Monday, September 9, 2024
More
    હોમપેજમંતવ્ય'નોકિયા'ના જૂના મોબાઈલની જેમ 'રાહુલ ગાંધી'ને વારંવાર ‘લૉન્ચ’ કરવા છતાં કોંગ્રેસ નિષ્ફળ:...

    ‘નોકિયા’ના જૂના મોબાઈલની જેમ ‘રાહુલ ગાંધી’ને વારંવાર ‘લૉન્ચ’ કરવા છતાં કોંગ્રેસ નિષ્ફળ: નેશનલ હેરાલ્ડ, ઇડીની પૂછપરછ અને કોંગ્રેસીઓનું નાટક

    અગાઉ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 10-10 કલાક તપાસમાં સહયોગ આપ્યો હતો.

    - Advertisement -

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ગાંધી પરિવારના યુવરાજ રાહુલ ગાંધી ફરી ચર્ચામાં છે. ઘણા સમય પછી તેમના ચર્ચામાં આવવાનું કારણ તેમનો વિદેશ પ્રવાસ નથી. બે-ત્રણ દિવસોથી ન્યૂઝ ચેનલો અને છાપાંઓમાં રાહુલ ગાંધી છવાયેલા રહે છે, બાકીની વધેલી જગ્યા તેમના કોંગ્રેસી સાથીદારો ભરી આપે છે! રાહુલ ગાંધી અને કોંગ્રેસી નેતાઓની જ ચર્ચા ચાલ્યા કરે છે.

    વાત એમ છે કે પહેલી જૂને ઇડીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર અને સાંસદ રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસ સબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યાં હતાં. રાહુલ ગાંધી વિદેશ હતા તેથી પછીથી નવી તારીખ આપવામાં આવી. જ્યારે સોનિયા ગાંધીને બીજા જ દિવસે કોરોના થઇ ગયો! (હમણાં વાપીમાં પોતાનો શૉ રદ થઇ ગયા પછી ‘કૉમેડિયન’ વીર દાસને પણ કોરોના થઇ ગયો. હશે, આમ તો આ બંને ઘટનાઓને કોઈ સબંધ નથી.)

    કેન્દ્રીય એજન્સી કોઈ વ્યક્તિને સમન્સ પાઠવે, તે એજન્સી સમક્ષ હાજર થાય, પૂછપરછ થાય અને સાંજ પડ્યે તેને ઘરભેગો કરી દેવામાં આવે. આ તદ્દન સામાન્ય પ્રક્રિયા છે, વર્ષોથી ચાલતી આવે છે. આમાં કંઈ નવું નથી. પણ કોંગ્રેસને આમાં ‘નવું’ શોધી કાઢ્યું છે.

    - Advertisement -

    રાહુલ ગાંધીની ઇડી સમક્ષ હાજરીના બે દિવસ અગાઉથી જ કોંગ્રેસે તૈયારી કરવા માંડી હતી. સાંસદો અને વરિષ્ઠ નેતાઓને માર્ચ માટે બોલાવી લેવામાં આવ્યા હતા. સવારથી જ કોંગ્રેસ કાર્યાલયની બહાર પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થઈને સૂત્રોચ્ચાર કરવા માંડ્યા હતા, જેમની વિરુદ્ધ પછીથી પોલીસે કાર્યવાહી કરવી પડી. વિવિધ રાજ્યોમાં પણ કોંગ્રેસના નેતાઓએ રેલી કાઢીને ‘વિરોધ પ્રદર્શન’ કર્યાં હતાં. એક માહોલ બનાવવાનો પ્રયત્ન થયો હતો અને જે હાલ પણ ચાલુ જ છે.

    રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે પગપાળા ચાલીને ઇડી ઓફિસ જવાની ઘટના હોય કે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોના ઠેરઠેર પ્રદર્શનની ઘટના, કોંગ્રેસે આમાં સહાનુભૂતિ ઉઘરાવવાની તક શોધી કાઢી છે. બાકી વધેલું કામ મીડિયાના એક વર્ગે કરી આપ્યું છે.

    રાહુલ ગાંધી પર આરોપ લાગ્યા છે, દોષી સાબિત થયા નથી. માણસ ઉપર આરોપ લાગે ત્યારે સામાન્ય રીતે તે શું કરે? જો સાચો હોય તો હિંમતભેર જે-તે એજન્સી સામે જઈને ઉભો રહી જાય, તમામ સવાલોનો સામનો કરે અને જે હોય એ બધી વિગતો ખુલ્લી મૂકી દે. પણ અહીં દિલ્હીના રસ્તા જામ કરવામાં આવ્યા, પરવાનગી વગર રેલી કાઢવામાં આવી અને પોલીસે પગલાં લીધાં ત્યારે તેના વિડીયો શૅર કરી-કરીને સહાનુભૂતિ ઉઘરાવવામાં આવી.

    ભલે રાહુલની પાર્ટીના નેતાઓ તેમના પગ ધોઈને પાણી પણ પીતા હોય પણ એ તેમની પાર્ટી સુધી સીમિત છે. બહાર તેઓ એકમાત્ર સાંસદ છે. જેમની ઉપર એક કેસમાં આરોપ લાગ્યા છે, બંધારણીય રીતે એજન્સી તપાસ કરી રહી છે અને તેના ભાગરૂપે જ તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે. છતાં તેમને કાયદાથી ઉપર સાબિત કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. બીજી તરફ, ભૂતકાળમાં એક રાજ્યના મુખ્યમંત્રીને નવ કલાક સુધી સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે તેમની પાર્ટીએ ન તો આવી ધમાલ મચાવી મૂકી હતી કે ન તેમણે સરકાર પર ‘તાનાશાહી’ના આરોપ લગાવ્યા હતા.

    નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગોધરા હિંદુ હત્યાકાંડ બાદ ફાટી નીકળેલાં રમખાણોની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્મિત SITએ તત્કાલીન સીએમ મોદીની નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. મોદી SIT સામે હાજર થયા હતા અને લગભગ સો જેટલા સવાલોના શાંતચિત્તે જવાબો આપ્યા હતા. બહાર આવીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કાયદો અને બંધારણ જ સુપ્રીમ છે અને એક નાગરિક અને ખાસ કરીને મુખ્યમંત્રી તરીકે હું પણ કાયદાથી બંધાયેલો છું અને કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર ન હોય શકે.” નોંધવું જોઈએ કે 2013 માં સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી દીધી હતી, જે બાદ ભાજપ કાર્યકરોએ ઉજવણી કરી હતી.

    કોંગ્રેસ કે પાર્ટીના નેતાઓ ભલે રાહુલ ગાંધીને ફરી એકવાર ‘લૉન્ચ’ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પણ સફળતા મળી રહી નથી. રાહુલ ગાંધીના ખાતામાં સફળતાઓ  ઘટતી જાય છે અને નિષ્ફ્ળતાઓનો આંકડો વધતો જાય છે. પરિપક્વ રાજકારણીના જે ગુણો હોવા જોઈએ તે રાહુલ ગાંધીમાં જૂજ જોવા મળે છે.

    રાહુલ ગાંધીને પાર્ટી ભૂતકાળમાં મોટી જવાબદારીઓ સોંપી ચૂકી છે. 2019 ની લોકસભા ચૂંટણી રાહુલની અધ્યક્ષતામાં લડવામાં આવી હતી. રાફેલ મુદ્દે ભરપૂર હોબાળો મચાવ્યા બાદ અને લોકોને ‘ન્યાય’ જેવી યોજનાઓની લાલચ આપ્યા પછી પણ પાર્ટી સન્માનજનક આંકડો પણ મેળવી શકી ન હતી. તેમની અધ્યક્ષતામાં કે આગેવાની હેઠળ પાર્ટી જેટલી વિધાનસભા ચૂંટણી જીતી છે એથી વધુ હારી છે. 

    હાલ પણ પાર્ટીમાં રાહુલ ગાંધીનું સ્થાન ઊંચું છે. છતાં તેઓ ખાસ કંઈ કમાલ કરી શક્યા નથી. ઉપરથી બેફામ નિવેદનો આપતા જાય છે, અણીના સમયે વિદેશ પ્રવાસે ચાલ્યા જાય છે, ક્યારેક પાર્ટીમાં વ્યસ્ત રહે છે. ક્યારેક એવું લાગે છે કે રાહુલ પોતે પણ પોતાને ગંભીરતાથી લેતા નથી!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં