Wednesday, April 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટરાજકીય સંકટ વચ્ચે રાજીનામું આપશે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્ન્સન, પોતાની જ પાર્ટીના...

  રાજકીય સંકટ વચ્ચે રાજીનામું આપશે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્ન્સન, પોતાની જ પાર્ટીના મંત્રીઓ-સાંસદો સામે પડ્યા હતા

  બોરિસ જોહ્ન્સન આજે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાના પદેથી રાજીનામું આપે તોપણ તેઓ ઓક્ટોબર સુધી વડાપ્રધાન તરીકે રહેશે. ઓક્ટોબરમાં પાર્ટી કોન્ફરન્સમાં નવા વડાપ્રધાનની વરણી કરવામાં આવશે. 

  - Advertisement -

  બ્રિટનમાં રાજકીય સંકટ વચ્ચે ત્યાંના વડાપ્રધાન બોરિસ જોહ્ન્સન આખરે રાજીનામું આપવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, બોરિસ જોહ્ન્સન રાજીનામું આપવા માટે રાજી થઇ ગયા છે અને આજે તેઓ એક રાષ્ટ્રજોગ સંબોધન પણ કરશે. જેમાં તેઓ રાજીનામું આપી શકે છે. જોકે, તેમ છતાં તેઓ ઓક્ટોબર સુધી પદ પર યથાવત રહેશે. 

  રિપોર્ટ અનુસાર, બોરિસ જોહ્ન્સન આજે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાના પદેથી રાજીનામું આપે તોપણ તેઓ ઓક્ટોબર સુધી વડાપ્રધાન તરીકે રહેશે. ઓક્ટોબરમાં પાર્ટી કોન્ફરન્સમાં નવા વડાપ્રધાનની વરણી કરવામાં આવશે. 

  બ્રિટનમાં અત્યાર સુધીમાં 40થી વધુ મંત્રીઓ અને સાંસદોએ રાજીનામાં આપી દીધાં છે. ઉપરાંત આ નેતાઓએ બોરિસ જોહ્ન્સનને પણ રાજીનામું આપવા માટે દબાણ કર્યું હતું. બુધવારે સાંજ સુધીમાં કેબિનેટના 17 મંત્રીઓ, 12 સંસદીય સચિવો અને વિદેશોમાં નિયુક્ત સરકારના 4 પ્રતિનિધિઓએ રાજીનામાં આપી દીધાં હતાં. રાજીનામાં આપનાર સાંસદો અને મંત્રીઓએ જોહ્ન્સનનાં કામો, લોકડાઉન પાર્ટી અને કેટલાક નેતાઓના સેક્સ સ્કેન્ડલને મુદ્દો બનાવ્યો છે. 

  - Advertisement -

  કેબિનેટમાં બળવો થયા બાદ પણ જોહ્ન્સન પદ છોડવા માટે રાજી ન હતા અને તેમણે દાવો કર્યો હતો કે હજુ પણ તેમને કેબિનેટના મહત્તમ સભ્યોનું સમર્થન છે. જોકે, હવે, યુકે મીડિયા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જોહ્ન્સન કોઈ પણ ક્ષણે રાજીનામું આપી શકે છે. 

  બોરિસ જોહ્ન્સન રાજીનામું આપે તો નવા વડાપ્રધાન તરીકે રેસમાં બ્રિટનના પૂર્વ નાણામંત્રી ઋષિ સુનકનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ફૉરેન કૉમન વેલ્થ એન્ડ ડેવલપમેન્ટ અફેર્સના સેક્રેટરી લિઝ ટ્રસનું નામ પણ ચાલી રહ્યું છે. કોરોના રાહત પેકેજના કારણે સુનક દેશમાં ખાસ્સા લોકપ્રિય બન્યા છે, જેના કારણે તેમનું નામ સૌથી આગળ છે. 

  બોરિસ જોહ્ન્સન વિરુદ્ધ બળવો ક્રિસ પિંચરની નિયુક્તિને લઈને થયો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં જોહન્સને ક્રિસ પિંચરને કન્ઝર્વેટિવ પાર્ટીના ડેપ્યુટી ચીફ વ્હીપ નિયુક્ત કર્યા હતા. 30 જૂને બ્રિટિશ અખબાર ‘ધ સન’માં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પિંચરે લંડનના એક ક્લબમાં બે યુવકો સાથે આપત્તિજનક વ્યવહાર કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

  આ રિપોર્ટ બાદ ક્રિસ પિંચરે રાજીનામું તો આપી દીધું હતું પરંતુ તેમની જ પાર્ટીના સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે જોહન્સનને પિન્ચર પર લાગેલા આરોપોની જાણકારી હોવા છતાં તેમણે તેમને નિયુક્ત કર્યા હતા. જે બાદ 5 જુલાઈએ ઋષિ સુનકે રાજીનામું આપ્યું હતું અને જે બાદ અન્ય સાંસદો, મંત્રીઓએ પણ રાજીનામાં ધરી દીધાં હતાં.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં