Friday, April 26, 2024
More
    હોમપેજમંતવ્યગુજરાત કોંગ્રેસમાં હવે એક-બે નહીં પરંતુ પુરા સાત વર્કિંગ પ્રેસિડેન્ટ્સ; આ ચૂંટણી...

    ગુજરાત કોંગ્રેસમાં હવે એક-બે નહીં પરંતુ પુરા સાત વર્કિંગ પ્રેસિડેન્ટ્સ; આ ચૂંટણી જીતવાની કોઈ નવી રણનીતિ છે કે પછી…?

    ગુજરાત કોંગ્રેસ દ્વારા સાત નવા વર્કિંગ પ્રેસિડેન્ટ્સ નિમણુંક પામ્યા છે, શું આ નિર્ણય ગુજરાત કોંગ્રેસને બેઠી કરીને ચૂંટણી જીતાડવાની કોઈ રણનીતિનો ભાગ છે કે પછી તેની પાછળ કોઈ બીજા અને જાણીતા કારણો રહેલા છે?

    - Advertisement -

    ગઈકાલે મોડી સાંજે ગુજરાત કોંગ્રેસ તરફથી એક અનોખા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં એક કે બે નહીં પરંતુ પૂરેપૂરા સાત કાર્યકારી પ્રમુખો એટલેકે વર્કિંગ પ્રેસિડેન્ટ્સની નિમણુંક કરી દીધી છે. આ સાત કાર્યકારી પ્રમુખોના નામ છે, લલિત કગથરા, જીગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેર, હિંમતસિંહ પટેલ, કાદિર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલ.

    આ ઉપરાંત શાલે મોહમ્મદ અને ઇન્દ્રજીતસિંહ ગુર્જર (કચ્છ), અશોક ચંદાના (બનાસકાઠા), ઉદયલાલ અંજના (મહેસાણા), નીતિન રાઉત (વલસાડ) જેવા નેતાઓને આ લોકસભા બેઠકો માટે ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે.

    પહેલી નજરે ગુજરાત કોંગ્રેસ હવે આ વર્ષના અંતમાં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારી કરી રહી હોવાનું નજરે પડે છે, પરંતુ શું ખરેખર એવું છે ખરું? આપણે બધાંજ જાણીએ છીએ કે ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા વર્ષોથી એક સાંધો તો તેર તૂટે જેવી પરીથીતી છે. પાટીદાર અનામત આંદોલન દ્વારા હાર્દિક પટેલ ચમક્યા તો એમને પહેલાં કોંગ્રેસમાં લેવામાં આવ્યા અને ગયા વર્ષે એમને અચાનક જ વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવી દેવામાં આવ્યા અને એ પણ આટઆટલા વરિષ્ઠ નેતાઓ ગુજરાત કોંગ્રેસમાં હોવા છતાં.

    - Advertisement -

    જોકે હાર્દિક પટેલને પોતાની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં અવગણના થતી હોવાની લાગણી થઇ અને એમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કરી લીધો છે. કદાચ હાર્દિકના આ નિર્ણયથી વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓને હાશકારો થયો હોય તો નવાઈ નથી કારણકે જે પદ માટે તેઓ લાયક હતા એ પદ પક્ષમાં નવાસવા આવેલા હાર્દિક પટેલને આપી દેવામાં આવ્યું અને હવે હાર્દિક પટેલે જ્યારે પક્ષ છોડી જ દીધો છે તો આપણો વારો હવે આ પદ માટે ચોક્કસ આવશે એવું એમને જરૂર લાગ્યું હશે.

    પરંતુ ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી એનાથી ગુજરાત કોંગ્રેસના એ વરિષ્ઠોને ફરીથી આંચકો જરૂર લાગ્યો હશે કારણકે આ યાદીમાં નવા-જૂનાનું મિશ્રણ તો છે, પણ એમને જે રીતે હાર્દિક પટેલ સાથે તકલીફ હતી એમના નવા હોવાની એ જ તકલીફ એમને જીગ્નેશ મેવાણીના નામ સાથે પણ એ જ તકલીફ થશે. જીગ્નેશ મેવાણી પણ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની સાથેજ લગભગ છ વર્ષ પહેલા ગુજરાતના રાજકીય ફલક પર દેખાયા હતા.

    જીગ્નેશ મેવાણીને બાદમાં કોંગ્રેસે વડગામની બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ટેકો આપ્યો હતો અને એ જીત્યા પણ હતા. પરંતુ બાદમાં તેઓ કોંગ્રેસ સાથે અનઓફિશિયલી જોડાઈ ગયા છે અને ફક્ત એમનું વિધાનસભ્ય પદ ન જાય એટલે એમણે આ જોડાણની અધિકૃત માન્યતા હજી સુધી આપી નથી. પરંતુ એક રીતે જોવા જઈએ તો મેવાણી પણ હાર્દિકની જેમ જ નવા નેતા છે. આ ઉપરાંત જે અન્ય નામો ઉપરોક્ત યાદીમાં જોવા મળે છે એ કોઈને કોઈ રીતે આ પ્રકારની ગુજરાત કોંગ્રેસની અન્ય યાદીઓમાં સ્થાન પામતા જ રહ્યા છે.

    તો શું ગઈકાલની જાહેરાતને ગુજરાત કોંગ્રેસ હવે ચૂંટણીઓની તૈયારીમાં લાગી પડી છે એમ માનવું જોઈએ કે પછી હાર્દિકના બનાવ બાદ બને તેટલા વરિષ્ઠ નેતાઓને પદ આપીને રાજી રાખવાની એક બીજી પ્રવૃત્તિ છે એમ માનવું વધુ યોગ્ય ગણાશે? ગત લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતમ કોંગ્રેસના ધોવાણ બાદ જ્યારે મહિનાઓ સુધી પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકેના પદના પડેલા રાજીનામાંનો કોઈજ નિર્ણય ન લેવાય ત્યારે અચાનક જ એક-બે નહીં પરંતુ સાત-સાત પ્રદેશ અધ્યક્ષની ઘોષણા થાય એ આશ્ચર્ય પમાડે તેવો નિર્ણય છે.

    બીજું, જો હાર્દિક પટેલ એક માત્ર વર્કિંગ પ્રેસિડેન્ટ હોવા છતાં એમને કામ સોંપાતું ન હોવાની કે પછી એમની અવગણના થતી હોવાની ફરિયાદ કરતા હતા તો આ સાત જણને એવા તે કયા કામ સોંપવામાં આવશે જે ગુજરાત કોંગ્રેસને પુરા કરવામાં તકલીફ પડે છે? શું આ સાતેયમાંથી કોઈ એક કે બે એવા નહીં નીકળે જેમની અવગણના થશે? એટલે ફક્ત એ પક્ષ છોડીને ન જાય અથવાતો એમનો જે-તે અસંતોષ છે એ ભભૂકી ન ઉઠે અને ચૂંટણી સમયે નિષ્ક્રિય ન થઇ જાય એની તકેદારી જ ગઈકાલના નિર્ણય થકી રાખવામાં આવી છે?

    છેલ્લા લગભગ ત્રણેક દાયકાથી આપણે જોઈએ છીએ કે કોંગ્રેસ આ જ રીતે ચૂંટણી નજીક આવતાં અત્યંત જરૂરી માળખાકીય જરૂરિયાતો પર લીંપણ કરી દે છે, પણ ચૂંટણી જીતવા માટે કોઈ મજબૂત રણનીતિ નથી બનાવતી અને છેવટે તે વિધાનસભાની ચૂંટણી હારી જાય છે. સાત વર્કિંગ પ્રેસીડન્ટ્સનો નિર્ણય પણ આવું જ કોઈ લીંપણ સાબિત થશે કારણકે આ નિર્ણયમાં આવનારી ચૂંટણી જીતવાની કોઈ ખાસ અને વિચારી લીધેલી રણનીતિ હોય એવું લાગતું નથી.

    જો રાષ્ટ્રીય સ્તરે યુવાનોને કે નવા ચહેરાઓને તક આપવાની કોઈ ઈચ્છા ન હોય તો ગુજરાત ખાતે પણ એમ જ હોય તો એમાં શેની નવાઈ? જીગ્નેશ મેવાણી બેશક નવો અને  યુવા ચહેરો છે પરંતુ એ એક માત્ર એવા આગેવાન છે જ્યારે બાકીના તમામ નામો એના એ જ છે. જ્યારે બીજી તરફ લગભગ બે મહિના અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ખુદ રાજ્યના તમામ જિલ્લાઓની યાત્રાએ નીકળી ચુક્યા છે અને વડાપ્રધાન ખુદ છેલ્લા બે મહિનાથી નહીં નહીં તો દર મહીને બે વખત ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. ભાજપ ઓલરેડી ચૂંટણી મોડમાં આવી ગયું છે ત્યારે કોંગ્રેસ હજી પણ એના માટે યોગ્ય શું છે તેની ગડમથલ અને મથામણમાં બીઝી છે પરંતુ એ ગડમથલ અને મથામણ ગેરમાર્ગે હોવાથી તે ઈચ્છિત પરિણામો આપે એવું અત્યારે તો લાગતું નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં