Saturday, April 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટમહારાષ્ટ્ર: મહાવિકાસ આઘાડીને વધુ એક ઝટકો, ભાજપના રાહુલ નાર્વેકર સ્પીકર તરીકે ચૂંટાયા,...

  મહારાષ્ટ્ર: મહાવિકાસ આઘાડીને વધુ એક ઝટકો, ભાજપના રાહુલ નાર્વેકર સ્પીકર તરીકે ચૂંટાયા, 164 મતો મળ્યા

  રાહુલ નાર્વેકર રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના પિતા કાઉન્સિલર રહી ચૂક્યા છે. 2019 ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ ઉમેદવારને 15 હજાર મતોથી હરાવ્યા હતા. 

  - Advertisement -

  મહારાષ્ટ્ર રાજ્યમાં નવી સરકાર બન્યા બાદ આજથી શરૂ થયેલા વિધાનસભાના વિશેષ સત્રની શરૂઆતમાં સ્પીકરની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાહુલ નાર્વેકરની જીત થઇ છે. વિધાનસભામાં ચૂંટણી દરમિયાન રાહુલ નાર્વેકરને કુલ 288 માંથી 164 મતો મળ્યા છે. જ્યારે 107 ધારાસભ્યોએ તેમની વિરુદ્ધ મતદાન કર્યું હતું. જે બાદ તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

  મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકરની ચૂંટણી બેલેટ વોટિંગથી નહીં પરંતુ બીજી રીતે કરવામાં આવી હતી. જેમાં વિધાનસભાના તમામ સભ્યોએ ઉભા થઈને તેમનું નામ અને જે-તે ઉમેદવારને સમર્થન આપવું હોય તેમનું નામ બોલ્યા હતા. મતદાનની કાર્યવાહી ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝીરવાલે કરી હતી. 

  વિધાનસભામાં મતદાન દરમિયાન સમાજવાદી પાર્ટીએ ભાજપ ઉમેદવાર વિરુદ્ધ મતદાન કર્યું ન હતું અને તેમના બંને ધારાસભ્યો મતદાન દરમિયાન બેસી રહ્યા હતા. બીજી તરફ, AIMIM ના બંને ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહ્યા હતા. કાર્યવાહી દરમિયાન રેકોર્ડિંગ માટે 9 કેમેરા લગાવવામાં આવ્યા હતા તેમજ મતદાન સુધી ગૃહના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. 

  - Advertisement -

  રાહુલ નાર્વેકરે 2 જુલાઈના રોજ સ્પીકર પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સામે મહાવિકાસ આઘાડીએ શિવસેના ધારાસભ્ય રાજન સાલ્વીને ઉમેદવારી કરાવી હતી. જોકે, તેમને માત્ર 107 મતો મળ્યા હતા, જ્યારે ભાજપ ઉમેદવારને 164 મતો મળતા તેઓ સ્પીકર પડે ચૂંટાયા હતા. સ્પીકર તરીકે ચૂંટાવા માટે કોઈ પણ ઉમેદવારને 145 મતોની જરૂર હતી. મતદાન પૂર્ણ થયા બાદ ગૃહમાં ભાજપ-શિવસેનાના ધારાસભ્યોએ ‘જય ભવાની, જયશ્રી રામ અને જય શિવાજી’ના નારા લગાવ્યા હતા. 

  અહીં નોંધવું જોઈએ કે ગત ફેબ્રુઆરીમાં કોંગ્રેસ નેતા નાના પાટોલેએ સ્પીકર પદેથી રાજીનામું આપ્યા બાદ આ પદ ખાલી હતું અને ત્યારથી ડેપ્યુટી સ્પીકર એનસીપીના નરહરિ ઝીરવાલ સ્પીકરનું કામકાજ સંભાળતા હતા. 

  રાહુલ નાર્વેકર ચૂંટાયા બાદ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રના જ નહીં પરંતુ આખા દેશમાં સૌથી ઓછી ઉંમરના વિધાનસભા અધ્યક્ષ છે. તેમણે કહ્યું કે, રાહુલ નાર્વેકરનું વિધાનસભા અધ્યક્ષ બનવું એ સન્માન અને સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે, ન્યાય અપાવવો જ સ્પીકરનું કર્તવ્ય છે. ફડણવીસે કહ્યું કે, દરેકનો પોતાનો પક્ષ હોય છે, જેને સાંભળવામાં આવવો જોઈએ અને તેને તક આપવામાં આવવી જોઈએ. મને વિશ્વાસ છે કે રાહુલ નાર્વેકર એમ જ કરશે. 

  રાહુલ નાર્વેકર રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના પિતા કાઉન્સિલર રહી ચૂક્યા છે. 2014 માં રાહુલ નાર્વેકર શિવસેનામાં હતા, તે દરમિયાન તેમણે લોકસભા ચૂંટણી લડવા દાવેદારી કરી હતી, પરંતુ ટિકિટ મળી ન હતી. જે બાદ તેઓ એનસીપીમાં સામેલ થયા હતા. જે બાદ લોકસભા ચૂંટણીમાં હાર થયા બાદ ભાજપમાં સામેલ થયા હતા. 2019 ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ ઉમેદવારને 15 હજાર મતોથી હરાવ્યા હતા. 

  મહારાષ્ટ્ર વિધાનસભાના બે દિવસીય સત્રના પહેલા દિવસે સ્પીકરની ચૂંટણી થયા બાદ આવતીકાલે શિંદે સરકાર ગૃહમાં બહુમત સાબિત કરશે. જે બાદ સત્ર પૂર્ણ કરવામાં આવશે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં