Friday, April 12, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે મંત્રી-ધારાસભ્યો સાથે એક મંચ પર જોવા મળ્યા હાર્દિક...

  ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે મંત્રી-ધારાસભ્યો સાથે એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ, કહ્યું- પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગળ વધીશું

  ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ તેમજ ગુજરાત સરકારના મંત્રીઓ સાથે જામનગરમાં એક જ મંચ પર જોવા મળ્યા હતા જ્યાં તેમણે ફરીથી પોતાના રાજકીય ભવિષ્યનો સંકેત આપ્યો હતો.

  - Advertisement -

  ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પાર્ટીથી નારાજ હોવાનું ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે. જોકે, કોંગ્રેસ છોડવા અને અન્ય પાર્ટીમાં જોડાવાની અટકળો વચ્ચે હજુ સુધી હાર્દિકે પાર્ટીને અલવિદા કર્યું નથી. પરંતુ તેઓ એક પછી એક સતત સંકેતો આપી રહ્યા છે.

  હાર્દિક પટેલની રાજકીય કારકિર્દીની ચર્ચાઓ વચ્ચે ગઈકાલે તેઓ ભાજપના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ સાથે જોવા મળ્યા હતા. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, સાંસદ રમેશ ધડુક, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ધારાસભ્ય કાંધલ જાડેજા એક મંચ પર જોવા મળતાં અટકળોને બળ મળ્યું છે.

  ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા જામનગરમાં ભાગવત સપ્તાહ અને લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેબિનેટ મંત્રી અને સાંસદ, ધારાસભ્યો સહિતના નેતાઓ તો જોવા મળ્યા જ હતા પરંતુ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ હાજરી આપી હતી. સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં હાર્દિક પટેલ જીતુ વાઘાણી અને જયેશ રાદડિયા જેવા નેતાઓ સાથે હાથ મિલાવતા નજરે પડે છે.

  - Advertisement -

  આ ચર્ચાઓ વચ્ચે હાર્દિકે એક નિવેદન આપતા કહ્યું કે, “ગુજરાતનું હિત થાય તેવું આવનાર દિવસમાં કરીશું. આજે હું ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યો છું. રાજકીય ઓળખાણ કરતા મોટી ઓળખાણ એ છે કે હું ગુજરાતનો છું.” જે બાદ સંકેતો આપતા આંખ મીંચકારીને તેમણે કહ્યું હતું કે, “ઘરની અંદરની નાની-મોટી સમસ્યાઓનું નિરાકરણ આવશે તો આગળ વધીશું અને નહીં આવે તોપણ આગળ વધીશું.” જે બાદ તેમને કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે નારાજગી અને પ્રોફાઈલમાંથી કોંગ્રેસનો ઉલ્લેખ હટાવવા અંગે પણ પૂછવામાં આવ્યું હતું પરંતુ તેમણે સીધો જવાબ આપવાને બદલે વાત ટાળી દીધી હતી.

  જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ભાગવત કથા તાજેતરમાં જ રાજકીય વર્તુળમાં ચર્ચાનું કારણ બની છે. કારણ કે થોડા દિવસો પહેલાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને ખોડલધામ ચેરમેન નરેશ પટેલ પણ એક મંચ પર જોવા મળ્યા હતા. અહીં નોંધનીય બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ રાજકારણમાં ઉતરે તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે. જોકે, તેઓ કઈ પાર્ટીમાં જોડાશે તે હજુ નક્કી નથી. ત્યારે તેઓ ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે એક મંચ પર જોવા મળતા અટકળો શરૂ થઇ હતી.

  ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ જણાઈ રહ્યા છે. જે બાબતે તેઓ એક યા બીજી રીતે સંકેતો પણ આપી ચૂક્યા છે. તેમણે પોતાની ટ્વીટર પ્રોફાઈલ પરથી કોંગ્રેસનો ઉલ્લેખ હટાવી દીધો હતો તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ પણ જીગ્નેશ મેવાણીને આવકારવા માટે આયોજિત કરેલા સંમેલનના પોસ્ટરમાંથી હાર્દિકની તસવીર હટાવી દીધી હતી. આ ઉપરાંત, આજે (06 મે 2022) હાર્દિકે પોતાની ફેસબુક પ્રોફાઈલ પરથી પણ કોંગ્રેસનો ઉલ્લેખ હટાવી દીધો હતો. જેથી અટકળો વધુ તેજ બની છે.

  હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપ કે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે તેવી અટકળો વચ્ચે ગઈકાલે ફરી ભાજપ નેતાઓ સાથે જોવા મળતાં ફરી ચર્ચાઓ શરૂ થઇ છે. તેમજ તેમણે નિવેદન પણ એ જ પ્રકારે આપ્યું હતું. જોકે, ખરેખર હાર્દિક પાર્ટી છોડશે કે ઘીના ઠામમાં ઘી પડશે તે તો આવનાર સમય જ કહેશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં