10 ગત જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતા. અહીં તેમણે નવસારીના ચીખલીના ખુડવેલ ખાતે પાંચ લાખ લોકોની સભા સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાનના એક વાક્યને લઈને હવે એક અઠવાડિયા પછી નવો વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસે વડાપ્રધાનના નિવેદનને દારૂ સાથે સરખાવ્યું છે.
ગુજરાત મહિલા કોંગ્રેસના નવાં પ્રમુખ બનેલાં જેનીબેન ઠુંમર પ્રમુખ પદ સંભાળ્યા બાદ નવસારીની મુલાકાતે આવ્યાં હતાં. અહીં તેઓ ભાજપ સરકાર વિરુદ્ધ બોલ્યાં હતાં તો વડાપ્રધાને ખુડવેલની સભામાં કહેલા એક વાક્યને દારૂ સાથે સરખાવી દીધું હતું અને દારૂબંધી પણ વચ્ચે લઇ આવ્યાં હતાં.
મહિલા કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, વડાપ્રધાને સભામાં કહ્યું હતું કે, “આદિવાસી બહેનો દિવસે કમાય છે અને રાત્રે ભાઈઓ મોજમાં હોય છે. મોજમાં હોય તેનો અર્થ શું? વડાપ્રધાન બોલતા હોય તેનું ખાસ મહત્વ હોય છે. તેમનો કહેવાનો સીધો અર્થ એવો થાય કે અહીંના ભાઈઓ દારૂ બહુ પીવે છે.” તેમણે ઉમેર્યું કે દારૂ મળતો હોય તો દારૂબંધીની વાત ક્યાં જાય છે?
ઉલ્લેખનીય છે કે ખુડવેલ ખાતે સભા દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હળવા સ્વરે આદિવાસી ભાઈ-બહેનો અંગે વાત કરતા કહ્યું હતું કે, “આદિવાસી ભાઈ-બહેનો ખૂબ મહેનત કરે છે. અને સાંજે તો ભાઈઓ થોડા મોજમાં પણ હોય છે.” જોકે, વડાપ્રધાને અન્ય કોઈ ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ કોંગ્રેસે તેનું દારૂના અર્થમાં અર્થઘટન કરી નાંખ્યું હતું અને વડાપ્રધાનના વાક્યને લઈને નવો વિવાદ સર્જ્યો હતો.
આ મામલે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહે કોંગ્રેસ મહિલા કોંગ્રેસના પ્રમુખના નિવેદનને બાલિશ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, “મોજમાં રહેવાનો અર્થ આનંદમાં રહેવાનો થાય છે. કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. વડાપ્રધાન લોકોની સુખાકારી માટે સતત કામ કરી રહ્યા છે અને તેના પરિણામ સ્વરૂપ વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળી શક્યો છે. કોંગ્રેસ માત્ર રાજકરણ રમી રહી છે.”
નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ પણ કોંગ્રેસ પર ચૂંટણી સમયે લોકોને ગુમરાહ જોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સાથે કહ્યું કે, પીએમ મોદીએ રાજ્ય અને દેશભરમાં છેવાડાના માણસ સુધી યોજનાઓ પહોંચાડીને લોકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે.
ભૂતકાળમાં પણ કોંગ્રેસ દારૂબંધી હટાવવાની તરફેણમાં નિવેદનો આપી ચૂકી છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ગત ડિસેમ્બરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, “સમય સાથે બદલાવ આવે તો દારૂબંધીમાં પણ બદલાવ આવી શકે છે.” તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાતની મહિલાઓ નિર્ણય કરે તો પ્રતિબંધ હટાવી શકાય છે.”