Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધીની ઇડી સમક્ષ આજની હાજરી અગાઉ કોંગ્રેસ હંગામો કરશે: ઠેરઠેર વિરોધ પ્રદર્શનો...

    રાહુલ ગાંધીની ઇડી સમક્ષ આજની હાજરી અગાઉ કોંગ્રેસ હંગામો કરશે: ઠેરઠેર વિરોધ પ્રદર્શનો દ્વારા બંધારણીય સંસ્થાના કાર્યમાં વિઘ્ન નાખવાનો પ્રયાસ

    નેશનલ હેરલ્ડ ભ્રષ્ટાચાર કેસમાં ઇડી સમક્ષ હાજર થવા અગાઉ રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસ ઠેરઠેર પ્રદર્શન કરીને ઇડી પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી હોવાનું જણાઈ રહ્યું છે.

    - Advertisement -

    ‘નેશનલ હેરાલ્ડ-એસોશિએટ જર્નલ્સ લિમિટેડ’ કેસ સબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઇડી સમક્ષ હાજર થવા જઈ રહ્યા છે. ઇડીએ આ મહિનાની શરૂઆતમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસ મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. જે બાદ રાહુલ ગાંધીને ફરીથી નવી તારીખ આપવામાં આવી હતી. 

    રાહુલ ગાંધી ઇડી સમક્ષ હાજર રહે તે પહેલાં આજે કોંગ્રેસના નવી દિલ્હી સ્થિત કાર્યાલય બહાર પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ રાહુલ ગાંધીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, પરવાનગી વગર પ્રદર્શન કરતા આ કાર્યકરોને પછીથી પોલીસે ડિટેઇન કરી લીધા હતા. ન્યૂઝ એજન્સી દ્વારા શૅર કરવામાં આવેલ વિડીયોમાં કેટલાક કોંગ્રેસી કાર્યકરો ‘રાહુલ ગાંધી ઝિંદાબાદ’ના નારા લગાવતા જોવા મળે છે. 

    બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને સાંસદોએ દિલ્હીના પાર્ટી મુખ્યમથકથી ઇડી હેડ ક્વાર્ટર સુધી વિરોધ માર્ચનું આયોજન કરવાની જાહેરાત કરી છે. જોકે, એક તરફ કોંગ્રેસ પાર્ટી નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી નિર્દોષ હોવાની વાતો કરી રહી છે અને બીજી તરફ રાહુલ ગાંધીની હાજરી પહેલાં રાજધાનીમાં ‘શક્તિ પ્રદર્શન’ના બહાને અવ્યવસ્થા સર્જવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 

    - Advertisement -

    ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ઇડી દ્વારા રાહુલ ગાંધીને પાઠવવામાં આવેલ સમન્સ મામલે ધરણા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.  ગુજરાત કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, સોમવારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે એકત્રિત થઇ ત્યાંથી અમદાવાદ સ્થિત ઇડીની ઓફિસ સુધી કૂચ કરશે અને જ્યાં સુધી દિલ્હીમાં રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવશે ત્યાં સુધી આ કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહેશે.

    બીજી તરફ, પહેલી જૂને ઇડીના સમન્સ મળ્યા બાદ જ 2 જૂને સોનિયા ગાંધીને કોરોના થઇ ગયો હતો! જે બાદ સોનિયા ગાંધીએ પોતાને આઇસોલેટ કરી લીધાં હતાં. જે બાદ તેઓ ઇડી સમક્ષ 8 જૂનની નિયત કરેલી તારીખે હાજર રહી શક્યાં ન હતાં. જે બાદ ઇડીએ હાજર રહેવા માટે નવી તારીખ આપી હતી. 

    ઇડી દ્વારા પૂછપરછ માટે હાજર રહેવા માટે 23 જૂનની નવી તારીખ આપવામાં આવ્યા બાદ સોનિયા ગાંધી વધુ બીમાર પડી ગયાં અને ગઈકાલે (12 જૂન 2022) તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે, તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. હવે સોનિયા ગાંધી 23 જૂને હાજર રહેશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ છે. 

    નેશનલ હેરાલ્ડ કેસ 

    નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીને સીધા આરોપી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ કેસમાં તેમના સાથીદારો ઓસ્કાર ફર્નાન્ડિઝ, મોતીલાલ વોહરા અને સેમ પિત્રોડા પણ આરોપી છે. અખબાર ‘નેશનલ હેરાલ્ડ’ 1939માં જવાહરલાલ નહેરુ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે 1956 માં એસોશિએટ જર્નલ્સ લિમિટેડ નામની એક કંપની બનાવવામાં આવી હતી. 2008 માં આ અખબારના તમામ પ્રકાશન બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે તેની ઉપર 90 કરોડ રૂપિયાનું દેવું હતું.

    વર્ષ 2011 માં કોંગ્રેસ પાર્ટીએ આ દેવું પોતાને માથે લઇ લીધું હતું, એટલે કે પાર્ટીએ 90 કરોડની લોન આપી હતી. જે બાદ પાંચ લાખ રૂપિયાથી યંગ ઇન્ડિયન કંપની બનાવવામાં આવી, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ભાગીદારી 38-38 ટકા છે અને બાકીનો હિસ્સો કોંગ્રેસ નેતા મોતીલાલ વોહરા અને ઓસ્કાર ફર્નાન્ડિઝ પાસે હતો. જે બાદ AJL કંપનીએ 10-10 રૂપિયાના નવ કરોડ શેર કંપની ‘યંગ ઇન્ડિયન’ને આપ્યા હતા અને તેના બદલામાં યંગ ઇન્ડિયને કોંગ્રેસની લૉન ચૂકવવાની હતી. 9 કરોડ શેર સાથે યંગ ઇન્ડિયનને કંપનીના 99 ટકા શૅર મળી ગયા હતા અને જે બાદ કોંગ્રેસ પાર્ટીએ 90 કરોડની લૉન પણ માફ કરી દીધી હતી. આમ યંગ ઇન્ડિયનને સાવ મફતમાં AJL ની માલિકી પ્રાપ્ત થઇ ગઈ હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં