Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગઈકાલે EDએ હાજર રહેવાના સમન્સ પાઠવ્યા, આજે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી કોરોનાથી...

    ગઈકાલે EDએ હાજર રહેવાના સમન્સ પાઠવ્યા, આજે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી કોરોનાથી સંક્રમિત થયાં

    ગઈકાલે ઇડી એ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં હાજર થવાના સમન્સ પાઠવ્યા હતા અને આજે સોનિયા ગાંધી કોરોનાથી સંક્રમિત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

    - Advertisement -

    કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોનાથી સંક્રમિત થયાં છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, સોનિયા ગાંધી ગત દિવસોમાં જે નેતાઓ અને કાર્યકર્તાઓને મળ્યાં હતાં, તેમાંથી ઘણા કોરોનાથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીને ગઈકાલે સાંજે હળવો તાવ આવ્યો હતો, જે બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

    સોનિયા ગાંધી કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળતા તેમના સંપર્કમાં આવેલાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ લખનઉ પરત ફર્યા હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. બીજી તરફ, સોનિયા ગાંધી હાલ આઇસોલેટ થયાં હોવાની માહિતી પણ મળી રહી છે. કોંગ્રેસ પ્રવક્તાએ આશા વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ 8 જૂન પહેલાં સ્વસ્થ થઇ જશે.

    દેશમાં કોરોના રસી લગાવવાનું 2021થી શરૂ થઇ ગયું હતું, અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોનાની રસીના બંને ડોઝ ગત વર્ષે જુન સુધીમાં લઇ પણ લીધા હતા પરંતુ બુસ્ટર ડોઝ અંગે પણ કોઈ વિગતો કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવી નથી.

    - Advertisement -

    એ પણ ઉલ્લેખનીય છે કે હજુ ગઈકાલે જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને બહુચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા. ઇડીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને 8 જૂનના રોજ નેશનલ હેરાલ્ડ કેસ મામલે પૂછપરછ માટે હાજર રહેવા માટે જણાવ્યું હતું. જે બાબતની પુષ્ટિ કોંગ્રેસ કરી ચૂકી છે. જોકે, કોંગ્રેસે ગઈકાલે જણાવ્યું હતું કે સોનિયા ગાંધી પૂછપરછ માટે હાજર રહેશે, જ્યારે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસેથી પરત ફરશે તો જોડાશે નહીંતો વધુ સમય માંગવામાં આવશે. જોકે, તે બાદ આજે કોંગ્રેસ અધ્યક્ષ કોરોના સંક્રમિત થયાં હોવાનું બહાર આવતા હવે તેઓ પૂછપરછમાં સામેલ થશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં