોનો કોઈ અર્થ નથી, કારણ કે અમે વામપંથને નહીં પરંતુ દક્ષિણપંથને સેન્સર કરી રહ્યા છીએ.” 

    તેમણે આગળ કહ્યું, “રાઈટ વિંગ સાથે ભેદભાવ થાય તે પણ સત્ય છે. પક્ષપાત થાય છે અને તે સાચું જ છે. મને નથી ખબર કે એક મંચ પર બે પક્ષો કઈ રીતે સહઅસ્તિત્વમાં રહી શકે છે.” તેમણે એ પણ જણાવ્યું કે તેમના ડાબેરી સહકર્મચારીઓ ‘મૂડીવાદી’ ઈલોન મસ્ક દ્વારા ટ્વિટર અધિગ્રહણના વિચાર માત્રથી અકળાઈ ગયા હતા. 

    તેમણે કહ્યું કે, “જ્યારથી ટ્વિટર ડીલ થઇ છે ત્યારથી કંપનીમાં ઘણુંબધું બદલાઈ ચૂક્યું છે. હું તો ઠીક છું પરંતુ મારા કેટલાક સાથીઓ સુપર લેફ્ટ જેવા છે. તેમની માનસિક્તા એવી થઇ ગઈ છે કે, જો ખરેખર આવું થશે તો તે દિવસ અહીં મારો અંતિમ દિવસ હશે.“

    તેમણે કામ કરવામાં કઈ રીતે બેદરકારી દાખવવામાં આવે છે તે મામલે પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે સ્વીકાર્યું કે છેલ્લા ત્રણ મહિનામાં તેઓ દર અઠવાડિયે માત્ર 4 કલાક જ ઑફિસ જતા હતા. 

    તેમણે આગળ કહ્યું, “ટ્વિટરમાં એવું લાગે છે કે માનસિક સ્વાસ્થ્ય જ સર્વસ્વ છે. જેમ કે, તમને સારું ન હોય તો તમે થોડા દિવસો માટે રજા લઇ શકો છો. લોકો મહિનાઓની રજા લઇ લે છે અને પછી પરત ફરે છે. આવી રીતે તમે તમારું શ્રેષ્ઠ યોગદાન આપી શકો છો. પરંતુ મૂડીવાદીઓની માનસિકતા એવી હોય છે કે, ‘તમારે નફો મેળવવાના જ પ્રયત્નો કરવા પડશે અથવા તમને બહાર કરી દેવામાં આવશે.’ ઘણા લોકો આવા માહોલમાં કામ કરી શકતા નથી”.

    તદુપરાંત, તેમણે એ પણ જણાવ્યું કે કઈ રીતે ટ્વિટર માટે કામ કર્યા બાદ તેમન રાજકીય વિચારો પર પણ અસર પડી છે. તેમણે કહ્યું, ‘જેવું મેં ટ્વિટર માટે કામ કરવાનું શરૂ કર્યું કે હું ડાબેરી બની ગયો. મને લાગે છે કે ત્યાં આવો જ માહોલ છે અને તમે પણ તેવા જ થઇ જાઓ છો.”

    ઉલ્લેખનીય છે કે ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે 44 બિલિયન ડૉલરના કરાર કરીને ટ્વિટર ખરીદી લીધું હતું તે પહેલાં મસ્કે ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો હતો અને જે બાદ તેઓ કંપનીના સૌથી મોટા શેરધારક બની ગયા હતા. જે બાદ તેમણે કંપનીનો સંપૂર્ણ હિસ્સો ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે ટ્વિટર બોર્ડે સ્વીકારી લીધો હતો.