Friday, April 12, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ હાર્દિકને ક્લીન બોલ્ડ કરશે તે લગભગ નક્કી; કાર્યકારી પ્રમુખના નિવેદન પર...

  કોંગ્રેસ હાર્દિકને ક્લીન બોલ્ડ કરશે તે લગભગ નક્કી; કાર્યકારી પ્રમુખના નિવેદન પર જગદીશ ઠાકોર અને અમિત ચાવડાની તીખી પ્રતિક્રિયા

  હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસના વિવિધ નેતાઓ વિરુદ્ધ નિવેદનો આપતા રહ્યા છે, પરંતુ હવે તેમના આ નિવેદન વિરુદ્ધ હાલના ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ પ્રમુખે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

  - Advertisement -

  ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના ગઈકાલના નિવેદન બાદ તેમને કોંગ્રેસમાંથી દૂર કરવાના પ્રયાસોને બળ મળ્યું છે. હાર્દિક પટેલે ગઈકાલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ હાર્દિકના નિવેદનની તીખી પ્રતિક્રિયા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ આપી હતી.

  ગઈકાલે 45 મિનીટ સુધી ચાલેલી ઉપરોક્ત બેઠક બાદ હાર્દિક પટેલ અને નરેશ પટેલે મિડિયાને સંબોધન કર્યું હતું. આ બેઠકમાં હાર્દિક પટેલ સાથે દિનેશ બાંભણિયા અને પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પણ હાજર રહ્યા હતા. આ મિડિયા સંબોધન દરમ્યાન હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે, “કોંગ્રેસે અમને કશું જ આપ્યું નથી, અમે જ કોંગ્રેસને બધું આપ્યું છે.” આ ઉપરાંત હાર્દિક પટેલે કોંગ્રેસ સાથેની પોતાની નારાજગી પણ સ્વીકારી હતી.

  જો કે, હાર્દિકના આ નિવેદનની તીખી પ્રતિક્રિયા આપતાં જગદીશ ઠાકોરે કહ્યું હતું કે હાર્દિક પ્રદેશના નેતાઓ સાથે વાત નથી કરતા કે પછી સંવાદ નથી કરતા. તેમના આ વલણ પરથી લાગી રહ્યું છે કે હાર્દિક પટેલને કોંગ્રેસમાંથી ટાટા બાય બાય  કહેવાનો કારસો રચાઈ ગયો છે. જગદીશ ઠાકોરની આ પ્રતિક્રિયા પરથી એવું લાગી રહ્યું છે કે હાર્દિક પટેલને બહુ જલ્દીથી કોંગ્રેસ પક્ષમાંથી શિસ્તભંગ બદલ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

  - Advertisement -

  જગદીશ ઠાકોર બાદ એક અન્ય સિનીયર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ હાર્દિકના ઉપરોક્ત નિવેદનની આકરી ટીકા કરી હતી. ચાવડાએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હાર્દિક તેમના સાથી છે અને તેમને પક્ષે કાર્યકારી પ્રમુખ જેવી મહત્ત્વની જવાબદારી પણ સોંપી છે. આ ઇન્ટરવ્યુ દરમ્યાન ચાવડાએ એવો આડકતરો ઈશારો પણ કર્યો હતો કે કોંગ્રેસ માટે વર્ષોથી ખપી જનારા કાર્યકર્તાઓને સ્થાને હાર્દિકને કાર્યકારી પ્રમુખનું પદ સોંપવામાં આવ્યું છે. અત્રે એ નોંધનીય છે કે હાર્દિક પટેલે 2017ની વિધાનસભાની ચૂંટણી અગાઉ જ કોંગ્રેસમાં પ્રવેશ લીધો હતો.

  જો કે પોતાના કોંગ્રેસ પ્રવેશ બાદ હાર્દિક પટેલના સંબંધો ગુજરાત કોંગ્રેસના વિવિધ નેતાઓ સાથે બગડ્યા જ છે. હાર્દિક પટેલે આ બાબતનો પ્રથમ ઈશારો ત્યારે આપ્યો હતો જ્યારે તેમણે એવું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસમાં તેમની હાલત નસબંધી કરેલા વરરાજા જેવી છે. ત્યારબાદ હાર્દિક પટેલ વારંવાર પક્ષને અલ્ટીમેટમ આપી ચુક્યા છે. આ દરમ્યાન એક સમાચાર એવા પણ આવ્યા હતા કે હાર્દિક પટેલને મનાવવા માટે ખુદ રાહુલ ગાંધીએ પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ ગઈકાલના નિવેદન અને તેને મળેલી તીખી પ્રતિક્રિયા બાદ હવે હાર્દિક પટેલ કોંગ્રેસમાં પોતાના છેલ્લા દિવસો ગણી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં