Saturday, November 16, 2024
More
    Home Blog Page 1078

    બ્રિટનમાં બોરિસ જોહ્ન્સનના રાજીનામા બાદ ભારતીય ‘લિબરલો’માં ખુશીની લહેર: ભારત યાત્રા દરમિયાન જોહ્ન્સનની જેસીબીની સવારીને જવાબદાર ગણાવી

    બ્રિટનમાં રાજકીય સંકટ વચ્ચે ત્યાંના વડાપ્રધાન બોરિસ જોહ્ન્સને ગઈકાલે રાજીનામું આપી દીધું હતું. જેવું બ્રિટિશ પીએમ જોહ્ન્સને રાજીનામું આપ્યું તે બાદ તરત જ ભારતમાં ઇસ્લામવાદીઓ, લિબરલો અને કોંગ્રેસ સમર્થકોએ આ માટે ભારત યાત્રા વખતે તેમની JCB ની સવારીને જવાબદાર ગણાવવાનું શરૂ કરી દીધું હતું. 

    બોરિસ જોહ્ન્સનના રાજીનામા અને જેસીબીની સવારીનો વાસ્તવમાં કોઈ સબંધ નથી. વાત માત્ર એટલી છે કે તેમણે એપ્રિલ 2022 માં ભારત મુલાકાત દરમિયાન વડોદરામાં બ્રિટિશ કંપનીની એક ફેક્ટરીનું ઉદ્ઘાટન કરી જેસીબીની સવારી કરી હતી. જેસીબી એક લોકપ્રિય કંપની છે જે ખોદકામ માટેના ઉપકરણોના નિર્માણ માટે જાણીતી છે. આ જ કંપનીનું એક બુલડોઝર ભારતીય રાજકારણમાં ખૂબ લોકપ્રિય બન્યું છે. 

    ઇસ્લામવાદીઓ અને કોંગ્રેસ સમર્થકો તેમજ પીએમ મોદી અને યુપી સીએમ યોગી આદિત્યનાથના રાજકીય વિરોધીઓને જોહ્ન્સનના આ પગલાને ભાજપ શાસિત રાજ્યો અને ખાસ કરીને ઉત્તર પરદેશમાં ગુનેગારોની ગેરકાયદે સંપત્તિ વિરુદ્ધ કરવામાં આવેલ કાર્યવાહીના સમર્થનના રૂપમાં જોયું હતું. 

    જોકે, જોહ્ન્સનના રાજીનામા પાછળનું મુખ્ય કારણ એ છે કે તેમની જ પાર્ટીના સાંસદો અને મંત્રીઓ તેમના વિરોધી બની ગયા હતા અને બે દિવસમાં 40 જેટલા સાંસદોએ રાજીનામાં આપી દીધાં હતાં. જે બાદ ગઈકાલે જોહ્ન્સને પણ રાજીનામું આપી દીધું હતું. ફેબ્રુઆરીમાં જોહ્ન્સને પાર્ટીના ક્રિસ પિંચરને ડેપ્યુટી ચીફ વ્હીપ નિયુક્ત કર્યા હતા, જેનાથી સાંસદો-મંત્રીઓ નારાજ હતા. 

    જોકે, ભારતના ઇસ્લામવાદીઓ અને કોંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારાઓએ તેમની સરકાર ભંગ થવા પાછળ બ્રિટિશ કંપની જેસીબી પર તેમની સવારીને જવાબદાર ગણાવી હતી અને ટ્વિટર પર હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો હતો. 

    રાહુલ ગાંધીનાં પ્રશંસક અને ‘રાજકીય વિશ્લેષક’ સંજુક્તા બસુએ ટ્વિટ કરીને બોરિસ જોહ્ન્સનનાં રાજીનામાને તેમની ભારત મુલાકાત સાથે જોડી દીધું હતું અને સાથે બ્રિટનનો આભાર પણ માન્યો હતો. 

    બીજી તરફ, નાણાકીય છેતરપિંડીનાં આરોપી અને તથાકથિત પત્રકાર રાના અય્યુબ પણ પોતાના ઉત્સાહને કાબૂમાં રાખી શક્યાં ન હતાં અને તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, “બોરિસ જોહ્ન્સને ભારત આવીને જેસીબીનું સમર્થન કર્યું હતું.”

    યુથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસે બોરિસ જોહન્સનનો જેસીબી સાથેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, આ બુલડોઝરની દુવાઓની અસર છે.

    અન્ય એક સ્વ-ઘોષિત લિબરલ ધર્મનિરપેક્ષ અને કોંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર ટ્વિટર હેન્ડલે પોસ્ટ કરીને કહ્યું કે, જોહ્ન્સને યોગીના જેસીબીને પ્રોત્સાહન આપવાનો ‘મૂર્ખતાપૂર્ણ નિર્ણય’ લીધો હતો અને જેના કારણે તેમણે પદ ગુમાવવું પડ્યું. સાથે તેમણે બોરિસ જોહ્ન્સનની જેસીબી સાથેની તસ્વીર પણ પોસ્ટ કરી હતી.

    સ્વઘોષિત ‘આંદોલનજીવી’ સુમન સેને ટ્વિટ કરીને પીએમ મોદીના રાજીનામાંની વાત કરી નાંખી હતી! તેમણે કહ્યું કે, બુલડોઝર ઇંગ્લેન્ડમાં પણ નહીં ચાલ્યું અને ભારતમાં પણ નહીં ચાલે. જોહ્ન્સને રાજીનામું આપ્યું, હવે મોદી પણ આપશે.”

    iMalik નામના એક યુઝરે જોહ્ન્સનની જેસીબી સાથેની તસ્વીર પોસ્ટ કરીને પીએમ મોદીને ‘અતિવાદી હિંદુ નેતા’ ગણાવીને કહ્યું કે, જોહ્ન્સન તેમની સાથે મળીને ‘ભારતના મુસ્લિમ લઘુમતીઓની મજાક ઉડાવી રહ્યા હતા’ પરંતુ હવે તેમણે રાજીનામું આપવું પડ્યું છે!

    રંજન પ્રતાપ સિંઘ નામના એક યુઝરે લખ્યું કે, જોહ્ન્સન જયારે ભારત આવ્યા હતા ત્યારે જેસીબીની ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું પરંતુ તેઓ ભૂલી ગયા હતા કે તેઓ પણ ‘કર્મ’નો ભોગ બનશે અને હવે એવું જ થયું છે.

    ગુરુવારે બોરિસ જોહ્ન્સને રાજીનામાની ઘોષણા કરી હતી. જોકે, જોહ્ન્સનના રાજીનામાંથી ખુશ થનારા લોકો માટે દુર્ભાગ્યની વાત એ છે કે બોરિસની જગ્યા લેનાર નામોમાં જેમની સૌથી વધુ ચર્ચા છે તે ઋષિ સુનક અને પ્રીતિ પટેલ બંને ભારત વિરોધી કે મોદી વિરોધી પ્રોપેગેન્ડા સમર્થકો નથી. જેથી જેઓ બ્રિટનના રાજકીય ઘટનાક્રમોમાં પીએમ મોદીની હાર શોધી રહ્યા છે, તેઓ નવા બ્રિટિશ પીએમની નિયુક્તિ બાદ નિરાશ જ થશે.

    કન્હૈયાલાલ હત્યા અને અજમેર દરગાહનું કનેક્શન સામે આવ્યું: હત્યારાને મળ્યો હતો ખાદીમ ગૌહર ચિશ્તી, આપ્યું હતું ભડકાઉ ભાષણ

    રાજસ્થાનના ઉદયપુરમાં હિંદુ ટેલર કન્હૈયાલાલની હત્યા મામલે નવો ખુલાસો થયો છે. રિપોર્ટ્સ અનુસાર, કન્હૈયાલાલના હત્યારાઓના તાર અજમેરના એક શખ્સ ગૌહર ચિશ્તી સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ હત્યા પહેલાં અજમેર દરગાહનો ખાદીમ ગૌહર ચિશ્તી હત્યારાઓમાંથી એકને મળ્યો હોવાનું પણ સામે આવ્યું છે. 

    ગૌહરે 17 જૂનના રોજ અજમેર દરગાહની બહાર નૂપુર શર્મા વિરુદ્ધ ‘સર તન સે જુદા’ની નારાબાજી કરાવી હતી. આ ભડકાઉ ભાષણ અને નારાબાજી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહના મુખ્ય દ્વાર પર ઉભા રહીને કરવામાં આવ્યાં હતાં. જે બાદ તે ઉદયપુર ગયો હતો અને કન્હૈયાલાલના હત્યારા રિયાઝ અત્તારીને મળ્યો હતો. નોંધવું જરૂરી છે કે રિયાઝે પણ તે જ દિવસે (17 જૂન 2022) નૂપુર શર્મા અને તેમને સમર્થન કરનારાઓને ધમકી આપતો વિડીયો જારી કર્યો હતો. 

    રિપોર્ટ્સ અનુસાર, ગૌહર ચિશ્તીએ જ રિયાઝને હિંદુ ટેલર કન્હૈયાલાલની હત્યા બાદ વિડીયો બનાવવા માટે કહ્યું હતું. બંને વચ્ચેની મુલાકાતમાં જ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની આશંકા છે. હાલ ગૌહર ચિશ્તી ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. 

    ઝી ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર, ગૌહર ચિશ્તી PFIનો સક્રિય સભ્ય છે. તેની વિરુદ્ધ 25 જૂનના રોજ પોલીસે ભડકાઉ નારાબાજી કરવા બદલ કેસ દાખલ કર્યો હતો. જે બાદ ગૌહર ચિશ્તી ક્યાં છે તેની કોઈને જાણ નથી. બીજી તરફ જાણવા મળ્યું છે કે, ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા બાદ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ અજમેર તરફ રવાના થઇ ગયા હતા. તે બંને અજમેર પહોંચીને ગૌહર ચિશ્તી સાથે મુલાકાત કરવાના હતા, પરંતુ તે પહેલાં જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. 

    ઝી ન્યૂઝે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, રિયાઝ નિયમિત રીતે અજમેર જતો હતો અને જ્યાં તેની અનવર હુસૈન નામના શખ્સ સાથે મુલાકાત થતી હતી. આ અનવર હુસૈન રિયાઝ અને ચિશ્તી વચ્ચે વચેટિયાનું કામ કરતો હતો. હાલ અનવરને રાજસ્થાન એટીએસે પકડી લીધો છે અને તે હિરાસતમાં છે. 

    કન્હૈયાલાલની હત્યા મામલે નવો ખુલાસો કરતા ઇન્ડિયા ટીવીના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગૌહર ચિશ્તી અજમેર દરગાહની અંજુમન સમિતિના અધ્યક્ષ સરવર ચિશ્તીનો ભત્રીજો છે. 17 જૂને તેણે દરગાહના દરવાજાની બહાર ‘સર તન સે જુદા’ના નારા લગાવ્યા હતા. હાજર લોકોને તેણે કહ્યું હતું કે, “જો કોઈ આપણા પયગંબરનું અપમાન કરે તો અમે સહન કરીશું નહીં. ઇશનિંદા માટે એક જ સજા છે. તેણે કહ્યું હતું કે, નૂપુર શર્માએ પયગંબરની શાનમાં ગુસ્તાખી કરી છે અને તેને જીવવાનો કોઈ અધિકાર નથી.

    જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે પર જીવલેણ હુમલા બાદ નિધન: ચાલુ ભાષણ દરમિયાન છાતીમાં ગોળી મરાઈ હતી

    આજે સવારે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે પર ગોળી ચલાવીને હુમલો થયો હતો. ત્યારબાદ તેમને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. થોડા સમય અગાઉ પ્રાપ્ત સમાચાર અનુસાર શિંજો આબેનું સારવાર દરમ્યાન નિધન થયું છે.

    જાપાનના નારા શહેરમાં તેઓ ભાષણ કરી રહ્યા હતા, તે દરમિયાન જ શિંજો આબેને છાતીમાં ગોળી મારવામાં આવી હતી. જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી હતી. 

    શિંજો આંબે પશ્ચિમ જાપાનના નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે જ તેમને ગોળી મારવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, તેમને પાછળથી ગોળી મારવામાં આવી હતી. જોકે, પોલીસે આબેને ગોળી મારનારની ધરપકડ કરી લીધી છે, તેમજ તેની પાસેથી એક બંદૂક પણ મળી આવી છે. હુમલાખોરની ઉંમર 40 વર્ષ આસપાસ હોવાનું કહેવાય છે. જોકે, તેણે શા માટે આ કૃત્યને અંજામ આપ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. 

    બીજી તરફ જાપાન સરકારે પણ પૂર્વ વડાપ્રધાન શિંજો આબે પર હુમલો થયો હોવાની પુષ્ટિ કરી છે. સરકારે કહ્યું છે કે તેમની વર્તમાન સ્થિતિ અંગે વધુ જાણકારી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ જાપાનના વડાપ્રધાન ફૂમિયો કીશીદા પણ પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને રાજધાની ટોક્યો પહોંચી રહ્યા છે.

    સ્થળ પર બે ગોળીઓ ચાલવાનો અવાજ આવ્યો હોવાનું કહેવાય છે. ગોળી ચાલ્યા બાદ નાસભાગ મચી ગઈ હતી અને કેટલાક લોકો શિંજો આબે પાસે પહોંચી ગયા હતા. આ ઘટનાના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે. 

    શિંજો આબેને શોટગનથી ગોળી મારવામાં આવ્યું હોવાની જાણકારી મળી છે.  રોયટર્સના અહેવાલ અનુસાર, ગોળી વાગ્યા બાદ તેમના ગળામાંથી અને છાતીના ભાગેથી લોહી નીકળવાનું શરૂ થઇ ગયું હતું અને તેઓ બેભાન થઇ ગયા હતા. જે બાદ તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ તેમની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. 

    જાપાનમાં રવિવારે ઉપલા ગૃહની ચૂંટણી યોજાનાર છે, જે માટે શિંજો પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. શિંજો આબે જાપાનના સૌથી વધુ સમય સુધી સત્તા પર રહેનારા વડાપ્રધાન છે. વર્ષ 2020 માં તેમણે સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 

    ગુજરાત કોંગ્રેસમાં હવે એક-બે નહીં પરંતુ પુરા સાત વર્કિંગ પ્રેસિડેન્ટ્સ; આ ચૂંટણી જીતવાની કોઈ નવી રણનીતિ છે કે પછી…?

    ગઈકાલે મોડી સાંજે ગુજરાત કોંગ્રેસ તરફથી એક અનોખા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં એક કે બે નહીં પરંતુ પૂરેપૂરા સાત કાર્યકારી પ્રમુખો એટલેકે વર્કિંગ પ્રેસિડેન્ટ્સની નિમણુંક કરી દીધી છે. આ સાત કાર્યકારી પ્રમુખોના નામ છે, લલિત કગથરા, જીગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેર, હિંમતસિંહ પટેલ, કાદિર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલ.

    આ ઉપરાંત શાલે મોહમ્મદ અને ઇન્દ્રજીતસિંહ ગુર્જર (કચ્છ), અશોક ચંદાના (બનાસકાઠા), ઉદયલાલ અંજના (મહેસાણા), નીતિન રાઉત (વલસાડ) જેવા નેતાઓને આ લોકસભા બેઠકો માટે ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે.

    પહેલી નજરે ગુજરાત કોંગ્રેસ હવે આ વર્ષના અંતમાં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારી કરી રહી હોવાનું નજરે પડે છે, પરંતુ શું ખરેખર એવું છે ખરું? આપણે બધાંજ જાણીએ છીએ કે ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા વર્ષોથી એક સાંધો તો તેર તૂટે જેવી પરીથીતી છે. પાટીદાર અનામત આંદોલન દ્વારા હાર્દિક પટેલ ચમક્યા તો એમને પહેલાં કોંગ્રેસમાં લેવામાં આવ્યા અને ગયા વર્ષે એમને અચાનક જ વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવી દેવામાં આવ્યા અને એ પણ આટઆટલા વરિષ્ઠ નેતાઓ ગુજરાત કોંગ્રેસમાં હોવા છતાં.

    જોકે હાર્દિક પટેલને પોતાની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં અવગણના થતી હોવાની લાગણી થઇ અને એમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કરી લીધો છે. કદાચ હાર્દિકના આ નિર્ણયથી વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓને હાશકારો થયો હોય તો નવાઈ નથી કારણકે જે પદ માટે તેઓ લાયક હતા એ પદ પક્ષમાં નવાસવા આવેલા હાર્દિક પટેલને આપી દેવામાં આવ્યું અને હવે હાર્દિક પટેલે જ્યારે પક્ષ છોડી જ દીધો છે તો આપણો વારો હવે આ પદ માટે ચોક્કસ આવશે એવું એમને જરૂર લાગ્યું હશે.

    પરંતુ ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી એનાથી ગુજરાત કોંગ્રેસના એ વરિષ્ઠોને ફરીથી આંચકો જરૂર લાગ્યો હશે કારણકે આ યાદીમાં નવા-જૂનાનું મિશ્રણ તો છે, પણ એમને જે રીતે હાર્દિક પટેલ સાથે તકલીફ હતી એમના નવા હોવાની એ જ તકલીફ એમને જીગ્નેશ મેવાણીના નામ સાથે પણ એ જ તકલીફ થશે. જીગ્નેશ મેવાણી પણ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની સાથેજ લગભગ છ વર્ષ પહેલા ગુજરાતના રાજકીય ફલક પર દેખાયા હતા.

    જીગ્નેશ મેવાણીને બાદમાં કોંગ્રેસે વડગામની બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ટેકો આપ્યો હતો અને એ જીત્યા પણ હતા. પરંતુ બાદમાં તેઓ કોંગ્રેસ સાથે અનઓફિશિયલી જોડાઈ ગયા છે અને ફક્ત એમનું વિધાનસભ્ય પદ ન જાય એટલે એમણે આ જોડાણની અધિકૃત માન્યતા હજી સુધી આપી નથી. પરંતુ એક રીતે જોવા જઈએ તો મેવાણી પણ હાર્દિકની જેમ જ નવા નેતા છે. આ ઉપરાંત જે અન્ય નામો ઉપરોક્ત યાદીમાં જોવા મળે છે એ કોઈને કોઈ રીતે આ પ્રકારની ગુજરાત કોંગ્રેસની અન્ય યાદીઓમાં સ્થાન પામતા જ રહ્યા છે.

    તો શું ગઈકાલની જાહેરાતને ગુજરાત કોંગ્રેસ હવે ચૂંટણીઓની તૈયારીમાં લાગી પડી છે એમ માનવું જોઈએ કે પછી હાર્દિકના બનાવ બાદ બને તેટલા વરિષ્ઠ નેતાઓને પદ આપીને રાજી રાખવાની એક બીજી પ્રવૃત્તિ છે એમ માનવું વધુ યોગ્ય ગણાશે? ગત લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતમ કોંગ્રેસના ધોવાણ બાદ જ્યારે મહિનાઓ સુધી પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકેના પદના પડેલા રાજીનામાંનો કોઈજ નિર્ણય ન લેવાય ત્યારે અચાનક જ એક-બે નહીં પરંતુ સાત-સાત પ્રદેશ અધ્યક્ષની ઘોષણા થાય એ આશ્ચર્ય પમાડે તેવો નિર્ણય છે.

    બીજું, જો હાર્દિક પટેલ એક માત્ર વર્કિંગ પ્રેસિડેન્ટ હોવા છતાં એમને કામ સોંપાતું ન હોવાની કે પછી એમની અવગણના થતી હોવાની ફરિયાદ કરતા હતા તો આ સાત જણને એવા તે કયા કામ સોંપવામાં આવશે જે ગુજરાત કોંગ્રેસને પુરા કરવામાં તકલીફ પડે છે? શું આ સાતેયમાંથી કોઈ એક કે બે એવા નહીં નીકળે જેમની અવગણના થશે? એટલે ફક્ત એ પક્ષ છોડીને ન જાય અથવાતો એમનો જે-તે અસંતોષ છે એ ભભૂકી ન ઉઠે અને ચૂંટણી સમયે નિષ્ક્રિય ન થઇ જાય એની તકેદારી જ ગઈકાલના નિર્ણય થકી રાખવામાં આવી છે?

    છેલ્લા લગભગ ત્રણેક દાયકાથી આપણે જોઈએ છીએ કે કોંગ્રેસ આ જ રીતે ચૂંટણી નજીક આવતાં અત્યંત જરૂરી માળખાકીય જરૂરિયાતો પર લીંપણ કરી દે છે, પણ ચૂંટણી જીતવા માટે કોઈ મજબૂત રણનીતિ નથી બનાવતી અને છેવટે તે વિધાનસભાની ચૂંટણી હારી જાય છે. સાત વર્કિંગ પ્રેસીડન્ટ્સનો નિર્ણય પણ આવું જ કોઈ લીંપણ સાબિત થશે કારણકે આ નિર્ણયમાં આવનારી ચૂંટણી જીતવાની કોઈ ખાસ અને વિચારી લીધેલી રણનીતિ હોય એવું લાગતું નથી.

    જો રાષ્ટ્રીય સ્તરે યુવાનોને કે નવા ચહેરાઓને તક આપવાની કોઈ ઈચ્છા ન હોય તો ગુજરાત ખાતે પણ એમ જ હોય તો એમાં શેની નવાઈ? જીગ્નેશ મેવાણી બેશક નવો અને  યુવા ચહેરો છે પરંતુ એ એક માત્ર એવા આગેવાન છે જ્યારે બાકીના તમામ નામો એના એ જ છે. જ્યારે બીજી તરફ લગભગ બે મહિના અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ખુદ રાજ્યના તમામ જિલ્લાઓની યાત્રાએ નીકળી ચુક્યા છે અને વડાપ્રધાન ખુદ છેલ્લા બે મહિનાથી નહીં નહીં તો દર મહીને બે વખત ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. ભાજપ ઓલરેડી ચૂંટણી મોડમાં આવી ગયું છે ત્યારે કોંગ્રેસ હજી પણ એના માટે યોગ્ય શું છે તેની ગડમથલ અને મથામણમાં બીઝી છે પરંતુ એ ગડમથલ અને મથામણ ગેરમાર્ગે હોવાથી તે ઈચ્છિત પરિણામો આપે એવું અત્યારે તો લાગતું નથી.

    અમદાવાદના વકીલને ધમકી આપનાર પીટી ટીચર શાહનવાઝ સુમરાની ધરપકડ: નૂપુર શર્માના સમર્થન બદલ આપી હતી જાનથી મારી નાંખવાની ધમકી

    નૂપુર શર્માનો ફોટો સ્ટેટ્સમાં મૂકનાર અમદાવાદના વકીલને (Ahmedabad Lawyer) ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેનું નામ શાહનવાઝ મોહમ્મદ હુસૈન સુમરા હોવાનું જાણવા મળ્યું છે અને તે કચ્છના ભુજ ખાતે રહે છે. 

    અમદાવાદના 32 વર્ષીય વકીલ કૃપલ રાવલને ગત મહિને નૂપુર શર્માનો ફોટો સ્ટેટ્સમાં રાખવા બદલ ધમકી મળી હતી. જે બાદ તેમણે આ મામલે પોલીસને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરતા ધમકી આપનાર આરોપી કચ્છનો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ સાબરમતી પોલીસે શાહનવાઝની ધરપકડ કરી લીધી હતી અને તેને પૂછપરછ માટે લઇ જવામાં આવ્યો હતો. 

    એક રિપોર્ટ અનુસાર, ત્રણ વર્ષ પહેલાં શાહનવાઝ અને વકીલ કૃપલ રાવલની મહેસાણામાં એક જુડો સ્પર્ધા દરમિયાન મુલાકાત થઇ હતી. વોટ્સએપ સ્ટેટ્સ મામલે શાહનવાઝે વકીલને ફોન અને મેસેજથી ધમકી આપી હતી. પકડાયેલ આરોપી શાહનવાઝ ભુજની એક શાળામાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને ઘણી કુસ્તી સ્પર્ધાઓમાં ભાગ લઇ ચૂક્યો છે.

    કૃપલ રાવલે ગત 13 જૂનના રોજ સ્ટેટ્સમાં નૂપુર શર્માનો (Nupur Sharma) ફોટો મૂક્યો હતો. જોકે, ત્યારબાદ ત્રણ મિનિટમાં જ તેને હટાવી દેવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તો આ સ્ટેટ્સનો સ્ક્રીનશોટ કટ્ટરપંથી ઇસ્લામીઓ સુધી પહોંચી ગયો હતો. જે બાદ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળવા માંડી હતી.

    એફઆઈઆરમાં લખાવવામાં આવેલ ફરિયાદ અનુસાર, ફરિયાદી વકીલે જણાવ્યું છે કે, તેમના અંગત મુસ્લિમ મિત્રોને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેમના સ્ટેટ્સનો સ્ક્રીનશોટ લઈને લંડન ખાતે રહેતા સફીન ગેના નામના વ્યક્તિએ મુસ્લિમ સમાજના ગ્રુપોમાં ફરતો કર્યો હતો. જેના થોડા જ કલાકો બાદ વકીલને ધમકી મળવાની શરૂ થઇ ગઈ હતી. 

    જોકે, આ મામલો ગત 13 જૂનના રોજ બન્યો હતો. પરંતુ મિત્રોની સલાહને અનુસરીને વકીલે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ તાજેતરની અમરાવતી અને રાજસ્થાનની ઘટના બાદ તેમણે પોલીસનો સંપર્ક કરવાનું વિચાર્યું હતું અને અમદાવાદના સાબરમતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

    પોલીસે ભુજથી વકીલને ધમકી આપનાર શાહનવાઝ સુમરાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી. 

    ઉલ્લેખનીય છે કે નૂપુર શર્માના નિવેદન મામલે વિવાદ થયા બાદ તેમને સમર્થન કરનારાઓ પણ કટ્ટર ઇસ્લામીઓના નિશાને ચડી રહ્યા છે. રાજસ્થાન અને અમરાવતીમાં નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ હત્યા કરી નાંખવામાં આવી તો અનેક કિસ્સાઓમાં નૂપુરને સમર્થન કરનારાઓને પણ ધમકી મળવાનું સામે આવ્યું હતું. ગુજરાતમાંથી પણ આવા બે કિસ્સા બહાર આવ્યા છે. અગાઉ પાદરાના ભાજપ ઉપપ્રમુખ નિલેશસિંહ જાદવને પણ ધમકી મળી હતી.

    મુંબઈ: કન્હૈયાલાલના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ 16 વર્ષીય સગીરાને મળી જાનથી મારી નાંખવાની ધમકી, કેસ દાખલ

    મુંબઈમાં એક 16 વર્ષીય સગીરાને એક ફેસબુક પોસ્ટ માટે ધમકી આપવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. મુંબઈ પોલીસે આ મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ સગીરા મુંબઈના ગોરેગાંવની રહેવાસી છે. તેણે રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી કન્હૈયાલાલ તેલીની હત્યા મામલે ટિપ્પણી કરતી સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. 

    રિપોર્ટ્સ અનુસાર, પોલીસે 16 વર્ષીય સગીરાના પિતાની ફરિયાદના આધારે FIR દાખલ કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, તેમની પુત્રીને એક અજાણ્યા શખ્સનો વોટ વોટ્સએપ કૉલ આવ્યો હતો જેણે તેને કન્હૈયાલાલ તેલીનું સમર્થન કરવા બદલ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપ લગાવવામાં આવ્યો છે કે કૉલ કરનાર વ્યક્તિએ તેને કોલ અને મેસેજ પર અપશબ્દો પણ કહ્યા હતા.

    મુંબઈ પોલીસે મામલાની પુષ્ટિ કરીને જણાવ્યું કે, છોકરીએ તેની ફેસબુક વૉલ પર એક પોસ્ટ કરી હતી, જે બાદ 1 જુલાઈની રાત્રે ત્રણ નંબરો પરથી તેને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. તપાસ કરતા અધિકારીએ જણાવ્યું કે, “અમે આરોપીની શોધખોળ કરી રહ્યા છીએ અને જલ્દીથી જ તેમની ધરપકડ કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ એ પણ જાણવાના પ્રયાસ કરી રહી છે કે કૉલ કરનારે છોકરીનો મોબાઈલ નંબર ક્યાંથી મેળવ્યો હતો.

    આ મામલે વીપી રોડ પોલીસ સ્ટેશને સગીરાના પિતાની ફરિયાદના આધારે આઈપીસીની કલમ 506 (ગુનાહિત ધમકી) અને 509 (સ્ત્રીની લજ્જાનો અનાદર) હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસને આશંકા છે કે આરોપી એક જ છે અને જેણે જુદા-જુદા ત્રણ નંબરો પરથી ફૉન કરીને છોકરીને ધમકી આપી હતી. 

    ઉલ્લેખનીય છે કે ગત 28 જૂનના રોજ રાજસ્થાનના હિંદુ ટેલર કન્હૈયાલાલની બે ઇસ્લામીઓ મોહમ્મદ રિયાઝ અન્સારી અને ગૌસ મોહમ્મદ દ્વારા હત્યા કરી નાંખવામાં આવી હતી. બંને હત્યારાઓ ગ્રાહકો બનીને આવ્યા હતા અને કન્હૈયાલાલ માપ લઇ રહ્યા હતા ત્યારે પાછળથી હુમલો કરી દીધો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, તેમને ગળા અને ખભાના ભાગે 26 વખત ઘા મારવામાં આવ્યા હતા. કન્હૈયાલાલની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેમણે નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. 

    ફિલ્મના પોસ્ટરમાં મા કાળીનું અપમાન કરનાર ફિલ્મમેકરે હવે શિવ-પાર્વતીની મજાક ઉડાવી, વિદેશી મીડિયાને કહ્યું- ભારત નફરતનું મશીન બની ચુક્યું છે

    પોતાની ડોક્યુમેન્ટ્રી ફિલ્મના પોસ્ટરમાં મા કાળીને સિગરેટ પીતાં બતાવ્યા બાદ ફિલ્મનિર્માતા લીના મણિમેકલઈએ એક નવું ટ્વિટ કર્યું છે. જેમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની મજાક ઉડાવી છે. જે તસ્વીર ટ્વિટ કરવામાં આવી છે તેમાં શિવ-પાર્વતીની વેશભૂષામાં માણસોને ધુમ્રપાન કરતા દર્શાવવામાં આવ્યા છે. 

    લીનાએ 2 જુલાઈએ ટ્વિટર પર ફિલ્મ ‘કાલી’નું પોસ્ટર રિલીઝ કર્યું હતું. જેમાં ‘કાલી’ બનેલી અભિનેત્રીને સિગારેટ પીતી બતાવવામાં આવી હતી. આ સાથે એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં LGBTQ ધ્વજ હતો. વિવાદ બાદ નિર્માતા લીનાએ માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો તો બીજી તરફ તેના પ્રદર્શન માટે આગ ખાન મ્યુઝિયમે માફી માંગી લીધી હતી.

    એક તરફ લીના સોશિયલ મીડિયામાં હિંદુઓ અને તેમના આરાધ્યો વિશે સતત ઝેર ફેલાવી રહ્યાં છે, તો બીજી તરફ તેમણે પોતાને અસુરક્ષિત ગણાવીને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભારત વિરોધી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. તેમણે ગાર્ડિયનને ઇન્ટરવ્યૂ આપતા ભારત નફરતની મશીન બની ગયું હોવાનું કહ્યું હતું. 

    અહેવાલમાં જણાવાયું છે કે દક્ષિણ ભારતના તમિલનાડુના મદુરાઈમાં જન્મેલાં લીના મણિમેકલઈનો ઉછેર એક હિંદુ તરીકે થયો હતો. પણ હવે તેઓ નાસ્તિક છે. ‘કાલી’ હિંદુ ધર્મ પ્રત્યે અપમાનજનક હોવાનો તેમણે ઇનકાર કરી દીધો છે. સાથે જ તેમણે સાંસ્કૃતિક અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને ટાંકીને સેન્સરશિપ પર પણ વાંધો ઉઠાવ્યો છે.

    આ રિપોર્ટમાં લીનાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “હું જે રાજ્યમાંથી આવું છું ત્યાં કાલીને મૂર્તિપૂજક દેવી માનવામાં આવે છે. તેઓ બકરીના લોહીમાં રાંધેલું માંસ ખાય છે. શરાબ પીએ છે. બીડી (સિગારેટ) પીએ છે અને જંગલી નૃત્ય કરે છે. આ એ કાલી છે જેને મેં ફિલ્મ માટે અપનાવી છે.”

    લીનાએ દાવો કર્યો કે તેમણે ‘કાલી’નું પોસ્ટર શૅર કર્યા બાદ તેમને, તેમના પરિવારને અને સહકર્મીઓને 2 લાખથી વધુ અકાઉન્ટથી ઓનલાઇન ધમકી મળી હતી. આ માટે તેમણે દક્ષિણપંથી હિંદુ સમૂહોને જવાબદાર ઠેરવીને કહ્યું કે, “મને મારી સંસ્કૃતિ, પરંપરા અને ગ્રંથોને કટ્ટરપંથી તત્વો પાસેથી પરત લેવાનો પૂરેપૂરો અધિકાર છે. આ ટ્રોલ્સનો ધર્મ કે આસ્થા સાથે કોઈ સબંધ નથી.” સાથે તેમણે એમ પણ કહ્યું કે, ભારત સૌથી મોટી લોકશાહીથી હવે નફરતનું મશીન બની ગયું છે. જેથી તેઓ સુરક્ષિત અનુભવી રહ્યાં નથી.

    બીજી તરફ, લીના મણિમેકલઈએ કરેલા તાજેતરના ભગવાન શિવ અને દેવી પાર્વતીની મજાક ઉડાવતા ટ્વિટને લઈને નેટીઝન્સે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, આ કોઈ રચનાત્મક અભિવ્યક્તિ નથી, પરંતુ જાણી જોઈને ઉશ્કેરણીનો મામલો છે. તેમણે કહ્યું કે હિંદુઓને અપશબ્દો કહેવા-ધર્મનિરપેક્ષતા? હિંદુ ધર્મનું અપમાન – શું ઉદારવાદ છે? બીજેપી નેતાએ કહ્યું કે લીનાનું મનોબળ માત્ર એટલા માટે વધી રહ્યું છે કારણ કે તેઓ જાણે છે કે ડાબેરી પક્ષો, કોંગ્રેસ, ટીએમસી તેમને ટેકો આપશે.

    રાજસ્થાન પોલીસની કસ્ટડીમાં હસતો જોવા મળ્યો અજમેર દરગાહનો ખાદીમ, નશામાં હોવાનું કહેવા માટે દોરવણી આપનાર પોલીસ અધિકારીની હકાલપટ્ટી

    નૂપુર શર્માની હત્યા માટે ઉશ્કેરણીજનક નિવેદન આપનાર અજમેર શરીફ દરગાહના ખાદીમ સલમાન ચિશ્તીને બચાવ માટે ટિપ્સ આપનાર અજમેર શરીફ દરગાહના સર્કલ ઓફિસર અને ડીએસપી સંદીપ સારસ્વતને ફરજમુક્ત કરવામાં આવ્યા છે. તેમનો વિડીયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, પોલીસે એમ પણ કહ્યું કે વિડીયોમાં સંભળાતો અવાજ સ્પષ્ટપણે કોનો છે તે કહી શકાય તેમ નથી.

    સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો અજમેર શરીફ દરગાહના ખાદીમ સલમાન ચિશ્તીની ધરપકડ વખતેનો છે. વિડીયોમાં પોલીસ તેને સમજાવે છે અને કહે છે કે, “તું એમ કહેજે કે નશામાં હતો, જેથી બચી જશે.” જોકે, વિડીયો વાયરલ થયા બાદ સંદીપ સરસ્વતે તેને રણનીતિનો ભાગ ગણાવ્યો હતો. બીજી તરફ, પૂર્વ મંત્રી અને ભાજપ નેતા વાસુદેવ દેવનાની સહિત અનેક લોકોએ પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા છે. 

    વધુમાં, રાજસ્થાન પોલીસની કસ્ટડીમાં રહેલા સલમાન ચિશ્તીનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં ચિશ્તીને હસતો અને ‘થમ્બ્સ અપ’નો ઈશારો કરતો જોઈ શકાય છે. તેના વર્તન પરથી લાગે છે કે સલમાન ચિશ્તીને તેની ભૂલનો બિલકુલ અહેસાસ નથી કે તેને સજાનો કોઈ ડર નથી. મીડિયા રિપોર્ટમાં આ વિડીયો બુધવાર (6 જુલાઈ 2022)નો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે તેને જજના નિવાસસ્થાને લઇ જવામાં આવી રહ્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અંગે ભડકાઉ વિડીયો બનાવવા અંતે તેમની હત્યા માટે ઉશ્કેરવાના આરોપસર અજમેર દરગાહના ખાદીમ સલમાન ચિશ્તીને મંગળવારે (5 જુલાઈ 2022) મોડી રાત્રે પકડી લેવામાં આવ્યો હતો. સલમાને વિડીયોમાં નૂપુરનનુ સર કલમ કરનારને પોતાનું ઘર ઇનામમાં આપવાની વાત કહી હતી. ધરપકડ બાદ તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મેજિસ્ટ્રેરે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

    સલમાન ચિશ્તી હિસ્ટ્રીશીટર છે. તેની વિરુદ્ધ 13થી વધુ કેસ દાખલ છે, જેમાં હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર આરોપ પણ સામેલ છે. તેમ છતાં તેના માટે રાજસ્થાન પોલીસ શું કામ તેના પ્રત્યે સહાનુભૂતિ દાખવી રહી છે તે લોકો સમજી શક્યા નથી. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે. અજમેર પોલીસ વારંવાર ભાર આપી રહી હતી કે તે નશામાં હતો. 

    6 જુલાઈના રોજ વાયરલ થયેલા એક વિડીયોમાં અજમેર પોલીસ સલમાન ચિશ્તીને તેના ઘરેથી ધરપકડ કરીને લઈ જતી દેખાય છે. ચિશ્તીને તેના ઘરેથી લઇ જતી વખતે કોઈ કહે છે કે, “વિડીયો બનાવતી વખતે કયો નશો કરી રહ્યો હતો?” વિડીયોમાં સલમાન કહેતો જોવા મળે છે કે તે શરાબ પીતો નથી અને ડ્રગ્સ પણ લેતો નથી. ત્યારે એક પોલીસ અધિકારી કહે છે કે, “કહેજે કે તું નશામાં હતો, જેથી તને બચાવી શકાય.” આ પહેલા એએસપી વિકાસ સાંગવાને પણ એવું જ કહ્યું હતું કે ખાદીમ ભડકાઉ નિવેદન આપતી વખતે નશામાં હતો.

    સત્તા ગઈ, હવે ઠાકરેના હાથમાંથી પાર્ટી પણ જશે? થાણે મહાનગરપાલિકાના 67માંથી 66 કોર્પોરેટરો શિંદે જૂથમાં સામેલ

    ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી મહારાષ્ટ્રની સત્તા તો ગઈ જ છે પરંતુ હવે પાર્ટી પરથી પણ ધીમે-ધીમે તેમની પકડ ઢીલી થઇ રહી છે. પહેલાં એકનાથ શિંદેની આગેવાનીમાં 39 ધારાસભ્યોએ બળવો કરીને ભાજપ સાથે સરકાર બનાવ્યા બાદ હવે થાણે મહાનગરપાલિકાના શિવસેનાના કુલ 67 કોર્પોરેટરોમાંથી 66 કોર્પોરેટરો એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા છે. 

    થાણે મહાનગરપાલિકાના 66 બળવાખોર કોર્પોરેટરો મુખ્યમંત્રી એકનાથ શિંદેને ગઈકાલે રાત્રે તેમના નિવાસસ્થાને મળ્યા હતા. જે બાદ આજે સવારે તેઓ વિધિવત રીતે એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા હતા. એકસાથે 67માંથી 66 કોર્પોરેટરો એકનાથ શિંદે સાથે જોડાઈ જતાં હવે થાણે પાલિકા પરથી પણ ઉદ્ધવ ઠાકરેની સત્તા જતી રહી છે. 

    બૃહન્મુંબઈ મહાનગરપાલિકા બાદ થાણે મહાનગરપાલિકા અગત્યની ગણાય છે. વધુમાં ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં પાલિકા ચૂંટણી પણ યોજાનાર છે, ત્યારે આ ચૂંટણીઓ અગાઉ 66 કોર્પોરેટરો એકસાથે શિંદે જૂથ સાથે જોડાઈ જતાં ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ફટકો પડ્યો છે. 

    ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેના નેતૃત્વમાં 21 જૂનના રોજ શિવસેના ધારાસભ્યોએ બળવો કર્યા બાદ ધીમે-ધીમે ઠાકરે જૂથ નબળું પડતું ગયું હતું અને એકનાથ શિંદેને 39 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. જે બાદ વિપક્ષે રાજ્યપાલને મળીને ફ્લોર ટેસ્ટની માંગ કરી હતી. જોકે, આ ફ્લોર ટેસ્ટના વિરોધમાં ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટમાં ગયું હતું, પરંતુ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. 

    સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર રોક લગાવવાનો ઇનકાર કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટ પહેલાં જ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રચ્યા બાદ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદે અને દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ પદે શપથ લીધા હતા. 

    શપથગ્રહણ બાદ મહારાષ્ટ્ર વિધાનસભામાં યોજાયેલા બે દિવસીય વિશેષ સત્રમાં સ્પીકરની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારની જીત થઇ હતી તો બીજા દિવસે સરકાર વિશ્વાસ મત પણ જીતી ગઈ હતી. આ ઉપરાંત, સ્પીકરે એકનાથ શિંદેને ધારાસભ્ય પક્ષના નેતા તેમજ ભરત ગોગાવાલેને ચીફ વ્હીપ નીમ્યા હતા

    મહારાષ્ટ્રમાં નવી સરકાર બની ગયા પછી હવે શિવસેના પર બંને પક્ષો દાવો માંડી રહ્યા છે. શિંદે જૂથ અને ઠાકરે જૂથ પોતાની પાર્ટી સાચી શિવસેના હોવાનો દાવો કરી રહ્યા છે અને હવે પાર્ટીના નિશાન ‘ધનુષ્ય-બાણ’ અંગે પણ વિખવાદ થઇ શકે છે. બીજી તરફ, શિંદે જૂથના ધારાસભ્ય ગુલાબરાવ પાટીલે જણાવ્યું કે, પાર્ટીના 18માંથી 12 સાંસદો તેમના સંપર્કમાં છે અને અન્ય 20 જેટલા પૂર્વ ધારાસભ્યો પણ તેમની સાથે ટૂંક સમયમાં જોડાશે.

    રાજકીય સંકટ વચ્ચે રાજીનામું આપશે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્ન્સન, પોતાની જ પાર્ટીના મંત્રીઓ-સાંસદો સામે પડ્યા હતા

    બ્રિટનમાં રાજકીય સંકટ વચ્ચે ત્યાંના વડાપ્રધાન બોરિસ જોહ્ન્સન આખરે રાજીનામું આપવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, બોરિસ જોહ્ન્સન રાજીનામું આપવા માટે રાજી થઇ ગયા છે અને આજે તેઓ એક રાષ્ટ્રજોગ સંબોધન પણ કરશે. જેમાં તેઓ રાજીનામું આપી શકે છે. જોકે, તેમ છતાં તેઓ ઓક્ટોબર સુધી પદ પર યથાવત રહેશે. 

    રિપોર્ટ અનુસાર, બોરિસ જોહ્ન્સન આજે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાના પદેથી રાજીનામું આપે તોપણ તેઓ ઓક્ટોબર સુધી વડાપ્રધાન તરીકે રહેશે. ઓક્ટોબરમાં પાર્ટી કોન્ફરન્સમાં નવા વડાપ્રધાનની વરણી કરવામાં આવશે. 

    બ્રિટનમાં અત્યાર સુધીમાં 40થી વધુ મંત્રીઓ અને સાંસદોએ રાજીનામાં આપી દીધાં છે. ઉપરાંત આ નેતાઓએ બોરિસ જોહ્ન્સનને પણ રાજીનામું આપવા માટે દબાણ કર્યું હતું. બુધવારે સાંજ સુધીમાં કેબિનેટના 17 મંત્રીઓ, 12 સંસદીય સચિવો અને વિદેશોમાં નિયુક્ત સરકારના 4 પ્રતિનિધિઓએ રાજીનામાં આપી દીધાં હતાં. રાજીનામાં આપનાર સાંસદો અને મંત્રીઓએ જોહ્ન્સનનાં કામો, લોકડાઉન પાર્ટી અને કેટલાક નેતાઓના સેક્સ સ્કેન્ડલને મુદ્દો બનાવ્યો છે. 

    કેબિનેટમાં બળવો થયા બાદ પણ જોહ્ન્સન પદ છોડવા માટે રાજી ન હતા અને તેમણે દાવો કર્યો હતો કે હજુ પણ તેમને કેબિનેટના મહત્તમ સભ્યોનું સમર્થન છે. જોકે, હવે, યુકે મીડિયા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જોહ્ન્સન કોઈ પણ ક્ષણે રાજીનામું આપી શકે છે. 

    બોરિસ જોહ્ન્સન રાજીનામું આપે તો નવા વડાપ્રધાન તરીકે રેસમાં બ્રિટનના પૂર્વ નાણામંત્રી ઋષિ સુનકનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ફૉરેન કૉમન વેલ્થ એન્ડ ડેવલપમેન્ટ અફેર્સના સેક્રેટરી લિઝ ટ્રસનું નામ પણ ચાલી રહ્યું છે. કોરોના રાહત પેકેજના કારણે સુનક દેશમાં ખાસ્સા લોકપ્રિય બન્યા છે, જેના કારણે તેમનું નામ સૌથી આગળ છે. 

    બોરિસ જોહ્ન્સન વિરુદ્ધ બળવો ક્રિસ પિંચરની નિયુક્તિને લઈને થયો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં જોહન્સને ક્રિસ પિંચરને કન્ઝર્વેટિવ પાર્ટીના ડેપ્યુટી ચીફ વ્હીપ નિયુક્ત કર્યા હતા. 30 જૂને બ્રિટિશ અખબાર ‘ધ સન’માં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પિંચરે લંડનના એક ક્લબમાં બે યુવકો સાથે આપત્તિજનક વ્યવહાર કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

    આ રિપોર્ટ બાદ ક્રિસ પિંચરે રાજીનામું તો આપી દીધું હતું પરંતુ તેમની જ પાર્ટીના સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે જોહન્સનને પિન્ચર પર લાગેલા આરોપોની જાણકારી હોવા છતાં તેમણે તેમને નિયુક્ત કર્યા હતા. જે બાદ 5 જુલાઈએ ઋષિ સુનકે રાજીનામું આપ્યું હતું અને જે બાદ અન્ય સાંસદો, મંત્રીઓએ પણ રાજીનામાં ધરી દીધાં હતાં.